ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો/‘પળ’નાં પ્રતિબિમ્બની સંકલના

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૯. ‘પળ’નાં પ્રતિબિમ્બની સંકલના

હરીન્દ્ર દવે

નિરૂપણ-પદ્ધતિની બાબતમાં હરીન્દ્રની આ નવલ આગળની તમામ રચનાઓ કરતાં જુદી પડે છે, અને એ વિશેષ આ દાયકાની નવલકથાના વિશેષનો પણ એવો જ એક નોંધપાત્ર અંશ છે. તાર્કિક ક્રમે ઘટનાઓ અને પ્રતિ-ઘટનાઓનો પટ ચાલ્યા કરે ને એક અંત કે સમાપનની દિશામાં બધું નિર્વહણ પામે એ ચીલો ચાતરીને લેખકે અહીં, મોટે ભાગે કેટલીક ક્ષણોને તાદૃશ કરાવી છે. આ દાયકાના મોટાભાગના સર્જકોએ તાર્કિક ભૂમિકા છાંડીને ચૈતસિક અને ક્યારેક તો વળી ચેતનાપ્રવાહની ભૂમિકાએ ઘટનાનિરૂપણનો ઉપક્રમ તાક્યો છે -ને સિદ્ધ પણ કર્યો છે- ત્યારે, ‘પળનાં પ્રતિબિમ્બના લેખક એથી પણ થોડાક આગળ ધપ્યા છે. એમણે પાત્રોનાં જીવનમાંની કેટલીક ક્ષણોને જ અહીં સાક્ષાત્ કરાવીને એનું સંકલન કર્યા કર્યું છે. સંકલન અને પેલા ક્ષણોના આલેખનને તેઓ એવી ખૂબીથી નિરૂપી બતાવે છે, કે વાર્તા યા કથા નામનો પદાર્થ દૂર દૂર પણ ઊપસે છે. જો કે વાચક એ કથાની કે એના સ્થળ ઘટનાપટની ચિંતામાં પડ્યા વિના સીધો જ, લેખક જે ક્ષણો ધરી રહે છે તેમાં પ્રત્યક્ષપણે પરોવાય છે. ‘પળનાં પ્રતિબિમ્બ કે ક્ષણોનું જીવન અલબત્ત, બધા જ ટુકડાઓમાં નથી. કેટલાકમાં આછા પ્રસંગો પણ રચાયા છે તો કેટલાકમાં ક્ષણો સારું એવું પ્રસરી છે. તેમ છતાં પણ, અહીં ‘પળ’નાં પ્રતિબિમ્બોની એક એવી માયા રચાય છે જે લેખકના આંતર વક્તવ્યને તથા કથાના મર્મને અભિવ્યક્ત કરવાનું એક શક્તિશાળી માધ્યમ બની છે. બલકે એ તૈયાર વક્તવ્યનું માધ્યમ છે એવું ભાન વિસ્મૃત થાય એટલી બધી સાહજિક અભિન્નતા અહીં સિદ્ધ થઈ છે. રૂપરચના અંગેનું હરીન્દ્રનું આ પ્રદાન, એમના નવલ-લેખનની ઊડીને આંખે વળગે એવી આ પદ્ધતિનું પરિણામ છે, ને એક સાચુકલા સર્જક માટે એથી વિશેષ ખુશીની સફળતા બીજી કઈ હોઈ શકે? આધુનિક નવલલેખન પર કાવ્યસર્જન પદ્ધતિનું આક્રમણ, કલ્પન અને પ્રતીક જેવાં માત્ર કાવ્યલક્ષી ગણાયેલાં સર્જન-ઉપકરણોના વપરાશ જેવું જ સંતોષપ્રદ અને -સાથે જ ચિંતાજનક- રહ્યું છે. અહીં પણ એ પદ્ધતિ અપનાવાઈ છે ને છતાં કૃતિ નવલકથા જ રહે છે. નવલે વર્ષોલગી, જાણે કાવ્યતત્ત્વ સાથે વિરોધ હોય તેમ, કથાતત્ત્વને જ પોતાનું સાધ્ય કે સામગ્રી ગણીને, કાં તો ધોવાણ અથવા તો ક્વચિત્ સર્જનાત્મકતા કે કલા હાંસલ કરી બતાવ્યાં. આપણે ત્યાં કથાતત્ત્વની આરાધના એટલી બધી થઈ કે વૃત્તાંત-નિવેદન અને સર્જનકર્મ વચ્ચેનો ભેદ ભૂંસાઈ ગયો- સર્જનકર્મની ગેરહાજરીમાં નવલકથા મરવા પડી. આ દાયકામાં એના ઉગારનો અભિક્રમ વરતાય છે. ‘પળનાં પ્રતિબિમ્બમાં નવલકથામાં જોવા મળતાં, ઘટનાપરમ્પરાને અવગત કરાવનારાં સ્થળ અને કાળનાં પરિમાણની સમગ્રતાનો છેદ ઊડી ગયો છે. અને એટલે અંશે ક્ષણોનું આ આલેખન કાવ્યની દિશાનું ગણાય એવું થયું છે છતાં કવિએ નવલકથામાંના કથાભાગની ચિંતા નથી કરી એમ નહિ. ગૌણભાવે છતાં વ્યસ્થિત રીતે આ રચનામાં નવલ અને રંજના, દિલાવર અને સુહાસ અને નીતિન, નીતિન અને નાન્સીની તથા મનોહરલાલ, ખાં સાહેબ કે ડૉક્ટર શાહની વૈયક્તિક જિન્દગીઓની અને પરસ્પરમાં ગૂંચવાઈ ગયેલી તેમની લાગણીઓની એક કથા બહુ માર્મિકપણે કોતરવામાં આવી છે. અપ્રાપ્યને ઓળખી તેમાં ઝૂરતાં એ સૌ અહીં એવાં તો અભિજાત અને સુકુમાર હૃદયનાં બતાવાયાં છે કે આખી રચનામાં એક પ્રકારની સંવાદી સૂરોની રાગિણીનો સ્વાદ લહેરાતો જણાય છે. ક્યાંયે આકાંક્ષાને સિદ્ધ કરવાનો તરફડાટ કે જલદતા દેખાતાં નથી; ઝંખવાની વેદના વત્સલ, રંજના, સુહાસ, નીતિન, દિલાવર વગેરેના દાખલાઓમાં ઉત્તરોત્તર નવી જ ભાત પકડતી વિલસે છે. આ નિરૂપ્યમાણની પ્રધાનતા તિરોભૂત થાય એવી સર્જક-સ્વસ્થતાથી, અને નિર્ધારેલી સમજથી લેખકે અમુક ક્ષણોની પસંદગી અને તેમનું સમુચિત સંકલન પેશ કરવામાં જ પોતાની બધી શક્તિ અને કસબને આગળ કર્યા છે. પૃષ્ઠ ૧૯૨ પછી લેખકે વાચકને સીધું જ ઉદ્બોધન કરીને સમાપનની તૈયારી આરંભી છે. પોતે જે ક્ષણો પ્રસ્તુત કરી તે ઘણી કાર્યસાધક હતી; વત્સલ અને રંજના વિશે લેખકે જે આ કહ્યું : ‘તમે હવે એમને ઓળખો છો, એમના સ્વભાવને જાણો છો. તેમની આકૃતિને પણ. તેમના દેખાવનું વર્ણન કોઈએ તમારી પાસે કર્યું નથી. પરંતુ તમે તેઓને મળ્યા જ છો એટલે એ વર્ણન કદાચ તમને મદદરૂપ પણ ન થાત –તે સૌને લાગુ પડે છે ને ખૂબ મહત્ત્વનું છે. એમાં પછી વિસ્તારથી આગળની કથાના છુટ્ટા રહી ગયેલા તંતુઓ લેખકે જોડ્યા છે ને દરેક પાત્રના જીવનમાં પડેલી ગૂંચનું કથન કર્યું છે. આ રીત ક્ષણોના આગળના આલેખનના અભાવમાં, નરી અભિધાપરાયણ હોઈને વરવી બની ગઈ હોત. પણ એની ઉદ્બોધનાત્મક શૈલીને લીધે ભાવકને પણ વિશ્વાસમાં લઈ શકાય છે. આગળ રજૂ થયેલી માર્મિક બાબતોને નવેસરથી પ્રકાશિત કરી શકાઈ છે. પણ લેખકને આથી વિશેષમાં રસ નથી. કેમકે આ કથાને કોઈ અંત નથી. જેમ વત્સલે સંદીપને કહેલી શિકારી કૂતરાની વાર્તાને કશો અંત નથી તેવું જ આ જીવોનું છે. લેખક વાચકને કહે છે : ‘આપણા અસ્તિત્વનો એક અંશ શ્વાન બનીને બીજા કાળિયાર જેવા અંશનો સતત પીછો કર્યા કરે છે. એ સનાતન કાળથી ચાલી આવતી દોડ હજી પૂરી થઈ નથી.’[1] વત્સલ કે રંજના એ દોડમાં રઝળતાં જ છે ને તેથી લેખકની કૃતિમાં કોઈ અંત નથી. તાર્કિક ક્રમવાળી નવલમાં જેમ બધું ઠેકાણે પડે એવું અહીં થતું નથી- રચના જીવનની વાસ્તવિકતાને ગોચર કરાવતી વધારે ઊંડી સતહોમાં ભાવકને લઈ જઈ છોડી દે છે. ને તેથી ‘પળનાં પ્રતિબિમ્બ જોયા પછીનો, આ સમય વિનાનો પ્રદેશ જોવો એ રચનાનો એક કલાત્મક અંત બની જાય છે. ટૂંકમાં અહીં ક્ષણોનું જીવન તાદૃશ કરાવ્યું છે. લેખક કહે છે : ‘આ બધાં આપણે મળ્યાં એટલી જ ક્ષણો જીવ્યા નથી. આપણે મળ્યા એ પહેલાં પણ જીવતાં હતાં, પછી પણ જીવશે.’ લેખકે મૃત્યુ પછીના જીવનની માન્યતા પણ ભેગાભેગી અહીં જ સરકાવી છે, હા, નાન્સી અને કવિ પણ. જીવન એ કેવળ શરીરી તત્ત્વ નથી, અશરીરી જીવન પણ હોય.[2] આમ કોઈ નિશ્ચિત જીવનભાગ નહિ પણ કેટલીક સારવેલી ક્ષણો રજૂ કરીને, વળી અંતે લેખકે સૌના જીવનની એક રાત આપણી સમક્ષ સ્પષ્ટ કરીને પોતાની આ વિલક્ષણ દરમિયાનગીરી સંકેલી લીધી છે. આવું છેવટનું ઉદ્બોધનાત્મક સમાપન ‘પળ’નાં પ્રતિબિમ્બની સંકલનાને ધારણ કરનારી પીઠિકા બની રહે છે અને પરિણામે કૃતિના આકારને એક જાતની પૂર્ણતા સાંપડે છે.

નિરૂપણપદ્ધતિનો આ પ્રયોગ[3] કથામાં રજૂ થયેલી માનવજીવનની સ્થિતિપરિસ્થિતિનો પૂરો પરિચાયક બને છે ને તેથી એની સફળતામાં ઔચિત્ય અવશ્ય જોઈ શકાય. વત્સલ કે દિલાવર અથવા તો નીતિન કે રંજના કે સુહાસ જીવનના જે સત્યને અનુભવે છે તે કોઈ પૂર્ણ સનાતન સત્ય નથી, ક્ષણોનું સત્ય છે. જીવનની ગતિશીલતાના સંદર્ભમાં પ્રાપ્ત થતું નિત્ય પરિવર્તનશીલ જે છે એની અનુભૂતિમાં જ સૌનો પોતા વિશેનો ખ્યાલ બંધાય, એવી જાગ્રતિ સૌમાં ઊપસે તેની લેખકે પહેલેથી તકેદારી રાખી છે. વત્સલ અને રંજનાનો પ્રેમ કોઈ નિયત સામાન્ય લાગણીનો અનુભવ નથી, પણ મૃત્યુનો સંનિકર્ષ થતાં જેનું સમ્યક રૂપ ખૂલી આવે છે એવી એક, વાસ્તવિક અને માનુષ્યિક લાગણી છે; એ જેટલી ક્ષણસાપેક્ષ છે અને કોઈ નિર્નામ નિયતિના નિયમન હેઠળ વિકસનારી છે, તેટલી જ માનવીય ભાવજગતની ઊર્મિલતા અને ચિત્તની કલ્પનાશીલતાનો પુટ પણ પામેલી છે જ. એનાં આવાં ભાવશબલ સ્થિતિ અને સ્વરૂપ ઉચિત રીતે રજૂ કરવાનો લેખક જો પ્રામાણિક પ્રયાસ કરે તો સ્વાભાવિક જ તેઓને આવી જ કોઈ નિરૂપણપદ્ધતિનો આશરો લેવો પડે. ભ્રાન્તિ અને નિર્ભ્રાન્તિની સીમા પર તેઓ અસ્તિત્વની અવશતાને, અસહાયતાને, કેવાં અનુભવે છે તે લેખકે લાઘવપૂર્ણ રીતે રજૂ કરવાનો ઈરાદો રાખ્યો છે. વત્સલ અને રંજનાની અનુભૂતિમાં આવી ધ્રુવો પર્યંતની ચહલપહલ દેખાય છે, નીતર્યાઠર્યા ભાવ અને આવેગના ઉછાળાઓની સીમાઓમાં તેઓ ઝૂરે છે- વત્સલ-રંજના લગ્ન કરે છે એ પણ આવો જ વિલિયમાન અને એક ભંગુર અનુભવ છે. મનોચિકિત્સક ડૉક્ટર શાહ જેને ઉકેલવાસમજવાની કોશિશમાં પોતે જ ગૂંચવાઈ ફસાઈ જાય તેવો સંકુલ, ઝળૂંબતા મૃત્યુની છાયા જેને ડરાવ્યા પછી પણ અવરોધી શકે નહિ તેવો અદમ્ય, આ પ્રેમાનુભવ, માનવ્યનું ગૌરવ અને કરુણતા બેયનો યુગપત્ સ્વાદ આપી રહે છે. બધાં જ કલાત્મક પરિમાણોમાં ઊભીને પણ રચના અહીં જીવન-સદૃશ બની, ઊંડા મર્મોની સહોપસ્થિતિની પરિચાયક બની જાય છે. સંગીતકાર દિલાવરની કલાસાધનામાંથી એવું કોઈ સચ્ચાઈભર્યું ઝનૂન છૂટતું નથી જે એની લાચારીને નષ્ટ કરી દે. ક્ષણોમાં સત્ય શોધી રાચનારા એ કલાકારના પ્રેમાનુભવમાં કશું સ્થિત સ્થાયી થઈ શકયું નહિ એ પણ કેવી વક્રતા છે! કલા વિશે વૈયક્તિક ફિલસૂફ, કુટુમ્બભાવ, પિતાની છાયા અને એમાંથી ઊભી થનારી એક ખાનદાનીની ખુમારીને ખણ્ડિત કરી શકતો નથી તે દિલાવર માતા કરતાં પણ વધુ સહિષ્ણુ અને ખમી ખાનારો પુરવાર થાય છે. વત્સલને મૃત્યુ, તો દિલાવરને કુટુમ્બભાવ દમે છે. ત્યારે સુહાસ તો માત્ર પરિસ્થિતિનો ભોગ બને છે. લેખકે જણાવ્યું છે તેમ એનો પરિણામ વિનાનો પ્રેમ છે. એની મુગ્ધતામાં અને વ્યક્તિત્વ નામના અહંકારના ભાર વિનાની પ્રેમાભિવ્યક્તિમાં નર્યું સાહજિક સ્ત્રીત્વ ઊભરાય છે ને તેથી સુહાસની કરુણતા અકૃતક નિર્વ્યાજ છે, ને તેથી જ એ કરુણતામાં રુદનનાં ડૂસકાં વિનાની એકલતા શાશ્વત સત્ય રૂપે દેખાય છે, એને માટે ‘સંગાથ એ પસાર થઈ જતી ક્ષણભંગુરતા છે.’ નીતિન સાથેનો સુહાસનો સમ્બન્ધ વિરોધાવી જોતાં એના અનુભવની ભંગુરતા વધારે રોચક રીતે ગોચર થાય છે. નીતિન અને નાન્સી અનુક્રમે જીવનભ્રાન્તિ અને નિર્ભ્રાન્તિ અનુભવીને છેવટે નિર્ભ્રાન્તિ અને મૃત્યુને ભેટે છે. નીતિન પ્રચ્છન્ન નારીરૂપને દુર્લભ સમજી નાન્સીના મૃત્યુ બાદ આત્મખોજની દિશામાં એક નવી સૂક્ષ્મ પ્રકારની શોધમાં પ્રવેશતો જણાય છે- જે જીવનની પેલે પાર જ પ્રાપ્ત થાય એમ છે. એની અંતરતમ લગન આમ સુહાસ અને નાન્સી જેવી સ્ત્રીઓના અનુભવને અંતે એને મૃત્યુસંમુખ બનાવે છે. ને એ રીતે એનામાં આધ્યાત્મિક જીવનજાગ્રતિનો અંકુર ફૂટતો જણાય છે. નાન્સીનું મૃત્યુ આત્મઘાતનું પરિણામ લાગે છે, છતાં વધારે તો, પોતામાં વિકસતા જૂઠ વિશેની આઘાતક લાગણીનું એ સુવિકસિત ફળ છે એમ માનવું વધારે સારું લાગશે. નીતિન એમાં કારણરૂપ બન્યો, પોતાનામાં નાન્સીનો સમાસ ન કરી શક્યો એ વીગતોએ પણ નાન્સીને સ્લીપિંગ પિલ્સની અભાનતામાં સરકાવી હશે. ને તેથી એના આત્મઘાતને સાહજિક- મોત જ ગણવું રહ્યું. નાન્સીના મૃત્યુ સાથે કવિનું મૃત્યુ Juxtapose કરી જોવાની જરૂર છે. નાન્સીના જીવનમાંની ક્ષયિષ્ણુતાનો ચિતાર એની અશેષ અને નીતિન સાથે વીતેલી કેટલીક ક્ષણો આસ્વાદવાથી હૂબહૂરૂપે પામી શકાય છે. ખાં સાહેબ, મનોહરલાલ આદિ વૃદ્ધો એક ભૂતકાલીન જીવનની સ્વસ્થ માધુરીનાં પ્રતીક બની રહે છે; તો વત્સલ આદિ મૃત્યુની છાયા હેઠળ આધુનિક જીવનતરાહોમાં, પૂરી વેદનાશીલતાથી ઢળાયાં છે ને તેથી એમનો અનુભવ કરુણનો છે. એમનું મૃત્યચિંતન, એમની જીવન પ્રત્યેની સમ્પ્રજ્ઞતા અને એમનું આત્મનિરીક્ષણ ખરેખર તો એમના વાસ્તવ સાથેના પ્રગાઢ આશ્લેષને સૂચવે છે. લેખકે બે યુગના પ્રતિનિધિઓ મૂકીને અખિલાઈનો આભાસ સફળતાપૂર્વક ઊભો કર્યો છે. આ પાત્રો એકમેક સાથે કશાક ને કશાક સમ્બન્ધથી સંકળાયેલાં છે છતાં એ સમ્બન્ધ એમની વ્યક્તિરૂપતાને જ વધારે સ્પષ્ટ કરે છે, સૌનું સત્ય જુદું છે ને અધૂરું છે. તેથી, એમના સમ્બન્ધોની, સત્યોની પૂર્ણતા જન્મે તેમાં ભાવકને રસ પડે છે, નથી જન્મતી તો તેમાં પણ રસ પડે છે, ને એમ પાત્રસમૂહના નિદર્શનથી માનવજીવનનો સમ્યકરૂપ ખયાલ સ્પષ્ટ થાય છે. ક્ષણોનાં શકલ શકલ સત્યોનાં પ્રતિબિમ્બમાંથી આમ જે નિઃસમયરૂપ સત્ય રચાય છે તેનું દર્શન કરી શકાય છે. આ બૃહત્‌નો વિસ્તાર અનુભવાય તો કલાકૃતિનો બધો પ્રપંચ એક રીતે તો સાર્થક થયો જ ગણાય.

લાઘવ એ હરીન્દ્રની શૈલીનો એમના નિરૂપણમાં રહેલી વિશદતાના જેવો જ નોંધપાત્ર ગુણ છે. એમાં કેટલેક કેટલેક સ્થળે નિબંધ પ્રકારે, તો, કેટલેક સ્થળે ભાષામાં ખુલ્લંખુલ્લી, વાચિક, સૂત્રાત્મકતા પ્રવેશે છે; ક્યારેક કવેતાઈ પણ લહેરાય છે. તો બીજી તરફ લેખકે નાનાં નાનાં કલ્પનોથી ભાષાને તાઝગીસભર અને એવી જ ક્ષમતાવાળી બનાવી છે. રાગ-રાગિણીઓના અનુભવો જ્યારે દિલાવર જેવાની બાબતમાં ઉપમેય બને છે ત્યારે અજુગતું નથી લાગતું, પણ ત્યારે કશું જ વેધકતાથી સંક્રમણ પામતું નથી. અલંકાર પ્રસ્તુત અપ્રસ્તુતના જે સમ્બન્ધ જોડે તે ચમત્કૃતિસાધક બનતા હોય છે; પણ સંગીત જેવી શુદ્ધતમ કલાનુભૂતિઓ અલંકરણ સામગ્રી બને ત્યારે ધૂંધળાશ જ પ્રવર્તે છે. દાખલા તરીકે, ‘દિલાવરે નિઃશ્વાસ મૂક્યો’ મન્દ્ર નિષાદ અને મધ્યસપ્તકના મધ્યમ પર ટોડીના સ્વરોમાંથી પ્રકટે છે એવો નિશ્વાસ.[4] એવું કહેવાથી દિલાવરે નિશ્વાસ મૂક્યો એટલું જ કહેવાય છે. સંગીતની અસર માત્ર અનુભાવ્ય છે, ને તેથી એના અન્ય ઉપયોગો વૃથા છે એમ જ કહેવાનું રહે છે. હરીન્દ્રની ભાષામાં ચિંતનપરાયણ માર્મિકતા અવારનવાર ઝબકતી હોય છે ને તેથી રચનાનું ફિસ્સાપણું ઢંકાઈ જાય છે. આવો પુટ આ કથાનિરૂપણને પણ ચઢેલો છે. પણ એ એમની શૈલીનો જ લક્ષણવિશેષ છે તેથી એની મર્યાદાઓ નિર્દેશવાથી આકૃતિની કશી ચોક્કસ મર્યાદા ચીંધી એમ કહેવાશે નહિ. પળનાં પ્રતિબિમ્બ પ્રેમ અને મૃત્યુ જેવા ગંભીર પદાર્થોની કથા છે તેથી એ શૈલીલક્ષણ અહીં બધી જ વાર અવગુણ બનતું નથી, નભી રહે છે. અવગુણ બને છે ત્યાં કંઈક આવું જોવા મળે છે : અમસ્તી વાતોમાંથી પાત્રો ગંભીર અને ઊંડા ચિંતનમાં સરી પડે, ને ત્યારે લેખક વિધાનો સીધાં જ અવતારતા હોય એવું લાગે છે. હું કે તું કે અમેમાંથી ‘આપણે’માં સરી જવાનો આ અભિક્રમ કેટલેક સ્થળે રચનાને ધૂળ ચર્ચાવિચારણાની શુષ્કતામાં ખેંચી જાય છે. ક્ષણોના નિરૂપણના બહુ સાંકડા, મર્યાદિત, ફલક પર એ ચર્ચા પણ લાદેલી લાગે છે, સહજભાવે નિરાંતે વિકસી જણાતી નથી. આ રસમ હરીન્દ્રનાં પાત્રોના વૈયક્તિક વિકાસને પણ રુંધનારી બને છે. નિરૂપણપદ્ધતિ જ્યાં જ્યાં મનુષ્યના ભાવજગતની અનુભૂતિઓ વિલોકવાનું વીંધ બની હોય છે ત્યાં ત્યાં એની સિદ્ધિ જોઈ શકાય. ચિંતનના સંદર્ભમાં એ જોખમકારક નીવડે. ખાં સાહેબ સાથે મનોહરલાલ શતરંજ રમે છે ત્યારે લેખકે એક બહુ જ ભાવપૂર્ણ ક્ષણ પકડી છે. ‘હાથમાં વિદૂષક ઉઠાવી મનોહરલાલ એને ક્યાં મૂકવો એનો વિચાર કરી રહ્યા- એ વિચારક્ષણમાં, કાલે રંજના ઘેર નહીં હોય, સાંજના ડિનર વખતે હસતા મુખે પોતે મહેમાનોને મળશે, રંજના અને વત્સલ જશે, પોતે સુહાસ સાથે ઘેર આવશે એ રાત ટીપે ટીપે અંધકારને દ્રવતી હશે; રંજનાની ગેરહાજરીથી ઊભું થયેલું ખાલીપણું, સુહાસનું અરવ રુદન, પોતે એ ખાલીપણાને આંગળીથી ખૂંતી શકશે- વગેરે ચૈતસિક સંઘર્ષ ઝડપથી ફરતી ફિલ્મપટ્ટીની જેમ વલોવાતો જણાય છે. ચાલ ચાલવા માટે ઉઠાવેલા વિદૂષકને મનોહરલાલ, પછી પટમાં મૂકે છે.[5] આની તુલનામાં, દિલાવર અને વત્સલના સુહાસ અને રંજના સાથેના ફિલસૂફીપરાયણ સંવાદો મૂકી જોવાથી ઉક્ત મુદ્દાનું સમર્થન મળી રહેશે. વિચાર અને ચિંતનને આવી પદ્ધતિમાં સર્જનાત્મક ન બનાવી શકાય તો નવલકથાના રસને બીજી રીતે પણ ખમવું પડે. શિકારી કૂતરાની અને કાળિયારની કથા ચિંતનના સર્જનાત્મક રૂપાન્તરનું આવું જ બળવાન નિદર્શન ગણાય. જીવનને એની સમુચિત અવસ્થામાં પામી મૃત્યુનો સંદર્ભ પામતી આ સૃષ્ટિનો ભાવમર્મ એકંદરે આધુનિક છે, ને તેથી જ આ નાનકડી રચના પણ આ અભ્યાસમાં મહત્ત્વપૂર્ણ સ્થાનની અધિકારી બની છે. વત્સલ આદિને મળેલું જીવન પ્રત્યેક ક્ષણે કરુણનું જ પરિચાયક જણાય છે. ને એમાં માનવીય અસ્તિત્વની છબિ આધુનિક વેદનશીલતાના દ્રાવણમાં ધોવાઈને તૈયાર થતી જોવાય છે.

***
  1. એજન, પૃ. ૨૦ ૨
  2. એજન, પૃ. ૨૦૨-૩
  3. પ્રમોદકુમાર પટેલને મહાનવલના સંદર્ભમાં આ નિરૂપણપદ્ધતિ વિશે આવું લાગ્યું છે : ‘જીવનનું ઝળાંહળાં થતું અમુક ક્ષણોનું એનું આગવું સૌન્દર્ય પણ છે જ. એટલું જ કે મહાનવલ સર્જવાને કદાચ આ રાજમાર્ગ હોય. એમ લાગતું નથી.’ ગ્રંથ, માર્ચ, ૧૯૬૬, પૃ. ૧૫
  4. એજન, પૃ. ૧૦૯, એક બીજું દૃષ્ટાંત જુઓ પૃ. ૭ ઉપર.
  5. એજન, પૃ. ર૦૭-૮