ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો/કોણ?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લાભશંકર ઠાકર

૫. કોણ?-ના વિનાયકની સભાનતા-સિદ્ધિ કોણ?- નો નાયક, વિનાયક, એક અમસ્તી ભ્રમણામાંથી પ્રેરણા મેળવી સભાનતાના, જાગ્રતિના, સરિયામ નહિ એવા એક અક્ષુણ્ણ માર્ગનો પ્રવાસી બની જાય છે; નિર્ભ્રાંન્ત થઈને જીવનમુક્ત થાય છે. સાંસારિક જથાઓની જાળ, એ ક્રમશ: કાપતો જાય છે, બધું સભાનતાની ધારાથી છેદાતું જાય છે- ને વિનાયક, અંતે, સાવ હલકો, નિષ્ક્લેશ, સુખદુઃખાદિથી નિર્લિપ્ત, મુક્ત, આત્મલીન સ્થિતિના આનન્દની પ્રસન્નતા સાથે કયાં જતો રહે છે -જતો રહ્યો હશે?– એવા પ્રશ્નમાં એ અને એની કથા સમાપન પામે છે. લાભશંકરની આ રચના વિનાયકના સભાનતા-પ્રયોગની સિદ્ધિનું કલાત્મક રીતે થયેલું બયાન છે. વ્યક્તિજીવનમાંના આ પ્રયોગની સાથોસાથ, માનવ-જીવનની પોલી બોબડી ઉપલક માયાઓનું, લાગણીઓ, ભાવનાઓ, આદર્શો, મૂલ્યો અને પ્રણાલિકાઓનું નૅગેટિવ લાગતું પણ વાસ્તવમાં સમ્યક્ રૂપ ખોલી બતાવવામાં આવ્યું છે. આવરણો મૃત્યુભય અને ભયનાં વિવિધ રૂપોથી રસાયા કરે છે, રચાયા કરે છે, ને મનુષ્ય એમાં ફસાતો જ રહે છે, એવા જ્ઞાનથી પ્રેરાતો વિનાયક સંસ્કૃતિ, સભ્યતા અને સમાજનાં બધાં જ માળખાં ઉલાળી-ફગાવીને વિ-ગતિની દિશામાં ચિર કાળનો પ્રવાસી બની જાય છે. કરમાઈને ખરી પડેલા ફૂલ જેવો જીવનવિલય એ એનું સાધ્ય છે, ને, એ સાધના કાજે જોઈતી બધી જ સજ્જતાને વિશે વિનાયક સભાનથી સભાન થતો જાય છે. ઠેસ વાગી જેનાથી, તે ઘટના તો ખોટ્ટી, ભ્રમણા, પુરવાઈ થઈ, પણ આમ જીવન-ઉદ્ધારક બની ગઈ... નાનપણથી જ, કંઈક આવા ત્યાગને અનૂકુળની પ્રકૃતિ ધરાવતા વિનાયક[1] માટે સાચ્ચા મોટ્ટા આઘાતની જરૂર ન હોય એવું લેખકે માન્યું હશે, અને તેથી ‘ભ્રામક ઘટના’થી૨ ચલાવી લીધું છે.

*

એ ભ્રામક ઘટના, ઠેસરૂપ બનાવ, તે આ : વિનાયક એક દિવસ પત્ની કેતકીને પડોશના યુવાનના સ્કૂટર પર પાછળ સાથે બેસી જતી જુએ છે. આ બેવફાઈનાં દર્શનથી આઘાત પામી ‘ભ્રામક પ્રેમજીવન’ને ફગાવી દેવા તત્પર થાય છે, વિનાયકને આત્મહત્યાના આવેશપૂર્ણ વિચારો આવે છે. નાયકના આ ‘તાત્કાલિક પ્રતિભાવો’, રાધેશ્યામ શર્માને વિનાયકની ‘અસ્થિરતા અને ઊર્મિઘેરી મૉર્બિડિટી' છતી કરી આપનારા લાગ્યા છે.[2] પણ એવું કેવી રીતે માની શકાય? અલબત્ત એમાં અતિશયતા અને નિરૂપણમાં ઉતાવળ અવશ્ય છે, પણ એને ‘મૉર્બિડિટી’ કહી શકાશે નહિ. વિનાયક તુરત જ પોતાના આત્મનાશના વિચારને પ્રશ્નાવે છે : ‘મારાં તમામ સુખો ચગદીને હું આત્મનાશ કરું? કારણ કે કેતકી બેવફા નીવડી? એ તો જીવનભર આનંદપ્રમોદ કરશે.’[3] ને પછી વિચારદાબ ધીમેથી ઊઠી જાય છે.. કથાને આવશ્યક એવા ચિંતન તરફ વિનાયક વળે છેમાણસની આ સંસારલીલાનું પ્રયોજન શું?... આજ સુધી માણસે ભાવનાને પોષી છે, પ્રેમ કર્યો છે, પ્રેમને ચગાવ્યો છે, એની પાછળ અનંત શબ્દો ખરચી નાખ્યા છે... આ બધું ગાંડપણ હશે? ભાવના, વિચાર, પ્રણયની અભિલાષા આ પણ માણસના જ અંશો છે ને?' ને પછી આવેશ આ રીતે શમી જાય છે : ‘માણસ ભાવનાઓને ચાહે છે. વર્ષોથી ચાહે છે. એને જીવનમાં ઉતારવા ઝંખે છે. એ ન જ ઊતરી શકે એમ માની લેવું બરાબર નથી. ઈસુ અને બુદ્ધનાં ઉદાહરણોમાં કંઈક તો તથ્ય હશે જ હશે.’[4] બીજે દિવસે સ્ફોટ થાય છે કે સ્કૂટર પર કેતકી નહિ પણ એની બેન છાયા હતી- કેતકીની જ પિન્ક રંગની સાડી પહેરેલી છાયાએ, તેથી ભ્રમ થયેલો હોવાની આ ‘ભૂલથાપ’ વિશે વિનાયક કેતકીને એક નાનું સરખું ભાષણ સંભળાવે છે : ‘હા કેતુ! મેં પણ ભૂલથાપ ખાધી છે. ઘણી મોટી ભૂલથાપ ખાધી છે. આ જીવન વિશેની સમજ એમની એમ જેમણે જેવી આપી દીધી તેવી ને તેવી સ્વીકારી લીધી છે. એ વિશે ક્યારેક મૂળમાં ઊતરીને વિચાર્યું નથી. મેં તને ખૂબ અન્યાય કર્યો છે, કેતુ. એથીયે વિશેષ મેં મારી જાતને અન્યાય કર્યો છે. આપણે કશું વિચારતાં નથી. આપણે માત્ર જીવીએ છીએ. આપણો પ્રેમ, ધિક્કાર, શોક, ઉત્સવ, ગ્લાનિ, હર્ષ, અરમાન, ઉસૂલ આ બધાંના મૂળમાં કોઈ સમજ નથી. બધું પરંપરાથી વાંચી-સાંભળીને જે ને તે સ્વરૂપે સ્વીકારી લીધું છે. એ સ્વરૂપે જ બધું ચાલે છે...[5] જમીને સૂતા પછી પણ વિનાયકના મનમાં મોટી ઊથલપાથલ થાય છે : ‘કંઈક બનાવટ થઈ ગઈ છે પોતાની -ઘણા લાંબા સમયથી ચાલે છે આ બનાવટ. પોતે એ બાબતમાં જાણે સભાન જ નહોતો. આજે બરાબરનો તમાચો વાગ્યો છે. આ ભાવનાઓ, ઈચ્છાઓ, હર્ષ-શોકો, આ જીવન- એનું ઘૂમરાતું વહેણ ધસી રહ્યાં છે. હું પણ એમાં ઘસડાઈ રહ્યો છું.’ પછી વિનાયક જીવન-પરિવર્તન માટેનો સંકલ્પ કરતો હોય એમ બોલે છે, પણ હવે જરા અલગ થવાનો પ્રયત્ન કરવો છે. કેવળ લાગણીને વશ થવું નથી. કેવળ પરંપરા પ્રમાણે ચાલવું નથી, ડરવું નથી, ઘેલા થવું નથી. જાણવું છે અને અનુભવવું છે. જાણ્યા વગર અનુભવવું નથી. જાતને છેતરવી નથી. આ ભ્રામક ઘટનાએ મને ઘણુંબધું બળ આપ્યું છે. મને સભાન કર્યો છે.’[6] લેખકે આમ પહેલાં બે પ્રકરણમાં, વિનાયકનો પરિવર્તન-સંકલ્પ અને પોતાની રચનામાંના પ્રમેયની પ્રતિજ્ઞા એવાં બેવડાં વાનાં સિદ્ધ કરી લીધાં છે. પાયાનો આ પ્રસંગ વિનાયકના સભાનતા -વિકાસનો ભાર ઝીલે તેવો જ નથી’ ‘એ સાચું છે, અને એ પણ સાચું છે કે સભાનતા- ટકે એવી સંભાનતા- પ્રેરે એવી કશી તાકાત પણ એમાં નથી-છતાં એને એક device ગણી લઈ શકાય. લેખક આવું પ્રારમ્ભબિન્દુ ઘૂંટ્યા પછી કેવા વિસ્તરે છે તેને જ રસનો અને અભ્યાસનો વિષય ગણી લઈ શકાય.

*

‘કોણ?’ -નું દેખીતું સુખ એ છે કે આખી રચના પોતાના ધ્યેય પ્રતિ સડસડાટ તીર વેગે ધપે છે, એમાં ક્યાંયે ગાંડા કે વિઘ્નો કે બિનજરૂરી રોકાણો નથી. આખી રચના well-knitted વસ્ત્ર જેવી છે. એના પોતની કુમાશ અને મજબૂતી વિનાયકના ‘વિચારમય અસ્તિત્વ’ના આલેખનને પામવાથી પરખાય છે. વિનાયકનું સભાને થતું જતું ચિત્ત, અને એ ચિત્તમાં જાગતા રહેતા પ્રશ્નો અને અપાતા રહેતા ઉત્તરોની આવલિઓ આ રચનાનું હાડ છે. એ વિચાર-ચિંતન-જગતમાં લેવાતા સંકલ્પો અને નિશ્ચયો પ્રમાણે વર્તતો વિનાયક, પૂર્વકાળના વિનાયકથી જુદો ને જુદો પડતો આવે છે. એના સમગ્ર બાહ્ય વર્તનમાં એક સાચુકલાઈ, સન્નિષ્ઠા, પ્રામાણિકતા અને નિરાંબર ફનાગીરી વરતાય છે તે ગમે તેવાં છે. સામાન્ય જનથી વિનાયકની છબિ નોખી ને નોખી જ ઘડાય છે, એના ત્યાગ અને વૈરાગ્ય પાછળ કોઈ પરમ્પરાગત પ્રકારની ધર્મપ્રબુદ્ધ જાગ્રતિનું પરિબળ નથી કે નથી એનું પરિબળ જીવનસંગ્રામથી હારેલાની પલાયનવૃત્તિ. એ જીવનપ્રપંચમાંથી ઊઠી જવા મથે છે તે એક વૈયક્તિક આગવી સમજથી, જાગેલી નિત્યપ્રોજ્લ સભાનતાથી. સભાન થવાનું મૂલ્ય ચૂકવવું છે એ વિનાયકની પસંદગી છે. વિનાયકમાં આવી મૌલિક સભાનતા ક્યારે, કેમ ઊગી તેનાં કારણોની ભોંય ભલે દોદળી હોય, છતાં પસંદગી પ્રમાણે સુકાન બદલવાનો -ને બદલ્યા કરવાનો- એનો પુરુષાર્થ અહીં વ્યવસ્થિત રીતે આલેખાયો છે. જીવન-કલહને ઉલેચવા, જોઈતાં હામ શૌર્ય કુનેહનો વિનાયકમાં અભાવ નથી, બલકે ભાવ હોવાને લીધે જ, સમ્બન્ધની જે આ જાળ ફેલાઈ છે તેમાં, પ્રવૃત્તિઓની જે આ છલના પથરાઈ છે તેમાં, ભાવ લાગણી મૂલ્યો આદિના રક્ષા-વર્ધનની- જે જૂઠી તરાહો અને રસમો રચાઈ છે તેમાં, એ, વચનાનાં -આત્મવંચનાનાં અને પરસ્પરવચનાનાં દર્શન કરે છે. મૃત્યુ અને તેની ભીતિથી રચાયેલી આ જીવન-ભાતમાં સુખદુ:ખ વગેરે દ્વન્દ્વોના બુટ્ટા ઊપસે, ભૌતિક સંપત્તિ સરજાય ને એ બધાં પાછળ એક અભાન દોડ ચાલ્યા કરે એ મનુષ્ય-ગતિવિધિનો વિનાયકે બહિષ્કાર આદર્યો છે – વિનાયકનો વિદ્રોહ બાહ્યને વિશે દેખાય છે, તેટલો તો ઠીક પણ વધારે તો આંતરને વિશે, આત્મને વિશે છે. વિનાયક પોતામાંથી જ પોતાને બળે પોતાને જોખમે પોતાની બુદ્ધિરીતિથી નવવિનાયકને જન્મ આપવા ચાહે છે. એની આ ચાહનાને સિદ્ધ કરવામાં વિનાયકને સફળ બતાવીને એમાં જ પોતાની સફળતાનો સંતોષ લેખકે લીધો છે. સ્કૂટરવાળા પ્રસંગ પછી જીવનની ભાગદોડને વિનાયકે જાણે કાંડેથી ઝાલી લીધી છે ને હવે એક પછી એક, પોતાની જાળના ભાગ એ કાપતો જાય છે. સુરક્ષા સાચવણી સલામતી અને ભાવિની ચિંતાઓમાંથી ઊભી થતી જીવનપદ્ધતિઓમાંથી નીકળી જવા વિનાયક સૌપ્રથમ નોકરી છોડે છે. ઊંઘવાનો આનંદ લેવા અને ટેવજડતામાંથી જાગતા કંટાળાને હડસેલવા એ રજાચિઠ્ઠી વગર ગેરહાજર રહે છે. શંભુનો પ્રસંગ પ્રેરક બને છે ને વિનાયક રાજીનામું આપી દે છે. એના સાહેબ કે કેતકીનાં સ્વજનો કે વિનાયકના મિત્રો આમાં અંતરાયરૂપ બની શકતાં નથી, કે નથી વિનાયકને વારવામાં સફળ થતાં. કેતકીનો, વિનાયક ત્યાગ નથી કરતો, એના ભરણપોષણની જવાબદારી સ્વીકારીને, સ્વેચ્છાએ કેતકી આ સમજ પોતામાં ફૂટવા દે, એ ય પોતાની જેમ સભાન બને, એમ ઇચ્છે છે. જો કે એ વિશે વિનાયક કશો અભિનિવેશપૂર્ણ વર્તાવ આરંભતો નથી. એ નિતાંત વ્યક્તિવાદી છે ને હવે તો સ્વયંકેન્દ્રિત જ છે. નોકરીની સાથે જ એ ગામ છોડે છે, સમ્બન્ધો છોડે છે- બળદેવ સાથેની મૈત્રી પણ શૈશવની મૃતિસદૃશ, નામની જ, રાખે છે. કોઈની પણ મદદ ન લેવી એવા એના નિર્ધાર પછી કેતકીની ધીરજ ખૂટી જાય છે, ઘડો લઈને વિનાયકને પાણી ભરવા જતો જોઈ શકે એવો એનો કોઈ વિકાસ થયો હોતો નથી. ગામડે સાથે ગયેલી કેતકી વિનાયકના ચૈતસિક વિકાસ સાથે તાલ મિલાવી શકી નથી એટલે એ પણ છૂટે છે. સહવાસ દરમ્યાન સર્વ વાસનાઓમાં મૂળરૂપ કામને પણ વિનાયકે તિલાંજલિ આપેલી છે. એ માટે કેતકીને એ સમજાવી શકયો છે અથવા કેતકી એ માગને ઉગ્ર રૂપે પોતે અનુભવતી નથી અથવા અનુભવે છે તો અભિવ્યકત નથી કરતી. નિરંજનનો વાર્તાપ્રવેશ આ બધાં નિર્ણાયક પરિણામોમાં પ્રેરક, મદદગાર બની જાય છે. ને વિનાયકને નસીબે, કેતકી પછી, ઘરમાં ચોરી થતાં જથાઓની ઈતિ આવી જાય છે- જંજાળ બધી આમ ટળે છે. અંતે વિનાયકનો સભાનતા-પ્રયોગ એને કુટીરનો સાધુ બનાવે છે, ને માયા વધવાની બીકે કદાચ, છેવટે એ ‘ક્યાં’ જતો રહે છે. ગાંડી છોકરીનો સંગાથ થતાં એના આદર્શની ચરિતાર્થતાનું દર્પણ ધરાતું લાગે છે,[7] ને વચમાં સનત્કુમાર[8] અને નચિકેતાનાં[9] નિદર્શનોથી આદર્શ દઢીકરણ પામે છે, સમર્થન પામે છે. પણ આ પ્રપંચમુક્તિ તે મોક્ષ છે? સનસ્કુમારના જેવી આત્મલીન સ્થિતિ તે આ છે? વિનાયક. આ નવલમાં તો બધું છોડતો જ બતાવાયો છે, છોડીને શું પામ્યો તેનું અહીં વર્ણન નથી. સભાનતાના સાધનનું સાધ્ય શું? એ પ્રશ્નનો ઉત્તર ‘કોણ?’માં નથી. લેખક અને વિનાયક બે ય માટે સભાનતા પોતે જ આનન્દ છે – સભાનતાની જ્યોતમાં સ્થિર ટકી રહેવું ને એમ વિલય પામવો એ માટેનું એનું પ્રમાણ છે, પ્રયાણ પોતે જ પ્રાપ્તિ છે. એ પ્રાપ્તિ કશાના બદલારૂપે વાંછી જ નથી- એમાં તો અસ્તિત્વને અસ્તિત્વમાં જ વિલીન કરવાનું છે. ભ્રાન્તિથી નિર્ભ્રાન્તિ સાધવી ને પછી તો નિર્ભ્રાન્તિથી નિર્ભ્રાન્તિ કપાઈ છેદાઈ જતાં શૂન્ય અથવા પૂર્ણમાં સમરસ થઈ જવું એવી ઉત્ક્રાન્તિપરાયણ સભાનતા તે ‘કોણ?'-ના વિનાયકની સભાનતા છે. અહીં એ સભાનતા અમુક હદ સુધી સધાઈ છે એમ નક્કી કરી બતાવ્યું છે. આખી રચનામાં પ્રશ્ન, આત્માના દૃષ્ટાપણાના ખ્યાલમાં ઊકલી જાય છે. સાક્ષીરૂપ ચેતનાની આ વિભાવના, જિજ્ઞાસા માત્ર કોને થાય છે; લાગણી, ભાવ, સુખદુ:ખ કોને થાય છે, એમ જાતને જ પૂછવાથી મળનારા ‘કોણ?’ –ના સ્વરૂપનિર્દેશની દિશા આ રચનામાં વધારે સ્ફુટ થઈ છે. રમણ મહર્ષિમાં૧ર આ પદ્ધતિનું અનુસન્ધાન મળી આવે, કે આ પદ્ધતિ મહર્ષિની પદ્ધતિનો પડઘો હોય, તો પણ વિનાયકે એ અજમાવવા જેટલી મથામણ વેઠવાનું મૂલ્ય તો ચૂકવેલું જ છે. એના ઉત્તરો સાવ ‘રેડીમેડ ગણી કાઢી શકાય નહિ. આમ તો, સભાનતાના વિકાસ દરમ્યાન વિનાયકની દૃષ્ટિમાં આધુનિક જીવનદૃષ્ટિની વેધકતા જોવા મળે છે, પરમ્પરા અને ચાલ્યાં આવતાં મૂલ્યોને ન સ્વીકારવાની એની જિદ્દ પાછળ અસ્તિત્વવાદી પ્રકારની જલદતા છે, છતાં, અંતે એ ભારતીય દર્શનોમાં જોવા મળતી ત્યાગ અને આત્મવિલયની દિશામાં ફંટાઈ જાય છે. તેમ છતાં પણ લેખકે નવલમાં ચિંતનદૃષ્ટિઓને વિનાયકની મૌલિક હોય તેવી રીતે મૂકવાનો સફળ પ્રયાસ કર્યો છે. નવલનો આખો દોર એના ચિત્તમાં પ્રારંભથી જ મૂકાતાં અને પછી એના જ ચિત્તમાં ગૂંચવાતાં, વિચારની, દર્શનની, authenticityનો કે લેખકના એ સાથેના તાટસ્થ્યનો પ્રશ્ન ઝાઝા વજૂદનો રહેતો નથી. વિનાયકે પોતે જ પોતાના પ્રશ્નને શકય તેટલી દલીલો અને પ્રતિપ્રશ્નોથી પ્રતીતિકર બનાવવાનો પ્રયાસ કર્યો છે, પોતાના વર્તનને ન્યાય્ય ઠરાવવા પણ વૈયક્તિક ભૂમિકાએથી સંગીન ખુલાસાઓ આપેલા છે. એને લાધેલા દર્શન વિશે વર્ણન કરવાથી વિશેષનું કશું કહેવાનું એને ભાગે આવ્યું નથી. પણ સાક્ષીરૂપતા કે તાટસ્થ્ય કેળવી આપનારી સભાનતાની ચિનગારી જલાવનારો પ્રશ્ન- કોને થાય છે?'- પૂછવો એ એના શિષ્યને એનો સંદેશ છે...

પણ ‘કોણ?’ –નો આ તીર વેગી વિકાસ એક-રેખ છે, બધી લીલા લેખકે બાંધેલી લક્ષ્મણરેખામાં જ કરવાની છે. ખરી વાત તો એ કોણ?-ના વિનાયકની સભાનતા-સિદ્ધિ છે કે સભાનતાની આ સાધનામાં વિનાયક કશી રોકટોક કે કસોટી-પરીક્ષાનો ત્રાસ વેઠયા વિના જીતી ગયો છે. આખી રચનામાં લેખક કલાકીય આકારમાં જે thesis આલેખવા મથ્યા છે તેના anti-thesisની અને એના કલાકીય મૂર્ત રૂપની અહીં ગેરહાજરી છે. નોકરી, પત્ની, મિત્રો કે ઘર અવરોધો છે, પણ ત્યાં એવી નક્કર વ્યક્તિઓ નથી, એવી કસોટીરૂપ ઘટનાઓ નથી, જે વિનાયકને પડકારે, એના વિચારજન્ય વર્તનમાં અવરોધો ઊભા કરે ને આખા પ્રશ્નને એની સર્વાગ સંકુલતાસમેત પ્રગટવા દે. ‘કોણ?’ –ની સમગ્ર છાપ આમ એક flat રચનાની પડે છે. એમાં બીજાં તુલ્યબળ પરિમાણો ઊભાં થતાં જન્મતી વિરોધશીલ સંવાદિતાનું સૌન્દર્ય લેખક જન્માવી શક્યા નથી. કેતકી જે આ રચનાની નાયિકા થવાને પાત્ર છે તે માત્ર ‘પાત્ર’ બની રહી છે, એના કરતાં તો નિરંજન કે ગાંડી છોકરીનાં ગૌણ પાત્રો વધારે જીવંત લાગે છે. સભાનતાની વિભાવનાનુસાર નોકરી આદિ છોડી ગામડે આવતાં પણ, વિનાયકને ઘણી વાર લાગે છે – ત્યાં લગી રચનામાં જાણે સમય વ્યય કરનારો તાલમેલ રચાય છે. વિનાયકના વિચારજગતના ઉદ્રેકોનું જે કંઈ છે તે આશ્વાસન ત્યાં છે. ઝોલ મારી ગયેલો રચનાપતંગ જ્યારે બરાબર સરખી રીતે લેખકના હાથમાં આવે છે ત્યારે એને એમણે સર્વાંગ ખીલવ્યો કે ચગાવ્યો નથી. કેતકી અને વિનાયક નવા ઘરમાં વિચાર અને કર્મનો લયસંવાદ સાધવા મથતાં હોય ત્યારે, કામ કેવો વિઘ્નકર બની જાય અને વિનાયક માટે કેવાં ચૈતસિક આહ્વાનો અને શારીરિક સ્ખલનો ઊભાં કરે, એમાં પછડાટો અને વિજયો કેવાં હોય, તે નિરૂપ્યું નથી. અહીં વૈચારિક ઉપરાંતના કર્મમૂલક સંઘર્ષની સખ્ત જરૂરત વરતાય છે. લેખકે તો એ આસપાસ ઘડો માથે મૂકી પાણી ભરવા જનારા વિનાયકનું, એટલે કે એકાંગી વિકાસનું જ લાલન-પાલન કર્યું છે! ટૂંકમાં, પ્રતિસ્પર્ધી અને પ્રતિદ્વન્દ્વી ઘટનાવલિઓના અભાવમાં આખોરચના-વિભાગ lackadaisical બની જાય છે. આની સાથે જ સંકળાયેલી બીજી મુશ્કેલી એ છે કે વિનાયકની સ્વસ્થતાનું શાન્તિ અને પ્રસન્નતાનું લેખકને વારેવારે અને કેટલીક વાર તો અભિધાપરાયણ બયાન આપ્યા કરવું પડ્યું છે. પ્રારમ્ભે જ, બદલાતા વિચારજગતને કારણે ‘બે જ મિનિટમાં’ વિનાયક છાપું બાજુમાં મૂકી દે છે. પૂછે છે, કેમ મૂકાઈ ગયું? પોતે ઉદાસ હતો? બેચેન હતો? શરીર તૂટતું હતું? ના. એવું તો કશું નથી. શરીરમાં સ્ફૂર્તિ છે. મન હળવુંફૂલ છે.’[10] આ પ્રશ્નોત્તર શંકાજનક છે. રાજીનામું આપ્યા પછી લેખક કહે છે : ‘વિનાયકના પગ સ્ફૂર્તિથી ઊપડતા હતા’, પછી ચાલતો જાય છે ભીડમાંથી, ત્યારે લેખકે વળી યાદ દેવરાવી છે, આ બધામાંથી પસાર થતો જોતો જતો વિનાયકને શાંતિથી જતો હતો.’[11] એના ચહેરા પર પ્રસન્નતા હતી. તેરમા પ્રકરણમાં વિનાયકને એક વાસ્તવિક અને ખૂબ આવશ્યક એવો વિચાર આવે છે : ‘કુદરતે -માણસને -દરેક માણસને, અતિ સભાનતા નથી આપી તે સારું છે. નહિ તો ઉત્પત્તિક્રમ અટકી પડે.’ પછી એને પોતાનો અન્ય સાથેનો ‘ફરક નજર આવે છે : ‘આ ખેડૂત, એની પત્ની, એનાં બાળકો જે રીતે જીવે છે અને આ હું બધું વિચારી રહ્યો છું અને અમલમાં મૂકી રહ્યો છું તેમાં કેટલો બધો ફરક છે! અરે બળદેવ અને અંજલિભાભી જે રીતે જીવી રહ્યાં છે, હરિશંકરકાકા અને ગોમતીકાકી, મારા સસરા અને સાસુ, કેતકી આ બધાં જે રીતે જીવી રહ્યાં છે...' પછી એકદમનો, તાર્કિક લાગતો કૂદકો લગાવી કહે છે, ‘તે બધાંના પ્રવૃત્તિપ્રપંચથી મારું આ અલ્પપ્રવૃત્તિમય જીવવું કેવું સુખશાંતિભર્યું છે![12] પણ આ કૂદકો તો છલ છે, કેમકે ફરક હોવાને લીધે એનું જીવન ‘સુખશાંતિભર્યું છે’ એવું નવલકથાગત આલેખનમાંથી સ્ફરતું નથી- વિનાયક એનું વાચિક ઉચ્ચારણ કરે છે. બીજાનાં પ્રપંચ-ડૂબ્યાં જીવનમાં ‘સુખ નથી’ એ વિચારભાવ પણ વિનાયકનો જ છે ને પોતાની અલ્પ પ્રવૃત્તિમાં ‘સુખશાંતિ છે એ માન્યતા પણ એની પોતાની જ છે. અલબત્ત, વિનાયકની સભાનતાદીક્ષિત દૃષ્ટિનું જ આ દર્શન સ્વાભાવિક જ એમ હોય એ સ્વીકારીએ તો પણ, વાર્તાકારે એના માણસપણાને ઘણી ઉતાવળથી જિતાતું બતાવ્યું છે જે ખૂંચે એવું છે. સોળમા પ્રકરણમાં આવો જ કટોકટીભર્યો વિચાર આવે છે : ‘લાગણી-પ્રેમ? શું હું જડ થતો જાઉં છું? કે વધારે સ્વસ્થ : અને પ્રસન્ન થતો જાઉં છું? ઉદ્રેક-ઉભરાટ વગરની પ્રસન્નતા પામતો જતો હોઉં એમ મને તો લાગે છે.’[13] ‘મને લાગે છે'નાં વજનિયાં મૂકીને લેખકે આવી કટોકટીઓને સમેટી લીધી છે – વ્યાપક ભૂમિકાએ પ્રસારી નથી. જડતા અને સાહજિકતાનો ભેદ અહીં, તો કેતકી સાથેના દિવસોમાં કામ-પ્રેમ-વિરાગ વચ્ચેનો ભેદ વગેરે માર્મિક કથાભાગો સંકુલાયા નથી, દલીલબાજીથી વૈચારિક રીતે માત્ર આટોપી લેવાયા છે. નવલકથારસ અને એની કલાત્મકતામાં આવું આલેખન મોટી મર્યાદા બની જાય છે. ઘણો સાચુકલો પ્રશ્ન-વિષય લઈને ‘કોણ?'ના લેખક આવ્યા છે, એમના વિનાયકની સન્નિષ્ઠ શંકાઓ અને જાગ્રત પ્રયત્નો પણ જચી જાય તેવાં લાગે છે, છતાં નવલકથાનો માણસ ત્યાં પૂરા દિલથી ખૂલતો નથી એમ જ કહેવાનું રહે છે.

*

ભલે વિનાયકને યાતનાનું દર્દ નહિ પણ સુખાનન્દ ભોગવતો બતાવ્યો, પણ લેખકે જાણ્યે-અજાણ્યે રચનામાં એક ગ્લાનિનું ધૂંધળું આછું આવરણ જન્માવ્યું છે, અંત ભાગની પ્રસન્નતા પૂર્વે melancholyનો એક દબાયેલો tune આલેખન નીચે સાતત્યપૂર્ણ રીતે વહે છે. આગળનાં ઘણાં પ્રકરણોમાં માર્ગ કાઢવાનો શ્રમ છે તે ખોટને રચનામાંનાં કેટલાંક વાનાં સુન્દર રીતે સંતુલિત કરે છે અને લેખકની સર્ગશક્તિનો પરિચય આપે છે. આલેખનભૂમિના ઘણા નાના ભાગને રોકનારું ‘આછા ધુમ્મસ જેવું’ પણ એક, પ્રભાવશાળી અર્થસંકેતો ફેલાવતું સ્વપ્ન વિનાયકને આવે છેઃ ‘પોતે સમુદ્ર પર જામી ગયેલા બરફની શિલાઓ પર ડગ ભરીને ચાલતો જાય છે. શિલાઓ ઓગળી રહી છે અને પાણીમાં જાય છે. શિલાઓ ઓગળી રહી છે અને પાણીમાં જાણે ખચબચ ખચબચ ઊંચીનીચી થઈ રહી છે. ઓગળતા બરફમાં સોનેરી માછલીઓ સળવળી રહી છે અને પોતે સામા કાંઠા તરફ ચાલી રહ્યો છે. સામા કાંઠે કેતકી ઊભી છે. એણે હાથ લંબાવેલો છે અને પોતે ડગ ભરતો જઈ રહ્યો છે.[14] લોકાભિમુખ થતાં ભયભીત મનુષ્ય પોતાની વૈયક્તિકતા ગુમાવીને કેવો તો હાસ્યાસ્પદ થાય છે એ સૂચવવા ‘સાત પૂંછડિયા ઉંદરની બાળવાર્તાનું થયેલું સ્મરણ-નિરૂપણ,[15] તથા ગાંડી છોકરીનો વાર્તાપ્રવેશ અને એની સાથે ચાલતો-ફરતો વિનાયક જે રીતે juxtapose થાય છે એ અર્થવલયો રચનામાં હૃદ્ય ઊંડાણ ઉપસાવે છે. વિનાયકને બપોરે, નોકરી છોડતાં પહેલાં, ઊંઘ આવે છે ત્યારે કવિ લાભશંકરે એ ક્ષણને એક સેન્દ્રિય કલ્પનથી આકારિત કરી છે : ‘અને બપોરી નિદ્રાનું કાચું ફળ એની તૂરી અને ખાટીમીઠી સોડમ સાથે નાક પાસે આછું ખૂલી રહ્યું.[16] આવી સશક્ત ક્ષણોથી નવલકથાને લેખક ઓછી સપાટ રાખી શક્યા હોત પણ એમણે સભાનતાપૂર્વક, કદાચ, એમ નહિ કરવાનું જ ના વિચાર્યું હોય? એમ પણ હોય.

*

સભાનતા-આલેખનનો આ સિદ્ધ પ્રમેય, છે તેવા રૂપમાં પણ નવલકથાકાર માટે પડકારની એક નવી ક્ષિતિજ ખોલે છે અને એનું એટલું મહત્ત્વ તો અંકિત થાય છે જ. છેલ્લા દાયકાના વિવિધ ક્ષિતિજ-નિર્દેશો ચીંધવામાં ‘કોણ?’ પણ પોતાનો હાથ ફેલાવીને સ્વસ્થતાથી ઊભી છે.

***
 1. જુઓ ‘કોણ’? પ્રથમ આવૃત્તિ. ૧૯૬૮, પૃ. ૭૮ ઉપરનો વિનાયકના મિત્ર બળદેવનો રિમાર્ક : ‘જો કે તું તો પે’લેથી જ આદર્શવાળો છે...’
 2. જુઓ ‘ઊહાપોહ', નવેમ્બર, ૧૯૬૯, પૃ. ૧૨
 3. ‘કોણ?’ પૃ. ૪,
 4. એજન, પૃ. ૫
 5. એજન, પૃ. ૧૦
 6. એજન, પૃ. ૧૧
 7. ‘કોણ?’ પ્રકરણ ૨૧, પૃ. ૧૬૪-૧૬૯
 8. એજન, પ્રકરણ ૧૪, પૃ. ૧૧૬-૧૨૩
 9. એજન, પ્રકરણ ૧૫, પૃ. ૧૨૪-૧૨૮
 10. ‘કોણ?’ પૃ. ૧૩
 11. એજન, પૃ. ૨૭-૨૮
 12. એજન, પૃ. ૧૧૦
 13. એજન, પૃ. ૧૩૮
 14. એજન, પૃ. ૩૬
 15. એજન, પૃ. ૧૧૬, ૧૭૪
 16. એજન, પૃ. ૧૯