ચારણી સાહિત્ય/24.સંસ્કારમૂર્તિ ચારણ : ‘લાસ્ટ મિન્સ્ટ્રલ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


24.સંસ્કારમૂર્તિ ચારણ : ‘લાસ્ટ મિન્સ્ટ્રલ’

મધ્યયુગી સાહિત્ય-સંસ્કારના, જુનવટના, ચારણ બિરદાઈઓના અને ભક્તિરસના છેલ્લા અવશેષ, એકના એક પ્રતિનિધિ કવિરાજ પિંગળશીભાઈ પાતાભાઈ ભાવનગર મુકામે ફાગણ શુદ બારશની રાત્રિના સાડાબાર બજે દેવ થયા. બ્યાશી વર્ષની એની અવસ્થા હતી. રાગદ્વેષોથી મુક્ત દિલાવરી, માનવપ્રેમ અને ઇશ્વરભક્તિથી રંગાએલું એનું જ્ઞાની હૃદય જીવનલીલા સંકેલવા માટે સંપૂર્ણ સુસજ્જ હતું. એક ઉત્તમ ખોળિયામાં વસનારા ઉન્નત આત્માનો એ સ્વાભાવિક વિકાસ હતો. આંખો સામે પુત્રો-પૌત્રોની લીલી વાડી હતી. વિશુદ્ધ જીવન જીવી ગયાનો સંતોષ હતો. ભાતું બાંધીને જ બેઠેલા હતા પિંગળશીભાઈ. પંદર જ દિવસ પર આ લખનારને એમનો એક કલાકનો સમાગમ સાંપડેલો. મેરુનાં શૃંગ સમા બેઠા હતા, એ જ સાવઝ સમા ચહેરામોરાનો ઠાઠ હતો, એ જ પોરસવંતી વાતો કરી, પૂછેલા પ્રશ્નના જવાબમાં ભરપૂર મેઘકંઠે તડાકાબંધ વાર્તા-પ્રસંગો ને કાવ્યો લલકાર્યાં હતાં. બાળક જેવા હાસ્યભર્યા ને પ્રફુલ્લિત હતા, પુત્રો-પૌત્રો પાસે કાવ્યોના પાઠ કરાવ્યા. ફાગણ શુદ 7ના રોજ તો યુવરાજના જન્મ પ્રસંગે નીલમબાગ મહેલમાં જઈ, મહારાજાને કાવ્યો સંભળાવ્યાં ને રજા લેતી વખતે કહ્યું : “કશું બાકી નથી. તમારી કૃપાથી બધું જ છે.” પછી પોતાના ઇનામી ગામ શેઢાવદર જઈ આંબાવાડિયામાં વિહર્યા ને ઠાકરના પૂજારીને ગાય દાન દીધી. ને ભાવનગરમાં અવસાનની રાત્રિએ સાડા દસ સુધી તો આનંદની વાતો કરી આરામ લેવા હિંમતભેર દાદર ચડી મેડીએ ગયા. રાત્રે સાડા બારે સહેજ છાતી દુઃખી ને ‘હરિ! હરિ!’ કરતે કરતે દસ જ મિનિટમાં દેહ છૂટ્યો. ઇ. સ. 1856માં (બળવાની અગાઉ એક વર્ષે) વિક્રમ સં. 1912ના આસો શુદી 11ના દિને પુરાતન ગોહિલ-પાટનગરી પહાડી શિહોરમાં જન્મ : પિતાજી ગોહિલ-કવિ પાતાભાઈ : માતાજી આઇ બા. મોસાળ-ગામ શેવાળિયા. ‘જસો વિલાસ’ના બિરદ-કાવ્યના કર્તા પાતાભાઈનો પુત્ર પિંગળશી કવિતાને તો ગળથૂથીમાં જ પીવે, ને માતાનાં ધાવણમાં જ ધાવે એમાં શી નવાઈ! પ્રતાપી તાત નીચે એણે ચારણી, ગુજરાતી, હિંદી અને વ્રજભાષાની કાવ્યવાણી સાધી લીધી. અને કાવ્યરચનાનાં અસલી ડીંગળી મરોડ તેમજ વ્રજભાષાની લાક્ષણિક પ્રવાહિતા તો પિંગળશીભાઈના કંઠમાં આસાનીથી રમવા લાગ્યાં. એ કરતાં ય વધુ ખૂબી તો હતી એની ભજન-વાણીની. શબ્દાડમ્બરી અસલી સંતોની સરળ સ્વાભાવિક નિરાડમ્બરી લોક-વાણી પર સહેજે હથોટી કે ફાવટ નથી મળી જતી. પિંગળશીભાઈ એમાં નીવડ્યા. કારણ તો દેખીતું જ છે. પિંગળશીભાઈ કેવળ રાજકવિ ને રાજબિરદાઈ નહોતા, એ તો પ્રભુભક્ત હતા. મધ્યયુગી સંતોના માર્ગવિહારી હતા. વાણી તો એના આત્મસંસ્કારોને શોધતું આવતું સ્વરૂપ હતું. એના સંત-હૃદયને સાચું જળ તો સ્વ. મહારાજ તખ્તસિંહજીએ સીંચ્યું. તખ્તસિંહજીનાં સખાવતી કામો સાથી પિંગળશીભાઈ હસ્તક જ ચાલતાં. ગરીબોને દાણા, વસ્ત્રો ને ઉનાળે કેરીઓ વહેંચતા, તળાવ તેમ જ નદીકાંઠે શિયાળાની કડકડતી ટાઢમાં ઠૂંઠવાતાં પડેલાં કંગાલોને ઓશીકે મહારાજની આજ્ઞાથી અસલી બનાતનો એક ચકમો એ જ મૂકી આવે. યાત્રાઓનાં બધાં સ્થળોએ પણ મહારાજના એ સંગાથી. એટલે જ એનું હૃદય વધુ આર્દ્ર બન્યું ને એમાંથી અસલી સંત-વાણી પ્રકટ થઈ. સવારના ચાર વાગ્યે જાગતા, દાતણપાણી કરી હાથમાં કલમ લેતા, ને આત્મસ્ફુરણા લખાવે તેમ લખતા. રાત્રિએ સૂવે ત્યાં સુધીમાં પણ સહેજ વખત મળે કે કવિતાને જ ઉપાસતા એવા પિંગળશીભાઈનાં પ્રભુવિહારનાં, આત્મબોધનાં, ને રસોદ્રેકનાં પદો આજથી પાંત્રીસ-ચાલીસ વર્ષો પૂર્વે પણ કાઠિયાવાડને દૂરદૂરને ગામડે ગામડે એકતારાઓ પર ગવાતાં થયેલાં. આ લેખકે પોતાની દસેક વર્ષની વયે ધારીગુંદાળી નામના ગામડામાં સાંભળેલું પર સચોટપણે યાદ છે કે — કહે કવિ પિંગલ મુરતી મહા મંગલ! મારા રૂદિયામાં વસો તો મારે શું છે બીજું કામ? ગોકળિયું નામનું ગામડિયું શા માટે આવો શામ! ને ગાનારાઓ તો એમ જ માનતા કે ‘પિંગલ’ નામના કોઈક પુરાતન સંતની આ વાણી છે. હું પોતે ય એમ જ સમજતો. સ્વ. પિંગળશીની વાણીમાં માનવતા પૂરનારા બીજું તત્ત્વ પણ હતું. એની ડેલીને મુલ્કમશહૂર કરનાર બહોળો રોટલો. એ રોટલાએ આ રાજ-ચારણનો સામાન્ય લોકો સાથેનો હાર્દિક સમાગમ સદાય સજીવન રાખ્યો. એમની પહોળી પલાંઠીદાર બેઠક દિવસભર અને અરધી રાત બસ ડેલીની ચોપાટમાં જ. એને બેસવાના પલાંઠીભર બેઠક અને આસનમાં ફરક નહીં. એની પાસે તો ડાયરો અવિરામ ચાલુ : સાધુઓ ને બાવાઓ આવે, લોટની તાંબડી ફેરવતા બ્રાહ્મણો આવીને બેસે, લાન્સરના લશ્કરીઓ ને પોલીસના સિપાહીઓ ત્યાં પહોરો ખાય, કે દેશવિદેશથી, દૂર તેમજ નજીકથી પધારતા મહાન કવિરાજો પણ એના ડાયરામાં શામિલ થાય. સર્વ કોઈને માટે એક જ બેઠક, એક જ હોકો, એક જ આદરબોલ, એક જ પ્રકારનું વર્તન : ન કોઈથી દિલચોરી, કે ન કોઈની આઘાપાછી કે ન હલકા શબ્દને ત્યાં સ્થાન. બાળક આવીને બોલાવે તો બાળક જેવડા બનીને રોનક મચાવે આ રાજકવિ. વિનોદ તો એના સ્વભાવનું સ્વાભાવિક વહેણ હતું. એ ડેલીની ચોપાટમાં બેસતા સ્વ. પિંગળશી બાપુના ડાયરાનો ચિતાર તો મારી નજરમાં અણુ યે અણુ અંકિત થઈ ગયો છે. એ કરતાં પણ વિશેષ ખૂબીદાર તો એમનો કંઠ અને એમની કહેણી હતાં. દુલાભાઈને મેં જ્યારે કહ્યું કે વાર્તા કહેનારાઓ લુપ્ત થયા છે એવા આ જમાનામાં તમે જે જે ભાઈઓ અસલી પાતાળફૂટ કંઠ ધરાવો છો તેઓ તો એ કળાને પાછી ખીલાવો! ત્યારે દુલાભાઈએ મને કહ્યું “વાર્તાકારની શી વાત કહું! એ તો બોલી જાણ્યું માઇના પૂત એક પિંગળશીભાઈએ. ચાહે તેવડા નાના અથવા મોટા ડાયરાની સમક્ષ, નજરને, બસ, ધરતી તરફ જ સ્થિર કરી, ઊંચું કે આગળ-પાછળ જોયા વગર, શ્રોતાઓના મોં પર પડતી અસરોની કશી જ મદદ લીધા વગર, પોતે પણ જરીકે લાગણીવશ અથવા વિચલિત થયા વગર એક અવધૂતની માફક જ્યારે વાગ્ધારા વહેતી મૂકતા, રંગીલા બનીને બેસતા એ અડીખમ પુરુષનું પૌરુષરૂપ નહિ વીસરાય. મધ્યયુગના મહાન ખંડિયેરને તળિયે ચગદાઈ ગયેલી સંસ્કૃતિના સહેલામાં સહેલા મર્મ-ઉકેલ માટે સ્વ. પિંગળશીભાઈના આ ડેલીએ બેઠેલા વ્યક્તિત્વનું દર્શન ભારી સાધન હતું. એને દેખ્યા પછી મેં કલ્પી જોયા છે — મહારાજ વજેસંગ, આતાભાઈ, અને જોગીદાસ ખુમાણ. એમને દીઠા પછી મારી મધ્યયુગમાં ભમવા જતી કલ્પનાને વર્તમાનની ભુલભુલામણી નડી નથી. એને દીઠા પછી મને જાણે કે સામા મળતા ગયા છે પુરાતનતાના ધુમ્મસમય પ્રદેશમાં ભમતા યોદ્ધાઓ, યોગીઓ, રાજપૂતાણીઓ, ને જોગમાયા ચારણ્યો. પિંગળશીભાઈના પરિચયકર્તાઓને માટે ‘જુનવટ’ અને ‘જુનવાણી’ એ તિરસ્કારના શબ્દો નથી, ગેરસમજની પણ બાબતો નથી. પિંગળશીભાઈનો અવાજ પણ કોઈ દિવસ જરાય ઊંચો કે નીચો થયો મેં જોયો નથી. એને માટે તો એક જ શબ્દ કહું : ‘એકરંગીલા.’ જર્જરિત જૂના ચોપડાઓમાં ડીંગળી ભાષાના બોડિયા અક્ષરો ઉકેલવાની એની ફાવટ ભારી હતી. ડીંગળી વાણીના ધુરંધર લેખે એનો જોડીદાર આજે જડવો દુર્લભ રહ્યો છે. (રહ્યા છે એક એવા અવશેષ — ઠારણભાઈ.) અને અસલી પ્રાસાદિકતા પૂરેપૂરી સાચવીને સમા સ્વરે કથ્યે જતા, ધોધમાર વર્ણન આલેખતાં ગીતો-કવિતો ટાંકતા જતા, વાર્તામાં રજૂ થતા એકેએક ભાવને છંદ, છપ્પય કે કાવ્યની અખૂટ ખાણમાંથી વેરતા જતા, બિલંદ શૃંગાર વગેરે વાતોના અજોડ કથાકાર. પિંગળશીભાઈના એ ગુજરી ગયેલા સમયની, એમની એ પ્રૌઢાવસ્થાની તમને આજે કલ્પના જ નહિ આવે. વાર્તા કહેતા પિંગળશીભાઈ પણ માનવી પિંગળશીભાઈની જ પ્રતિકૃતિ હતા. એ જ સંયમ, એ જ ખામોશ, એ જ અવિચ્છિન્ન જીવનધારા સાહિત્યધારા બની જતી. ને શ્રોતાસમૂહ પ્રત્યેક ભાવમાં ઘસડાતો હોય ત્યારે કથાકાર એકલો આત્મસ્થ બેઠો હોય. આ બધું જાણીએ છીએ ત્યારે આજે સાહિત્યકાર અને સાહિત્યકારના જીવનને લગતી જે બેઉ પક્ષે વાહિયાત વાતો ચાલી રહી છે તેનાથી જુદું એક સત્ય સ્પષ્ટ થાય છે. પિંગળશીભાઈ સાહિત્યના વિદ્વાન તરીકે મોટા? કે જીવન જીવનાર તરીકે મોટા? એ પ્રશ્ન જ અર્થહીન છે. એમનામાં પોતાનું પોતાપણું — નિજત્વ, સ્વત્વ હતું, એટલું જ કહેવું બસ થશે. એમની આ પ્રખર કાવ્ય-શક્તિ, તેમજ એમની સાહિત્ય, ઇતિહાસ વગેરેની ઊંડી સાન : એ બેઉનો સાચો લાભ નથી રાજ્યે લીધો, કે નથી લીધો ગુજરાતી પ્રજાએ. રાજ્યની ખરી ખાનદાની કે ત્રણ-ત્રણ ભાવનગર રાજ્યે પોતાના કવિના સ્વમાન સંસ્કાર સંભાળ્યો, ને ઊજળો કરી દેખાડ્યો. એક પણ અવસરે એની પાસેથી જૂઠી વાણી ન ઉચ્ચરાવી. કવિના આત્મગૌરવની આવી સાચવણ તો આજના લોકયુગમાં લોકસંસ્થાઓ ને લોકમાન્ય પુરુષો પણ નથી કરી જાણતા. સાહિત્યકારની સ્વતંત્રતાનો સીધી રીતે નહિ તો આડકતરી રીતે તેજોવધ ચાલતો જોવાય છે. એ દૃષ્ટિએ ભાવનગર રાજ્યને ધન્યવાદ છે. પરંતુ 83 વર્ષનું વિશાલ એ કવિજીવન જો વાઙ્મયની દૃષ્ટિએ કોઈકે હાથમાં લીધું હોત ને, તો એ પુરુષની સાથે જ સ્મશાને સૂતેલી અઢળક વિદ્વત્તાને મહાન નવી રચનાઓ નિપજાવવા માટે જોતરી શકાઈ હોત. એવી જોતરનાર શક્તિના વાંકે સ્વર્ગસ્થની કાવ્યપ્રતિભા એની સાચી સમૃદ્ધિ વચ્ચે પણ બેકાર બની રહી હતી. ગુજરાત જેની પાસેથી હોમર, વાલ્મિકી કે તુલસીની શૈલીનાં મહાકાવ્યોનું સર્જન થોડાક જ પ્રોત્સાહને કરાવી શક્યું હોત, તેવો એ એક જ પુરુષ હતો — મહાકવિનો કોઈ ઓલવાએલો જ્વાલામુખી જાણે! એથી કરીને આજે એમની જે થોડીક રચનાઓ ઉપલબ્ધ છે તેમાંથી પિંગળશીભાઈની સાચી કાવ્યપ્રતિભાની કણિકાઓ ચમકતી હશે, પણ તેમની ભાવિ કાવ્ય શક્યતાઓનો ખ્યાલ નહિ આવી શકે; એ ખ્યાલ તો એમનો પરિચય સાધનારાઓ જ પામી શકેલ છે. એમની કૃતિઓ : ‘ભાવ-ભૂષણ’ નામે ગોહિલ કુળની તવારીખનો બિરદ-ગ્રંથ, ‘તખ્ત પ્રકાશક’ પણ એવો જ ગ્રંથ, ઇસરદાસજી કૃત ‘હરિરસ’નું સંપાદનકાર્ય, ‘દશમસ્કંધ’ પરથી ઉતારેલ ‘શ્રી કૃષ્ણ બાળલીલા’ કાવ્ય, ‘ચિત્ત ચેતાવની’ નામનો કવિતા-સંગ્રહ વગેરે. [‘ફૂલછાબ’, 10-3-1939]