ચાંદનીના હંસ/૨૭ દાબડા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દાબડા

નાડીમાં
એકધારા સંભળાય
દાબડા.
ઊડતી ધૂળમાં તીણી ઝીણી ચીચીયારીઓ ઊડતી.
દોડ્યે જાય છે સતત
હેષારવ.

હવા વીંઝતી નાળિયેરીની પૂચ્છ મરડતો
છાતીના ભૂરા આકાશે
શ્વાસોના વંટોળ ભેદતો
ઊછળે લીલીછમ નસ નસની ઝાડીમાં
નેણ-છિલ્લરે છલાંગ મારી
જડબું તાણી
અક્કડ બેઉ પગે ઊંચકી હણહણે.
વગડે આખ્ખો હાંફે.
ધ્રૂજે ડાળ-પાતરા
વાડ–વોંકળા
એકમેકને પૂછે.
વાત વાતમાં વાત વિસરે
જરી હરખમાં કૂદે,
નહીં કૂદે
ત્યાં તો
અણધાર્યા થૈ દેખાય
ધૂળના કણ કણમાં પડઘાય
નદીના વ્હેણ ભૂરા ભેદાય
છાતી પર જરીક કાન તો માંડો—
અટવાય દાબડા.

વગડે વંટોળાતો અંધાર
ક્ષિતિજની અજાણ ખીણમાં આવી
શાન્ત ઊભો છેઃ શ્યામ ભૂરો તોખાર.

જાન્યુઆરી, ૭૩