ચાંદનીના હંસ/૨૪ ભૂપેશની સ્મૃતિમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભૂપેશની સ્મૃતિમાં

શબ્દ શબ્દ ઘાટ પામેલી
દૃષ્ટિવન્ત આંગળીઓ
આકાશી વ્યાપમાં વિસ્તીર્ણ.
વાદળોનું ઝૂંડ લઈ ઊંચે ચડતી
પહાડોના ઢાળે ઢળતી, ભરતીમાં રેલાઈ; પડે વાક્પ્રપાતે
ફાટી પરપોટે પરપોટે પૃથ્વી આંખોને કાંઠે.
અવનવી સૃષ્ટિના અટપટા રસ્તાઓ
ઘેરા, ભેદી અને અપારદર્શક.
આ હું જીવું છું ક્યાં
અક્ષરોમાં કે બ્હાર?!—
એની ભેદરેખા અળપાઈ જાય...

હું વાત માંડુ
ખળભળ સાથે
આંખ ફોડતી આભા સાથે
વીજળી ચમકે
ચમકારે ચમકારે આઘે
દૂર સરેલા વાદળ લઈ
આકાશ ઊતરે
ઉચ્છ્વાસે અફળાતી આ ખાલીખમ હવામાં
ઝળહળતું મોહક સ્મિત ઝકઝોળાય.

મને ચાક ઉપર અધૂરો છોડનાર
આંગળીઓની સુંવાળપ પણ
આકાશી વ્યાપમાં વિસ્તીર્ણ.
પહાડોના આરોહક
ને દરિયાના અવરોહક

તું
મારા પોલાણોમાં પોલાદ રેડતો
ઝંઝાનિલ શો
સ્વ-ભાવ શોધતો સ્વભાવ,
મારાં ટાઢાબોળ ઊંડાણોમાં
જામગરી ચાંપે.
મને ફરી ફરીને બાથ ભીડવા ઉશ્કેરે
એ આગ
વહાલા ભૂપ
તને અર્ઘ્યમાં ભાંગ્યા તૂટ્યા શબ્દોનો ભંગાર ધરું છું.
ખોબા જેવડી મારી આંખમાં ઊંડે
ઊંડે લગણ અવકાશ.
પૂરતાં પાણી પણ નથી.

૨૬-૬-૮૨