ચાંદનીના હંસ/૧૦ સવાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સવાર

ઝાડવે ઝાંખરે વીંટળાયેલ અંધાર ઊડીને ફર ફરાફર કારવટેળી થાય.
ગોળ વળાંકો લઈ ભવાંનું શ્યામ પારેવું નીલ – બિલોરી આભમાં ઊડી જાય.

પથ્થર પથ્થર જંગલ ગીચોગીચ ને જંપ્યા જળના પટે.
                   ગૂઢ લિપિમાં સરતા પવન
                   લખતા ઘડીક ભૂંસતા રહે.
જરીક તાનમાં જરીક ભાનમાં ઘૂસર ઓસ વચાળે
                                     તરતાં ગગન
                   પળ પળે પળ લાલ સોનેરી
          કમળ બની ખૂલતા રહે.

વાદળ ઓથે સરક્યે જતો સૂરજ આવી ધોધવે પડતાં ઝરણાં શો અફળાય.
ઝાડવે ઝાંખરે બધબધે બધ છલ છલોછલ ઝરણું ઝકઝોલાય.
          બધે બધ ઝરણાં ઝકઝોલાય બધે બધ ઝરણાં ઝકઝોલાય...

ગોળ વળાંકો લઈ ભવાંનું શ્યામ પારેવું ચાંચ ઝબોળી આભમાં ભળી જાય.

૧૯૭૨