ચાંદનીના હંસ/૪૯ કાળું છિદ્ર


કાળું છિદ્ર


હા, હા દૂરબીન કે કશાય વગર
અવકાશમાં જોયું છે મેં
કાળું છિદ્ર.
જેની ગર્તામાં સમાઈ જાય હજાર હજાર પૃથ્વી ગ્રહમંડળ ને નક્ષત્ર એવું
નરી આંખે ઝીલ્યું છે મારી કીકીમાં.
આઘેથી ટપકું માત્ર એ
લાગે સાધારણ કાગડો પછી ખુલ્લી પાંખે કાળું બાજ ને પછી
                                     અણુબોમ્બ લઈ

ધસતું જાણે વિમાન ને પછી....
એમાંથી એક્કેય નહીં એવું
પડછંદ અને પાશવી.
ચકરાવે ચકરાવે આકાશને આંધળું કરતું
ઊડી ઊડીને આવતું
ને આવે આવે ત્યાં અલોપ. ન જાણે ક્યાં? કીકીના ઊંડાણોમાં?
એના પડછાયે થથરી ઊઠ્યુ’ તું આખું ઘર
ઊડ્યે જાય છે દૂર
કાળું છિદ્ર થઈ અવકાશમાં
કજળી ગયેલો સૂરજ કપુર કાચલી જેવો
ઘુમાય, પડછાય ચામડી પર
કાળા એના પાશ અંગાંગે બાઝ્યાં છે ચામડી થઈને.

૧૬–૩–'૮૩