ચારણી સાહિત્ય/22.અંગ્રેજી લોકગીતોનો ઉદ્ધારક સેસીલ શાર્પ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


22.અંગ્રેજી લોકગીતોનો ઉદ્ધારક સેસીલ શાર્પ

ઇંગ્લંડનાં લોકગીતો એકઠાં કરનાર મર્હુમ સેસીલ શાર્પની વાત મને પાંચ વર્ષો પર ઉત્તર વિભાગના વિદ્યાધિકારી શ્રીમાન કે. એસ. વકીલે કરેલી. ‘તમારું કામ બરાબર વિલાયતના સેસીલ શાર્પની શૈલીમાં થઈ રહ્યું છે’ એવું એમણે મને મારા લોકસાહિત્યના એક મેળાવડાને અંતે કહીને પ્રોત્સાહન આપેલું. શ્રી વકીલે વિલાયતમાં સેસીલ શાર્પના આવા એક સમારંભમાં હાજરી આપેલી તે પરથી તેમને આ સમાન પ્રવૃત્તિ તરફ અનુરાગ થયો હતો. આજે ‘કન્ટ્રી લાઇફ’ નામના એક વિલાયતી સાપ્તાહિકનો 1926ના જાન્યુઆરીનો અંક હાથમાં આવતાં તેમાં ‘સોંગ્સ ઍન્ડ ડાન્સીઝ ઑફ ધ ઇંગ્લીશ ફોક’ (‘અંગ્રેજ ગ્રામજનોનાં ગીતો અને નૃત્યો’) નામનો એક લેખ નજરે ચડે છે, ને તેમાંથી સેસીલ શાર્પે કરેલા લોકગીતોના ઉદ્ધારકાર્યની ઝાંખી થાય છે. 1899ના વર્ષની વાત છે. નાતાલનું એ સપ્તાહ હતું. સેસીલ શાર્પ વિલાયતના એક ગામડામાં આ સપ્તાહ ગાળવા ગયા હતા. ઠંડી એટલી બધી કે માર્ગો ઉપર બરફ પથરાઈ ગયેલ. પ્રભાત હતું. સેસીલ શાર્પને કાને દૂરથી કોઈ ગાણાંબજણાંના સરોદો આવ્યા. જેમ જેમ એ ગાનતાન નજીક આવતાં ગયાં તેમ તેમ શા સુંદર, હવામાં ઝૂલતા એ સ્વરો લાગ્યા! થોડી વારે એક વૃંદ આવી પહોંચ્યું. એક હતો વાદ્ય બજાવનાર, અને પાંચ હતા જુવાન ગામડિયા. ફૂમતાં ફરફરે છે અને ઘૂઘરીઓ વાગે છે. છયે જણા સેસીલ શાર્પના મકાનની સામે આવીને નાટારંભ કરવા લાગ્યા. માત્ર ગીતનો ઢાળ જ દિલડોલાવણ અને રોમાંચક હતો એટલું જ નહિ; નૃત્ય પણ એવું જ. છ માણસોના પગ એક આદમીની પેઠે ઠેકા લેતા હતા. તરવરાટ અને ખમીરની સાથોસાથ સંયમ અને ગૌરવ હતાં. એ પગલાંની ગતિ સંપૂર્ણ ચપળતા અને સંયમ માગી લેતી હતી ને છતાં એ આખા યે પ્રયત્નને અને પરિશ્રમને પરિપૂર્ણ સરલતા ધરી હતી. સંપૂર્ણ ‘ટેકનીક’ની ટોચ આવી ગઈ હોય એવી એ અનાયાસ સરલતા હતી. સેસીલ શાર્પને એકાએક ભાન થયું કે અહીં, આ એક નાના-શા વિલાયતી ગોકુળિયામાં, અંધારે અંધારે એક મહાન કલા દટાયેલી પડી છે, બહારની દુનિયાને એના અસ્તિત્વનો ખ્યાલ સરખો યે નથી, અને જેને ખ્યાલ હશે તેઓને ભાગ્યે જ એનું મૂલ માલૂમ હશે. પોતાની શોધના સુખમાં સર્વ દેશવાસીઓને સાથી બનાવવાની લાગણીથી સેસીલ શાર્પ એ રાગરાગિણી, એની સ્વરપદ્ધતિ અને એના શબ્દો ટપકાવવા બેસી ગયો. પછી તો એણે ગામડે ગામડે આથડવાનું શરૂ કર્યું. ગીતો સંઘરવા લાગ્યો, સ્વરો પકડ્યા અને તરેહ તરેહના નૃત્યમાં હાથ-પગ વગેરે અંગોના જે જે નવાનવા મરોડ-ઠેકા જોયા તે તમામની એણે ગ્રામલોકો પાસેથી ખાસ તાલીમ લીધી. આ નૃત્યના લેબાસની પણ એણે ભારી છટા દીઠી. છાતી અને પીઠ ઉપર ટાંકેલી રંગબેરંગી રીબનોવાળાં કુડતાં : રીબનો નૃત્ય સાથે ફરફરતી પોતાનું રંગ-નૃત્ય સરજ્યા કરે : ટોપીઓ ઉપર મોખરે ફૂલના તોરા અને પછવાડે રંગની રેલમછેલ કરતી લાંબી છોગલીઓ : ઘૂંટણ પર ફૂલના ગોટા બાંધેલા, અને તેની નીચે બાંધેલી ઘૂઘરીઓ : આ ઘૂઘરીઓની પસંદગી એના મંજુલ રવોની વિવિધતા ધ્યાનમાં રાખીને જ થાય છે. તેમાં એટલી બધી કાળજી રખાય છે કે કોઈ કોઈ વાર ગામડિયા ગોપજન અક્કેક ઘૂઘરી ઉપર અક્કેક ગીની ખરચે છે. નૃત્ય વેળા હાથમાં કાં લાકડી હોય છે, કાં તરવાર હોય છે, ને કાં ઝૂલતો રૂમાલ હોય છે. એવા સ્વાંગ સજેલ મંડળીમાં અક્કેક ટોમ-ફૂલ એટલે ટીખળી હોય છે; ને એક શી-મેઇલ, અર્થાત્ સ્ત્રીવેશધારી મર્દ હોય છે. તેઓ નૃત્યની અંદર રોનકનું, રમૂજનું, પરિહાસનું તત્ત્વ પૂરું પાડે છે. આ જાતના લેબાસ પહેરીને એકલા મર્દો જ જે નૃત્ય કરે છે તેને ‘મોરીસ’ અથવા ‘સ્વોર્ડ’નું નૃત્ય કહે છે. વાદ્ય, નાચ, ફૂમતાં તથા ફૂલગજરાના ફરફરાટ, ઘૂઘરીઓના, ઝાંઝર, લાકડી કે તરવારના લગાર લગાર તાલ, અને રૂમાલોની લહેરખીઓ : એ બધાંની ગતિ એટલી તો મેળ લઈ જાય છે કે, એટલું સરળ, સંયમશીલ, હળવુંફૂલ અને મસ્ત આ આખું નૃત્ય દીસે છે, કે જો આખી મંડળીને બદલે એક જ જણ નાચતો હોય તો આપણે એ બધાંને સ્વયંસ્ફુરિત જ માની લઈએ. એની પાછળ તાલીમ હોઈ શકે એવી શંકા પણ ન નીપજે. ત્રીજી જાતનું જે નૃત્ય છે તેને ‘કન્ટ્રી ડાન્સ’ કહે છે. એમાં સ્ત્રી-પુરુષનાં જોડલાં નાચે. બૉલરૂમના વર્ણસંકરી નાચોએ ઘર કર્યા પછી વિલાયતી પ્રજા આ ગ્રામબેલડી-નૃત્યને જંગલી માનતી થઈ હતી. પરંતુ સેસીલ શાર્પ તો કહે છે કે એ ગામડિયાંનાં અંગડોલન અને હળવી પગલીઓને મુકાબલે આ બૉલરૂમનાં નૃત્ય તો કઢંગાં જ લાગે. તમે નાચમાં ભળો નહિ, બહાર બેસીને જોયા કરો, તો પણ જોવાનો આનંદ આવે; કેમ કે ગ્રામ્ય નાચનારાં પોતાની સાદી પગલીઓ વડે પણ જાણે કે ભાતીગળ કોઈ ગૂંથણકામ ભોંય પર કરતાં હોય તેવું ભાસે, ને માંહોમાંહે પરિહાસ તેમ જ મર્માળી ગમ્મતના ફૂલગોટા ગૂંથાતા આવે. આજના બૉલરૂમોમાં રમાતું નૃત્ય તો ભેળસેળથી ભરેલું છે; એમાં અંગ્રેજ આત્માની મૂળ વાણી ઉચ્ચાર પામતી જ નથી. આ રીતે સેસીલ શાર્પનું સંશોધન છેક 1899થી લઈ 1924માં એના અવસાન સુધી અખંડ ચાલુ રહ્યું હતું. એ દરમિયાન એણે પાંચ હજારથી વધુ લોકગીતોનો પુનરુદ્ધાર કરી નાખ્યો : પણ તે બધાં કોઈ સંગ્રહસ્થાનમાં મૂકવાની નિર્જીવ પ્રાચીન વસ્તુઓ તરીકે નહિ, કૌતુક અને પુરાતત્ત્વના નમૂના તરીકે નહિ, ગાવા અને નાચવાની સજીવ ચીજો તરીકે, કારણ કે સેસીલ શાર્પને મનથી તો જૂનવટ નહિ પણ ‘વાઈટેલીટી’, સજીવતા જ આ કલાઓની કસોટીનું સાચું અંગ છે. એ માને છે કે આ ગીતો અને નૃત્યો આજે જીવે છે તથા કાલે જીવશે, એનું કારણ એ નથી કે તે આપણી માતૃભાષાનાં જેટલાં જ પ્રાચીન છે, પણ કારણ એ છે કે એ ગીતોનૃત્યો અર્વાચીન છે. અવિરત મહેનત લઈને એણે પોતાને ખર્ચે આ ગીતો સંઘર્યાં તથા ફરી વાર લોકપ્રિય ને લોકમાન્ય બનાવ્યાં. અમુક ઠેકાણે અમુક ગીત કે નૃત્ય મળવાનો સંભવ છે, એટલું સાંભળતાં જ આ સંગ્રાહક ઊપડતો. કોઈ પણ ઋતુમાં, ચાહે તેટલે દૂર, જરી જેટલી પ્રાપ્તિને સારુ પણ એ ત્યાં પહોંચ્યે રહેતો. એના અનુભવોની તો કેટલીક રમૂજભરી ઘટનાઓ બોલાય છે. એક વાર એક શહેરમાં પૂછપરછ કરતાં એને જણાયું કે શહેરના હલકામાં હલકા લત્તામાં એક આધેડ વયની બાઈ રહે છે તે ગીતોનો ખજાનો છે. સેસીલ શાર્પને લોકોએ ચેતાવ્યા કે બાઇનો પાડોશ બહુ ખરાબ લોકોથી ભરેલો છે, છતાં સેસીલ શાર્પ તો ત્યાં પહોંચ્યા. બાઈ ઘેર નહોતી. પત્તો લેતો લેતો પોતે આગળ ચાલ્યા. સામેથી સ્ત્રીઓનું એક ટોળું આવતું દીઠું. પૂછ્યું કે ફલાણાં બાઈને તમે ઓળખો છો? તૂર્ત જ એક આધેડ સ્ત્રી આગળ આવી. કહ્યું : ‘હું જ એ. શું કામ છે તમારે?’ ‘બાઈ, તમારી પાસે જૂનાં ગીતોનો ભંડાર છે તે હું તમારે કંઠેથી સાંભળવા આવ્યો છું.’ એક ક્ષણમાં તો અજબ નાટક ભજવાયું. એ બાઈએ સેસીલ શાર્પને બરાબર કમરથી પકડીને માડ્યાં ફૂદડી ફેરવવા. પોતે એની સાથે પાગલની પેઠે નાચતી જાય, ફેરફૂદડી ફેરવતી જાય, અને બીજી ટોળે વળેલી બાઈઓને કહેતી જાય કે ‘બાઈઓ, જો જો આ મારો વર આવ્યો છે મારાં ગાણાં સાંભળવા. જોયો આ મારો પિયુજી!’ ત્યાં તો બાઈને કાને ઓચિંતો અવાજ આવ્યો કે ‘અરે, આ તો આપણા સેસીલ શાર્પ!’ બાઈએ ફેરફૂદડી અટકાવી. જોયું તો ગામના પાદરી સાહેબની જ પુત્રીને આખા દૃશ્યથી ભય પામતી દિઙ્મૂઢ ઊભેલી દીઠી. પેલી ઓરતને ખબર પડી કે આ સજ્જન તો પાદરીને ઘેર જ પરોણા છે. અને સાચેસાચ ગીતો એકઠાં કરવા આવેલ છે. સેસીલ સાહેબનો છુટકારો થયો. અને પછી તો આ પ્રહસનમાંથી નીપજેલી ઓળખાણ અતિ ઉપકારક થઈ પડી. વારંવાર એ ઓરતને આંગણે જઈને સેસીલ શાર્પે સંખ્યાબંધ ગીતો સંઘર્યાં, એક વાર સેસીલ શાર્પ ચામઠાંઓના (જિપ્સીઓના) એક પડાવમાં જઈને એક ચામઠીના સુંદર ગીતની રેકર્ડ ઉતારવા એના કૂબાની અંદર ગયેલા. જેમ જેમ વખત જતો ગયો તેમ તેમ જિપ્સી સુંદરી આકળી બની, ગભરાઈ, અને તેણે કહ્યું કે ‘હવે તમે જલદી આંહીંથી નીકળી જાઓ. મારો ધણી ભયંકર આદમી છે, જો ઘેર આવી પહોંચશે તો તમને નક્કી ઠાર મારશે’. એટલામાં તો એ જમદૂતનાં પગલાં સંભળાયાં. પડાવની પછવાડે એ તો જીવ લઈને લપાઈ ગઈ, પણ સેસીલ શાર્પ હિંમત ધરી ઊભા રહ્યા. ‘બારણું ઉઘાડ,’ એ અવાજના જવાબમાં પોતે જઈ બારણું ખોલ્યું અને પેલાને ગુસ્સો કરવાની પળ પણ મળે તે પહેલાં તો શાર્પ બોલી ઊઠ્યા કે ‘આમ જો, દોસ્ત! આ પેટીમાં મેં તારી ઓરતનો અવાજ ભરી લીધો છે. સાંભળ’. એમ કહીને યંત્ર ચાલુ કર્યું. પેલો હેરતભર્યો સાંભળી જ રહ્યો. એ જાદુની અસરમાં પોતે આ ગૃહપ્રવેશ કરનાર શાર્પ સાહેબનું ગળું કાપવાનું જરૂરી કાર્ય વીસરી ગયો. ઇંગ્લંડ તો વહાણવટીઓનો, ખલાસીઓનો દેશ છે. સમુદ્રનાં સંતાનોએ પોતાની સો-સો પેઢીઓથી અનેક સાગર-ગીતો નીપજાવ્યાં છે. દરિયાઈ સાહસ અને શૌર્યની જિંદગીએ આ માછીમારોના કંઠમાં કૈં કૈં લોકગીતો મૂક્યાં છે. એ ગીતોને પોતાની જાળમાં પકડી લેવાનું કામ પણ સેસીલ શાર્પે જ કર્યું. ખારવાઓ ઉપર એમને ઊંડો અનુરાગ હતો. એનાં વિકટ ગામડાંઓમાં જઈને શાર્પે અનેક બુઢ્ઢા ખલાસીઓને દોસ્તો બનાવ્યા હતા. માત્ર ઇંગ્લંડમાં જ નહિ પણ છેક ઉત્તર અમેરિકાની દૂર દૂરની દરિયાઈ ખડકમાળાઓમાં એ પહોંચેલા. ત્યાં જે અસલ અંગ્રેજ વસાહતીઓ જઈ વસેલા, તેની ઓલાદ કનેથી એમણે ગીતો પ્રાપ્ત કર્યાં. કૈંક જમાનાથી તદ્દન પ્રાથમિક અવસ્થામાં રહેનારા આ બ્રિટનવાસીઓએ એ નિર્જન ખડકો વચ્ચે અણિશુદ્ધ જૂનાં અંગ્રેજી લોકગીતોનું જતન કરેલું, તેમાંથી સેંકડો ગીતો આ શોધકે હાથ કર્યાં. આ માણસની એ સેવા વિશે ‘કન્ટ્રી લાઈફ’નો તંત્રી લખે છે કે “જો શાર્પ ન હોત અને એની નોંધપોથી ન હોત, તો આપણી પ્રજાનો અમુક અંશે ઇતિહાસ તથા આપણી ઘણીખરી કલા પવનમાં ઊડી જાત, અને આપણે એકબીજાને મોંએ ઓરતો કરતા હોય કે જ્યારે બીજા દરેક દેશને પોતાનાં ગીતો અને નૃત્યો છે, ત્યારે ગરીબ બાપડી બુઢ્ઢી ઇંગ્લંડને કંઠ કે કદમ વાપરવાની કલા જ ન રહી. સદ્ભાગ્યે શાર્પે આ વિપત્તિ સદાને માટે નિવારી નાખી. બરાબર કટોકટીની ઘડીએ એ આવી પહોંચ્યો, કેમ કે ઘણાખરા ગાયકો ને નૃત્યકારો તે કાળે ઘરડાખખ બની ગયેલા, અને એ તમામ રત્નભંડાર તેમની સાથે જ કબરમાં જાત. કેટલાક લોકો લોકગીતોને અને લોકનૃત્યને ઘેલછા ગણે છે. પણ નાચવું ગાવું એ ખાવાપીવા કરતાં વધારે ઘેલછા ગણે છે. પણ નાચવું ગાવું એ ખાવાપીવા કરતાં વધારે ઘેલછાનું કામ નથી. બીજા ઘણાખરા કલાની ઊર્મિને કાં તો પોતાના જ વિશિષ્ટ આત્માનુભવ તરીકે માને લે છે અથવા તો જરા વિનય કરી કહે છે કે એ તો પગારદાર નિષ્ણાતોના જ સ્વાધીનહક્કની વસ્તુ છે. પણ સેસીલ શાર્પે કલાના આવિર્ભાવને સર્વસામાન્ય માનવસંપત્તિ માની. ઇંગ્લંડની સંગીતકલા અને નૃત્યકલા જે વેળા લગભગ વંધ્ય બની ગયેલ, તે વેળાએ એની વારસા-સંપત્તિમાં ફરી વાર પ્રાણ ફૂંકનાર અને એનામાં આત્મશ્રદ્ધા ઉત્પન્ન કરનાર નર તરીકે આ પુરુષને પેઢી-દર-પેઢી માન દેશે.” [‘કૌમુદી’, મે 1932]