ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો/અમૃતા અને અસ્તિત્વવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ર. અમૃતા અને અસ્તિત્વવાદ
રઘુવીર ચૌધરી

ચારસો નેવું વત્તા ઓગણીસ વત્તા એક મળીને થતી પાંચસો દસ પાનાંની આ નવલકથા એક સુવાચ્ય કલાકૃતિ છે. સુવાચ્ય એટલે કે એનું આવરણ ચિત્ર, સાતમા અને નવમા પાનાની સ્પેસ, લાઈફ ઈઝ ગૂડ બિકૉઝ ઈટ ઈઝ પેઈનફુલ એટલે દસમું -ના, ત્યાર પછીનાં ચારસો નેવુંમા સુધીનાં બધાં જ પાનાં, સમીક્ષા અને ‘અંતેની સલામ’ બધું જ સુવાચ્ય છે. સાતમા પાના પર એક જ શબ્દ છે, અમૃતા. નવમા પાના પર એક જ શબ્દ છે, પ્રશ્નાર્થ. અમૃતા એક પ્રશ્નાર્થ છે જેનો જવાબ નથી. નારી અને નારીનો પ્રેમ એક સનાતન પ્રશ્નાર્થ છે, જેનો જવાબ નથી. અથવા જેના અનેક જવાબ છે. ‘અમૃતા’ એક જવાબ પણ છે. આમાં પ્રણયત્રિકોણની વાત છે એવું જો વાચકે સાંભળ્યું જ હોય, તો એના પ્રતિભાવની કલ્પના કરવી સરળ છે : નવલકથામાં ત્રિકોણ તો આવે જ. ટપાટપી થાય. કોઈ શહીદ થાય- લેખક અથવા હરીફ શહીદ થવાની ફરજ પાડે. મરી જતું ન હોય તો મારી નાખવામાં આવે- હરીફ કે લેખક જ ખૂની હોય. અથવા કોઈ તજી જાય. ત્યાગનું જ નામ પ્રેમ! તજી ન શકે તે, માનવી, પશુ : તજી શકે તે, માનવ, દેવ. પણ અહીં તો આ વાતોને અને ‘અમૃતા’ને ઘણું અંતર છે. ત્રણમાંથી ગમે તે એકનો વિલોપ, એ તો વિલુપ્ત થનાર અને શેષ બેયનો પરાભવ છે. આવા પરાભવમાંથી ઊગરી જવાના પ્રયાસોની આ કથા છે. અમૃતા ‘છે’, અનિકેત ‘છે', ઉદયન પણ ‘છે’. સ્વતન્ત્ર, નિરપેક્ષ એવાં આ ત્રણ અસ્તિત્વો છે. પણ સૌન્દર્ય? પ્રેમ? એ તો ત્રિકોણનાં રસાયન, સાપેક્ષતા સરજનારાં, દુર્દમ્ય, સ્વાતન્ત્ર્યને બાધિત કરનારાં, અજેય. એની બાદબાકી કરીને જીવવું એટલે? કંઈ જ નહિ. ‘જીવવું’ જ ક્યાં રહે છે પછી તો? મારા સ્વાતન્ત્ર્યનું શું? મારી વ્યક્તિમત્તાનું શું? પસંદગીનું શું? ઉદયન ફેંકાયેલો માણસ છે. અનિકેત પણ ફેંકાયેલો તો છે જ. પણ એની આસપાસ બીજા અનેક એવા છે, કેમ કે માણસ માત્ર ફેંકાયેલો છે – એની એને સતત સમજ છે. ઉદયન એટલે ક્ષણ, ક્ષણનાય ટોચાગ્ર વર્તમાનમાં માનનારો. પ્રેમ એને મન, અને અમૃતાયે એને મન, એક મોહક અવાસ્તવિકતા છે – કેમ કે પ્રેમ આકસ્મિક છે, નિયત્રણ બહાર છે એવી એની સમજ છે. એ સમજના તાંતણે બંધાવા ને અમૃતાને બાંધવા ‘બાંધવું’ ક્રિયાપદ લાચારીથી વાપરું છું, ઉદયનની વાતમાં નથી બંધબેસતું એ- ઝંખે છે. એને જોવા મળ્યું કે ડૉકટર અમૃતા મુગ્ધ છે, મૌગ્ધ્યના સેતુ પરથી અભિસરી છે એ અનિકેત તરફ... અનિકેત ગત અને અનાગતના ટેકે જીવવા ચાહે છે. અમૃતા એટલે પ્રવાહ, અવિભાજ્ય શાશ્વતીની દૃષ્ટા. ઉદયન પોતાના અસ્તિત્વના કેન્દ્રમાં ઊભીને જગતને જુએ છે અથવા અમૃતાઅનિકેતને જુએ છે તેથી વધુ પોતાને જુએ છે. અનિકેત પોતાના અસ્તિત્વના પરિઘમાં ઊભીને પોતાસમેત સૌને જુએ છે. ઉદયન અને અનિકેત વિશે અમૃતાઅનિકેત તથા ઉદયનઅમૃતા એવો ક્રમ સાભિપ્રાય લાગશે. ઉદયનમાં અશ્રદ્ધા, સ્વાર્થ, વિદ્રોહ, અસ્વીકાર, લાલસા, આવેગ, આખાબોલાપણું, ક્રોધ, નિખાલસતા વગેરે જડી આવશે; તો અનિકેતમાં એક સ્વીકૃતિ, એક ઉદારતા, એક મૈત્રી, એક ત્યાગ, એક સરળતા, એક અસંદિગ્ધતા, તાટસ્થ્ય, ધીરજ જડી આવશે. તે તે બધું એમનાં વ્યક્તિત્વોને આભારી હશે. સૌએ એ સ્વભાવલક્ષણોનું સંકલન પોતાની રીતે કથામાંથી જ કરી લેવાનું રહે છે- સમીક્ષાનાં ઓગણીસ પાન એમાં સારી સહાય કરશે. તો અમૃતા શું એક નિમિત્ત છે? ના, અમૃતા એક સુન્દરી, વિદુષી, રુચિવતી નારી છે. એના વિશે ઉદયનઅનિકેત એવો ક્રમ હતો, અનિકેતઉદયન એવો છે. નિર્ણય તો કરી શકાય, પણ નિર્ણય જ કયાં થઈ શકે છે? ઉદયનની પસંદગી એટલે અનિકેત-અમૃતાની બાદબાકી. અનિકેતની પસંદગી એટલે ઉદયન અને એક ભૂત અમૃતા જેણે ભાવિ સેવેલું સુન્દર- ની બાદબાકી, અને નિરપેક્ષ અનિકેતની પ્રાપ્તિ. તને પ્રેમ કોના માટે છે એમ પૂછવા કરતાં મન રુચિ કોના તરફ ઢળે છે એમ પૂછવું જોઈએ અમૃતાને. અમૃતા કદાચ અનિકેત તરફ સરે એવો આ કથામાં તો ઉત્તર, વગર આપ્યો છે. પણ ત્રણેય માટેનો ઉકેલ લેખક પાસે છે : એમની માન્યતાઓ ને હઠો જો તેઓ પડતાં મૂકે, તો સ્વીકાર્ય જીવનમાર્ગ ચીંધી શકાય... ભાવકને આ પરિવર્તનમાં નહિ પરંતુ તેને જન્માવનારાં બળવાન સમૃદ્ધ ઘટકોમાં રસ છે. એને નવલકથાની સાહજિક કલાત્મકતામાં રસ છે. ‘અમૃતા’ સાથે સંકળાયેલો જે પહેલો સવાલ છે તે આ જ : કે લેખક, પાત્રોનાં પરિવર્તનને કઈ રીતે સહજ લાગે એવા બનાવી શક્યા છે. ‘અમૃતા'માં પ્રણયત્રિકોણનો આભાસ છે- પ્રણયનો નહિ તેટલો ત્રિકોણનો આભાસ છે. અમૃતા નામના બિન્દુમાંથી એક એંગલમાં અનેક શર છૂટી રહ્યાં છે જે સ્વસ્થાનેથી ચસેક નહિ તેવા, સંમિશ્ર વૃત્તિઓના ભારથી ઝળુંબતા ઉદયનને ચાળણી કરી રહ્યાં છે, તો, અમૃતાના મધ્યબિન્દુમાંથી બીજી બાજુ અનિકેત નામનું કોઈ અનુસંધાન પામી જવાની બીકે- પલાયન વિશે ઉદયનઅમૃતા કરતાં એ ઓછો સભાન છે તેથી દૂર ને દૂર સરકે છે. અનિકેત અને ઉદયનના બે છેડા દોસ્તીદાવે આવી શકે નજીક, અને એકમેકની માન્યતાઓની પ્રતીતિ થતાં હાથ-હૈયાં મિલાવી શકે. પણ અમૃતા?... અહીં આમ ત્રિકોણ છે જ નહિ અથવા આભાસી છે. અમૃતા નિરુપાય છે. ક્યાં તો એની વ્યક્તિમત્તાએ split થઈ જવું જોઈએ, ક્યાં તો એણે અનિકેતના ચરણકમળમાં ધૂળેટાઈ જવું જોઈએ અથવા તો પછી આંખો મીંચીને ઉદયનના બાહુમાં ઑગળી જવું જોઈએ. એ સિવાયનો વિકલ્પ છે આત્મઘાત- જ્યાં છે ત્યાં જ મટી જવું... – આમાંનું એકેય ન થાય, એટલે કે બધી જ વાસ્તવિક સ્થિતિઓ, બધાં જ શકય પરિમાણો સાથે આલેખાય, તો તે, આ પ્રકારની નવલકથામાં આસ્વાદભોંય ગણાય. પણ ‘અમૃતા’માં આ ‘એકેય ન થવા’નું બનતું નથી. બધાં બદલાઈ જાય છે, તવાઈને બદલાઈ જાય છે... માણસ ફેંકાયેલો છે, પસંદગી, સ્વાતન્ત્ર્ય, અસ્તિત્વ ટકાવી રાખવું- આદિ અસ્તિત્વવાદની પરિભાષા આપણી નવલકથામાં ધ્યાન ખેંચે એવા પ્રાચુર્યથી ‘અમૃતા' દ્વારા જ પ્રવેશી છે. છતાં એ સૌ પદાર્થોનો વિચાર થવો ઘટે. માણસ મૂંઝાય છે કે પોતાના અનન્ત શકયતાભર્યા સ્વાતન્ત્ર્યનું શું કરવાનું છે. અમૃતા નારી છે, ભારતીય છે. તેથી સ્વાતન્ત્ર્યની શૂન્યાર્થતાનો અનુભવ તો કરે જ છે પણ ઉકેલ સમર્પણમાં શોધે છે. ઉદયન અસ્તિત્વવાદની ઝેરી અસિધારાએ જીવતો ગતિ કરે છે ને તેથી નિરર્થકતાનો અનુભવ કરતો બતાવ્યો છે, સમષ્ટિબુદ્ધિમાં સમાધાન મેળવતો બતાવ્યો છે. અનિકેત પણ થોડી રસિક બાંધછોડ કરે એવી યોજના છે. આમ બધાને લેખકે બદલાવ્યાં છે- બૌદ્ધિક હઠાગ્રહોથી ન જિવાય એ એમનો અભિપ્રાય છે. વ્યક્તિ છે તો સમષ્ટિ પણ છે. સમસ્યામાં અનિકેતનો એક સૂક્ષ્મ વિજય વાંચી શકાશે. આ વિજયમાં લેખકની પણ મદદ છે. ઉદયનની એના સિવાય બીજાં કોઈની પણ દૃષ્ટિમાં હાર વાંચી શકાય. લેખકનું પીઠબળ એને છેવટ લગી મળ્યું છે પણ અંતે એ લેખક વડે જ છેતરાયો છે. અમૃતાની દેખીતી રીતે જ હાર છે ને એ આપણા સમયનું એક જીવંત કરુણ નારીપાત્ર છે. ‘અમૃતા’માં અસ્તિત્વવાદને એક જવાબ અપાયો છે એવું વિવેચન[1] વાંચવા મળે, તો તે સ્વાભાવિક છે. પરંતુ આ વાતમાં ખાસ વજૂદ નથી. અસ્તિત્વવાદની સામે અહીં જે મૂકવામાં આવ્યું છે- ઉદયનાદિનાં પરિવર્તન- એમાં સામે પલ્લે બેસતાં જોઈએ તેટલું તુલ્યબળ વજન નથી. ઉદયનનાં વિધેયાત્મક વલણો, ઈશ્વરની હસ્તી વિશેનો એને થવા માંડેલો સંશય; કે અમૃતાને સ્વાતન્ત્ર્યભર જિન્દગીની, કે સ્વાતન્ત્ર્ય ખોર જિન્દગીની, વાગેલી ધાર- વગેરેને જે અસરકારકતાથી નિષ્પન્ન કરનારાં બૃહત્ પરિમાણની અહીં જે જરૂર વરતાય છે તે ઉવેખી શકાય એવી નથી. એ માટે જે ઘટકોની અનિવાર્યતા રહે છે તે અહીં, હોવા છતાં, કમજોર છે. બધું બુદ્ધિની કક્ષાએ રહે છે, એક્ચ્યુલાઈઝ નથી થતું. અમતાની સ્વાતન્ત્ર્ય ‘વિશે’ની ખેવના પણ એવી જ, સપાટી પરની છે- એને મૅટાફિઝિકલ ફ્રીડમની કક્ષામાં મૂકી શકાય નહિ. એ જ રીતે અનિકેતની વિભાવનાઓ ઉદયનની જેટલી સારી રીતે પ્રતીત થાય છે તેટલી સારી રીતે થતી નથી. ‘અમૃતા’ એ રીતે એક ખયાલી નવલકથા છે, એનો અસ્તિત્વવાદ અને અસ્તિત્વવાદને અપાયેલો ઉત્તર જીવનઘટમાળમાંથી સ્ફુરતાં દર્શન નથી, બુદ્ધિની ભૂમિકાથી આખી કથાસૃષ્ટિ અન્યથા વિકસી પણ નથી.

*

ઉદયન અમૃતાને જાગ્રત રાખી, વિકાસ સાધતી જોવા ઝંખે છે. પ્રેમીને પામવાનો એનો આ અભિગમ એના જીવનાભિગમમાં બંધબેસતો છે. એ મોટેભાગે સાચી સમીક્ષા આપે છે કે અમૃતા અનિકેત વિશે મુગ્ધ છે. આ મુગ્ધતાનું ભાન કરાવતા રહેવામાં ઉદયનની પ્રેમીસહજ ઈર્ષાવૃત્તિ ભાગ ભજવતી હશે કે શું એવી શંકાને અહીં સ્થાન નથી. એની પ્રેરણાનું સ્થાન તો છે પેલી સમજ : અમૃતા સમજે. આ ભાન કરાવવા જતાં ઉદયનને ઘણું ચૂકવવું પડ્યું, કદાચ એ બધું જ ગુમાવી બેઠો, પોતાની રીતે ગુમાવ્યું છે તેથી તે આનન્દમાં છે. અમૃતાની જાગ્રતિએ અમૃતાને વૈફલ્યનો અનુભવ કરાવ્યો, તુચ્છતા પ્રતીત કરાવી અને પરિણામે ન પૂરી શકાય તેવું અંતર વિસ્તર્યું. અમૃતાને ઉદયનનો જીવનાભિગમ નથી ગમતો. ને એને, પોતે તટસ્થભાવે પ્રતીત કરી શકે એટલું દેખીતું સાચું ઉદયન જીવે છે. ઉદયન પૂર્ણપણે સમજાય તેવો open છે, ને તેથી એના વિશે મૌગ્ધ્યને અવકાશ નથી. અનિકેત મૌગ્ધ્યને ટકાવી રાખે એવો છે એટલી તો આ વિદુષીને જાણ છે જ, ને તેથી જ કદાચ એ મુગ્ધ છે. નારી વિદગ્ધોને વરે છે કે નિખાલસોને? સમજાય તેને ન સ્વીકારે, ન સમજાય તેને સ્વીકારે? ઉદયનની આ કરુણતા એને જીવનમાં બીજે સાંપડતી કરુણતાની સગોત્ર છે. અનિકેત વિજ્ઞાની હોવા છતાં વિશ્વાસ-શ્રદ્ધાની દૃષ્ટિએ પ્રેમતત્ત્વને સમજવા-સમજાવવા માગે છે. એને પ્રેમમાં રસ છે, અમૃતામાં નહિ કેમ કે એને મન ‘પ્રેમ અને પ્રેમી અવિભાજ્ય ઘટક નથી.’[2] એણે સ્પષ્ટતા કરી છે કે અમૃતા વિશે પોતે નિઃસ્વાર્થી છે. અલબત્ત, અમૃતાનાં સૌન્દર્ય, શાલીનતા વગેરે વિશે એ ‘ઊંચો અભિપ્રાય ધરાવે છે. અનિકેતની પ્રેમસ્વીકારની ભાષા ગમે તેટલી અભિપ્રાયાત્મક હોય છતાં, લાંબે ગાળે, એણે સ્પષ્ટપણે કહ્યું છે કે પોતે અમૃતાને ચાહે છે. અનિકેત, સૌન્દર્યમુગ્ધ કે લુબ્ધ નથી છતાં પ્રેમની પ્રતીતિ થયા પછી જે આબોહવા બદલાય, તેનો એ અસ્વીકાર પણ કરતો નથી. જાતને પાછી વાળી લેવાના, વારવાના કે રોકવાના એના આશયો, પ્રયાસો અને એ બધાંને વર્ણવતી એની ભાષા, એ જે કંઈ વર્ણવે છે તેની વિરુદ્ધ જાય છે : ‘ભાષા દ્વારા પોતાને રજૂ કરવા જઈએ છીએ ત્યારે કોઈવાર ભ્રાન્તિ પણ સર્જાય છે.[3] એ ત્યાગ કે ઉપકાર જેવી વૃત્તિઓ પણ નથી સેવતો. એનું આવું મંથન ખૂબ મૌલિક છે. સંવેદવું અને પાછું આદર્શો યાદ કરી એને ખાળવું એવા બે ધ્રુવો વચ્ચે જીવતો અનિકેત ભવ્ય લાગે છે. એની ભવ્યતા સંભવ છે કે ભાવક સાથે દૂરતા ઊભી કરે. ઉદયન સાથે ભાવક જે નિકટતા અનુભવે છે તેના મૂળમાં એના સ્વભાવની નિખાલસતા રહેલી છે. કર્તવ્ય અને વિવેકના નિષેધોની માન્યતા અનિકેત ત્રીજી ઉપસ્થિતિ ઉદયનની સાપેક્ષતામાં જ વિચારે છે. સ્વસ્થ સૌન્દર્યનો હૃદ્ય પ્રભાવ, અમૃતાની સન્નિધિમાં બધાંની પૂર્ણતાનો અનુભવ, અમૃતાનાં વક્ષ, દેહ, સ્કંધ આદિનો સ્પર્શ વગેરે સ્મૃતિ એને સતાવે છે. પણ આની સામે એ પોતાની માન્યતાઓ અને વિભાવનાઓનું આક્રમણ લઈ આવે છે : જગત માત્ર બે માણસનું બનેલું નથી. રાગાત્મકતા અનુભવ્યા પછી પણ મુક્તિ શક્ય છે. અમૃતાને સમ્પૂર્ણપણે તજી દેવાની સંકલ્પશક્તિ પોતામાં નથી, છતાં પોતાને પામી શકાય એટલી સંકલ્પશક્તિ જરૂર જાહેર કરે છે : અમૃતા સ્વપ્ન હતી, મરીચિકા નહિ, તો એના સ્મરણની કોઈ ને કોઈ રૂપે શુદ્ધિ જાળવીશ. સમ્બન્ધોનું પરિણામ વર્યુ છે. જે પામ્યો છું તે લેવડદેવડથી પર છે ને તેથી ઉદયન પર ઉપકાર કે એવી કશી વાતને અહીં અવકાશ નથી. સ્નેહસિક્ત સૌન્દર્ય પવિત્રતાનો પર્યાય છે. કસોટી થાય એવી પરિસ્થિતિથી દૂર રહેવું. અમૃતા વિનાની જિન્દગી મારું ભવિષ્ય બનવી જોઈએ... વગેરે. અનિકેતને પ્રેમ બનવું છે... નવલકથામાં અનિકેતનું કંઈ પણ મિશન હોય તો આ છે : આખરી સત્યની પૂર્ણ પ્રતીતિ કરવી. અમૃતાને આ નિરપેક્ષતા માટે સ્મરણમાંથી પણ દૂર કરવી. જો કે એને સમજાય છે ખરું, કે અમૃતાનું સૌન્દર્ય, એના સૌન્દર્યનું આહ્વાન, અનુત્તર પડ્યું છે એ પણ એટલું જ સાચું છે. પણ ઉદયનની ઉપસ્થિતિ -ત્રીજાની ઉપસ્થિતિ- અને એમ થવું એટલે સમાજ. આ એની સમજ છે. આ સમજ બળવાન છે : સમાજ એટલે અનેક સાપેક્ષતાઓ. સંકલ્પ કરે છે કે પોતાના અસ્તિત્વના ગલનબિંદુ સુધી પોતે નિરપેક્ષ થવા મથશે. ઉત્કંઠાઓને કમિક રીતે નિર્મૂળ કરી વિરતિ ગ્રહશે. આને જ પોતાની સફલતા માનશે. ને આવા ઉન્નયનને અમૃતા, નીલ ગગનના અસીમ વિસ્તારમાં વ્યક્તિત્વરહિત દ્યુતિ બનીને પોતાને ઈજન આપતી રહેશે. પણ અનિકેતે જોયું કે આવી નિરપેક્ષતા અસંભવ છે. સ્મૃતિની વેદના અકાટ્ય છે. અંતર્મુખ થવું- જેમાં અમૃતાયે ન હોય- એ પણ અશકય છે. અમૃતા છે તો અનિકેતનું ચિત્ત નિસ્તરંગ રહેવું અસંભવિત છે. તો નિસ્તરંગ ચિત્ત-સ્થિતિ શી રીતે પ્રાપ્ત થાય? unconcious awareness કેવી રીતે પ્રાપ્ત થાય? મથવું જોઈએ... અનિકેતનો આ કાર્યક્રમ અને એની બ્લૂ પ્રિન્ટ ખૂબ ભવ્ય છે, સુન્દર પણ છે. પણ સવાલ એ થાય છે કે એ માટે એણે શું કર્યું? ઉદયન બીમાર હોય છે ત્યારે શરૂમાં અનિકેતને પોતે જે માટે મથતો હતો તે નિરપેક્ષતાનું દર્શન થવા માંડે છે-અમૃતાના પ્રાંજલ દૃષ્ટિક્ષેપમાં. સકળને સૌન્દર્યના પર્યાય તરીકે જોઈ શકાશે એવી એને પ્રતીતિ થાય છે. આનું કારણ એ છે કે અમૃતા હવે સ્વતઃપ્રકાશિત છે; કેમ કે હવે એ સંકલ્પકૃતા છે, પર્યુત્સુક છે, ને તેથી એના પથપ્રદર્શક બનવાની જરૂર હવે રહી નથી. આ સંજોગોમાં અનિકેતને એકાએક કહેતો સાંભળીએ છીએ કે પોતે choiceless awareness areaમાં પ્રવેશ્યો છે! –વચ્ચે શું બન્યું? અમૃતાથી એણે ભૌગોલિક અને શક્ય તેટલું માનસિક અંતર સેવ્યું –એ જણાવે છે તેમ- તે? ઉદયનને મનાવ્યા- સમજાવ્યા કર્યો તે? કઈ ઘટના? અનિકેતની આ અનુભૂતિના પરિમાણ નવલકથામાં લગભગ ગેરહાજર છે. એના લેખકે કટોકટીની ક્ષણે જ પોતાનાં ખિસ્સાં સીધાં જ ઠાલવી દીધાં છે, કૃતકતાને વિદારનારી સર્જકતાનો પરિચય કરાવી શક્યા નથી. અમૃતાએ કંઈક આમ વિચારી રાખ્યું છે : પ્રેમ, પ્રેમની પ્રતીતિ, પછી વરણી, પછી ભુક્તિ. શકુંતલાએ પાછળથી કર્યું તે તપ એ પહેલેથી કરી લેવા માગે છે; કેમ કે, જાગ્રતિ વિનાનું સમર્પણ નિરર્થક છે : અમૃતા પણ અનિકેતની જેમ કર્તવ્યપ્રબુદ્ધ છે. વરણી એ માત્ર અભિરુચિનો નહિ, નૈતિક કર્તવ્યબોધથી મિશ્રિત એવો પણ, પ્રશ્ન છે. કર્તવ્યબોધથી નિરપેક્ષ વરણી ગૌરવહીન છે. અમૃતાની આત્મનિર્ભરતા એના ચરિત્રનું રસબિન્દુ છે. એ કશો ઝડપી નિર્ણય નથી લેતી. અનિકેત-પ્રવેશથી જે પરિવર્તન આવ્યાં છે તેનો એ ઈનકાર પણ નથી કરતી. દાયિત્વનું પાલન કરવા જતાં આખું ભવિષ્ય તોળાઈ રહે એ એને ઈષ્ટ છે- કેમ કે કંઈયે કૃતક બનવું જોઈએ નહીં. અમૃતાનું આ લૉજિક વ્યવહારુ સમાજને સમાન્તર નથી. પોતાનું ભવિષ્ય પોતાની સ્વતન્ત્ર ઇચ્છાશક્તિને અધીન છે, એમાં સ્વજનોનો, ઉદયનનો કે ખુદ અનિકેતનોય હસ્તક્ષેપ ચલાવી લેવાય નહીં. આત્માની સ્વતન્ત્રતા રક્ષતાં અમૃતાની કરુણતા બેવડાતી જાય છે. સ્વાતન્ત્ર્ય-રક્ષા કેવી રીતે થાય? સ્વજનો અને ઉદયન-અનિકેત એવા બે છેડેથી એનું રક્ષણ કરવાનું છે. સ્વજનોની ‘છાયા’ છોડી દેવી- અમૃતા ગૃહત્યાગ કરે છે. પણ ‘છાયા’નો એટલે કે ઘરનો સ્થળ ત્યાગ કરવાથી સ્વાતન્ત્ર્ય રક્ષાય ખરું? આ સ્વાતન્ત્ર્ય સપાટી પરનું છે, અને એના અનુસંધાનમાં જ કહી શકાય કે ગૃહત્યાગ અને પુનરાગમન પણ એવાં જ તાલમેલિયાં છે, બિનજરૂરી પણ છે. ઉદયનથી સ્વાતન્ત્ર્ય રક્ષવા અમૃતાએ શું કર્યું? વધારામાં તો ઉદયને એને શરૂથી સ્વતન્ત્ર જ રાખી છે, ને રહેવા કહ્યા કર્યું છે. ઉદયન કશું પણ લાદતો નથી, એ એના સ્વભાવ વિરુદ્ધ છે. અનિકેતે કહ્યું કે બદલાઈ જવું એ જ એક માર્ગ છે. દ્વિધાગ્રસ્ત અમૃતા માટે વરણી દુષ્કર બની છે, આત્માના વિલાસમાં જ વિકલ્પો આકાર લે છે -ટુ બી ઓર નૉટ ટુ બી- ના દ્વન્દ્વમાં સપડાઈ જવાય છે. પોતાનામાં બળવાન નિર્ણયશક્તિનો અમૃતા જે અભાવ જુએ છે તેનો આ જ અર્થ છે, બદલાઈ જવા નિર્ણય કરવા પડે. બદલાઈ જવાની અને નહીં બદલાઈ જવાની દ્વિધામાં લગભગ અંત લગી અમૃતા સબડે છે. અંતે સ્વાતન્ત્ર્ય વિશેનો દૃષ્ટિકોણ જતો કરીને બદલાય છે. અનિકેતથી સ્વાતન્ત્ર્ય રક્ષવા એ કંઈ જ કરી શકી નથી. આ ભારતીય સમાજમાં ઉદયન કે અનિકેત જેટલા સ્વતન્ત્ર છે તેટલી અમૃતા નથી. આત્મવંચનાના પાયા પર ઊભેલા સમાજનાં સંતાન ઉદયન અને અનિકેત ગમે તેટલા બુદ્ધિવાદી હોય તોયે અમૃતાને સુન્દર નારીરૂપે જુએ છે. અમૃતા કહે છે તેમ ઉદયનના ઉમળકાઓમાં અને અનિકેતની સ્વસ્થતામાં જે ઉપસ્થિતિનો એને અનુભવ થાય છે તે એના નારીરૂપનું પરિણામ છે. પણ એ જ તો અમૃતાની બેચેની છે, એક મનુષ્ય તરીકેના સ્વાતન્ત્ર્યની સલામતી એમાં એને જોખમાતી લાગે છે. ઉદયનનો પ્રેમ પણ આ દૃષ્ટિએ એને ઉપયોગિતાપ્રેરિત અને આત્મવંચનાશ્રયી લાગે છે. પણ ‘આ’ અમૃતા અનિકેત પાસે નાની બની જાય છે, એ જ એના મનુષ્ય તરીકેના સ્વાતન્ત્ર્યની સૌન્દર્યમય નારીરૂપ આગળની હાર છે, જાગ્રતિ નહીં પણ મુગ્ધતા સ્વાતની બાધક છે એમ ઉદયનની સમજ સાચી પડતી લાગશે. નિરપેક્ષ અનિકેતની પ્રસન્નતા અમૃતાને ચંચલ કરી નાખવા ઉત્તેજે છે પણ અનિકેતની સ્થિરતા એવો કોઈ પ્રસંગ પડવા દે એમ નથી. અમૃતાને આ પરાભવ અકળાવે છે. અમૃતા સમતુલા ગુમાવીને ઉદયનને આવેશવશ કહી દે છે કે પોતે અનિકેતને અને અનિકેતને જ ચાહે છે. અનિકેત ભૂલ સમજાવવા જેવું, જેટલું, કરે છે પણ ખરો. પણ અમૃતાને હવે ધીરે ધીરે સ્વાતન્ત્ર્યની ધાર વાગવા લાગે છે; મારે સ્વાતન્ત્ર્ય નથી જોઈતું. સ્નેહ જોઈએ છે વગેરે એ પોકારે છે. છાયામાં પાછા ફરી શકાય તોયે હવે તો ત્યાં પણ આ જ અવકાશનો અનુભવ થાય. અનિકેત સૂચવે છે કે અવકાશ કોઈને આપી દેવો. સ્વાતન્ત્ર્યવિષયક જાગૃતિ અનિકેતના સાન્નિધ્યમાં જળવાઈ નથી. એવો પ્રશ્ન જ ઊઠ્યો નથી; કેમકે અનિકેત સામાની સ્વતન્ત્રતાનો હમેશાં વિચાર કરે છે. આનું નામ જ સ્નેહ છે, સ્નેહમાં સ્વતન્નતા સમાવિષ્ટ છે. ઉદયન સ્નેહને નહીં પણ વિચારને આગળ કરે છે. અમૃતાએ સ્વીકારી લીધું છે કે પોતાની અને પોતાની સંવિત્તિની વચ્ચે મુગ્ધતા રંગીન આવરણ બનીને બેઠી છે, ને એ પોતાની અપરિપકવતાને સૂચવે છે. તો, ‘વિચારવું’ જોઈએ. વિભાજનો અને આ બધા વિકલ્પોથી નહિ જિવાય. સમગ્રને પામવું શક્ય નથી એવો થાક વ્યકત કરીને અમૃતા વિરમે છે. પણ અનિર્ણયજનિત વિફળતા એને ઉદાસ બનાવી મૂકે છે. આમ સ્વાતન્ત્ર્યનું એ મૂલ્ય ચૂકવી રહી છે. પંચના વહોરી લે તો જુદી વાત- બાકી મૃત્યુ, આવી અર્થશૂન્યતાને નિસંગ અમૃતા જીરવી શકતી નથી, ને પ્રેમેય હવે તો વ્યતીતની વસ્તુ લાગવા માંડયો છે. પ્રેમીમાંથી પ્રેમ બનવું. આવા મંથનને અંતે એ ‘છાયા’માં પાછી ફરે છે.

આવાં પ્રતિભાવંત ત્રણ પાત્રો ને તેમનાં જીવનનો આ કોયડો પણ એવો જ પ્રતિભાવંત છે. પણ આગળ નિર્દૃશ્યું તેમ એના લેખક પાસે એક ‘તૈયાર’ ઉકેલ છે. અને એ તૈયાર ઉકેલના સંદર્ભમાં તેઓ જાતે અમૃતા, અનિકેત અને ઉદયનને ‘બદલે’ છે. ‘અમૃતા'માંની આ pre-determined વ્યવસ્થા સમગ્ર રચનામાં બનાવટનો એક કડવો સ્વાદ મૂકી ગઈ છે. કશું પણ ન બનવાનો સ્વાદ ચખાડવાનું લેખકે તાકયું જ નથી, એવા પ્રકારની tragedyમાં એમને રસ હોય એમ લાગતું નથી. પણ જે કંઈ બનતું-બદલાતું રજૂ કર્યું છે તેમાં પણ ન સહી શકાય તેવો પ્રયાસ અને કૃતકતા પડેલાં છે. અસ્તિત્વવાદ અને ભારતીય બૌદ્ધિકની પ્રવર્તમાન સમસ્યાના લેખકે સૂચવેલા આ ઉકેલ સાથે સમ્મત થવાનું તો દૂર રહ્યું- એ એક આગવી શોધ, ચર્ચાનો વિષય છે ને અત્રે અનભિપ્રેત છે- મુશ્કેલી આ ખુલ્લા દેખાતા આયાસતત્ત્વની છે. ભિલોડા જતાં પહેલાં ઉદયને નોકરીમુકત થઈ જવું જોઈએ, ને તેથી પૂના-મૈસુરનો સેમિનાર, પ્રવાસ, યોજવાં પડે. જેમાં, કેશકર્તનાલયમાં ચાલતી ચર્ચાના સ્તરની સેમિનારની કક્ષા હતી વગેરે કટાક્ષ કરી અમૃતાને સાથે ન લઈ જવાનું પણ થઈ શકે. આવતાં જાહેર કરી દેવાય કે નોકરી છોડી દીધી છે અને ડૉક્ટરોની સલાહ હોય કે સુક્કી હવાવાળા સ્થળે જવું જરૂરી છે – ‘ભિલોડાની હવા સુકી હોવી જોઈએ. તે ઉપરાંત એ મારું વતન છે’[4] જો કે ઉદયને અમૃતાને પોતાથી દૂર કરવા આ બધું ઉપજાવી કાઢ્યું હતું છતાં સ્પષ્ટ થશે કે લેખકે પણ ઉપજાવી કાઢ્યું જ છે. અમૃતાનું આ સ્થળનું ભોળપણ એના ચરિત્ર સાથે સંવાદી લાગતું નથી. એને રિઝર્વેશન-ટિકિટ લઈ આવવા જેવી ઉતાવળે લગાડી દેવાય છે; હવે એ સંકલ્પકૃતા છે, એની એક માસની રજા મંજૂર થવાની જ છે, અથવા રાજીનામુ મંજૂર થવાનું છે; ના ના કરતો ઉદયન – કે જેણે અમૃતાને ટાળવા સારો એવો ઉદ્યમ કરેલો- મોજાં-બૂટ અમૃતાને હાથે પહેરી લે છે; હાથથી પકડાઈને બારણા બહાર પણ આવી જાય છે ને ઊપડી જતી ગાડી ‘આ’ ઉતાવળ કરી એટલે પકડી શકાય છે. આમ સાંધો દેખાઈ આવે એવો આ તકલાદી પ્રસંગ છે. અહીં જે લૉજિક અપનાવાયું છે તે ચરિત્રોની પ્રતિભા જોતાં તેમનું નહિ પણ લેખકનું લાગે છે. કાર્યકારણનો ધૂળ ખુલાસાપ્રધાન પ્રપંચ અહીં ટકી શકતો નથી. ચિન્તનગર્ભ, પ્રખરબુદ્ધિ અને સમૃદ્ધ હૃદયવાળાં પાત્રોની વચમાં તે સ્થળ લાગે છે. કથાને વળાંક આપવાનો પ્રયાસ આમ વળાંક પાસે જ નબળો પડી ગયો છે, ઉઘાડો પડી ગયો છે. ‘અમૃતામાં ત્રીજા પાત્રની ગેરહાજરીમાં બે પાત્રોને અનેક વાર કસોટીએ ચઢાવવામાં આવ્યાં જણાશે. પણ આવે વખતે ત્રીજાની ગેરહાજરીનું કોઈ તદ્દન સાદું કારણ અપાય છે. અનિકેત ઉદયનને સમ્પૂર્ણ સ્વસ્થ થયેલો જોઈને જવા માગતો હતો.’[5] પણ એમ કરી શક્યો નહિ તેનું કારણ લેખકે આવું સમજાવ્યું છે : ‘એમ કરવા જતાં અમૃતા એક તરફ રહી જાય તેવો ભય જાગતો હતો, તેથી એ પોતાની લાગણીઓ વિશે નિર્દય બનીને ચાલ્યો ગયો.’[6] અનિકેતની આ નિર્દયતા લગભગ ‘નવી લાગશે ને એટલે અંશે એ લાદવામાં આવેલી છે. સંકલ્પકૃતા અમૃતાને સાંભળ્યા પછી એણે પોતાના કર્તવ્યની ધન્યતા અનુભવી લીધેલી છે, એની હમ્મેશની વ્યગ્રતા દૂર થઈ ગઈ છે, ઉપરાંત એ choiceless awareness -ના પ્રદેશમાં પ્રવેશ્યો છે. આવા અનિકેતને વળી અમૃતાવિષયક લાગણીઓ પ્રત્યે નિર્દય થવાનું બાકી રહ્યું હશે? ખરેખર તો અમૃતા-ઉદયનને માર્ગ કરી આપવાની આ એક ‘પૂર્વભૂમિકા’ જ છે. ઉદયનને ‘જીવનની માયા લગાડવાની આવશ્યકતા અનિકેતને મુંબઈ છોડતાં પહેલાં સારી રીતે પ્રતીત થઈ જ હતી. પણ જોધપુર ગયા બાદ એ રોષે ભરાય છે : ‘એણે મુંબઈ શા માટે છોડ્યું? ત્યાં ભિલોડામાં શું દાટયું છે? મેં પણ ભૂલ કરી. મારે એની સાથે જ રહેવું જોઈતું હતું. હું એને જીવનની માયા લગાડીને અહીં આવ્યો હોત તો વધુ સારું.’ આમ પાત્ર પોતે ભૂલ કરે ને ભૂલ એને પોતાને આપમેળે જ સમજાય! લેખક જ કથાને આગળ ચલાવવા આ બધું કરાવે છે. અનિકેત વળાંક લે છે... ‘અહીં રહીને પણ એ તો થઈ શકેઉદયનને શું લખવું? મારો ઉદેશ એ પકડી પાડશે તો?...તો હું એને ઉપયોગી થઈ શકું એમ નથી? લખી જોઉં....મારી આવડતની કસોટી કરી જોઉં...આજે જ ભિલોડા જવા ઊપડી જાઉં? કે પછી હીરોશીમા લખેલા પત્રના ઉત્તરની રાહ જોઉં? એક બે દિવસ રાહ જોઉ પરિસ્થિતિવશ ચરિત્રનું આ કોઈ મનોમંથન નથી. આ તો દેખીતી રીતનો લેખકનો દોરીસંચાર છે, પાત્ર પરનું નિયંત્રણ છે. પર્યુત્સુક અમૃતા અને ઉદાસીન ઉદયન વચ્ચેનો સંઘર્ષ નિરૂપવા અનિકેતને દૂર કરવો જરૂરી હતો, ને ભિલોડા જેવા સ્થળે જ એનું ‘ઔચિત્ય’ હતું તેથી આ બીજો સાંધો –અનિકેતની અપ્રતીતિકર exit. કથામાં આમ જ્યાં જ્યાં પાત્રોને નેપથ્યમાં પાછાં જવું પડે છે, લેખકનાં બોલાવ્યાં, ત્યારે આમ રસવિક્ષેપ થાય છે. માનસિક સંઘર્ષ જ સૂક્ષ્મ, પણ ત્રણેની ભૌતિક હાજરીમાં એની તીવ્રતા વધી જઈ શકે એય એટલું જ સાચું છે. સાગરમાં નૌકાવિહાર, પાલીતાણામાં અનિકેતને ત્યાં, બાલારામમાં નદીકિનારે એ ત્રણ ઘટનાઓ અને તે તેની તસુતસુમાં રહેલી વીગતોથી નિષ્પન્ન થતો, તીવ્ર થતો આવો સંઘર્ષ આના સમર્થનમાં સરખાવી જોવા જેવો છે. નૌકાવિહારનો આખો પ્રસંગ ને તે દરમ્યાનનાં બધાં જ સંવાદ-વર્ણનો ‘અમૃતા’ના કેન્દ્રસ્થ સંઘર્ષને પ્રતીકાત્મક રીતે પૂરી સંકુલતાથી અને નિબિડતાથી વ્યક્ત કરે છે. પણ આ કલાતત્ત્વનો બધે નિર્વાહ કરી શકાયો નથી. ઉદયન, અનિકેત અને અમૃતા ત્રણેય બદલાઈ જાય છે, અથવા કહો કે એઓને બદલી નાખવામાં આવે છે. આવા પ્રખર, બુદ્ધિવાદીઓનાં પરિવર્તન- વિચારો માન્યતાઓ જીવન જગત વગેરેના અભિગમમાં પરિવર્તન- આવે છે ત્યારે એનું ઉચ્ચાલક બળ નાનુંસૂનું નથી હોતું. જાપાનમાં, પરમાણુ વિશે વિચારતાં ઉદયનને પોતાની ઈશ્વર વિશેની ધારણામાં વહેમ પડેલો ને એ ઈશ્વર વિશે સંશયી બનેલો[7] બાદ, પોતાને આપવામાં આવેલા લોહીમાં અનેકના હૃદય-ધબકાર અનુભવતો ઉદયન તારણ પર આવે છે કે આ સૃષ્ટિમાં જે કંઈ છે તે બધું પરસ્પર સંકળાયેલું છે એમ કહેનાર અનિકેત સાચો નીકળ્યો... આ વસ્તુ નવા નવા અર્થો આપે છે અને એ બધા અર્થ અસ્તિવાચક છે.[8] ઉદયન જેવા લાવાની મુઠ્ઠી ભરી દાઝવાના જ ભૂખ્યા જીવો તો ભારે હઠાગ્રહી હોય છે. ઉદયનમાં અસ્તિમૂલક વલણોના સંચારનું કારણભૂત કયું chemical છે અહીં? માત્ર આ વિચારો? એની કરુણ હાલત દરમ્યાનની ગતિશૂન્યતા? પૂર્વઉદયનની સામે બેસવા જેટલું વજન આ વાતમાં નથી. અનિકેત પણ ઉદયનની માન્યતા આમ જ સ્વીકારી લેતાં કહે છે કે, ‘being અને becoming... એ બેમાં... હોવું પર્યાપ્ત છે, સ્વયં સમ્પૂર્ણ છે.’[9] પરિવર્તન પછીની આ વાતો, આગળની દૃઢ માન્યતાઓની conviction-ની કોટિની નહિ, પણ beliefની કોટિની છે. ઉદયન સમ્પૂર્ણપણે બદલાઈ જતો નથી. ભિલોડાના પ્રસંગો એના આગલા વ્યક્તિત્વને સુન્દર રીતે સ્ફુટ કરે છે, એ વ્યક્તિત્વનો પ્રકર્ષ અનુભવાય છે; ને તેથી, લેખકે એની પાસે આવો સ્વીકાર શા સારુ કરાવ્યો હશે તે પ્રશ્ન છે -જોકે પેલા હાથવગા ઉકેલને અભિનિવેશપૂર્વક પીરસવા જતાં જ આ બન્યું છે. સ્વાતન્ત્ર્ય નામના તત્ત્વની કસોટીએ ચઢવા ને એનો તાગ મેળવવા વગેરેના practical માટે અમૃતાનું અમુક વખત સુધી છાયા' (જે અર્ધમૃત ભારતીય સમાજનું પ્રતીક છે) છોડીને જવું ને વળી બધું પતી જતાં, results મળી જતાં, ‘છાયા' નામના આશરામાં પાછા આવી જવું એ અમૃતા નામના ‘પાત્ર’નું વર્તન લાગે છે, કોઈ વિદુષી નારીનું નહીં. એવું જ સમર્પણની સરાણે ચઢેલી અમૃતા સાથે કોઈ ને કોઈ રીતે ઉદયને મુંબઈ છોડી ભિલોડા જેવા સ્થળે જવું સાવ અનિવાર્ય કહેવાય ખરું એ પ્રશ્નને પડતો મૂકીએ તોય એ દરમ્યાનના ગાળાનું અનિકેતનું સ્વૈચ્છિક exit ખેંચે એવું છે. અનિકેતની જિપ ગમે તેટલી ઝડપી દોડે તોય લેખકના મુકરર સમયે જ એ પહોંચે એવું બનાવટી છે. નવલકથામાં સમય આટલી કૃત્રિમતાએ દોડી શકે ખરો? હીરોશીમા ગયા વિના ઉદયન અનિકેત સાથે હાથ મિલાવી શકત પણ તો પછી લ્યુકેમિયા અને તદનુસારી ઘટનાઓના પરિણામરૂપ એનું હૃદયરિવર્તન કેવી રીતે શક્ય બનત એવા પ્રશ્નથી વાચકને મન મનાવવું પડે છે. આમ ભાવકનો સમગ્ર અનુભવ અહીં practical નીરખ્યાનો છે. માફકસરનું ઉમેરણ-ઘટાડણ, માપેલું વિજ્ઞાન, on table છે ને તેથી પરિણામ સુખદ જ આવશે એવી એક ભ્રમણા બંધાય છે. એ ભ્રમણા એવી આછકલી છે કે વાચકના બંડનો સામનો કરી શકતી નથી. ને તેથી છેતરાયા, બનાવટ છે, એવો અનુભવ થાય છે. ‘અમૃતા’નું આ form આમ કૃતક છે. અને તેથી આવો માતબર વિષય હોવા છતાં, નવલકથાની કોઈ creative ગુંજાશનો લેખક કસ કાઢી ગયા છે, એમ લાગતું નથી.

*

આ પ્રકારની ચિન્તનાત્મક નવલકથાઓને માથે debateની પ્રાસંગિકતામાં પુરાઈ જવાનો ભય સતત તોળાતો હોય છે. અહીં કેન્દ્રમાં સ્થૂળ કાર્ય જેવું કશું હોતું નથી, તેથી જ પાત્રોની માનસસૃષ્ટિને પૂરી સંકુલતાસમેત આકારિત કરવામાં સર્જકપ્રતિભાને એક ભારે પડકાર ઝીલી લેવાનો હોય છે. ‘અમૃતા'માં લેખકે કંઈક દ્વિધા અનુભવી છે? તેઓ એક તરફથી, સ્થૂળ ઘટનાપટીયસીનો ‘આનન્દ’ જતો કરી શકતા નથી; અને બીજી તરફથી માનસમૃષ્ટિને મૂર્ત કરવા જે કંઈ નવ્ય કલારૂપની દિશામાં સર્જકતાને ઢંઢોળવાનું કરવું પડે તે સાહસ પ્રત્યે કુણ્ઠિત છે. આ દ્વિધા ઘટનાઓનાં બાહ્ય પરિમાણોને તકલાદી બનાવે છે ને સૂક્ષ્મ આંતર્ઘટનાઓને પૂરા અવકાશે અવતરવા દેતી નથી. અને એક બે સ્થળે પાત્રના ચૈતસિક સંઘર્ષની જે ખરેખરી પળો અનુભવવા મળે છે તે સાર્વત્રિક રીતે બનતું નથી. આ સંદર્ભમાં ભિલોડામાં ઉદયનને અમૃતા-સમેતનું બધું છલનામય લાગે છે એ નિર્ભાન્તિ- જેમાં એ ગતિશૂન્યતાનો અનુભવ કરે છે, તે નોંધપાત્ર છે, એના જીવ્યાની એ ફલશ્રુતિ છે. એમાંથી છૂટવાના છેલ્લા ઉપાય તરીકે એણે કરેલો આત્મઘાતનો પ્રયાસ વગેરે નિરૂપણ આસ્વાદ્ય છે. આવું જ નોંધપાત્ર નિરૂપણ અમૃતાની અસ્તિત્વની નિરર્થકતા ભરી દેવાની કોશિશનું છે. ભિલોડાની અમૃતાનો motive શો છે? વિચ્છેદાઈ રહેલા ઉદયનની શૂન્યતામાં પોતાની જિન્દગી ઉમેરીને અમૃતા પોતાના ખાલીપણાને ભરી દેવા માગે છે. એના મૌગ્ધ્યને ઉદયને પ્રહાર્યું તેથી પ્રાપ્ત થયેલી જાગ્રતિએ પ્રતીત કરાવેલા વૈફલ્યને અમૃતા વિદારવા માગે છે. પોતે હવે અધીર પર્યુત્સુક છે, સમગ્રને હોડમાં મૂકવા સજ્જ થઈને આવી છે. આ હોડમાં મૂકવાની વાતમાં જ એની હાર છે. એના જ શબ્દો એની ઉદયન સાથેની દૂરતા છતી કરે છે. આ અંતર કેવી રીતે પુરાય? અમૃતાનો એ માટેનો પુરુષાર્થ –ફાનસ સાફ કરતી વગેરે અમૃતાનો ઉદ્યોગ- એની ભારે કરુણતા છે. અહીં સમ્ભોગ-શૃંગારનાં ઉદ્દીપનની મોહક ભરમાર છે છતાં આલમ્બન જ હાથ આવતું નથી પછી નિષ્પન્ન તો શું થાય? લેખકે આ તસુ બે તસુના અંતરને, ખરેખર તો જોજનોના અંતરને અને એમાં વસેલી રિક્તતાને સુન્દર ઉઠાવ આપ્યો છે. આ કરુણ આપણા ચીલાચાલુ રસથી જુદો પડતો નવો જ રસ છે. એના સ્વાદમાં યુગચેતનાની કટુતા છે. એ કટુતા ‘અમૃતા'માં સાદ્યત, કલાત્મક ભૂમિકાએ, સ્ફુરાવી શકાઈ હોત તો? તો ‘અમૃતા’ આ દાયકાની અદ્વિતીય કલાકૃતિ બની હોત.***
  1. જુઓ ‘સામ્પ્રત સાહિત્ય', ધીરુભાઈ ઠાકર, પૃ. ૨૭૦
  2. ‘અમૃતા', ૧૯૬પની આવૃત્તિ, પૃ. ૫૬
  3. એજન, પૃ. ૧૧ર
  4. એજન, પૃ. ૪૧૩
  5. એજન, પૃ. ૪૪૯
  6. એજન, પૃ. ૪૪૯
  7. એજન, પૃ. ૩૭૫,
  8. એજન, પૃ. ૩૯૧
  9. એજન, પૃ. ૩૯૬