ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ


જ્યોતિષ જાની


Chakhadie Chadhi Chalya Hasmukhlal
(a novel)

JYOTISH JANI
Suvasit Sahitya Prakashan
(C) જ્યોતિષ જાની

પ્રથમ આવૃત્તિ : જાને’ ૧૯૭૦
મૂલ્ય : રૂપિયા છ
આવરણ : જ્યોતિબહેન ઠાકોર


: પ્રકાશક :
શાંતિભાઈ શાહ
સુવાસિત સાહિત્ય પ્રકાશન
૧/૩૭૮૭ મોટી દેશાઈ પોળ, સૂરત.
: મુદ્રક :
વસંતલાલ રામલાલ શાહ
પ્રગતિ મુદ્રણાલય, ખપાટીયા ચકલા સૂરત

The modern satirist must seek new means of provocation...the poet must perform a few somersaults to make you into children again. For this is his aim-to give you some dolls, to teach you to play, and then to throw the sawdust of the broken doll into the wind.
-Goll


Chakhadi Book Image 1.png

સુવાસિત સાહિત્ય પ્રકાશનનાં
કેટલાંક વિશિષ્ટ પ્રકાશનો :

ધૂમ્રપૂતળી (નવલકથા) શ્રી હરિસિંહ ક. દોડિયા
નાઇટમેર (નવલકથા) શ્રી સરોજ પાઠક
ભિન્નહૃદય (વાર્તાસંગ્રહ) શ્રી અભેસિંહ પરમાર
સાંસારિકા ( સંસારિક પ્રસંગો ) શ્રી સરોજ પાઠક
મેઘશ્યામ (વાર્તાસંગ્રહ) શ્રી હરિસિંહ ક. દોડિયા
મારો અસબાબ, મારો રાગ : શ્રી સરોજ પાઠક
સ્વર્ગ અને નરક ( વાર્તાસંગ્રહ) શ્રી હરીશ નાયક
મહેક મળી ગઈ (વાર્તાસંગ્રહ) શ્રી ભગવતીકુમાર હ. શર્મા


The denying of reality
is the asserting of it, And the
asserting of emptiness is the denying of it.
-Suzuki
(Manual of Zen Buddhism)

મારી પહેલી નવલકથા પ્રગટ કરતાં આનંદ અનુભવું છું એવું કશું ના લખું તોય તમે સમજવા જેવું સમજો જ. મને તો આનંદ આવે : તમારી અને હસમુખલાલની વચ્ચેથી અદૃશ્ય થઈ જવામાં અને પડદા પાછળથી તમારા બન્ને વચ્ચે કેવી સાહિત્યરંગત જામે છે એ જોવાની—

*
મારા પ્રકાશક શ્રી શાંતિભાઈ તેમજ સૂરતના ‘આપણા ઘડીક સંગ’ના મિત્રો (જેમણે ઉલટેભર આ કથા વાંચી,) એ સૌનું સ્મરણ કરું છું અને આભાર માનું છું’.

સૂરત, તા. ૧પ-૧૦-૬૯

જ્યોતિષ જાની

* * * દૂધેશ્વર,
સાબરમતી,
અમદાવાદ,
કાર્તિક સુદ નોમ સંવત ૨૦૨૬



મારા વા’લેશરી વાંચકસાહેબો,

મહાનગર અમદાવાદથી લિ. આપના નમ્ર હસમુખલાલ ભાઈલાલભાઈ વ્યાસના જેશ્રીકૃષ્ણ ! સાચું કહું તો મને કંઈ આ લખવાનો બહુ મહાવરો નહિ ને અભરખો ય નંઈ કાગળ લખવાનો હું હમણાં હમણાંનો મહા એદી થઈ ગયો છું. થયું એવું કે આજ મળસ્કાથી મારી ઊંઘ હરામ થઈ ગઈ છે. (થોડી ઊંઘ લેવા તો આ ઉંમરે ય ધોતિયાને કછોટો મારી શીર્ષાસન કરી લઉં છું-વીસમી સદી ને ઊંઘને કશીય લેવા દેવા નથી મારા બાપલા) અને નીતા પણ જાગી ગઈ છે. સઈડ્કુક કરી ચ્હાના ઘૂંટ ભરતો જાઉં છું ને થોડું બબડી લઉં છું. મારી મોટી દીકરી નીતા મારું બબડવાનું ટપકાવી લેતી હોય એમ લાગે છે. શ્રીગણેશને સ્મરી પહેલાં થોડી ખુશખબરું આપી દઉં (એરંડિયુ પાઈ દેતા મારા વલ્લભરામ દાદા બહુ બોલકા. એ કહેતા કે દિવાળીના સપરમા દિવસોમાં જો કાગળ લખવાનું મન થાય તો શ્રીગણેશનું શુભ નામસ્મરણ કરી થોડી ખુશખબરો જરૂરાજરૂર લખવી) મારી ત્રણ દીકરીઓના સોગન ખાઈ હું પહેલી ખુશખબર લખું છું : પેલા દિ’થી હવે જ્યારે જ્યારે હું દૂધેશ્વર જાઉં છું, ત્યારે મારા આ નશ્વર દેહને હું ચિતા ઉપર ખડકી દઉં છું. ને ટેસથી બીડી પીતાં પીતાં નવો અવતાર પામી, હું ઘરે પાછો આવું છું - (આ અમારા અમદાવાદમાં જીવવા માટે કંઈ કેટલાય અવતારો, લક્ષ નહીં તોય ચોર્યાશી તો હાચા, ધરવા પડે છે.) અને નવા અવતારે હું આ બધું બબડું છું. દેહધારી હસમુખલાલ ક્યારનો ય મરી ચૂક્યો છે, મારા ભઈલાઓ. ‘કો’ આ ખુશખબરી ખરી કે નહીં? આપણે તો મનમાં ગાંઠ વાળી છે કે જીવવું એટલે જીવવું. બીજું કશું બખડજંતર એમાં ના ચાલે. શ્રીજીનું સ્મરણ કરી, બીજી એક ખુશખબર આપું : આપણું પણ હવે પેલા શાસ્ત્રીજીની લગોલગ પ્લીન્થ સુધી આવી પહોંચ્યું છે. બધું સાનમાં સમજી જશો તો આવતી દિવાળીએ, ભગવાન શ્રીહરિએ ધાર્યું હશે તો, વાસ્તુપૂજા ઉપર આપને બોલાવીશ અને પ્રસાદની વ્યવસ્થા પણ, ભગવાનની કૃપાથી થશે. સોગંદપૂર્વક નક્કી કર્યું છે કે કોઈ પ્રધાનશ્રીને આપણે બેલાવવા નથી. (ચાળીસ રૂપિયે વાર લેખે ૩૦૦ વાર, પૂરા ત્રણસેં, જમીનનો પ્લોટ ખરીદ્યો ત્યારે કલ્પના આવી કે પચીસ હજાર તો કશી વિસાતમાં ગણાય એવી રકમ નથી. બધી તાગડધિન્ના પ્રેવીડન્ટ ફન્ડની રકમ ઉપર છે. ગઈ કાલે જ ખુશખુશહાલ થવાય એવી વાત મળી કે બે વર્ષ પછી હું રીટાયર થઈ ને જીવતો હઈશ તો બીજા પચીસ હજારનું પ્રો. ફં. મળી જશે.) સાહેબો, તમને એ જાણીને પણ આનંદ થશે કે બે રાતના ઉજાગરા કર્યા પછી (પાકો વિચાર કરી, ઝાઝું બબડી) હું કોંગ્રેસનો પાવલિયો સભ્ય બની ગયો છું. (ખોટું નહિ કહું-બંગલો બંધાશે એવી પાકી ખાત્રી થઈ ગઈ ત્યારથી રાજકારણમાં ચંચુપાત કરી, આટલું એક સત્ય તારવ્યું : કોંગ્રેસના સભ્ય બની જવું !) આ બધી ખુશખબરો કહેતાં મારી મૂળ વાત અવળેપાટે ચઢતી જાય છે- આજ તો હૈયું હળવું કરવાને પાકા નિર્ધાર કર્યો છે. કહી દઊં ત્યારે? અજય નામને કોઈ યુવાન છોકરડો મને મળ્યો જ નથી. ધારો કે મળ્યો હોય તો પચીસ હજાર જેવી કોઈ વાત એણે ઉચ્ચારી નથી. અને માની લો કે ઉચ્ચારી હોય તો ય એ પૈસા બારોબાર મને આપવાની વાત એણે નથી જ કરી. અને કદાચિત્ એ અજયડાએ એવી વાત કરી હોય તો એ વાત હું સાચી માની લઉં એવો ભોળોરામ હું નથી જ નથી. અને માની લો કે એ પૈસા મેં લીધા છે પણ યાદ રાખજો, સાહેબો, કે આપની પાસે એનો કોઈ પુરાવો નથી. આ બધા કારસ્તાન કોનાં છે એ તમે જાણો છો. ન જાણવાનો ડોળ કરતા હો તો કહી દઉં કે તમારા એક લેખકમિત્ર મને મળી ગયા ત્યારે કહેતા હતા કે મુરબ્બી, તમને વાંધો ન હોય તો અજય નામના એક યુવાનને તમારી સાથે ભટકાવી દઈશ-અને પચીસ હજાર રૂપિયાની મૂડી એ તમને આપે છે કે નહીં અને એ મૂડી તમે સ્વીકારો છો કે નહીં, એ હું બેઠો બેઠો જોઈશ. મેં પૂછ્યું : ‘ભલા, મારી સમક્ષ આવી ચેષ્ટા કેમ?’ યાતજાત વગરના એ લેખક કહે, ‘જરા રંગત જોવા.’ તો વાત આવી છે સાહેબો. ના, સાહેબો, કોઈ મજાક નથી કરવી, એવું કંઈક લાગે તો ક્ષમા કરજો, (સાલું જરા તંદ્રા જેવું લાગે છે. ) માણસને માણસ તરીકે જીવવા માટે ન ધાર્યું નાટક કરવું પડે છે. પચીસ હજાર રૂપરડીની કોરીકટ નોટો ગણગણીને લેનાર હું... હું હસમુખલાલ જ મૂઓ હતો. (ટાલ પાછળના થોડા રાખોડિયા અને રૂપેરી વાળ ઉપર હાથ ફેરવી હું વાત કહેતો હોઉં ત્યારે એ વાત કદી ખોટી ના માનવી. દેહ અને દેહાદિના વળગણોથી સાવ નિર્મમ થવાની એ પળો હોય છે) અજયે પચીસ હજારની વાત મારી આગળ કહી ત્યારે ઘડીભર હું ચિત્તભ્રમ ચિદાનંદ જેવો થઈ ગયો હતો. કોઈ બીજું શહેર કે બીજું ગામ હોય તો સમજ્યા પણ આ અમદાવાદ જ્યાં રેતીના કણોનેય મારા બેટા, સોતાની રજકણ હોય એવો પ્રેમ કરે છે ને મહાશઠ હોય તેનેય શેઠ કહેવો પડે ને પૈ પૈ ભેગી કરી પ્લીન્થ સુધી પહોંચવા પ્રયત્ન કરે એ અમદાવાદમાં કોઈ માનો જણ્યો, સાવ અજાણ્યો પચીસ હજારની વાત કરે ત્યારે જાતને સ્વસ્થ રાખવી...... (ઊભી રહે, આ બહુ દા’ડે એક કાગળ ચીતરવા બેઠો છું ત્યારે મંઈ વચમાં ડવડવડવડવ ના કરતી હો તો-હાઆ, હાંભળ્યું. હા. હાચું.) -તો આમ વાત છે. મારી આ વાણીનું રૂપ કદી સંસ્કારી નહિ થવાનું-બબડવાનું તો મરતાં પછી ય રહેવાનું. તમે મારી સ્મશાનયાત્રામાં આવો તો જોજો. હાડકું બરોબર નહીં બળતું હોય તો ચોટ્ટા અમદાવાદી ડાધુઓને દૂધેશ્વરની ચિતા ઉપર મૂઓ પડેલો હું બબડતાં બબડતાં કહેવાનો: ‘ખોટી કસર ના કરો-મારા વા’લા વેરીઓ, બધું ધૂંધવાય છે- ચારે બાજુએ ધૂંધલાય છે. જોઈતા હોય તો હજુય મારા ગુજામાંથી થોડાં ફદિયાં લો, લાકડાં લઈ આવો ને અગ્નિની પવિત્ર શિખાઓને પ્લીન્થ સુધી તો પહોંચવા દો- -પછી પોક પાડજો.

ચાખડીએ
ચઢી ચાલ્યા હસમુખલાલ


જ્યોતિષ જાની