ચાંદનીના હંસ/૨૦ મળસ્કે

From Ekatra Foundation
Jump to navigation Jump to search


મળસ્કે

ઘેન લીલું સામટું ઘેરી વળે,
આંખ મીંચું ને ક્ષિતિજો વિસ્તરે.
દેહની રાત્રિ ખીલી વનરાઈ થઈ,
શ્વાસ ઝીણા આગિયા થઈ સંચરે.
તેજ – તિમિર – તેજનું જાળું નભે,
મત્ત ચાંદો રાતભર ગૂંથ્યા કરે.
સોણલે તરબોળ આખી સૃષ્ટિ આ,
સૂર્ય પણ ઝૂલી રહ્યો ઝાકળ જલે.
આરસીએ ઝળહળે દરિયાવની,
હું અહીં ને દૂર પડછાયા તરે.

ઑક્ટોબર, ૭૪