ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો/ચહેરાઓનું મૉન્ટાજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૭ : ચહેરાઓનું મૉન્ટાજ

મધુ રાય

વાર્તાનો નાયક નિષાદ -multilated young man- આપણા સમયનો એક જીવતો માણસ છે. નામ એનું નિષાદ છે (મોડે સુધી સ્વનામનો અર્થ જાણ્યા વિના જ એણે ગબડાવ્યે રાખ્યું છે), દીકરો એ બ્રાહ્મણનો છે. દ્વારિકા પાસે જન્મ્યો છે, કલકત્તામાં અડધુંપડધું જીવે છે. કલકત્તા છોડી આન્દામાન જતો રહેવાની અણી ઉપર હતો. કહે છે કે આન્દામાનમાં જનમટીપવાળા- પણ ના, નિષાદ કોઈ મોટો criminal નથી, એ તો અપંગ થઈ રહ્યો છે. કલકત્તાએ, કેટલાક જુદા સમ્બન્ધોએ, પ્રેમ કરવા માટેના એના માનસિક પુંસત્વને હવા બનાવી દીધું છે. એના રહેઠાણનો નળપાઈપ ચૂવે છે, ને એને ત્યાં સ્ટ્રીટ વૉકર્સ ચકલીઓ રોજ ચણનો એક દાણો ચણી જવા આવે છે, એ ‘ચણાઈ’ રહ્યો છે. માનેલા moralમાંથી immoral ભણી ઢળતા જતા જુવાનની આ કથા છે. જીવનની કઠોર વાસ્તવિકતામાં પોતાને પોતા સમેત ટકાવી રાખવા મથતા જુવાનની આ કથા છે.

નિષાદ જાણે નિર્ભ્રાન્ત થવાની પ્રક્રિયામાં, પ્રક્રિયાને, જીવે છે. હું આવો, આમ કેમ?-ના જવાબમાં એ વતન લગી જઈ સ્મૃતિ ખોતરે છે ત્યારે એને થોડાક ચહેરા સાચા અને મોટાભાગના જૂઠા- જડે છે...પદુભાઈ, પિનુ, દૌલત, હરિભાઈ, કિસોરીમલ, રંજના, પુલુ, શ્રીલેખા, અર્ચના, મંદિરા, મૃદુ, ઋતુ... પણ સાચી છોકરી અને નોકરી દુર્લભ છે. જીવવા માટે વેશ કાઢવો પડે છે, મહોરું પહેરી લેવું પડે છે. નિષાદની કરુણતાનો વિષય જ આ, ચહેરાઓ, છે. આ બધામાં એક પીશીમાનો ચહેરો સાચો છે. નાયકનું માનસ-પરિવર્તન થવું જોઈએ એવી એક flat round ચર્ચા અવારનવાર સંભળાય છે. નિષાદનું પણ બદલાય છે ખરું... હૃદય? માનસ? શું? કે એનો ચહેરો? ચહેરો એને પ્રાપ્ત થયો હતો ખરો? તો શું બદલાય છે અહીં? એના વિનાનું બધું બદલાય છે. હરઘડી બદલાતા ચહેરા... પાત્રોને જરીક મળીને આગળ જવાનું છે. રસ્તેથી પસાર થતાં, અપરિચિત ચહેરાઓમાંના કોઈક કોઈકની સાથે ઘડીભર આંખ મળી જાય, જરા અટકી જવાનું દિલ થાય- પણ ત્યારે તો તમે પસાર થઈ ચૂક્યા હો. બીજા ચહેરા અને બીજી અનેક ચીજોથી તમારી આ આગલી લાગણી ડહોળાઈ જાય, ખોટી પણ પ્રતીત થાય. નિષાદની પરિસ્થિતિ પણ કંઈક આવી છે. એના પોતાના ચહેરાની બધી રેખાઓ સ્પષ્ટ થાય તેવું વાતાવરણ જ અહીં નથી. એને ઝીલનારું કોઈ છે જ નહિ. બધે એ જાણે નિમિત્તરૂપ છે. પોતાની વ્યક્તિમત્તાને એકઠી કરવાનો અવકાશ એને માટે જન્મે ન જન્મે ને બધું બદલાવા માંડે છે. સાંપ્રત સમયની તાસીર અહીં નિષાદ દ્વારા બુઠ્ઠી વેધકતાથી વ્યક્ત થઈ જાય છે. નિષાદની objective subjectivity હૃદ્ય છે. ‘ચહેરા’ને નવલકથા બનાવનારું તત્ત્વ પણ આ છે, એમ, વિચારતાં સમજાશે. અટ્ટહાસ્ય કરીને હસતો નિષાદ, જોરથી હ્‌હ્‌હ્ હસતો નિષાદ, હહહ પછી મનમાં હસતો નિષાદ. હોઠ ફેલાવી સંમતિસૂચક હસતો નિષાદ. હસવું ઠીક લાગતાં હસતો નિષાદ. હે હે હે કરીને પછી ખરેખર સાચું હસતો સ્વમાનનો અર્થ જાણ્યા પછી કૉફીના પ્યાલામાં પાણી રેડાય ત્યારે થતા અવાજ જેવા અવાજે હસતો નિષાદ... કેટલા બધા નિષાદ! આ બધા હસતા નિષાદોનું એક montage કરવું જોઈએ, તો ખબર પડે કે સાચો નિષાદ હાસ્યની પેલી બાજુ છે ને હાસ્ય તો અહીં, માત્ર કરુણનો પર્યાય છે. ટૂંકી વાર્તાઓ જોડીને ઘડી કાઢી છે કે શું એ ખરેખર એક વહેમ છે.[1] જુવાન(યંગ મૅન)ના જીવનમાં ઘટનાઓ જ નવલિકા ઢબની બધી unique બન્યા કરી છે. પણ જીવનમાં એના બની છે તેથી કોઈ સૂત્ર તો હોવું જ જોઈએ. નિષાદ involve થવા માગતો નથી- જોકે વત્તેઓછે અંશે involvement વિના જીવવું અશકય છે એમ એને સમજાય છે. પણ, એને કોઈ સૂત્રમાં પરોવાવું તો છે જ- એ એને હાથ આવતું નથી. પાનાં ફરતાં જાય તેમ તેમ પ્રકરણો પાછળ પડી જાય. ઘટનાએ થોડી મિનિટો પહેલાં ભાવકના મનનો કબજો લીધો હોય તે હવે એનાથી છૂટી પડી જાય ને બરફની પાટની જેમ પીગળવા માંડે. ભાવક જેમજેમ આગળ જાય તેમતેમ પાછળ રહેલાં units પીગળતાં જાય ને પ્રવાહ બનીને વહે. પણ વહે એટલે ક્યાં? એ ભાવિ ઘટનાઓનો પીછો કરે. ભાવકને ઘણી વાર તો અવશ્ય પાછું જોવું પડે. પણ નવેસરથી ખભે પડેલા હાથના માલિકનો ચહેરો હવે બદલાઈ ગયો હોય. પુલુ-૧ અને પુલ-૨ માં ભલે તફાવત હોય, મૃદુ-૧ અને મૃદુ-૨ માં ભારે ફરક પડી જાય. સરલા-૨ને ઓળખી જ ન શકાય. રંજના-૧ માંથી રંજના-ર નો વિકાસ થઈ રહ્યો હોય- આ merry-go-roundના કેન્દ્રમાં નિષાદ છે. નિષાદ-૧ તે નિષાદ-૧ જ. માનેલી માન્યતાઓની દીવાલો ખરી પડે છે ત્યારે નિષાદ પોતામાં રહેલા શયતાન સાથે ઝઘડી લે છે. બાલદીના પાણીથી એનું નાહવું એ નરકની દુનિયાનું સ્નાન નથી, પરન્તુ એ એક જાતનું આધ્યાત્મિક સ્નાન છે, નર્કની નર્કરૂપે અનુભૂતિ થવી એ જ જ્ઞાન, ને આધ્યાત્મિકતા પ્રતિનું પ્રયાણ... ભોંઠા પડી જવાય એવી બધી આ દુનિયા છે. બસ માટે હાથ ઊંચો કરો ને ન ઊભી રહે- હાથ લબડી પડે. પછી તો તમે ભયમાં જ જીવો કે કોઈ મિસઅંડર્‌સ્ટેન્ડ તો નહીં કરે ને! પ્રતિભાવ કેવો હશે! સરલાનો sudden પ્રસ્તાવ છેતરામણો હતો. સામે ચાલીને નિષાદે પત્ર લખ્યો ત્યારે ભોંઠો પડ્યો. મિત્રોનાં દબાણથી જાત પર પ્રયોગ કરતો નિષાદ ભાવક તરફથી ઘણો સમભાવ પામે છે. યજમાનને ત્યાં બારણાં બંધ થઈ જાય ત્યારે ભોંઠા પડી જવાય. રાખડી બાંધી નક્કી રીતે ‘ભાઈ’ બનાવાય ત્યારે પણ ભોંઠા પડી જવાય. ‘રંજના છાપું ઘરે લઈ જશે અને મેં કાપેલા કટકાઓથી કતરાયેલું છાપું જોઈ મને યાદ કરશે.’[2] -નિષાદની વેદનશીલતાનું આ સુન્દરમાં સુન્દર નિદર્શન છે. છાપું તોડતાં એણે જે વાતો કરવાનો આયાસ કરેલો છે ને જે emotional crisis -એ પહેલી બેઠક હતી પુલુની હાજરીમાં રંજના સાથેની- એણે અનુભવેલી તેના બીજમાંથી જ આ વેદન-સંવેદન ફૂટી નીકળેલું છે. પણ અહીં એક વધારે વાર ભોંઠા પડી જવાય છે, રંજના છાપું લેતી જ નથી! છોકરી(મૃદુ)ને ત્યાં ત્રણ ત્રણ વાર ફૉન કરો ને એક જવાબ મળે, ‘ઘરમાં નથી૩, ત્યારે પણ આગલી સમ્બન્ધ-ગાંઠ યાદ આવતાં ભોંઠા પડી જવાય. સ્થૂળ ઘટનાપ્રેમી, ક્રિયા, વિકાસ, ફ્ટાફટ બનતા બનાવોનો ધસમસતો પ્રવાહ વગેરેથી ટેવાયેલા આપણા મુગ્ધ વાચકનું અહીં સત્યાનાશ વળી જાય છે. ‘ચહેરા’નાં બે પ્રકરણ વાંચી ફરિયાદ કરનારો એ કહે કે, ‘આમાં તો કશું બનતું નથી’ ત્યારે એમ જ કહેવું પડે કે ‘આમાં કશું નથી બનતું એ જ બને છે.’ પ્લૉટ રચાય એવી કોઈ જગ્યા જ નથી, બધાં અસલિયત છુપાવવા હસે છે. ઘટનાનું બીજ નાખી કોઈ મસ મોટું વૃક્ષ લેખકને ઉગાડવું નથી. અહીં નિષાદ કરતાં એના surroundingsનું વધારે મહત્ત્વ છે. ને તેથી નિષાદ સિવાયની ચીજોને જ પામતા જતા જાણે કે અંત તરફ આવી જવાય છે. નિષાદને કથા જેવું કંઈ છે જ નહિ. ‘ચહેરા’ની કથા એની પરિસ્થિતિની કથા છે. જિંદગી ઘણી ઝીણી ઝીણી બાબતોમાં જિવાતી હોય છે. ઘણી ઝીણી વીગતોમાં સૂચવાતી હોય છે. ઘણી નાની નાની બેદિલીમાં ને દિલચસ્પીઓમાં જીવ્યે જવાય છે. છતાં જીવનની total effect કરુણની છે. જીવવાનું છે. એક જાતનું waiting ટટળાવે છે. લોકોએ સાચું જીવવાનું છોડી દીધું છે. introduction પછી સમ્બન્ધનું શું થશે તે કળી શકાય એમ નથી. કોઈને ‘ઓળખી’ શકાય એમ નથી. દરેક વખતે નવેસરથી શરૂઆત કરવી પડે છે– જેમ દરેક વખતે રોજના મુકરર સ્થળે જવા નવેસરથી બસની રાહ જોવી પડે છે. પહેરેલો ચહેરો સાચો બની જાય એટલી મશીનરી માણસજાતે કેળવવા માંડી છે. નિષાદની દુનિયાનું હાર્દ કંઈક આવું છે. દોષ કોઈનો નથી. નિષાદની સામે કોઈને વેરઝેર નથી, કોઈએ મોરચો માંડ્યો નથી, એના કહેવાતા પ્રેમ-સમ્બન્ધોની વચમાં જમાનો પોતે ખલ બનીને આવે છે. આજના માનવા માટેના એક સકટાક્ષ વ્યાપક સમભાવને કારણે ‘ચહેરા’ નવલકથા બની શકી છે. માનવજીવનના ઉપહાસની નહિ, એની પ્રત્યેના સમભાવની છે આ કથા. ‘મડદાંના એરકન્ડીશન સ્ટોરેજમાં પૂરો નહિ મરેલો માણસ બેઠો બેઠો મુસંબી ખાતો હતો હીહીહી.’[3] છેવટનું હીહીહી વાતમાં દબાઈ રહેલી કરુણતાને ખોલનારું જાણે કોઈ ઢાંકણ બની જાય છે. ને આ જ માણસ કદાચ આપણું પ્રતિનિધિત્વ ભોગવે છે- અરધો મરેલો અથવા પૂરો નહિ મરેલો માણસ. નિષાદ મોટો વિદ્રોહી થાય એવો અનાથ ઉછેર એને મળ્યો છે એની અનાથતાનું સુંદર ચિત્ર તો ‘એક : આઠ’માં મળે છે. શેઠજીનાં ઘરનાંઓની ગળણીમાંથી ગળાઈ ગળાઈને ભાગે આવતું. જીવન એને જીવવાનું હતું, પણ એનો વિદ્રોહ એની પોતાની જાત સામે જાગે છે. એનું આ બ્રાહ્મણત્વ, આ આભિજાત્ય નોંધપાત્ર છે. બે ચીજો ન ભુલાય તેવી છે. સરલાના પ્રસ્તાવ પછી કાદાપાડાના પથ્થર પર બેસી નિષાદને જે માધુર્યનો કંઈક અનુભવ થયો તેમાં થોડીક પણ મુગ્ધતા હતી. અલબત્ત, સરલાનો પ્રસ્તાવ અમલી બનશે એની કોઈ ગૅરન્ટી આ જગતમાં મળી શકે એમ નથી એ સત્યથી પોતે વાકેફ હતો. આ અનુભૂતિ થઈ ત્યારે વાતાવરણમાં ખાલી તળાવની શુષ્ક ઊની બરડતા હતી. આ પ્રસંગને બાલદીના પાણીમાં પડતા પોતાના પ્રતિબિંબને તાકીને (રોબૉટની જેમ) પલળતા, ભૂંસવા મથતા નિખાદની તીખી નિર્ભ્રાન્તિ સાથે મૂકી જોવાની જરૂર છે. નિષાદના વ્યક્તિત્વની આ એક દર્દીલી પરંતુ આધ્યાત્મિકતા તરફની ગતિ છે. કવચ ભેદાઈ ગયાં છે. મ્હોરાં પાછળના અસલી ચહેરા હવે એને પ્રતીત થઈ ચૂક્યા છે. આ બે ‘દર્શન’ની જોડે દ્વારિકામાં ખારા તળાવે પિન સાથે ચડ્ડી પહેરી ડોલે ડોલે ન્હાવાનો નિજ આનંદ સરખાવી જોઈએ તો નિષાદની કારકિર્દીનો હિસાબ મળી રહે. ‘ચહેરામાં એક રસ છે અને તે juxtapositionનો. આસ્વાદ માટે કેટલુંક સાથે સાથે મૂકી જોવાની જરૂર છે. દ્વારિકાની અને કલકત્તાની બાહ્ય ગંદકીમાં લગભગ કશો ફેર નથી, પણ ‘ભીતર’માં ફરક જોવાય છે. ખારી દાળ ને કાચાં શાકભાજી ખવરાવનારી સગી બેન, પેલી ગળપડું બહેનો અને ‘બેન’ રંજના ચેટરજી- એક સંવેદનશીલ જુવાન સામાજિક સમ્બન્ધોને કેટલી કરુણતાથી જીવતો હોય છે તેનું એમાં એક સુન્દર ચિત્ર જોવા મળે છે. એક આ દાખલો જોઈએ : કૉફી ખાવીતો?’ ‘ખાવા જોદિ ખાવાબિ’[4] રંજના સાથેના રોજના આ પ્રશ્નોત્તરને કથાના અંતિમ પ્રસંગના આ જ પ્રશ્નોત્તર સાથે મૂકી જોઈએ તો પ્રશ્નોત્તર સાથે રોજ વિકાસ પામતી જતી રંજના અને અમુક કક્ષાએ પહોંચી ચૂકેલી રંજનાનો પરિચય મળી આવે. રોજિંદા જીવનની એકવિધતાનો પોપડો લેખક ક્યારે ઉખેડી નાખશે ને ક્યારે ‘ઘા’નું દર્શન કરાવી દેશે તે જેટલું લેખકની સર્જક પ્રતિભાની ઓળખથી કળી શકાય એમ છે, તેટલું તાલમેલિયા સ્ફોટ કરનારી નવલકથાની રીતરસમોથી જાણી શકાય એમ નથી. સંકુલ માનવજીવનમાં વ્યક્તિ વડે જિવાતી જિન્દગી છિન્નવિછિન્ન હોય એ એક અનુભવ થયો. એવો અનુભવ બીજાઓનો પણ હોઈ શકે. વ્યક્તિની સર્જકતા એની સમગ્ર વ્યક્તિમત્તાનાં અનાવશ્યક આક્રમણને ખાળી એ વિચ્છિન્નતાને એ ને એ રૂપે આત્મસાત્ કરવા ચાહે ત્યારે કંઈક આવી કૃતિની રચના થાય. નિષાદને ચહેરો કોઈનો સાચો જણાતો નથી, ને નકલી જીવન કોઠે પડી ગયું છે ત્યારે સ્વનો ચહેરો પણ એક ધાબું જ અનુભવાય છે. માન્યતાઓ, વાસ્તવિક અનુભવો ને સત્યદર્શન, ભ્રાન્તિની મુગ્ધતા અને નિર્ભ્રાન્તિની શુષ્ક તટસ્થતા -બધાંને નિષાદ સચ્ચાઈથી પ્રમાણિકપણે દમ્ભ વિના ભોગવવા માગે છે. એની આ અનુભૂતિને અખિલરૂપે સારવીતારવી એ ને એ રૂપે રજૂ કરવામાં લેખકને ભારે સફળતા મળી છે. વાસ્તવનું અહીં recordation થયું છે એમ નથી, contentનું એક પાતળા chemecalથી transformation સિદ્ધ કરવામાં આવ્યું છે. અથવા લેખકની સર્જક તરીકેની સૂઝ પ્રવાહી બનીને વાસ્તવજીવનના વાંકાચૂકા ટુકડાઓની આસપાસ અસરકારક બનીને ફરી વળી, ને પરિણામે, એક સુગ્રથિત રૂપ પ્રાપ્ત થયું છે. ગૂંચવાડિયા, દમ્ભી, ખોટ્ટા જીવનને આક્રોશથી નહિ પણ સમભાવથી રજૂ કરવામાં આવ્યું છે. કટાક્ષ પણ બુઠ્ઠા બની વાગે છે, ને તેથી ક્યાંય કશો ગાઢો લપેડો કરવાની જરૂર પડી નથી. વાર્તાનું કોઈ અંગ વધારેલું મેદવાળું જાડું નથી. ‘ચહેરા’નો રંગ આછોપાતળો છે. ભાષા પણ જુદો વિચાર ન કરી શકાય તેવી એકરસ અને રંગહીન છે, ક્યાંયે સાથિયા પૂરવા માટે એને ભભકાવવામાં આવી નથી. કશાં કલ્પનો-પ્રતીકોની ભરમારથી કવેતાઈ દુનિયા ઊભી કરી સાંત્વના મેળવવાનું પણ કરવામાં આવ્યું નથી. નિષાદની જિંદગી જેવું જ બધું અહીં છે. અભિવ્યક્તિ-વક્તવ્યનું આવું સંવાદી compound બહુ ઓછી વાર સિદ્ધ થતું હોય છે. ‘ચહેરા’ની એ સિદ્ધિ સર્વથા નોંધપાત્ર છે.

સામાન્ય પ્રકારની વાતચીત -chitchat- નિષદના શબ્દોમાં, બેવકૂફીભરી વાતો- પણ અહેતુક હોતી નથી. માણસની ઔપચારિક અભિવ્યક્તિઓ પણ, પાછળના મૂળ આશયો પ્રગટ કરી દે છે. હૃદયના ગહન ભાવપ્રવાહ પરની એક આછીપાતળી મુલાયમ લહરરૂપ એ હોય છે ને એ લહરનાં મૂળ કારણો બહારનાં નહિ, અંદરનાં હોય છે. અંદરનાં વમળ, અમળાટ, ઉકળાટ, motives, ઈચ્છાઓ, વૃત્તિઓ, વિકારો, કૃતક લાગણીઓ, ડોળ, દમ્ભ વગેરેથી એ લહેર ફેલાતી રહેતી હોય છે. ભાષાનાં આ very first દર્શનો વિશે સભાનતા ઓછી હોય છે. બસ, વ્યવહાર ચાલ્યા કરે છે. અહીં આનો નવલકથાની સૃષ્ટિ ખડી કરવામાં ઉપયોગ થયો છે : ‘કેમ છે શાંતિભાઈને? હવે?’[5] -વાળી વાત કામે લગાડી નિષાદ જેમ સરલા સાથેના સંબંધો ગબડાવે રાખે છે, એ જેવું સૂચક છે તેમ, તેવું, અહીંની લગભગ બધી વાતોનું છે. પેલી બસમાં ગરમીમાં વારંવાર ‘એરકન્ડીશન્ડ’ બોલ્યા કરવાની પેલાને જેવી સૂચક મજા[6] આવે છે, અથવા ઘાસ તોડતાં આંગળીથી ઘાસમાં નામ લખતા પુલુમાં જેવું ઊંડાણ અનુભવાય છે તેવું જ અહીં ભાષાનું છે. ઉપર ઉપર તરતો ભાષાનો આ ચહેરો આંતર મનોજગતનું સુંદર દ્યોતન કરી જાય છે. વાર્તાને અહીં chronologicaly મૂકવામાં નથી આવી. મૉડર્ન આર્ટમાં થાય છે તેમ બધા ટુકડા, વક્તવ્યની inner complexityની સ્થિતિનો અનુવાદ કરવા મથતા હોય તેમ અહીં compose થાય છે, સાથોસાથ મૂકવામાં આવ્યા છે. ક્રમબદ્ધ કરી લેવાય એટલી સરળ આ અનુભૂતિ નથી, ને લેખક આખા અનુભવની જાણે એક્કી સાથે સમગ્ર અસર આપવા માગે છે. પણ વાત ભાષામાં કહેવાની છે તેથી શબ્દ પછી શબ્દ, વાક્ય પછી વાક્ય, પ્રકરણ પછી પ્રકરણ, પહેલા પછી બીજું, ત્રીજું... છેલ્લે એમ જવું પડવાનું. સાહિત્યના ઉપાદાન, ભાષાની આવી કટોકટી, મર્યાદા સર્જકને પ્રતીત થવા માંડી તેનું અને વાચક જોડે ચાલતા રહેવાની વંચનામાંથી આજનો સર્જક ક્યારનોય નીકળી ગયો છે એ બે વાતનું ‘ચહેરા’ એક સફળ નિદર્શન છે.

***
  1. જુઓ, સિતાંશુ મહેતા : ‘ચહેરા વિશે કેટલીક વાતો' એ પ્રવેશક, પૃ. ૨, ચહેરા, ૧૯૬૬ની આવૃત્તિ
  2. એજન, પૃ. ૩૮
  3. એજન, પૃ. ૪૩
  4. એજન, ૫ૃ. ૩૦ અને પૃ. ૧૯૭
  5. એજન, પૃ. ૮૧
  6. એજન, પૃ. ૪૪