ચાંદનીના હંસ/૪૧ મેદનીમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મેદનીમાં


મેદનીમાં
જડે તો
ઉજાસનું એકાદ તણખલું ઝાલી
રસ્તો શોધવાને આગળ વધું છું.

ટોળાના પડછાયાની ભેખડો
મારી પર વરસતી જ રહે છે.
આંજી નાખતું કંઈક જણાતાં
તણાઉં છું
તે તરફ
આગળ આગળ.
ને
મારા આગળ વધવાના વેગમાં જ
ધસી આવે ચળકતા ઊના ભાલા જેવું શહેર
આંખમાંથી લમણાને ફોડી આરપાર—
ડામર વહેતા રસ્તે
પ્રત્યેક શિરામાં ફરી વળે.

ટોળાના પડછાયાની ભેખડોમાં દટાતો
તિરાડમાંથી માથું ઊંચકી
બ્હાર.

સમાન્તર પાટાઓ વચ્ચે દોડતો હાંફતો પછડાતો પડછાતો
અવાજના ઓળાઓ ભેદી
સડસડાટ નીકળી
જતી ટ્રેનને
એક પગે ઊભા રહી

એક આંખે જોઈ રહેતા સિગ્નલની જેમ
ગમે ત્યાં ક્યાંક ધસી આવીને ઊભો રહી જાઉં છું.

લાલ ખાબોચિયે
હલબલતાં મારાં પ્રતિબિંબો જોઉં છું.

વલયોની ધ્રુજારીમાં ધ્રૂજતો
લથડતો
પાકેલા ગુમડા જેવા
પરું નીંગળતા ચંદ્રને ખંજવાળતો
સંતાઈ જાઉં છું—મેદનીમાં.

૧૮-૮-૭૫