ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/(ડૉ.) ત્રિભુવનદાસ મોતીચંદ શાહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(ડૉ.) ત્રિભુવનદાસ મોતીચંદ શાહ

ગુજરાતી ભાષામાં વૈદકશાસ્ત્ર ઉપર સૌથી મોટો પ્રમાણભૂત અને અદ્વિતીય એવો "શારીર અને વૈદકશાસ્ત્ર” નામનો હજાર પાનાંનો ગ્રંથ લખી બહાર પાડનાર અને ગઈ સદીની છેલ્લી પચ્ચીશીમાં એક પ્રતિભાશાળી અને નિષ્ણાત દાક્તર તરીકે સમસ્ત ગુજરાત-કાઠિયાવાડમાં નામના કાઢનાર ડૉ. ત્રિભુવનદાસનો જન્મ ઈ.સ.૧૮૪૯માં (વિ.સં.૧૯૦૫માં)જૂનાગઢની દશાશ્રીમાળી વણિક કોમમાં ગરીબ માતાપિતાને ત્યાં થયો હતો. એમના પિતાનું નામ શાહ મોતીચંદ પાનાચંદ. પ્રાથમિક શિક્ષણ જૂનાગઢમાં લઈ તે માધ્યમિકની શરૂઆત કરતા હતા ત્યાં માતાપિતાનું સુખ ઊગતી વયમાં જ ગુમાવી બેઠા, એટલે રાજકૉટમાં માસા-માસીની હૂંફે ઊછરી મેટ્રિક સુધી ત્યાંની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો અને ત્યાંથી મુંબઈ ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાં જઈ ત્યાં ઈ.સ.૧૮૭૨માં એલ. એમ.ની ઉપાધિ પ્રાપ્ત કરી. તીવ્ર બુદ્ધિના હોવાથી આખા અભ્યાસકાળમાં તે મોખરે જ રહ્યા હતા અને અધ્યાપકોનો ચાહ મેળવ્યો હતો. મેડિકલ કૉલેજમાં પણ તેમણે ઈનામો અને સ્કૉલરશિપ મેળવ્યાં હતાં. પાસ થઈને કેવળીમાહિમમાં, વઢવાણ કૅમ્પમાં અને પછી અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં આસિસ્ટન્ટ સર્જન તરીકે તેમણે કામ કર્યું. ત્યાંથી તેમની નોકરી જૂનાગઢ સ્ટેટે સરકાર પાસેથી ઉછીની લીધી અને તે પછી મૃત્યુ પર્યત તેઓ ત્યાં જ ચીફ મેડિકલ ઑફિસર તરીકે હતા. એમની વૈદકીય કારકિર્દિ જૂનાગઢમાં જ પ્રકાશી અને તેને કળશ ચડ્યો. આખા કાઠિયાવાડમાં તે વખતના વૈદકીય ક્ષેત્રમાં એ પ્રથમ પંક્તિના ને અનુભવી દાક્તર ગણાતા; કાઠિયાવાડના રાજારજવાડાં ને શ્રીમંતો એમની સલાહ લેતાં; સમાજના છેક છેલ્લા થર સુધી તેમની કૌશલની નામના હતી, અને એ જમાનામાં જ્યારે કાઠિયાવાડના કોઈ પણ રાજ્યના દવાખાનામાં દોઢ બે ડઝનથી વધુ 'ઇનડોર’ દરદીઓ ન હતાં. એ સમયે જૂનાગઢની ઇસ્પિતાલ સેંકડો દરદીઓથી ભરચક રહેતી. આંખનાં કામ અને પથરીના ઑપરેશનમાં તેઓ એક્કા ગણાતા, અને એ વખતે કાઠિયાવાડના બહારવટિયાઓએ નાક કાપવાનો ત્રાસ શરુ કરેલો હોઈ તે સમાં કરીને Rhinoplastic Operation દ્વારા એમણે સેંકડો સ્ત્રીપુરુષોને બદસીકલ જીવનથી બચાવી લીધાં હતાં. એ કાર્યમાં તેમની કીર્તિ ઠેઠ યુરોપ સુધી પહોંચી હતી અને એમ કહેવાય છે કે એમનાં જેટલાં નાક સમાં કરવાનું કામ એ સમયે દુનિયાભરમાં કોઈ સર્જને કર્યાનું નોંધાયું નથી. એમનાં જ્ઞાન અને અનુભવને લીધે તે જીવ્યા ત્યાંસુધી મુંબઈ યુનિવર્સિટીમાં એલ. એમ. એન્ડ એસ.ની છેલ્લી પરીક્ષામાં પરીક્ષક તરીકે નીમાતા. રાજકારણમાં પોતે પડ્યા ન હતા, છતાં જૂનાગઢના રાજ્યધુરાવાહકો એમની સલાહ લેતા; આટલી પ્રતિષ્ઠાવાળું સતત ઉદ્યોગશીલ જીવન હોવા છતાં તે સામાજિક કાર્યો માટે પણ વખત કાઢતા. જૂનાગઢના ગિરનાર પર્વત પરનાં છેકસુધીનાં પગથિયાંનું બાંધકામ એ એમના જ શ્રમ ને લાગવગનું પરિણામ છે. રાજ્ય પાસેથી તેમ જ લૉટરી કઢાવીને લાખો રૂપિયા ઊભા કરી તેમણે મહામહેનતે એ કામ પાર પાડ્યું. એમનું લગ્ન ધોરાજીમાં ઈ.સ.૧૮૭૪ (સં.૧૯૨૫)માં શ્રી પાનકુંવર સાથે થયું હતું. એમને ચાર પુત્રો અને ત્રણ પુત્રીઓ છે, જે સર્વે કેળવાએલાં અને સંસ્કારી છે. જૂનાગઢમાં વૈદકીય પ્રેક્ટીસ ઉપરાંત રૂના ધંધામા પડી એમણે જીનિંગ અને પ્રેસિંગ કારખાનાં કાઢેલાં તેમ જ શરાફી પેઢી પણ ચલાવેલી. ઈ.સ.૧૯૦૩ના સપ્ટેમ્બરની ત્રીજી તારીખે જૂનાગઢમાં હૃદયના દુખાવાને લીધે એમનું અવસાન થયું. એમનો ગ્રંથ 'શારીર અને વૈદકશાસ્ત્ર' વૈદકના અભ્યાસીઓમાં તેમ જ જનતામાં સર્વત્ર લોકપ્રિય થયો છે, એના પઠનપાઠનથી અનેક વૈદ્યો પોતાનો ધંધો ખીલવી શકેલા. એમના અવસાનસુધીમાં એની ચાર આવૃત્તિઓ થઈ ગએલી અને પાંચમી તૈયાર થતી હતી, તેમ જ તેનો મરાઠી અનુવાદ પણ થયો હતો. એમના પુસ્તકો: “શારીર અને વૈદકશાસ્ત્ર” અને “માને શિખામણ."

***