ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કડવું ૧

{{Color|Blue|[[નારદ પાસેથી અર્જુન જાણે છે કે પોતાના અશ્વમેધના ઘોડાને ચંદ્રહાસનાં બાળકો લઈ ગયાં છે અને એ પોતાને પણ હરાવી દેવાની ક્ષમતા રાખે છે. એવું જાણ્યા પછી અર્જુનને આ બાળકોના પિતા ચંદ્રહાસની કથા સાંભળવાની ઇચ્છા થાય છે. એટલે નારદ ચંદ્રહાસની કથા અર્જુનને સંભળાવે છે. એમ પહેલા જ કડવામાં પ્રેમાનંદ આપણને વિષયપ્રવેશ કરાવી આપે છે.]}}

રાગ : કેદારો

પ્રથમ સમરું ગણપતિ, જયમ ટળે મારી દુર્મતિ;

જેથી સરે મનોરથ મન તણો રે.         



સાહે કરો, માતા સરસ્વતી, હું બાળક કાંઇ લહેતો નથી;

સતી શારદા, સેવક છઉં તમ તણો રે.         



ઢાળ


સાહે કરો, માતા સરસ્વતી, હું લાગું તમારે પાય;

નિજ ગુરુ કેરું ધ્યાન ધરતાં, ગ્રંથ ચાલતો થાય.         



વૈશંપાયન એણી પેરે બોલ્યા, સુણ જનમેજય રાજન;

અશ્વમેધની ઉત્તમ કથા છે, શ્રોતા-વક્તા ધન્ય.         



પાંડવે પરાક્રમ કીધું ઘણું, ક્રોધ ધરીને કાય,

શત કૌરવ સંઘારિયા, તે કુરુક્ષેત્રની માંહ્ય.         



પછે હસ્તિનાપુરમાં રાજ્યે બેઠા, કુંતીકુંવર જે ધર્મ;

પાંચાલીના મનોરથ પૂરી, પધાર્યા પરબ્રહ્મ.         



પણ યુધિષ્ઠિર અતિ દુઃખ પામ્યા, ઉપન્યો અંતર તાપ;

‘એ રાજ્યને માથે ધિક્‌ પડો, સ્વજન માર્યાનું શિર પાપ.’         



એટલે આવ્યા વ્યાસમુનિ, પૂછ્યો પાપ ગયાનો ભેદ

પછે મહામુનિએ મહીપતિને મંડાવ્યો અશ્વમેધ.         



અશ્વની પૂંઠે રક્ષા કરવા, સંચર્યો અર્જુન;

પૂંઠે વૃષકેતુ[1] પરવર્યો, વળી વીર પ્રદ્યુમન[2].         



વાટમાં જાતાં નીલધ્વજ[3] ને હંસધ્વજ[4] ભૂપાળ;

સુધન્વા ને સુરથ[5] નામે, હણ્યા બન્યો બાળ.         
૧૦



મણિપુર નગ્રે અશ્વ આવ્યો, રાજ્ય કરે બભ્રુવાહન[6];

જેણે મહાબળિયા પારથનું, મસ્તક કર્યું છેદન.         
૧૧



પછે તુરી ત્યાં થકી પરવર્યો, સામો મળ્યો તુખાર;

તે તુરી તામ્રધ્વજે બાંધ્યો અર્જુનનો નિર્ધાર.         
૧૨



રાય મયૂરધ્વજ મળ્યો આવી, કૃષ્ણને રહ્યો કર જોડ;

પછે વીરવર્માને દેશ આવી, સુભટ ઝૂઝ્યા ક્રોડ.         
૧૩



એક હૃદ આવ્યો જળ તણો, તે તરી ઊતર્યો વાજીન;

ત્યાંહાં આગળ રમતા હતા, બે ચંદ્રહાસના તન.         
૧૪



વડો પુત્ર પદ્માક્ષ નામે, એક મકરધ્વજ એહવું નામ;

તે અશ્વ અનુપમ દેખી, લઈ ગયો પોતાને ગામ.         
૧૫



ત્યાંહાં પાંડવની સેના વિષે હવો તે હાહાકાર;

શ્રીકૃષ્ણ અર્જુન જ્યાં હતા, ત્યાંહાં લાવ્યા સમાચાર.         
૧૬



વાત સાંભળી સવ્યસાચીને ઊપન્યો અતિ ક્રોધ;

અશ્વની સંભાળ લેવાને, મોકલ્યા મહાજોધ.         
૧૭



પણ પાર તે પામ્યા નહિ, કહ્યો કિરીટીને નકાર;

સાંભળીને સવ્યસાચી[7] પામ્યા દુઃખ અપાર.         
૧૮



વિચારીને વીનવ્યા અર્જુને ત્યહાં શ્રીકૃષ્ણ;

પારથ પછે પ્રભુજીને : ‘કહો અશ્વ ગયાનું પ્રશ્ન.’         
૧૯



વળતા વિશ્વંભર ઊચર્યા : ‘સાંભળ, પાંડુકુમાર;

તારા તુરીને સંભાળ તાહાં, જો કોણ છે ઝાલણહાર.’         
૨૦



એવું કહીને મૌન લીધું પ્રભુ શ્રીગોપાળ;

એવે સમે અંતરિક્ષ-મારગે અતિ હવું અજુવાળ.         
૨૧



હરિગુણ ગાતા વીણા વાતા આવ્યા નારદ ભગવાન;

નર-નારાયણ ઊભા થયા, આદરે દીધું માન.         
૨૨



ત્યારે દેવર્ષિ એમ બોલિયા, અર્જુન દીઠો દીન :

‘હે સાધુ શા માટે સૂનમૂન છો? મુખ થયું કાં ખિન્ન?         
૨૩



પછે ગદ્‌ગદ કંઠે થઈને બોલિયા તે પારથ :

‘મારા અશ્વ બન્યો ગયા, તેથી ઉપન્યો અનરથ.         
૨૪



સ્વર્ગ મૃત્યુ પાતાળ સઘળે, તમે જાઓ છો મુનિરાય;

જાણતા હો તો કહો મુને, મારા અશ્વ ગયાનો ઉપાય.’         
૨૫



વળતા ઋષિ એમ ઊચરે; ‘સાંભળ અતલિબલ અર્જુન;

‘તારા તુરીને લઈ ગયા છે ચંદ્રહાસના તન.         
૨૬



દેવ દાનવ યક્ષ કિન્નર, ત્રૈલોક્ય ટોળે થાય;

સહસ્ર વસા સતવાદી રાજા, કોણ ન જીત્યો જાય.’         
૨૭



ઋષિજીનાં વચન સુણીને, અર્જુન બોલ્યો વાણ :

‘તે ચંદ્રહાસનો મહિમા કહો મુજને, વીણાપાણ.[8]         
૨૮



વલણ

‘કહો વીણાપાણ, વેગે, સાન્નિધ્ય શ્રીગોવિંદ રે.’

ચંદ્રહાસનો મહિમા કહે કર જોડી પ્રેમાનંદ રે.         
૨૯





  1. વૃષકેતુ – કર્ણનો પુત્ર
  2. પ્રદ્યુમન – કૃષ્ણનો પુત્ર
  3. નીલધ્વજ – માહિષ્મતીનો રાજા
  4. હંસધ્વજ – ચંપકપુરીનો રાજા
  5. સુધન્વા અને સુરથ – હંસધ્વજના પુત્રો
  6. બભ્રુવાહન – અર્જુન અને ચિત્રાંગદાનો પુત્ર
  7. સવ્યસાચી – ડાબા અને જમણા બન્ને હાથે તીર ચલાવી શકે તેવો,અર્જુન
  8. વીણાપાણ – વીણાપાણિ; જેના હાથમાં વીણા છે તેવા, નારદ