ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/હરિશ્ચંદ્ર ભગવતીશંકર ભટ્ટ
તેઓ મૂળ સુરત જિલ્લાના ઓરપાડ ગામના મોતાળા બ્રાહ્મણ. એમનો જન્મ ઇ.સ.૧૯૦૬ના ડિસેમ્બરની છઠ્ઠી તારીએ અમદાવાદમાં થયો, અને બાળપણથી આજ લગીનું સમસ્ત જીવન મુંબઈમાં વીત્યું છે. એમના પિતાનું નામ ભગવતીશંકર ભવાનીશંકર ભટ્ટ અને માતાનું નામ ધીરજબહેન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઇમાં લઇ મૅટ્રિક થયા બાદ ઉચ્ચ અભ્યાસ માટે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં જવાની તૈયારી પિતાના અવસાનને લીધે પડતી મૂકી નોકરી તેવી પડેલી, છતાં અભ્યાસના અનુરાગને લીધે એ નોકરી સાથે એક વર્ષ સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કરેલો. ઉપરાંત હાઇસ્કૂલના શિક્ષણ દરમ્યાન સાથે સાથે જૂની ઢબ પ્રમાણે સંસ્કૃત અને વેદાધ્યયન શીખવાનો પણ પ્રયત્ન કરેલો. કુટુંબપોષણને માટે નોકરી અર્થે અભ્યાસ છોડી દીધેલો હોવા છતાં વાચનનો નાદ એમનો એટલો તીવ્ર છે કે કાવ્ય, રાજકારણ, સંસ્કૃતિ, ઇતિહાસ, કલાવિવેચન વગેરેનાં યુરોપી સાહિત્યનાં ઘણાંખરાં પુસ્તકોથી તેઓ પરિચિત છે અને તેની અદ્યતન માહિતી તેમની પાસેથી મળી શકે. તેમાં પણ સ્લાવ સાહિત્ય અને સંસ્કૃતિ (મુખ્યત્વે પોલાંક વિષે)નો એમનો અભ્યાસ એટલો બહોળો છે કે પોલાંડ વિષે પોતે વાંચેલાં પુસ્તકોની યાદી મુંબઈમાંના પોલાંડના એલચીને મોકલીને વિશેષ પુસ્તકોનાં નામ મેળવવા માટે એમને મળવા ગયા ત્યારે એ એલચીએ કહેલું કે પોલાંડ વિષે મારા કરતાં પણ તમે વધારે પુસ્તકો વાંચ્યા છે! આ ઉપરાંત તે કલાના અભ્યાસી ને રસિક ભોક્તા છે અને રૂપસુંદર ગ્રંથવિધાનમાં એમને દૃષ્ટિ છે, પણ એમનો પ્રિય વિષય સંસ્કૃત અને અંગ્રેજી કાવ્યો છે. ઇ.સ.૧૯૧૯માં ઓરપાડમાં શ્રી. હરવિલાસબેન ગાંડાભાઈ ભટ્ટ જોડે એમનું લગ્ન થયું. એમને એક પુત્ર અને બે પુત્રીઓ છે. એમનાં પુસ્તકોની સાલવાર યાદી: “જોસેફ પિલ્સુદ્સ્કી” (પોલાંડનો તારણહાર) ૧૯૩૭ “સફરનું સખ્ય" (કાવ્યો) ૧૯૪૦ “કેસૂડો અને સોનેરુ તથા को जाग्रि ?” (કાવ્ય) ૧૯૪૧
***