ચંદ્રહાસ આખ્યાન/સંપાદક-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સંપાદક-પરિચય

સાહિત્ય અને શિક્ષણ એમ ઉભયક્ષેત્રે અધિકારપૂર્વક કલમ ચલાવનાર પ્રવીણ કુકડિયા (૧૯૭૭) પ્રતિબદ્ધતા અને અભ્યાસનિષ્ઠા સાથે કામ કરનારા શિક્ષક છે. હાલ સર્વોદય હાઇસ્કૂલ, ઉમરાળા (જિ. ભાવનગર)માં ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ગુજરાતી ભાષાના શિક્ષક તરીકે તે કાર્યરત છે. એ અભ્યાસકાળથી અને એ પછી શાળાશિક્ષણ સાથેસાથે પોતાનું અભ્યાસતપ સતત વધારતા રહ્યા છે. તેમની શિક્ષક તરીકેની સજ્જતાનો લાભ માતૃભાષા અભિયાન, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC), સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી કમિશન (CBSC) દિલ્હીને મળતો રહ્યો છે. એમણે સાહિત્યક્ષેત્રે શુદ્ધ કળાકીય રસ-રુચિ કેળવ્યાં છે ને વિવેચક તેમજ સૂચિકાર તરીકે નામના મેળવી છે. અવારનવાર તેમના વિવેચન-લેખો, શિક્ષણવિષયક લેખો જે તે ક્ષેત્રનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રસિદ્ધ થતા રહે છે. એમાં એમની અભ્યાસનિષ્ઠા અને ઝીણી દૃષ્ટિનાં દર્શન થાય છે. એમણે આપણા પ્રસિદ્ધ વિવેચન-સામયિક ‘પ્રત્યક્ષ’ના બધા જ – ૧૦૧ અંકોની શાસ્ત્રીય વર્ગીકૃત સૂચિ કરી છે. ‘અવલોક્ય’ (૨૦૨૧) એમનો પહેલો વિવેચનસંગ્રહ છે. એમાં એમની આગવી સૂઝ-સમજવાળું આકરું પણ સમતોલ કૃતિવિવેચન આપણને પ્રાપ્ત થાય છે. આવા વિવેચન દ્વારા ગુજરાતી સાહિત્યના સ્થગિત લાગતા સમીક્ષાપ્રવાહને ધબકતો કરવા તરફનો ઝોક દેખાઈ આવે છે. કેળવણી પ્રત્યેની પ્રતિબદ્ધતા એમના ‘સા વિદ્યા યા...’ (૨૦૨૧) પુસ્તકમાં પ્રતિબિંબિત થઈ છે. આવા સંનિષ્ઠ અભ્યાસીનો રસ હવે મધ્યકાળના સાહિત્ય પરત્વે ઠર્યો છે ત્યારે એમની પાસેથી મધ્યકાળના સાહિત્યનો કોઈ સમગ્રલક્ષી સર્વગ્રાહી અને મૌલિક અભ્યાસ મળે તેવી અપેક્ષા... – જયંત ડાંગોદરા