ચાંદનીના હંસ/૫૩ દેશવટાનું ગીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દેશવટાનું ગીત


તારા સામ્રાજ્યમાં કેદ, હું એક રાજવી છું; પદભ્રષ્ટ,
દેશવટો પામી હંકારાયેલાં મારાં વહાણ તારાં આન્તરરાજ્યોમાંથી
તારી નસે નસના નકશાઓને અનુસરીને આવ્યાં.
લાંગર્યા છે, યાતનાઘરના તૂતક પર.
બંદર પર ચારેકોર સફેદ ઝંડી ફરફરે.
દરિયાની જેમ ઉછાળા મારતું મારું લોહી
વ્યક્ત થવા માટે હવે ઘાને ઝંખી રહ્યું છે.
તું ઝીંકી દે... ઘાવ પર ઘાવ.
યાતનાઘરની તિરાડમાંથી તાકું છું. બૂમ પાડું છું.
મારા અવાજો મને ઘેરી વળે છે. ઘેરી લે છે અણીદાર સહસ્ર
                   પંજાઓમાં મને મારો અવાજ.

ઊડી આવતા સારસને મેં મારી બન્ને આંખો કાઢી આપી,
ચાંચમાં ઝાલી તને પહોંચાડશે એ લોભે.
મારા હોઠોને તોડી, ફોડી, એનાં બન્નેય ફાડચાં
ફેંકી દીધાં ક્ષિતિજની ભીંતોની પાછળ અવકાશમાં.
કાનની અંધારી ગુફામાં તેં ગાયેલા ગીતની અપ્સરાઓના શિલ્પ
મારા વિષાદી અંધકારને આલિંગે છે.
ખોપરીનાં ભૂરાં-કાળાં મેદાનમાં ઊડ્યે જાય છે સફેદ સમુદ્ર પંખીઓ.
ઝંડીઓ ફરફરે છે તૂતક પર સફેદ.
કાળા પવનો માથું ઊંચકે છે માતેલી જંગલી ભેંસની જેમ,
કાળાં વ્હાણો ઉછાળા મારે છે મારામાં દરિયાની જેમ.
હંકાર્યે જાય છે. કોણ? ન જાણે પહોંચશે ક્યાં?

આ કેદી હવે ઝાઝું નહીં ટકે, ધારી છોડી મૂકવાનું તારું ફરમાન છે.
હથેળી પરના દરેક પહાડે પીગળી રહ્યા છે,
હિમભર્યા શિખરો પરથી.
આ સ્મૃતિભ્રંશમાંથી પાછા ફરવાને કઈ પ્રાર્થના હોઈ શકે?
લોહીની બધી જ નદીઓ કોઈ દરિયામાં ભળી રહી છે.
લીલાંછમ જંગલના પર્ણોની લિપિ ઉકેલવા મથું છું.
પુસ્તકમાં સાચવી સાચવીને સુકવેલા
એક પાંદડાની લિપિ તું ક્યારેય ઉકેલી નહીં શકી.
નિર્જન વનમાં સુગંધ ફરી વળતાં તું સામે હોય એવી પ્રતીતિ થાય છે.
તને જોઈ શકતો નથી.
મારી બને આંખો અધીરવો સારસ લઈ ગયો.
કાનની ગુફાઓને અધિકાર કાળો પથ્થર બની ગયો.
તને સાંભળી શકતો નથી.
મારા અવગત રુધિરમાં અનુભવું છું;
સુગંધ...સુગંધ... સુગંધ...ચારેકોર—તારી.
કદાચ તું જોતી હશે; આકાશી મીટ માંડી
કંઈક બોલતી હશે.
મારા લોહીની બધી જ નદીઓ કોઈ દરિયામાં ભળી ગઈ.
હવે હું વહી રહ્યો છું.
દૂર દૂર કાળા વહેણ પર. ક્યાં? જઈ રહ્યો છું હું ન જાણે ક્યાં?
તું આવજો કહેતી હશે
કદાચ આવજો ન પણ કરી શકે, મન ભરાઈ આવતાં
હું: વાચાહીન,
તને આવજો પણ કહી શકતો નથી.

૨૩-૧-૭૭