ચારણી સાહિત્ય/20.લોકસાહિત્યના કૉપીરાઇટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


20.લોકસાહિત્યના કૉપીરાઇટ

છેલ્લાં ત્રણ વર્ષોથી લટકી રહેલા અમારા કોપીરાઇટના દાવામાં ગયા અઠવાડિયે જે સમાધાન થયું તેને હું સાહિત્ય-કલાની દુનિયામાં એક મહત્ત્વની સિદ્ધિ માનું છું. કલા-સાહિત્યના સર્જકોનો રોટીનો પ્રશ્ન એ સમાધાનને લીધે એક મક્કમ પગલું આગળ માંડે છે. આવી મારી માન્યતા હોઈ હું આ દાવાની સવિસ્તર માહિતી આપવા માગું છું. મુંબઈ ખાતેની બે જુદીજુદી (બેશક એક જ માલિકીની) ગોરી ગ્રામોફોન કંપનીઓ સામેના આ કૉપીરાઇટના ભંગના મારા દાવા હતા. કુલ સાત ગીતો, જેમાંનાં બે મારાં પોતાનાં રચેલાં, અને પાંચ મારાં સંશોધિત તેમજ સંપાદિત લોકગીતો હતાં, તે મળી સાત ગીતોનું રેકૉર્ડીંગ કરાવી તેની રેકૉર્ડો વેચવાના ગુના સામે મેં અદાલતની દાદ માગી હતી. ગઈ તા. 17 અને 18ના દિવસો કટોકટીના હતા. મારા જીવનનો સૌ પહેલો અનુભવ હતો. જસ્ટીસ કણિયાની અદાલત હતી. મંગળવારનો દિવસ તો લોકસાહિત્યના વિષય પરની માર્મિક ઊંડી ચર્ચાનો જ દિન જાણે કે અદાલતમાં બની ગયો હતો. રેકૉર્ડમાં ઊતરેલાં એ પાંચ લોકગીતો મારા સંગ્રહો ‘રઢિયાળી રાત’ તેમજ ‘સોરઠી સંતો’માંના : પરંતુ આ મારા સંગ્રહમાંનાં છતાં લોકગીતો તો ખરાં ને?  ને લોકગીતો એટલે તો પરાપૂર્વથી શેરીઓમાં ગવાતાં નધણિયાતાં જ ગીતો ને? એ ગીતો પર મારી માલિકી શી રીતે હોઈ શકે? — એ હતો બચાવનો મુદ્દો. દાવો હાઈકોર્ટમાં માંડવો પડ્યો હતો. સમર્થ સોલીસીટર હસ્તક દાવાની તૈયારી અને વિધિઓ કરાવવી પડી હતી. મોટા ધારાશાસ્ત્રીઓના અભિપ્રાયો મેળવવા પડ્યા હતા. બચાવ પક્ષ પરની નોટીસથી માંડી મુકર્દમો ચાલ્યો ત્યારના ધારાશાસ્ત્રીના રોકાણ પર્યંતની એ ક્રિયાઓ એટલી તો ખરચાળ તેમજ પુરાવા-સાબિતીઓની તૈયારી માગી લેનારી હતી કે ભાગ્યે જ કોઈ પીઠબળ વિનાનો કલાકાર-સાહિત્યકાર આ જહેમત ઉઠાવવાની હિંમત કરે. મારી પાસે પીઠબળ હતું, એક તો મારા શક્તિવાન સોલીસીટર મિત્ર શ્રી શાંતિલાલ શાહનું : બીજું કાઠિયાવાડ લિમીટેડનું; ને ત્રીજું, સદ્ભાગ્યે મેં પંદર વર્ષો સુધી સાચવી રાખેલી મારી લોકસાહિત્ય સંગ્રહની હસ્તપ્રત-પોથીઓનું. ઉપરાંત, હું છેલ્લાં ત્રણ વર્ષ મુંબઈમાં રહેતો હતો; ધારાશાસ્ત્રીઓના સતત સંપર્કમાં હતો; સોલીસીટર મારી પાસે લેણી પડતી રકમોનો તગાદો કરતા નહોતા. છતાં એટલી વાત તો નક્કી જ હતી, કે જો હું દાવો હારી જાઉં તો મારે ચારેક હજાર રૂપિયાનું તો કેવળ અદાલતી ખર્ચ અને અવળું પડે તો સામા પક્ષનું પણ ખર્ચ ભરપાઈ કરી દેવા તૈયારી રાખવાની હતી. એ તૈયારી એટલે આવતાં કોણ જાણે કેટલાંય વર્ષો સુધીની કલમ-મજૂરી. છાતી બેસી જાય તેટલું જોખમ મેં શ્રી શાંતિલાલ શાહની હિંમત પર માથે લીધું. એ બાહોશ ધારાશાસ્ત્રીને તો પ્રથમથી જ દીવા જેવું દેખાયું હતું કે મારો દાવો સ્વચ્છ છે. કાયદાની દુનિયામાં કૉપીરાઇટના ભંગના બની ગયેલા અનેક લાક્ષણિક કિસ્સાઓની તેમને માહિતી હતી. કૉપીરાઇટના કાયદાનું એમનું અવગાહન તલસ્પર્શી હતું. મારે પક્ષેથી દલીલ આ હતી : કે મારા સંગ્રહોમાં પડેલાં લોકગીતો શેરીઓમાંથી અછ-ઇતિ તૈયાર અકબંધ સ્થિતિમાં નથી મળી આવ્યાં. એ ગીતોનો જે વેળા લગભગ નાશ થઈ ચૂક્યો હતો તે વેળા હું એની શોધમાં નીકળ્યો, મેં ગામડાં ખૂંદ્યાં, કુટુંબોમાં પ્રવેશ મેળવ્યો, અહીંતહીંથી મને છિન્નભિન્ન સ્વરૂપે ગીતો મળ્યાં. ટુકડો આંહીંથી તો કટકો તહીંથી : સ્વરૂપે વિકૃત : રચનાએ કલાહીન : અર્થે અસંબંદ્ધ અને કઢંગા : એવા વેરણછેરણ ટુકડાઓ — અક્કેક ગીતના એક કરતાં વધુ જુદા જુદા પાઠો : તેને પ્રથમ મેં સંઘરી લીધા, પછી તેના સાંધા જોડવા પ્રયાસ કર્યો, તેના વિકૃત સ્વરૂપની પાછળ શુદ્ધ સ્વરૂપ કેવું હોઈ શકે તે અનુમાન પર હું આવવા મથ્યો. તેનું શુદ્ધ ગેય સ્વરૂપ મેં ચોક્કસપણે મેળવ્યું. તેની અંદર જે કાવ્યતત્ત્વ અસલ પડ્યું હોવું જોઈએ તે તપાસવા મેં મારી કવિતાની સમજ, તર્કશક્તિ, કલ્પના અને છેલ્લે મારી ચાતુરી પણ વાપરી, એમ અદાલતમાં કહેવાની અણગમતી ફરજ બજાવવી પડેલી. એ બધું કરી લીધા પછી બંધાયેલું જે અખંડિત સ્વરૂપ મને લાધ્યું તેને મેં મારા સંગ્રહોમાં મૂક્યું. ખંડિત ટુકડાઓ અને માટી બનેલા અવશેષોમાંથી તારવીને ઊભા કરેલાં આ સ્વરૂપો પર મેં પાછાં યુરોપી લોકગીતોના અભ્યાસગ્રંથોના મારા સેવનમાંથી તારવેલી કસોટીઓ લાગુ પાડી. કયા કયા નિયમોની કસોટી પછી એક ગીત બનાવટી કે સાચું (‘જેન્યુઇન’) પુરવાર થઈ શકે છે તેનું મેં દોહન કર્યું. આટલો ઉદ્યમ ખરચ્યા પછી જે ચોક્કસ સ્વરૂપે મેં લોકગીતોને સંઘર્યાં. તે સ્વરૂપો શેરીઓમાં રઝળતાં નથી, બજારોમાં મળતાં નથી, અમુક સ્ત્રીના કે તમુક ગોવાળિયાના કંઠમાંથી પડેલી એ નધણિયાતી મિલ્કત નથી; એ સ્વરૂપો તો મારાં પોતાનાં પ્રતિપાદિત છે, ને તેથી કરીને મારી માલિકીનાં સ્વરૂપોનો આ ગેરલાભ લેવાયો છે : એ હતી મારી જુબાનીની સ્પષ્ટ સરણી. અદાલતના કાગળ ઉપર આ મારી મીમાંસાનો પ્રત્યેક શબ્દ નોંધાયો, અને જે જે સ્થાનોમાં ભમી મેં આ ખંડિત અંકોડાની શોધ કરી તે તે સ્થાનોની પણ અદાલતે સવિસ્તર નોંધ લીધી. બચાવના ધારાશાસ્ત્રીએ મને એક માર્મિક પ્રશ્ન પૂછ્યો હતો કે પ્રાપ્ત થયેલી લોકસાહિત્યની સામગ્રીને સંશોધકે લેશ પણ સ્પર્શ ન કરવો, હેરફેર ન કરવી, એ શું લોકગીતના સંશોધનનો તાત્ત્વિક સિદ્ધાંત (‘કાર્ડીનલ પ્રિન્સીપલ’) નથી? મારો જવાબ હતો કે એ એક જ સિદ્ધાંત નથી, પણ બીજોય છે. કોઈ પણ માણસના મોંમાંથી મળી જતી પંક્તિઓ લોકગીત અથવા લોકસાહિત્ય નથી ઠરતી. લોકગીતનો ચોક્કસ વિશ્વસનીય પાઠ મુકરર કરવા માટે તો મેં ઉપર કહ્યું તે રીતની ચકાસણીઓ લાગુ કરવી પડે છે. કેમકે લોકસાહિત્યનું સંશોધન એ એક ‘વિદ્યા’ છે, અને લોકગીતો માત્ર શુષ્ક કઢંગાં ગ્રામીણ જોડકણાં નથી પણ લોકઆત્માનું અંતરતમ સૌંદર્ય ઝીલનારી કાવ્ય-કૃતિઓ છે. એના હરકોઈ વિકૃત અવશેષને ‘લોકગીત’ ન કહી શકાય. બચાવ પક્ષની લોકગીતો વિશેની સમજ કેટલી બધી કરુણ! ‘વેલા બાવા, તું હળવો હાલ જો’, એ ગીતને મથાળે તેમણે ‘કૉમિક સૉંગ — હાસ્યરસનું ગીત’ એમ છાપેલું! મને પૂછવામાં આવ્યું, આ સાચું છે? મારો જવાબ અદાલતે નોંધ્યો છે : ‘ઇટ ઇઝ એન આઉટરેજ ઑન ધ સૉંગ’ : એ તો આ ગીત પર અત્યાચાર છે. એક સંત પુરુષના મહિમાસ્તોત્રને ‘કૉમિક’માં — રમૂજી ટુચકામાં ખપાવવું તે ચોખ્ખો ‘અત્યાચાર’ છે કે નહિ? આમ છતાં બચાવપક્ષના એક બિન-ગુજરાતી જવાબદાર સાહેદે આવીને સોગંદ પર એવું કહેવાની હામ ભીડી કે પોતે કાઠિયાવાડને ગામડે ગામડે ઘૂમી આ લોકપ્રિય ગીતોનો પત્તો મેળવ્યો હતો. આ સાહેદનું ગુજરાતી જ્ઞાન અદાલતમાં રમૂજનો વિષય બન્યું હતું. એક પણ લોકગીત મોંયેથી બોલી જવાની એ સાહેદે આખરે અશક્તિ બતાવી હતી. લોકગીતો જનતાના આત્માનાં સૌંદર્ય-ઝરણાં છે એવું માનનારા મારા જેવાને માટે તો આ એક ઊંડા ખેદનો વિષય હતો. તે પછી મારું ‘શિવાજીનું હાલરડું’ આવ્યું. એની રેકોર્ડ પર પણ ‘કૉમિક સૉંગ’નું લેબલ! મેં કહ્યું કે એ તો શૌર્યગીત છે. એ ગીત હું જ્યારે જેલમાં હતો ત્યારે ઉતારવામાં આવેલું. બચાવના જવાબદાર સાહેદે સોગંદ પર જણાવ્યું કે કંપનીના પગારદાર ગાયકે એમને કહ્યું, ‘મેઘાણી જેલમાં છે, એ મને ઓળખે છે, ના નહીં જ પાડે, માટે ઉતારો’. ગીતો રેકોર્ડ કરવાની આ રીત પર ન્યાયમૂર્તિએ વિસ્મય પ્રદર્શિત કર્યું હતું. સાતમું ગીત મારું ‘કોઈનો લાડકવાયો’ : બચાવની દલીલ એવી હતી કે આ તો મીસીસ લેકોસ્ટેના અંગ્રેજી ગીતનું ‘સર્વાઈલ ટ્રાન્સ્લેશન’ અર્થાત્ શબ્દશઃ કંગાલ તરજુમો છે. એ ‘કંગાલ’ છે કે નહીં, ‘તરજુમો’ છે કે નહીં, તેની તકરાર તો ન ઊઠી, પણ ન્યાયમૂર્તિના કહેવા મુજબ પ્રત્યેક ‘તરજુમો’ પણ કૉપીરાઇટનો હક્કદાર છે, એ વાત આપણે સૌએ યાદ રાખવા જેવી છે. પ્રત્યેક તરજુમાને તો શું, ન્યૂસપેપરના રીપોર્ટીંગને પણ કૉપીરાઇટના કાયદાનું રક્ષણ છે. ‘કોઈનો લાડકવાયો’ રેકૉર્ડમાં ગાવાની મેં એક ગાયકને પરવાનગી આપી હતી તેવા આધારવાળો મારો એ ગાયક પરનો કાગળ બચાવ પક્ષ તરફથી રજૂ થયો. આ કાગળમાંથી નીચેના મુદ્દાઓ ઊઠ્યા : એક, ગાયકને મેં આપેલી પરવાનગીને મર્યાદા હતી કે એણે મારા નક્કી કરેલા રાગમાં જ ગાવું. બીજું, એ પરવાનગી હતી તો પણ એકલા ગાયકને ગાવા પૂરતી હતી. ગ્રામોફોન કંપનીને રેકોર્ડીંગ કરી આર્થિક કમાણી અર્થે વેચવા માટેની નહોતી. આ બે વચ્ચેનો ભેદ કાયદામાં તાત્ત્વિક ભેદ લેખાય છે. મુકદ્દમો આટલી ભૂમિકા સુધી ચાલી ગયા પછી બચાવ પક્ષે સમાધાનના સંદેશા ચલાવ્યા, અને એ સંદેશાને મેં સત્કારી લીધા. એ સમાધાનની રૂઈએ આ તમામ ગીતો પરનો કાયમી પ્રતિબંધ બચાવ પક્ષે સ્વીકારી લીધો, ને ખર્ચ તેમજ વળતર આપ્યું. કંપનીનો હું આભારી બનું છું. આ કાંઈ વૈર વાળવાનો પ્રશ્ન નહોતો. સમાધાનને જ શ્રેષ્ઠ વસ્તુ તરીકે જીવનના વ્યવહારમાં આપણે સત્કારીએ છીએ. લોકસાહિત્યને વિશે જે કેટલીક ભ્રમણાઓ સેવાઈ રહેલ છે તેના ઉપર આ મારા લેખથી અજવાળું પાડવા માગું છું. લોકસાહિત્યની કૃતિઓ નધણિયાતી વસ્તુઓ નથી. લોકસાહિત્યને લગતી મારી ‘સોરઠી બહારવટિયા’ની બે કથાઓ ‘કાદુ મકરાણી’ અને ‘રામ વાળો’ પરથી શ્રી રણજિત નાટક સમાજ નામની એક નાટક કંપનીએ વગર પરવાનગીએ નાટકો રચી ભજવેલાં, તેમની પાસે પણ મેં લેખિતવાર મારા કૉપીરાઇટનો સ્વીકાર કરાવેલો ને તેમની આર્થિક અશક્તિને કારણે ફક્ત એક રૂપિયાની નામની પણ નુકસાની બેએક વર્ષ પર લીધી હતી. [‘જન્મભૂમિ’, 29-7-1937] સિલસિલાબંધ કરીને મૂકી આપેલી જોગીદાસ-કથા [‘જોગીદાસ ખુમાણ’] જ્યારે તમે વાંચતા હશો, ત્યારે તમને થતું હશે કે અંકોડાબંધ એ કોઈ એકાદ માણસે ઉતરાવી આપી હશે! એ મારી કથાને નાટક લેખે વાપરનારાઓ, બહારવટિયાનાં વૃત્તાંતોને રેડીઓ ઉપર કથનારાઓ, બીજી-ત્રીજી રીતે જાહેર પાસે મૂકનારાઓ, સહુ એવો સંતોષ ને દાવો ધરાવતા હશે કે આ તો છે પ્રચલિત સાહિત્ય, આ તો છે સર્વકોઈના સ્વાધિકારની સામગ્રી. તમને ભાગ્યે જ આ સત્ય સમજાશે કે એ કથાનું સમગ્ર પટ વણવા માટે કેટલેકેટલે ઠેકાણેથી ત્રાગડા મેળવી મેળવી મારે વાણા-તાણા કરવા પડ્યા છે. ગઢવી માધવદાને, પિંગળશી પાતાભાઈએ, રાજપ્રકરણી અધિકારી બુજરગ નાગર સ્વ. ભૂપતરાયભાઈએ, ગગુભાઈ ગઢવીએ, સૂરા બારોટે, જેઠસૂર બારોટે, ગઢવી દાદાભાઈએ, ખોજા વાલજી ઠક્કરે, ડુંગરના સંધી પસાયતાએ — નામો જેનાં નથી સાંભરતાં એવા બીજા પણ કેટલા કેટલાએ, અક્કેક અસ્થિ આપ્યું. આખું ક્લેવર એ અસ્થિઓને બંધબેસતાં કરી કરીને ઘડવું પડ્યું; અને તેના પર ઊર્મિની અંજલિ છાંટી પ્રાણ જગાડ્યો. [લેખકની લોકસાહિત્ય-શોધનકથા ‘પરકમ્મા’માં]