ચાંદરણાં/ઇતિહાસ
Jump to navigation
Jump to search
20. ઇતિહાસ
- ઇતિહાસ વાંચનારો માણસ બેઠાં બેઠાં સદીઓ પસાર કરે છે.
- સૂર્ય ઇતિહાસ થશે ત્યારે વાંચનારું કોઈ નહીં હોય.
- કાળો ઇતિહાસ પણ હવે સોનેરી બાઇન્ડિંગમાં મળે છે!
- ટૂંકો હોય તે ઇતિહાસ નથી હોતો.
- લાખો લોકો યુદ્ધમાં માર્યા જાય પછી એક ઇતિહાસકારનો જન્મ થાય છે.
- સમયના કાચબાને ઇતિહાસની ઢાલ છે.
- ઇતિહાસમાં આગનું અજવાળું જ વધારે હોય છે.
- ખંડિયેરોનું સૌંદર્ય બતાવે તે ઇતિહાસ!
- અખંડ સમયના ખંડ પાડે તે ઇતિહાસકાર કહેવાય!
- ઇતિહાસ ન હોત તો પૂર્વજો પણ ન હોત!
- ઇતિહાસ એ પૂર્વજોનો ઉત્તરાધિકાર છે.
- જેઓ તલવાર ઉગામે છે તેઓ ઇતિહાસલેખકને રોજી આપે છે.
- શાશ્વતના પગ ઇતિહાસ અને માથું ભવિષ્ય છે.
- ઇતિહાસના કાગળો પર પેપરવેઇટરૂપે માણસની ખોપરી છે.
- સદીઓ પસાર કરવા ઇતિહાસ વાંચો!
- ઇતિહાસ નેતાઓએ ભણવો જોઈએ, પણ તે વિદ્યાર્થીઓને ભણાવાય છે.
- ઇતિહાસને રિન્યૂ કરવા માટે તલવાર ઘડવી પડે.
- ભવિષ્યની ડિલિવરીમાં ઇતિહાસ જ આવવાનો છે.
- કોઈક કોઈક તારીખના નસીબમાં તવારીખ થવાનું લખ્યું હોય છે.