ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો/હસમુખલાલની ટ્રેજી–કૉમેડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૨. હસમુખલાલની ટ્રેજી-કૉમેડી

જ્યોતિષ જાની

કબજિયાતે-જાલીમ યુનિયન બૅન્ક ઓફ ઈન્ડિયાના એકાઉન્ટન્ટ રાજમાનું રાજર્ષિ હસમુખલાલ બી. વ્યાસ, ઉમ્મર વર્ષ અડતાલીસ પૂરાં, ત્રણ દીકરીના પિતા, દસકાથી અમદાવાદમાં વસીને જેણે એ નગરને ‘પગ તળે વાટી કાઢ્યું છે’, માથે છાપરાં બાંધવા જેને સાડાદસ રૂપિયે મળતી જમીન લેવામાં ને પ્લીન્થ સુધી પહોંચવામાં) ‘પૂરો રસ’ છે, ‘સંસ્કારી થવા અને દેખાવાની જેને હોંશ અને ચિંતા છે, ઓગણપચાસમે વર્ષે જેનું બૅન્ક બૅલેન્સ આઠસો આડત્રીસ ને સડસઠ પૈસા છે, ને સમાજમાં જે, રૂપિયાના મૂલ્યમાં ત્રણસેં પચાસની કિંમતનો છે- એ મધ્યમવર્ગનો પ્રતિનિધિ અમદાવાદ-નિવાસી હસમુખલાલ ભાઈલાલભાઈ વ્યાસ જ્યોતિષ જાનીની આ રચનાનો hero છે. આ દાયકાની નવલકથા heroની વિભાવનાને એ મહાપુરુષે જરી વિલક્ષણવતી પણ કહી છે. મૃત્યુને જોઈ જોઈને સભાન નિર્ભ્રાન્ત બનેલા બૌદ્ધિક અજય શાહની કેન્ટ-ફૅંગલ, સ્પીનોઝા, નિત્શે, માર્ક્સ, કૃષ્ણમૂર્તિ, એલિયટ, અશોક મહેતા, ફૉઈડ, હાક્સલી, સમાજવાદ, સાઈમાન દ બીવ, કામૂની ‘ફૉલ’ ને ‘આઉટસાઈડર’ની ક્રાઈસીસ ઑવ્ આઈડેન્ટીટી, વર્લ્ડ પીસ અને વોર મેનીઆની, સાબરમતી પટની પરદેશી માર્કોની હીસ્કીની દુનિયાને, એ દુનિયાના અર્કને, જ્યોતિષે હસમુખલાલની એકંદરે કડવી જીવનપ્યાલીમાં મિલાવ્યો છે. ને એમાંથી જન્મ્યું છે હસમુખલાલના જીવનમાં એક ટ્રેજીકૉમિક નાટક... ૨૫૦૦૦ રૂપિયાનું નાટક નાટક નહિ, ખરેખરા ૨૫૦૦૦ રૂપિયા... જ્યોતિષની આ રચનાની tragi-comical reality આ દાયકાની નવલસૃષ્ટિની એક સૂની ક્ષિતિજનો ઈશારો આપે છે. અને એમના સમગ્ર સર્જન-પુરુષાર્થને એ સંદર્ભમાં જ તપાસવો યથાર્થ ગણાશે. બાકી મધ્યમવર્ગની દુર્દશાઓની વાતોનું ચાવશું, તો કંઈ કેટલાયે ગુજરાતી વાર્તાકારો વર્ષોથી ચાવતા રહ્યા છે.

*

હસમુખલાલ ભાઈલાલ વ્યાસ મધ્યમવર્ગનો પ્રતિનિધિ હોવા છતાં, ૧૯૭૦ની સાલના અમદાવાદી મધ્યમવર્ગનું કોઈ type બની ન જાય તેની પૂરી કાળજી લેવાનું લેખક ચૂક્યા નથી. પહેલાં બે પ્રકરણ હસમુખલાલનાં વર્તમાન અને ભૂતકાળનાં ‘જીવન’ આલેખે છે, છતાં બધું કથનાત્મક માહિતી પીરસવાની ઢબે રોચકતાથી મુકાયું છે. હસમુખલાલના આંતરબાહ્યની છબિ સુન્દરતાથી ચીતરાઈ છે. એમની ખાસિયતો, સ્વભાવની વિચિત્રતાઓ ને વિલક્ષણતાઓ, લેખકે એમનું રોજિંદું જીવન તાદૃશ કરાવીને વિશદતાથી રજૂ કરી છે. મધ્યમવર્ગના કોઈ પણ જીવને હોય તે પ્રકારનાં આધિ, વ્યાધિ અને ઉપાધિ હસમુખલાલને પણ છે. છતાં એમાં એક પ્રકારની સંકુલતા છે – એમનું સમગ્ર વર્તન પોતાના કુટુમ્બ કે સમાજ કે બૅન્ક વિશેની એમની એક ચોક્કસ વિભાવનામાંથી સ્ફુર્યું છે. જીવનને અમુક ઊંચાઈએ પહોંચાડવાની એઓશ્રી ઈચ્છા ધરાવે છે. આમાં મકાનની પ્લીન્થ અને સંસ્કારિતા ‘સુઘડતા’ સ્વચ્છતા વિશેની ચીવટ એવી સ્થૂળ-સૂક્ષ્મ બેય ઊંચાઈઓ આવી જાય છે. એમને બબડવાની ‘સંપૂર્ણ નિર્દોષ ટેવ’ છે ને એ ટેવમાં લેખકે વિચારવાની, ગંભીર વિચારવાની વાતને ઉગાડી આપી છે. એમના જીવનની મધ્યમ તરાહમાં લેખકે મૃત્યુસભાનતા જેવી ગંભીરતાભરી છાલક છાંટી દીધી છે. સાબરમતીમાં દૂધેશ્વરના પટ પર આવેલી સ્મશાનભૂમિ એમને ગમી જાય છે ને ત્યાં જ, ‘એમણે શોધી કાઢ્યું હતું કે સુખ તો અંધારામાં ફરતા વીંછી જેવું છે. સુખની પળો જો મનના પ્રકાશમાં સભાન બને તો એને ચીપિયાથી પકડવાનું મન થાય ને ચીપિયાથી પકડો એટલે સુખનો વીંછી અચૂક ડંખ દેવાનો.'[1] અને હસમુખલાલને અજય શાહના પચીસ હજારનો ચૅક મળવાનું ગોઠવતાં સુખનો વીંછી ડંખે જ છે. સંસારની જંજાળથી થાકેલા ને સાબરમતીની રેતાળ ભૂમિ પર ફરવા આવતા થયેલા આ બૅન્ક એકાઉન્ટન્ટને, લેખકે ક્રમશઃ આધ્યાત્મિક પ્રકારની શાતા અનુભવતો બતાવીને, વળી, એના હાથમાં ૨૫૦૦૦ રૂપિયાનો ચેક સેરવી દીધો છે... હસમુખલાલ મુઠ્ઠી વાળીને એ પારકા રૂપિયા લઈ લેવાની ક્ષણને જીતી જાય છે કે એમાં એમનું પતન થાય છે, એ ખરેખર લે છે કે કેમ તે વાતને સંદિગ્ધ રાખીને લેખકે, નાયક હસમુખલાલની ટ્રેજીકૉમેડીને સુન્દર સમાપન બક્ષ્યું છે. ‘વાલેશરી વાચક સાહેબો’ને હસમુખલાલે, છેવટે લખેલા કોગળમાં કોની જીત થઈ છે તેનો સ્ફોટ થાય છે. હસમુખલાલમાંથી હસમુખલાલનો અભ્યુદય અને એ ઉદય જન્માવનારી ક્ષણોમાં પોતાની અસલિયતનો સાક્ષાત્કાર બેયને અનુભવતો નાયક વાચકની પૂરી સહાનુભૂતિ પામે છે. હાર-જીત સાચ-જૂઠ આદિની ભેદરેખાઓ ભૂંસાઈ જાય છે, ને અંતે હસમુખલાલને આપણે એ દ્વિવિધ ડિઝાઈનનું મહોરું પહેરી જીવતો જોઈએ છીએ... એમની વર્ષગાંઠના દિવસથી કથાનું ઉદ્ધાટન થાય છે : એમનું આ ટૂંકું વર્ણન યાદ રહી જાય તેવું છે : ‘જાન્યુઆરીની ટાઢની ચમક હતી એટલે માથે ગરમ, ઊનની સફેદ જૂની બાવા ટોપી, એનાં કરતાંય વધારે વર્ષોજૂની ગરમ બંડી ને એમની ભાષામાં જેને ‘થેપાડું’ કહેતા એવું જાડું ટૂંકું ધોતિયું એમણે પહેર્યું હતું. ‘યુવાન’ વયની એમની ગોરી ને રતુમડી ચામડી ઉપર હવે વર્ષોના થોડા લસરકા ને સળ પડ્યા હતા. ગાલ હજુ લગભગ ગોરા હતા, પણ રતાશ ચાલી ગઈ હતી. એકવડિયો ઊંચો દેહ, માથે થોડી ગૌરવશાળી ટાલ ને પાછળના ભાગમાં લગભગ સફેદ થઈ ગયેલા વાળ એમના શબ્દોમાં એમની ‘જગવીતી’ની ચાડી ખાતાં હતાં. બૅન્કમાં ઍકાઉન્ટન્ટની બઢતી મળવાની હતી ત્યારથી એમણે ટાઈ પહેરવા માંડી હતી. ને એમને ટાઈમાં સજ્જ થયેલા જોઈ કોઈને પણ મોટા મેનેજર હોવાની છાપ પાડતા.’[2] એમની કેટલીક લાક્ષણિકતાઓ નોંધપાત્રભાવે એમના વ્યક્તિત્વની રેખાઓને જ ઉપસાવે છે : સ્વભાવમાં બૅન્કની નોકરીને લીધે ચોકસાઈના ગુણ આવી ગયેલા : વિચાર પરપોટાને રમાડતી ટેવથી કે ઉશ્કેરાટ જન્મે તેવા સમાચારની શોધથી છાપાં ને મૅગેઝીનો ઊથલાવતા. સાપ્તાહિક ભવિષ્ય જોતા. ‘ઈલેસ્ટ્રેટેડ’માં લેખો વાંચવાનો ઉત્સાહ મૉળો પડતાં હવે પંચતંત્ર'ની ‘ફેન્ટમ’ કે ‘ફ્લેશ ગૉર્ડનની વાતો વાંચતા સમજાવતા કે ‘ક્વોટસ'ની ચાવીઓ ઉકેલતા; જાહેરખબરોમાં વધારે રસ પડતો : જાન્યુઆરી માસ દર વર્ષે એમના જીવનમાં કંઈક ચમકભર્યો રહે છે, એમાંયે રવિવાર સુખની અવધિ જેવો હોય છે. સુખ વિશે એઓ હમેશાં એમની રીતે જ વિચારે છે : સાબરમતી પર ઘૂમવાની, સ્મશાનભૂમિએ શનિની સાંજે કે રજાના દિવસે જઈ બેસવાની એમને ટેવ છે : આ ટેવથી એમણે ઘરનાંને વાકેફ કર્યાં નથી. લેખકે પોતાના હેતુને અર્થે બહુ કુશળતાપૂર્વક આ બધી રેખાઓ દોરી છે; એ તો સ્પષ્ટ છે, પણ એમ કરવાથી આ નવલના નાયકનું એક સુન્દર વ્યક્તિચિત્ર ઊભું થાય છે. આખી રચના એ વ્યક્તિચિત્રના કેન્દ્રમાં ફેલાય છે. હસમુખલાલ ખરેખર જંજાળી માણસ છે, ને છતાં એમની વિમાસણો ને વિટંબણાઓ, એમના આનંદો ને ખુશીઓ -સૌમાં- તેનો સરવાળે એકલા જ છે. એમનો કુટુમ્બ-પરિવેશ જોવા જેવો છે : વૃદ્ધ ચંચળબા, એમનાં માતૃશ્રી. જેમની કરચલિયાળી હડપચી હાલ્યા કરે છે; જેમને, જોતાંવેંત હસમુખલાલ જાત્રા કરાવવાનો દિલાસો આપતા જ રહે છે. શારદાબેન, એમનાં પત્ની. એમનાં માંહ્યલા જીવની દોરીને વળ ચડાવ્યા કરે છે. દર વર્ષે પતિની જન્મગાંઠ ગોખ્યા કરે છે ને એમના માનમાં લોટ બાફે છે. ને હસમુખલાલની અવળચંડાઈઓ સામે વારંવાર બૂમરાણ મચાવે છે, એના ઈલાજરૂપે હસમુખલાલે સજાવેલી વાણી -વાણીનું નવું રૂપ- પણ નાકામયાબ નીવડે છે. મોટી દીકરી નીતા, હૉસ્ટેલમાં રહી ભણે છે. પિતાની ઉપાધિઓને સમજી શકે છે, પોતે કમાઈને પિતાને મદદ કરે એવું પિતા ઈચ્છે છે તેની એને જાણ છે. રેલવે ક્રોસિંગ લગી નીતાને મૂકવા જવાનો હસમુખલાલનો રિવાજ છે. પરણવાલાયક નીતાના લગ્ન માટે સગાંવહાલાં પાછળ મંડ્યા છે ત્યારે હસમુખલાલે ભેગાભેગું સૌને સંભળાવી દીધું છેઃ ‘એના લગ્નની આપશ્રી સજ્જનો ચિંતા ના કરો. એનો બાપ મૂઓ છું તે મને ચિંતા છે જ.’ સરિતા અને સ્વાતિ, એમની નાની દીકરીઓ. ઘરમાં એમનો બોલ ઉપાડનાર તે બે જણીઓ. હજામત કરાવીને પાછા ફરતા હસમુખલાલ જેમને માટે એટલાસ ને કંપાસબૉક્સ ક્યારેક, ભૂલ્યા વિના લઈ જ જાય છે. કબજિયાત, દુખતો દાંત, બીડીઓ પીવી જ પડે, બબડવાનું ગમે, વગેરે વળગણો એમના સ્વજનો જ છે. પ્રો. વિદ્યુતકુમાર, એમના નવા પડોશી છે. જેમના ઘરની સુઘડતા જોઈને હસમુખલાલને પોતાના ઘરમાં ફેરફાર -આમૂલ ફેરફાર- કરવાની ચાનક ચઢે છે. ભારે ઉશ્કેરાટની ક્ષણોમાં એમની સાથે થયેલો સંવાદ, નસીબ વિરુદ્ધ તર્કવાળો, હસમુખલાલને યાદ આવે છે. ને આ મફત, એમનો બૅન્ક-સાથી. જેણે જીભનો ચટાકો લગાડ્યો છે ને જેને લીધે ગમે તેવા, નિશ્ચયને અંતે પણ, સાંકડી ગલીમાં માણેકચોકમાં ‘ઝાઝો તીખો નહિ ને ‘મારા બેટાએ લસણની ચટણી આબાદ નાખી છે' વાળો ભેળ ખાવો જ પડે છે. આ મફત, હસમુખલાલ કહે છે તેમ એમની નિર્બળતાને પામી ગયો છે. કદાચ સૌ સ્વજનો એમની અનેકાનેક નબળાઈઓને પારખી ગયાં છે. હસમુખલાલ પણ પોતામાં રહેલા અસલ હસમુખલાલને ક્યારેક ક્યારેક પામી જાય છે. એમની નબળાઈ પર લેખકે પણ આ પચીસ હજારવાળો ખેલ રચ્યો છે! પણ સરવાળે, એકલા હસમુખલાલ આત્મનિરીક્ષણ કરવા પ્રેરાય તેવાં જ સ્થિતિસંજોગોમાં પ્રચુર ઈંગિતો વર્ણવીને, લેખકે દૂધેશ્વરના સ્મશાનમાં બેસી શકનારા હસમુખલાલને જન્મ આપ્યો છે. આખી કૃતિમાં narrative informationની સંખ્યાબંધ રેખાઓ ફૂટ્યા જ કરે છે, તેની પાછળનું કારણ પણ, એમાં એક literary deviceભર્યો ખેલ મૂકવા માટેની, લેખકની કૌશલયુક્ત રીતિ જ છે. હસમુખલાલ વિશે કાં તો આપણે લેખક દ્વારા અથવા ખુદ એઓશ્રી દ્વારા જ જે કાંઈ પણ જાણી શકીએ છીએ તેમાં એક વ્યંગ અને એક હાસ્યનાં અસ્તરને પામીએ છીએ. પોતાના સંસાર પર કશું નકરું વજન નહિ મૂકી શકતા હસમુખલાલ જાત પર હસી લે છે ત્યારે સ્વાભાવિક જ એક ટેજીકૉમેડીની તૈયારી થવા માંડે છે. અજય શાહ એઓને મળે ને ચૅક ઑફર કરે તે ત્યાં સુધીનાં ચાર પ્રકરણોમાં આ બધી તૈયારી લેખકે પૂરી સર્જકતાથી કરી છે.

*

આમ, ગુજરાતી નવલકથાનું, મધ્યમવર્ગના સમાજનું, એક વર્ગપ્રતિનિધિરૂપ પાત્ર અહીં લેખકે કલાત્મક રીતે narrow down કરી લીધું છે, ને તેથી એની typicality ઑગળી જાય છે. થોડુંક સાચું, થોડુંક કૃતક, થોડુંક અતિશયિત અને થોડુંક વિકૃત એમ ઊભું કરવામાં આવેલું હસમુખલાલનું ચરિત્ર એક Caricature છે, ને આ રચનનાનું જે કંઈ છે તે અદ્વિતીય, એ છે. અજય શાહના પાત્રનિર્માણમાં કથાગત એવી ઘણી ચાતુરી છે. પિતા દ્વારા માતાના ખૂન(?)ની સનસનાટીથી ચમકતી એની કથામાં શેક્સપિયર આદિ વણાયા છે; ને ‘વિશાળ નિહારિકામાં બે ગ્રહો પાસે આવી જાય એમ બને નજદીક આવ્યા હતા.’[3] અને નજદીક આવ્યા પૂર્વે લેખકે હસમુખલાલને સ્મશાનભૂમિ સુધી તો ઠીક, પરંતુ પેલી ઈરાનિયન હૉટેલ ‘દોસ્તોએસ્કી રેખેંરા’ સુધી પણ બહુ કૌશલપૂર્વક ખેચી આણેલા. એ બધો વ્યાયામ સમજ્યા પછી પણ, અજયમાં આપણા સમયના બૌદ્ધિકની એક સાચુકલી વેદના-સંવેદના વંચાય છે. એનો પ્રશ્ન નસીબને આધારે મુકાય એવો નથી, એ કહે છે તેમ એની ઈચ્છાથી મેળવી શકાતી એની મુક્તિનો આ પ્રશ્ન છે. પોતાની મુક્તિમાં એક હસમુખલાલને ‘નિમિત્ત’ બનાવવા માગે છે. મૃત્યુ-સભાનતા કેળવી ચૂકેલો અજય ડૅડીની ‘નૈતિક અધ:પતનની જાળ’માંથી છૂટવા માગે છે, મુકત થવા માગે છે એ ખરું પણ, સ્મશાનભૂમિને આરે, રોજ, વિચારો ચરતા હસમુખલાલ ૨૫૦૦૦ રૂપિયાનો સ્વીકાર શી રીતે કરે? રૂપિયા સ્વીકારવા એ ‘સંસ્કારી’ હસમુખલાલ માટે એક સુખદુ:ખભર્યો કોયડો છે. હસમુખલાલ પોતામાં રહેલા જૂના કે જુદા કે બીજા અનેક હસમુખલાલોને ઓળખે છે, એમનામાં એટલું, આત્મનિરીક્ષણ કરવાનું જોમ તો બચ્યું જ છે. સંસારની જંજાળથી કંટાળેલા એમને સ્મશાન ભાવ્યું છે. મૃત્યુની ઝંખના પણ, હમણાં હમણાંના કરવા માંડ્યા છે’[4] પણ મૃત્યુમાં કે બીજે ક્યાંક ભાગી જઈ છૂટી શકે એવી ઢીલાશથી, એ આ સંસારમાં જોડાયા નથી. એમનાં લટિયાં ઘણાં ગૂંચવાયેલાં છે. અજય જેવી સંકલ્પશક્તિ કે વર-નિર્ણાયકતા એમનામાં હોય તોયે, એ બડા માયાવી જીવ છે, કરુણતાને પણ હસી શકે એવા મમતાળુ ને દિલાવર છે. હસમુખલાલના ચરિત્રમાં રહેલી tragi-comic ભાત એમની માણસતા પર પ્રકાશ પાડે છે; એમનું દૈન્ય એ જ એમનું લક્ષણ છે. ને અજય, એવા આ જીવમાં, જીવ સાથે, induce થાય છે. induction-coil જેવો અજય, હસમુખલાલ કે જે આત્મા-દેહની ફિલસૂફીનો જીવ હતા, તેમાં એક વ્યાપક ભૂમિકા ફેલાવે છે. એમની ઘટમાળ-રૂપ જિન્દગીમાં સર્વત્ર વીજ વહેવા લાગે છે. લેખકે ૨૫૦OOના ચૅકની ઑફર પછી પહેલાં બ્હાવરા ને પછી સ્વસ્થ બનેલા હસમુખલાલ પર હસી લીધું છે, આપણને હસાવી લીધા છે, છતાં અજયના વિચારજગતનો વીજળીક સંસ્પર્શ એમની મધ્યમવર્ગીય દુનિયાનો એક ખયાલી, પરંતુ માટે જ કદાચ સાચો ઉગાર બની જાય છે. હસમુખલાલમાં એક fresh હસમુખલાલ ઊપસવા લાગે છે. લેખકે આ વાત સૂચનથી નહિ, સ્પષ્ટતાપૂર્વક આપણને આમ જણાવી છે : ‘જે ક્ષણથી હસમુખલાલને આ યુવાનનો પરિચય થયો હતો એ ક્ષણથી હસમુખલાલ એક વિચિત્ર પ્રકારનો ઉશ્કેરાટ અનુભવતા હતા. અનાયાસ કોઈક એવું મળી ગયું હતું જેને એવી મોટી મોટી ગંભીર ને ભારેખમ વાતોની ફિકર હતી. જે ફિકર ને ચિંતા છાપાવાળાઓ રોજરોજ જન્માવતા. ને જે ચિંતાનો ભાર હસમુખલાલ ઉપાડી શકતા નહિ. એક એવી દુનિયાના પરિચયમાં એ આવતા હતા જેમાં એ એમના ઘરની રોજિંદી જંજાળને ભૂલી શકે. અને એમણે અનુભવ્યું હતું કે એમના ઘરના પ્રશ્નો, ઘરની ઘરેડ, દીવાલોનાં જાળાં એ બધી મહાન ને ગૂંચવતી સમસ્યાઓ આગળ ક્ષુલ્લક, ને અર્થહીન બની જતાં. અજય નામના અવકાશયાત્રી સાથે દૂધેશ્વરથી એમનું અવકાશયાન ઊડતું ને એ બીજા ગ્રહમાં જઈને અટકતું!’ અજય અને હસમુખલાલની દૈનંદિનીય વાસ્તવિકતાઓનું આવું fusion ગોઠવીને લેખકે, પછી જરા રમતી ચાલમાં નવલકથાને હસમુખલાલના કૌટુંબિક ભૂતકાળની આડશે, લડાવી છે... ‘હવે, એક ખૂબ જ સુંવાળો, મૃદુ, પાતળો ને સૂક્ષ્મ એવો નાનકડો તંતુ હસમુખલાલના મગજની બે શિરાઓ વચ્ચે ગંઠાઈ ગયો હતો ને એ તંતુના બે છેડા એમના બે હાથમાં હતા.’[5] હવે, હસમુખલાલને પણ એમના જીવનની મોટામાં મોટી ક્ષણ એમણે એકલાએ જ જીરવવાની છે. ચૅક મુકાયો હોય જેમાં, તે, પોતાની મુઠ્ઠી, બસ બરાબર બંધ કરી લેવાની છે...

*

એકંદરે કહી શકાય કે ચાખડીએ ચડી ચાલ્યા હસમુખલાલ'નું કથાતત્ત્વ ઘણું પાંખુ છે, એમાંની વારતા ટચુકડી જ છે. પણ લેખકે આટલા મોટા પટ ઉપર એને ખીલવી છે. લેખકની depictive narration પદ્ધતિના પોતમાં હસમુખલાલની soliloquicsના કે એમના interior monologueના બુટ્ટાઓ કથાને પૂરી આસ્વાદ્ય બનાવે છે, એ monologue વાચકને કે કોઈ અનામ બીજાને સમ્બોધાઈને હસમુખલાલનો dialogue પણ બને છે ને ત્યારે કથાતત્ત્વની પ્રચુર વીગતો કે ઘટનાબહુલતાનો સ્થૂળતાલક્ષી મોહ સામાન્ય વાચક માટે પણ, અવશ્ય વિસ્તૃત થતો હશે. ૨૫૦OOના ચેકની વાત નીતાને, પ્રોફેસર વિદ્યુતકુમારને કે એમનાં પત્ની શારદાબેનને કરવા ન કરવાની ગડમથલ મનમાં ગોઠવતા હસમુખલાલ, આ પદ્ધતિના આલેખનને લીધે ખૂબ જ જીવંત બની રહે છે. એમની વિલક્ષણ નબળાઈઓને લેખકે આમ આસ્વાદની સામગ્રી લેખે ધરી છે. સાદા રંગમંચ પરની કોઈ સીધી સરળ નાટકીય દુનિયા દેખાય ને ગળે ઊતરે એટલી instant સંક્રમણશીલતા આ પદ્ધતિમાં જ્યોતિષ સફળતાપૂર્વક મૂકી શક્યા છે. માણેકલાલ ગો. શુકલ સાથે રૂપિયા પચીસ હજાર ગણી જોવાનો, કે કાલી કમલબાબુને મળવા જવાનો, પ્રસંગ કંઈક અંશે દીર્ઘસૂત્રી લાગે છે ને કેટલાક અંશભાગોમાં melodramatic પણ છે, છતાં આખી રચનાનું સમગ્ર નિરૂપણ લેખકની સર્જન-નિષ્ઠા પ્રતીત કરાવનારું રહ્યું છે એમ જ કહેવાશે. ઘણાં નિદર્શનોથી આ વાતને સમર્થિત કરી શકાય. હસમુખલાલ રૂપિયા લે છે તે ઘટનાને બે હસમુખલાલની ભૂમિકા પર મૂકીને લેખકે વાર્તાને કોઈ ચીલાચાલુ, તર્કયુક્ત અંત આપવાને બદલે કલાયુક્ત અંત આપ્યો છે. જે સત્યાસત્યની સીમારેખા પર આ બન્યું તે જ પ્રકારની એ અંતિમ સમાપનની વાસ્તવિકતા લેખકે તાકી, અને સિદ્ધ કરી બતાવી. અનેક પ્રસંગો એવી ક્ષણોવાળા આલેખાયા છે જેમાં લેખકનું મનુષ્યની માણસતા વિશેનું જ્ઞાનભાન આપણને બહુ રુચિરભાવે અવગત થાય. ‘રેતીમાં પગલાં પડે ખરાં?’ એવા સરિતાના પ્રશ્ન સાથે વિચારોના વંટોળમાંથી પેલી ધન્ય ઘડી સુધીનો સમય કાપતા હસમુખલાલમાં લેખકની આ શક્તિનો સુન્દર પરિચય થાય છે. એમની જાત ઉપર કશોક સુયોગ કશીક પ્રક્રિયા કરી રહ્યો છે જેમાં, આનંદ- ઉચાટ ને હર્ષક્ષોભના ખદબદા એમના મનમાં ઉભરાયા જ કરે છે; જેના બાહ્ય પરિણામરૂપે એમનો જમણો હાથ લાંબો થઈ જાય છે; હથેળી યંત્રવત્ પહોળી થઈ જાય છે, ‘પ્રાપ્તિ’ થતાં હથેળી બંધ થઈ જાય છે. ‘અજયને, એ ઠંડીભરી રાતે મળ્યા પછી, એની ફિયાટમાં બેઠા પછી, સાથે દોડતા લોભી કૂતરાનું કલ્પન પણ આવું જ કલાત્મક નીવડ્યું છે.[6] કેટલાંક નિરૂપણો જાણે બની ગયું, ધારો કે બને છે, બની ગયું-ની mocking mannerમાં લખાયાં છે, ને ત્યારે એનું ઘટનાસ્થળ હસમુખલાલની મનોભૂમિ જ હોય છે ને તેથી તે વધારે વાસ્તવિક બને છે : બૅન્કનાં પગથિયાં ચઢતાં ને ઊતરતાં હસમુખલાલ ‘જાણે’ સુખ અનુભવે છે. કાલીકમલ બોલાવે ત્યારે શું કહેવું તે, મનમાં ઘોળાતું બધું હસમુખલાલે ‘કાગળ પર લખી લીધું’ છે, એ ‘તાવીજ' લેખકે, એમના ‘ગદ્યના નમૂના’ તરીકે સીધું જ સરકાવી આપ્યું છે.[7] એ જ રીતે ૨૫૦૦૦ના ચૅકની વાત ધારો કે શારદા કે નીતા સાથે થાય છે અને એ જ પદ્ધતિએ વિદ્યુતકુમાર સાથે થયેલો સંવાદ ‘યાદ આવે’ છે. વાર્તાની chronologyના એકધારાપણાને તોડવાના આવા અનેક નુસખા લેખકે કામયાબીપૂર્વક અજમાવ્યા છે. પુરાણ પ્રાણીનું પૂંછડું પકડીને ચાલતા હસમુખલાલ કે લીસ્સાપણામાં નહાતા હસમુખલાલ લેખકનો કલ્પનાનિવાસ નથી પણ પાત્રના સંસારની વિષમતાઓ, ને એ ટળી જતાં જન્મતા ‘સુખ’ નામના પદાર્થને શબ્દસ્થ કરવાની વ્યવસ્થિત રીતે સફળ થતી કોશિશો છે.

*

રચનાની સમગ્ર ભાષાને આવી સર્જકતાનો લાભ ફૂટેલો છે, ને પરિણામે કથા ચીલાચાલુ વસ્તુમાંથી એક રચના-સુન્દર કલાકૃતિ બની રહે છે. પૂર્ણભાવે હાસ્યરસની જ નવલકથા, હજી આપણે ત્યાં અધકચરારૂપે જ લખાઈ છે. પણ જ્યારે લખાશે ત્યારે આ રચનાનું ભારઝલ્લ કાઠું જે તે લેખક માટે માર્ગદર્શક બનશે એમાં શંકા નથી. ‘ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ’ એટલા માટે પૂર્ણરૂપની હાસ્યરસની નવલકથા નથી, કે એમાં અજયની મૃત્યુ-સભાનતા અને એના આધુનિક વિચારજગતને objectify કરવાનો લેખકનો મૂળ ઈરાદો સફળ થયો છે, સાકાર થયો છે; ‘નાટક’નું જૂઠ પચાવીને, ‘સંસ્કાર’ ધોઈને, હસમુખલાલ પ્લીન્થ સુધી પહોંચ્યા છે, ને એઓશ્રી અજયનું ‘પાત્ર’ તો હતા જ, જ્યોતિષે એમનામાં નવવિચારને દાખલ કર્યાનો, મૂર્ત કર્યાનો સંતોષ લીધો છે. આધુનિક યુગચેતનાનું વિશ્વ અજય જેવા વ્યક્તિવાદી બૌદ્ધિકોની વિમાસણ બને, રુગ્ણતા બને, કે એ યાતનાઓની શબ્દકૃતિઓ રચાય, એવી સર્જકતાના પહેલા વર્તુળમાંથી નીચે ઊતરી જ્યોતિષે સર્જકતાની cellમાંના નાયક અજયનો છૂટકારો કર્યો ને વિસ્ફોટની અસરો એક typeમાં તપાસી અને એ રીતે બીજા વર્તુળને charge કર્યું તે એમનું પ્રદાન’ છે, એમણે સર્જક રહીને કરેલી ‘સેવા’ છે.

***
  1. ‘ચાખડીએ ચડી ચાલ્યા હસમુખલાલ', પ્રથમ આવૃત્તિ, ૧૯૭૦, પૃ. ૨૩
  2. એજન, પૃ. ૧૯-૨૦
  3. એજન, પૃ. ૭૦
  4. જુઓ એજન, પૃ. ૬૭ ઉપર : ‘આ બધા વિચારબબડાટમાં દૂધેશ્વરને આરે આવી પહોંચેલા કોઈ મડદા સામે એ ઈર્ષાથી જોઈ રહ્યા હતા. એમને ઈર્ષા જન્મી : ‘એનો દેહ બળશે. પણ આત્મા તો પરમ શાંતિને પામ્યો જ સમજો.’ શાંતિ માટે એ મૃત્યુની ઝંખના કરવા તૈયાર થઈ ગયા હતા – પગની નીચે જે રેતી ચાંપી હતી તેનું તેલ કાઢતાં કાઢતાં હવે એમના ગળે પિતળિયાં આવ્યાં હતાં.'
  5. એજન, પૃ. ૧૦૪
  6. એજન, પૃ. ૧૬૭ જુઓ.
  7. એજન, પૃ. ૧૫૧ ઉપર વાંચો