ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/હાજીમહમ્મદ અલારખિયા શિવજી

હાજીમહમ્મદ અલારખિયા શિવજી

ગુજરાતી સાહિત્યમાં સચિત્ર પત્રકારત્વનો નવો યુગ શરુ કરનાર અને ઊંચી કલાદૃષ્ટિથી વિવિધ રસવૃત્તિઓનું પોષક સાહિત્ય આપવાની પહેલ કરનાર, ‘વીસમી સદી' માસિકના તંત્રી હાજીમહમ્મદ અલારખિયા શિવજીનો જન્મ ઈ.સ.૧૮૭૭ના જાન્યુઆરીની ૧૩મી તારીખે મુંબઈમાં એક ગર્ભશ્રીમંત કુટુંબમાં થયો હતો. જ્ઞાતિએ તેઓ ઈસ્નાઅશરી ખોજા (મુસ્લિમ) હતા. એમના પિતાનું નામ અલારખિયા શિવજી, અને માતાનું નામ રહેમતબાઈ. એમના વડવાઓ મૂળ કચ્છ-ભૂજના વતની, જ્યાંથી એમના પ્રપિતામહ માણેક મુસાણી વેપાર અર્થે મુંબઈ આવેલા. ત્યાં તેમનો સારો ઉત્કર્ષ થયો અને તેમના પુત્ર શિવજી માણેક તથા પૌત્ર અલારખિયા શિવજીએ પણ વડવાના ધંધાને જેબ આપી સારી લક્ષ્મી પ્રાપ્ત કરી. હાજીમહમ્મદને પિતાના વેપાર સાથે એમનો સાહિત્યપ્રેમ પણ વારસામાં મળ્યો હતો. નાનપણમાં જોકે એ અભ્યાસ તો મૅટ્રિક્યુલેશન સુધી જ કરી શક્યા હતા, પરંતુ જ્ઞાનની જિજ્ઞાસા અને સ્વાધ્યાય તથા સતત સાહિત્યસંપર્કથી તેઓ ફારસી, મરાઠી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓ પર સારો કાબૂ મેળવી શક્યા હતા. ૧૮૯૫થી તેમણે એ ભાષાઓનો અભ્યાસ કરવાની સાથે સાથે ગુજરાતી માસિકોમાં લેખો લખવા શરુ કરેલા. હિંદી સાહિત્યમાં તુલસીદાસ, કબીર, ગંગ આદિ-કવિઓનાં કાવ્યો અને વિશેષે કરીને 'પ્રવીણસાગર’નો ગ્રંથ એમને પ્રિય હતો; અંગ્રેજી ભાષામાં પત્રકારત્વ એમનો પ્રિય વિષય હતો અને વિલિયમ સ્ટેડનું ‘રિવ્યૂ ઑફ રિવ્યૂઝ' એમના સતત વાચનનું પત્ર હતું; અને ફારસી સાહિત્યમાં મશહૂર ફિલ્સૂફ ઉમર ખય્યામ એમનો પ્રિયતમ કવિ હતો. એમના જીવન ઉપર વિલિયમ સ્ટેડ અને ઉમર ખય્યામની છાપ ખૂબ હતી. ઉંમર ખય્યામની રુબાઈઆતોની, વિશિષ્ટ શૈલીમાં ચિત્રો તથા સુશોભનો સાથેની વિવિધ ઢબની રૂપસુંદર આવૃત્તિઓ અનેક અંગ્રેજ પ્રકાશકોએ બહાર પાડી છે તે બધી જ વીણીવીણીને ભેગી કરવાનો એમનો નાદ હતો અને પોતાના સંગ્રહમાંની એવી ૧૨૭ આવૃત્તિઓ ઉપરાત ૧૨૮મી ગુજરાતી આવૃત્તિ સુંદર રૂપમાં પ્રકટ કરવાની એમની તમન્ના હતી. એ રુબાઈઆતોનો એમણે જાતે ગુજરાતી અનુવાદ કરેલો, અને મબલખ ખર્ચે એનાં ચિત્રો તથા શોભનો તૈયાર કરાવેલા; પરંતુ એમના અવસાને એ બધું છિન્નભિન્ન કરી નાંખ્યું. એમનું પહેલું લગ્ન ઈ.સ.૧૮૯૬માં શ્રીમતી લાબાઈ સાથે મુંબઈમાં થએલું. સાહિત્યરસિક પિતાના પુત્રને એ પત્ની પણ સાહિત્યરસિક મળી હતી. તે ઉર્દૂ કાવ્યોનાં રસિયાં હતાં અને તેના અનુવાદો પણ કરી શકતાં. એમના અવસાન બાદ એમનું બીજું લગ્ન ઈ.સ.૧૯૧૦માં શ્રીમતી ખૈરન્નિસાબાઈ સાથે મુંબઈમાં થએલું. પિતાએ વારસામાં આપેલો વેપાર અબ્દુલ્લા અલારખિયાની કંપનીના નામથી જાપાન સાથે ચાલતો હતો. પણ સાહિત્ય અને કલા તરફનું એમનું વલણ એટલું જોશીલું હતું કે ધીરેધીરે વેપાર એમણે ભાગીદારો ઉપર છોડ્યો અને પોતે સાહિત્યસંપર્કમા જ રત રહેવા માંડ્યું. ૧૮૯૮માં એમણે એક મિત્રના નાના ભાઈના અકાળ અવસાન પર ‘સ્નેહી વિરહ પંચદશી' નામે પુસ્તક હિંદીમાં પ્રકટ કર્યું ત્યારબાદ એમના પ્રિય અંગ્રેજ લેખક એડવિન આર્નોલ્ડની કૃતિનો અનુવાદ 'ઈમાનનાં મોતી' નામથી ૧૯૦૧માં પ્રકટ કર્યો. ચિત્રમય સાહિત્ય પ્રકટ કરવાની એમની ભાવિ કારકીર્દિના અંકુર આ જ કાળથી પ્રકટ થવા માંડ્યા હતા. જે પ્રકાશન તે કરતા તે શ્રેષ્ઠ ઢબનું અને ઊંચી કલાવૃત્તિથી કરતા. ૧૯૧૦માં તેમણે ‘ગુલશન’ નામનું સચિત્ર માસિક શરુ કર્યું, પણ તે એક વર્ષ પછી બંધ કરવું પડ્યું. ૧૯૦૩માં લૉર્ડ કર્ઝનના દરબાર વખતે કર્ઝન સંબંધે સોએક જેટલા સચિત્ર લેખો છપાવેલા. ૧૯૦૪માં ‘મહેરુન્નિસા' નાટક એમણે લખેલું. સચિત્ર પત્ર કાઢવાનો વિચાર આ બધો વખત મનમાં પોષણ પામ્યા જ કરતો હતો અને તે ઉદ્દેશથી અનેકવિધ સામગ્રી તેઓ એકઠી કર્યે જતા હતા. અંતે ઈ.સ.૧૯૧૪માં સર ફાઝલભાઈનો ટેકો મળ્યો અને ‘વીસમી સદી' નામથી એક ઉત્તમ પંક્તિનું સચિત્ર માસિક, પશ્ચિમનાં છાપાંઓની હરોળમાં ઊભું રહે તેવી ઢબે કાઢવાની તૈયારીઓ કરી. એના પૂઠા ઉપરનું ચિત્ર વિલાયતમાં છપાવવાની યોજના હતી, પણ અકસ્માત પહેલું મહાયુદ્ધ ફાટી નીકળ્યું, છાપસામગ્રીના ભાવ ચડી ગયા અને એ વિચાર દ્વિધામાં પડ્યો. પરંતુ આખરે હાજીમહમ્મદની અંતરની આકાંક્ષાએ જોર કરીને વિજય મેળવ્યો. અનેક સ્નેહીઓ તથા મિત્રોની ના છતાં એમણે એ ખર્ચાળ પ્રકાશનનું સાહસ ઉપાડ્યું. મહાયુદ્ધના બરોબર વચગાળાના કાળમાં, ઈ.સ.૧૯૧૬ના એપ્રિલમાં 'વીસમી સદી’નો પહેલો અંક બહાર પડ્યો. ચુનંદા લેખકો અને ચિત્રકારોની નવી જ વાનીઓ, અવનવીન ઢબથી, સુંદર શોભનો સાથે, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ છાપકામની સજાવટ દ્વારા મુગ્ધ કરે તેવાં રૂપ રંગ અને ભભકથી તેના ઉત્તરોત્તર અંકમાં બહાર પડવા લાગી. ગુજરાતી સાહિત્યપ્રકાશનના ઇતિહાસમાં નવો જ યુગ શરુ થયો. પાંચ વરસના એ માસિકના પ્રકાશનકાળમાં એની પાછળ હાજીમહમ્મદે પોતાની સર્વતોમુખી શક્તિઓ બતાવી. ઊંચા અભ્યાસીથી માંડીને અદના વેપારી સુધી સીને રસ પમાડી શકે એવા વિવિધ વિસ્તારવાળી સામગ્રીઓ ચૂંટીચૂંટીને પસંદ કરવી; ઉચિત વસ્તુ માટે ઉચિત લેખક કે ચિત્રકાર શોધી, તેને જરૂરી સામગ્રી પૂરી પાડી, તેના મહેનતાણા માટે તેને પ્રસન્ન કરીને મનધારી વસ્તુ મેળવવી; પછી તેને કલાના રંગે રંગવા માટે અસંખ્યાત સાધનો ઉથલાવી ચિત્રો, શોભનો, ફોટોગ્રાફી આદિ વીણવાં જ નવાં તૈયાર કરાવવાં; અવનવીન રૂપરંગે તેની સજાવટ કરવી; વિવિધ પ્રકારોથી શૈલીમય છાપકામ કરાવવું; જાહેરખબરો સુદ્ધાં નવીન ઢબથી લખવી અને ગોઠવવી: આવાં અનેકવિધ ક્ષેત્રોનાં પૃથક્ પૃથક્ પાસાંઓ પર હાજીમહમ્મદની બુદ્ધિશક્તિ, રસવૃત્તિ અને કલાદૃષ્ટિએ પોતાનો પરિચય આપી દીધો. પાંચ વરસનો 'વીસમી સદી'ના પ્રકાશનનો એ કાળ ગુજરાતી સાહિત્યમાં અપૂર્વ હતો. પરંતુ મોંઘાં સાધનસામગ્રી પર સવાર થઈને દર મહીને બહાર પડતા એ અંકો પાછળ હાજીમહમ્મદનું જીવન બે છેડેથી બળતી મીણબત્તીની માફક ફના થતું ગયું. એક બાજુ, વેપાર ઉપરથી બધું ધ્યાન ઉઠાવી જ લીધું હતું અને એ આવક અટકી ગઈ હતી, તેમાં વળી 'વીસમી સદી’ આવકને બદલે ખર્ચ, ખોટ અને દેવાના ખાડામાં ઉતારી રહ્યું હતું; છતાં કોઈ૫ણ રીતે આ મહેનત ઊગી આવે અને સારો દહાડો દેખાય એ આશાના તાંતણે જીવન ખેંચતા તે વિવિધ યોજનાઓ ઘડ્યે જતા હતા. બીજી બાજુ આ નાના ક્ષેત્ર પાછળ લેવી પડતી હદ ઉપરાંતની ઝહેમત તથા એ સાહસને ટકાવી રાખવા પાછળની સતત ચિંતાથી શરીર ઘસાતું જતું હતું, તેની સંભાળ કે માવજત કરવાનું આર્થિક કે બીજા ટેકાથી શક્ય રહ્યું ન હતું. અંતે શરીર તૂટી ગયું અને થોડા દિવસના તાવ પછી એ જ સ્થિતિમાં ઈ.સ.૧૯૨૧ના જાન્યુઆરીની ૨૨મી તારીખે ધનુર્વાની બિમારીથી મુંબઈમાં એમનું અવસાન થયું. ‘વીસમી સદી' જેમ એમનું કીર્તિદા બન્યું તેમ જીવનનો અંત આણનાર નિમિત્તે પણ તે જ બન્યું. એમની એ આખી પ્રવૃત્તિના સાક્ષીઓ અને એમના અંતકાળના પત્રો સ્પષ્ટ કરે છે કે સચિત્ર પત્રકારત્વ દ્વારા સાહિત્ય અને કલાનો સંપર્ક જન સામાન્યને પહોંચાડવાના પોતાના એ નાદ પાછળ એમણે તન, મન અને ધનની ફનાગીરી કરી હતી. એમની પહેલી પત્નીથી ત્રણ અને બીજી પત્નીથી એક પુત્ર થએલો, તે ચારે હયાત છે. મોટા પુત્ર શ્રી. ગુલામહુસેને પાછળથી 'વીસમી સદી'ને સાપ્તાહિકના રૂપમાં થોડો વખત ચલાવ્યું હતું, અને આજે તે કાગળ, મશીનરી વગેરેનો વેપાર કરે છે. બીજા પુત્ર શ્રી. ફરૂખશીઅર મિલમૅનેજર છે: ત્રીજા શ્રી. રહેમતુલ્લા મુંબઈમાં આર. શિવજીના નામથી જાણીતા ફોટોગ્રાફર છે, અને ચોથા શ્રી. હબીબ સાત વર્ષથી જાપાનમાં વેપારમાં પડ્યા છે. એમની પાછળ એમના પરમ મિત્ર શ્રી. રવિશંકર રાવળે પ્રકટ કરેલા 'હાજીમહમ્મદ સ્મારક ગ્રંથ'માં એમના વિષેની પુષ્કળ સચિત્ર માહિતી તથા બીજું સાહિત્ય સંઘરાયું છે. ‘ગુલશન’ અને ‘વીસમી સદી' માસિકોનાં સંપાદન તથા ઘણા છૂટક લેખો ઉપરાંત એમણે લખેલા તથા અનુવાદિત કરેલા ગ્રંથોથી યાદી નીચે મુજબ છે : ‘સ્નેહી વિરહ પંચદશી', 'ઈમાનનાં મોતી', 'રશીદા', 'મંગલ સમયની પ્રેમકથાઓ', ‘સુશીલા', 'શીશમહેલ', 'સેવાસદન' એમનું ‘ઉમર ખય્યામની રુબાઈયાત'નું પુસ્તક હજી અપ્રકટ છે.

***