ચિત્તવિચારસંવાદ/દૃષ્ટાંતકલા
અખાજીની એક જ્ઞાની અને કવિ તરીકે વિશેષતા એ છે કે એમણે વિચારને શુષ્ક-કોરા વિચાર તરીકે કદી રજૂ કર્યો નથી. ઉત્કટ ઉપમા-દૃષ્ટાંત-વ્યાપારથી વિચારને અસાધારણ મૂર્તતા આપી છે અને એક રસમય કાવ્યસૃષ્ટિનું નિર્માણ કર્યું છે. આથી જ ઉમાશંકર જોશી અખાજીને ઉપમાકવિ તરીકે ઓળખાવે છે. વસ્તુને સમજાવવા માટે અન્ય સમાન પદાર્થ કે ઘટનાનો આશ્રય લેવાની રીત ખૂબ જાણીતી છે. ઉપમા-દૃષ્ટાંતવ્યાપાર એ શબ્દપ્રયોગ દ્વારા આપણને આ પ્રકારની સામ્યમૂલક અલંકારોની રચનાનો વિનિયોગ અભિપ્રેત છે. એમાં ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, દૃષ્ટાંત વગેરે સર્વ પ્રકારની અલંકારરચનાનો સમાવેશ થાય. અહીં આપણે ખાસ પ્રયોજન વિના ‘ઉપમા’ ‘દૃષ્ટાંત’ એ શબ્દને સરખામણીનો વ્યાપાર દર્શાવતા વ્યાપક અર્થના શબ્દો તરીકે વાપરીશું. અખાજીની દૃષ્ટાંતકલાનું પહેલું લક્ષણ એની પ્રચુરતા છે. ૪૧૧ કડીની આ વિચારાત્મક કૃતિમાં ૪૦–૫૦ દૃષ્ટાંતો પ્રયોજાયેલાં છે જેમાંથી ઘણાં દૃષ્ટાંતો કડીઓ સુધી વિસ્તરે છે. કૃતિની ત્રીજા-ચોથા ભાગની કડીઓ દૃષ્ટાંતોમાં રોકાયેલી છે. આ દૃષ્ટાંતકલાનું બીજું મહત્ત્વનું લક્ષણ તે એમાં રજૂ થયેલું વિશાળ અનુભવજગત છે. જગતનાં વિવિધ ક્ષેત્રોનાં અનેક પદાર્થો, ઘટનાઓ અને વ્યવહારો અહીં દૃષ્ટાંત તરીકે વપરાયાં છે. દૃષ્ટાંત તરીકે વપરાયેલા પદાર્થોનાં નીચે આપેલાં વર્ગીકરણ અને સૂચિ પરથી એ ખ્યાલ આવશે : ૧. પ્રાકૃતિક ઘટનાઓ અને પદાર્થો : સૂર્ય, કિરણ, તાપ, વીજળી, વાદળ, વરસાદ, સાગર, તરંગ, બુદબુદ, રેણુ, તણુ, વંટોળ, આકાશ, શબ્દ, પડઘો, વૃક્ષ, ઉંબર (વૃક્ષ), કમળ, ફળ, બીજ, રેતી, મોતી, છીપ, સ્વાતિબિંદુ, લોઢું, ચુંબક, પાણી, રંગ વગેરે. ૨. પ્રાણીસૃષ્ટિ : ખેચર-ભૂચર, હાથી, સર્પ વગેરે. ૩. વૈદકને લગતા પદાર્થો, ઘટનાઓ : સિદ્ધ પારો અને ગંધ યુક્ત પારો, માદક અવસ્થા, ખાટું દહીં, ઔષધ અને અનુપાન વગેરે. ૪. ખેલો અને ક્રીડાઓ : ચામખેડાનો ખેલ. ૫. સાંસારિક સંબંધો : પિતા, પુત્ર, પત્ની, રાજા, પ્રધાન વગેરે. ૬. અન્ય પદાર્થો અને ઘટનાઓ : કાચ-કલાઈ, સોનું-કાટલા, ચકમક-કફ, ખાંડ-કથીર, દૂધ-ઘી, બાણ-મહારથી, બરાસકપૂર, પ્રતિમા, કોડી વગેરે. ૭. લોકન્યાય : સ્વાતિબિંદુ છીપમાં પડે તો મોતી થાય, સર્પના મુખમાં પડે તો ઝેર થાય; હાથીએ ગળેલું કોઠું બહારથી અખંડ રહે, અંદરથી ખવાઈ જાય (ગજકપિત્થન્યાય); નરમાદા મોતી ગમે તેટલાં દૂર હોય તો પણ ભેગાં થઈ જાય વગેરે. ૮. કહેવતરૂપ દૃષ્ટાંત : હસ્તકંકણ; ધમ્યૂં ધૂપ્યું વાયે ખોવું; એક હાથે તાળી ન પડવી વગેરે. ૯. પૌરાણિક પ્રસંગ : બ્રહ્મા પાસે ઇન્દ્ર-વૈરોચન ગયા હતા એ પ્રસંગ. આ વર્ગીકરણમાં હજુ પણ થોડા ઊંડા ઊતરવું હોય તો ઊતરી શકાય. કોડી, સોનું-કાટલાંનાં દૃષ્ટાંતો વેપાર-વિનિમયની દુનિયાનાં છે, તો દૂધ, મેળવણ, ઘીનું દૃષ્ટાંત રસોડાની દુનિયાનું છે. અખાજીની અનુભવવિશાળતા કયાં સુધી પહોંચે છે તેનાં આ લાક્ષણિક દૃષ્ટાંતો છે. અખાજીનાં દૃષ્ટાંતોમાં અનુભવની વિશાળતાની સાથે સૂક્ષ્મતા પણ છે. પદાર્થોને એ વિશિષ્ટ સંદર્ભ અને સંકેત સાથેના ચોક્કસ સ્વરૂપમાં પ્રયોજે છે. જેમ કે, અંધ રાજા, વાકરહિત રેત. આથી વિચારની સૂક્ષ્મતાને પણ ઘણી મદદ મળે છે. તેમના અનુભવની આ સૂક્ષ્મતાનો ખ્યાલ એ પરથી આવશે કે એક ને એક પદાર્થને એનાં વિવિધ ગુણલક્ષણોને ધ્યાનમાં લઈ એ જુદાજુદા સંદભમાં વાપરે છે. એક માત્ર દીવાનું દૃષ્ટાંત કેવી વિવિધ રીતે વપરાયું છે તે જુઓ : (૧) ચિત્તમાં આશય ઉત્પન્ન થતાં જ ચિત્તે કહ્યા પહેલાં વિચાર પ્રવૃત્ત થઈ જાય છે એવો એનો સ્વભાવ છે. આથી અખાજી વિચારના આ સ્વભાવને દીવાની જ્યોત (શગ) સાથે સરખાવે છે જેનો પ્રકાશ દીવાની આગળ આગળ ચાલતો હોય છે (૭). (૨) જીવ અને ઈશ્વરની સંલગ્નતાને – ઈશ્વરત્વની સાપેક્ષતાને સમજાવવા અખાજી જે દૃષ્ટાંત આપે છે તેમાં દીવો આવે છે. અહીં દીવો અન્ય તેજવાળા ૫દાર્થોના સંદર્ભોમાં આવે છે. અખાજી કહે છે કે અંધારામાં દીવો કરીએ ત્યારે તે દીવો આપણી સમક્ષ ઈશ્વર રૂપે પ્રગટે છે. તે દીવાની ઉપર જ્યારે ચંદ્ર ઊગે છે ત્યારે તે દીવામાં જીવની અલ્પતા ભાસે છે, વગેરે (૫૧–૫૨). (૩) બ્રહ્મ એટલે આત્મસ્વરૂપ. એને પકડવા માટે કોઈ અલગ પ્રયત્નની જરૂર નથી એ સમજાવતાં અખાજી કહે છે કે દીવો પોતાનામાં રહેલા અગ્નિને કેવી રીતે જુએ? (૧૪૧) (૪) ચામખેડાના ખેલમાં દીવાનું વિશિષ્ટ સ્થાન અને ક્રિયાકારિત્વ છે. આ સંસારખેલ ચિત્તને કારણે છે એ સમજાવવા અખાજીએ ચામખેડાના ખેલનું દૃષ્ટાંત આપેલું છે. ચામખેડાના ખેલમાં અંધારું હોય ત્યારે દીવાને કારણે ચામડાની આકૃતિઓના પડછાયા પદડા ઉપર પડે છે. દીવો ન હોય તો એ પડછાયા ન પડે તેમ સૂર્યના પ્રકાશમાં પણ આ ખેલ ન થઈ શકે. એ જ રીતે ચિત્ત છે ત્યાં સુધી આ વ્યક્ત સૃષ્ટિના ભેદો છે અને જ્ઞાનસૂર્ય ઊગતાં એ ભેદો રહેતા નથી. (૨૭૦-૭૩) (૫) જીવ બ્રહ્મમાં ભળે ત્યારે એણે કશું ગુમાવવાનું હોતું નથી એ સમજાવવા પણ અખાજીએ દીવાનું દૃષ્ટાંત લીધું છે. દીવાનું દીવાપણું તેના પ્રકાશમાં છે. તે દીવો મહાતેજમાં ભળે ત્યારે પ્રકાશ જ પ્રકાશમાં ભળે છે એટલે દીવામાંથી કશું ટળતું નથી (૩૦૬). (૬) વિષય પ્રત્યેની આસક્તિ એ ચિત્તનો સ્વભાવ છે. એ સ્વભાવ સહજ રીતે પ્રગટ થાય ત્યાં સુધી કશી આપત્તિ નથી પરંતુ તે અતિરેકથી પ્રવર્તે ત્યારે અત્યંત હાનિ કરે છે એ વાત પણ અખાજીએ દીવાના દૃષ્ટાંતથી સમજાવી છે. તેજ એ દીવાનું લક્ષણ છે. દીવો સહજ રીતે પ્રકાશ કરે છે ત્યારે તેની જ્યોત સુખકર હોય છે પણ તે જ દીવો જ્યારે તૃણને સ્પર્શે છે ત્યારે વિનાશ થાય છે. તે ઉપરાંત દીવાની જ્વાલા વધતાં તેલ ખલાસ થઈ જાય છે (૩૩૪–૩૫). આ જ રીતે અન્ય કેટલાક પદાર્થોને પણ અખાજીએ એમનાં વિવિધ ગુણલક્ષણો અને સંદર્ભો સાથે ઉપયોગમાં લીધેલા છે. જેમકે, પાણીનો રંગ (૮), વરસાદનું પાણી (૧૪૬–૫૩), સાગર – તરંગ – બુદબુદા રૂપે પાણી (૧૫૪), પાણીભર્યાં વાદળ (૨૫૭–૫૯), સૂર્યનું પાણીમાં પ્રતિબિંબ (૩૭૯–૮૦), દવ અને જળ (૩૬૭), પાણી પીતું વૃક્ષ (૩૭૩), તાપ અને વરસાદ રૂપે પડતું પાણી (૩૯૯–૪૦૦); અન્ય પ્રકાશમાન પદાર્થોના સંદર્ભમાં સૂર્ય (૫૧–૫૫), સૂર્ય ને કિરણ (૧૪૧), દિવસ-રાત્રિના સંદર્ભમાં સૂર્ય (૨૪૧–૪૩), કમળ ને સૂર્ય (૩૭૪), સૂર્યનું પ્રતિબિંબ (૩૭૯–૮૦), સૂર્યનો તાપ (૩૯૯–૪૦૦) વગેરે. જગતના પદાર્થોનો અખાજીનો અનુભવ કેટલો ઊંડો અને ઘનિષ્ઠ છે, પદાર્થોને એમણે કેવા સર્વાંશે ઓળખ્યા છે તે આ ઉપરથી જણાઈ આવશે. અખાજીએ અહીં પરંપરાગત દૃષ્ટાંતોનો ઉપયોગ કર્યો જ છે. ઉંબરવૃક્ષનું દૃષ્ટાંત વેદાંતમાં જાણીતું છે. ચિત્તરાજાનું રૂપક ગુજરાતી સાહિત્યમાં છેક જયશેખરસૂરિના ‘પ્રબોધચિંતામણિ’માં વપરાયેલું છે. સાગર-તરંગ વગેરે અનેક દૃષ્ટાંતો છૂટાંછવાયાં અનેક સ્થાને વપરાયાં હશે જ પણ અખાજીમાં આ બધા દૃષ્ટાંતપદાર્થો જાણે ઊભરાયા કરે છે અને એકસાથે મોટા સમુદાયમાં એકઠા થયેલા મળે છે. આ એમના ચિત્તની અનુભવપ્રવણતા અને કલ્પનાપ્રવણતા બંને બતાવે છે. અખાજીની કલ્પનાપ્રવણતા એમણે દૃષ્ટાંતોમાં જે સવિશેષ ચિત્રાત્મકતા આરોપી છે એમાં છે. એમનો દૃષ્ટાંતવ્યાપાર બે અસમાન પદાર્થોને જોડી આપનારો સાદો, સીધો, સ્થૂળ ઉપમારૂપકવ્યાપાર બહુ ઓછે ઠેકાણે જણાય છે. જેમકે, બ્રહ્મ તે મહાનિધિ – સાગર ને જીવ તે તેનો તરંગ; ચિત્ત રાજા, પ્રવૃત્તિ-નિવૃત્તિ રાણીઓ, મોહ અને વિવેક પુત્રો ને પ્રધાનો એ આ પ્રકારનાં દૃષ્ટાંતો છે. પણ સામાન્ય રીતે, અખાજી દૃષ્ટાંતોને ક્રિયાત્મક રૂપે જુએ છે. સંસારરૂપી દવ અને ગુરુના સામર્થ્યરૂપી જળ એ દેખીતી રીતે તો એક સ્થિર રૂપકરચના છે, પરંતુ દવમાં બળેલોજળેલો માણસ જળનો આશ્રય લે છે એ રીતે અખાજીએ વાત મૂકી છે તેથી એમાં ક્રિયાત્મકતાનું આરોપણ થયું છે (૩૬૭). આગળ ફેલાતો દીવાનો પ્રકાશ (૭), પોતાના પ્રકાશને ન જોતો દીવો (૧૪૧), કફને વળગતો ચકમકનો અગ્નિ (૨૮૬–૮૭), તેજ પાથરતો અને તૃણને સળગાવતો દીવો (૩૩૪), પાણી પીતું વૃક્ષ (૩૭૩), દૂધમાં મેળવણ પડતાં બનતું ઘી (૩૪૮) વગેરે દૃષ્ટાંતો પણ એમાંની ક્રિયાત્મકતાથી ધ્યાન ખેંચે છે. અખાજીનાં દૃષ્ટાંતોમાં માત્ર ક્રિયાત્મકતા નહીં પણ વીગતસભર અને વિસ્તૃત ચિત્રાત્મકતા ઘણે સ્થાને સાંપડે છે. આ વિસ્તૃતતા અને વીગતસભરતા કેટલીક વાર દૃષ્ટાંતમાં સમાયેલા અનેક અંશોને કારણે હોય છે. જેમકે, પર્વત પરની વૃષ્ટિનું દૃષ્ટાંત આઠેક કડીઓ સુધી વિસ્તરે છે (૧૪૬–૫૩). પણ આમાં ઘણા અંશો છે. એક બાજુથી પર્વત, વાદળ, પર્વત પર થતી વૃષ્ટિ, તેથી પર્વતમાં સર્જાતાં જલાશય, એમાંથી બારે માસ ઝરતું પાણી, એથી પૃથ્વીને મળતું પોષણ; બીજી બાજુથી ચૈતન્ય, ચિત્ત, બુદ્ધિવિલાસ, સંસાર વગેરે. લોઢા અને ચુંબકનું દૃષ્ટાંત ૬ કડી સુધી વિસ્તરેલું છે (૨૧૯–૨૪.) એમાં પણ વિવિધ અંશો છે. એક બાજુથી ચુંબકનો પર્વત, હોડી, તેમાંનું લોઢું અને લાકડું, હોડીમાંના પદાર્થો; બીજી બાજુથી બ્રહ્મ, જીવ, જગત અને જગતના પદાર્થ. પરંતુ, કેટલાંક દૃષ્ટાંતો એવાં છે કે જેમાં આવા વિવિધ અંશો નથી તેમ છતાં અખાજી એને વિસ્તૃત અને વીગતસભર ચિત્ર તરીકે આલેખે છે. ઈશ્વરનિષ્ઠ વૃત્તિને સમજાવવા અખાજીએ પિતામાં પરમ વિશ્વાસ સાથે જીવતા બાળકનું દૃષ્ટાંત આપ્યું છે. આ દૃષ્ટાંત એક લીટીમાં પણ આપી શકાય પરંતુ અખાજી પ્રસંગસંદર્ભો સાથે આ ચિત્રને વિસ્તારથી વર્ણવે છે : બાળક પિતાના ખભા પર ચઢીને જાય છે તેને રસ્તો છે કે રસ્તો નથી એમ પૂછવું પડતું નથી, તે થાકતો નથી, તેને નકામો શ્રમ થતો નથી, પિતા તેના પાલનપોષણની ગોઠવણ કરે છે, તે જાગે અથવા ઊંઘી જાય પણ ઘેર ને ઘેર જ રહે છે, દેશ અને કાળનું ભાન તેને હોતું નથી, પિતા જેમ વર્તે તેમ જ તે વર્તે છે, તે પિતા પર્વત પર ચઢે કે પાતાળમાં જાય પણ બાળક સહેજ પણ શ્રમ પામતું નથી (૩૨૦–૨૩). જ્ઞાનીની ઉન્મત્ત અવસ્થાનું વર્ણન પણ આવી વીગતપૂર્ણ અને ચિત્રાત્મક રીતે થયું છે (૨૨૯–૩૪). ‘ફાટું આચરે ફાટું બકે’ જેવાં વર્તનો વડે ઉન્મત્ત માણસનું આબેહૂબ ચિત્ર ત્યાં દોરાયું છે. ચિદ્નું મહાઅગ્નિના અંશરૂપ વીજળી તરીકેનું વર્ણન કરતાં ગાઢ તિમિરનું અને સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વેની સ્થિતિનું ચિત્ર, વાક્છટાની મદદથી, અખાજીએ કેવી સચોટ રીતે આલેખ્યું છે!
જ્યેમ મેઘનિશા હોએ ઘોર અંધાર,
ચંદ્ર નક્ષત્ર ઢંકાણા તાર, ૨૩૯
કીડી કુંજર ન આવે દ્રષ્ટ્ય,
બોહોલી હવી તિમિરની પુષ્ટ્ય,
એહવા માંહાં ઝલકી દામિની,
તે તો દિવસે ન હોઇ ને ન હોઇ જામિની. ૨૪૦
હૂં તું અરબદ નરબદ ધૂંધૂંકાર,
નહોતાં તત્ત્વ નહોતા આકાર. ૨૪૨
ઉડગણ નહોતા ઉડપતી ભાણ,
નહોતા વેદ સમૃતિ પુરાણ,
નહોતા શિવ બ્રહ્મા ને વિષ્ણુ,
નહોતું શીત કેહે નોતું ઉષ્ણ. ૨૪૩
અખાજીમાં વર્ણનરસ કેટલો ઊભરાય છે તેનું એક વિલક્ષણ દૃષ્ટાંત જોવા મળે છે. સંસારમાં જોવા મળતાં નર-માદા વગેરે ભેદો ચૈતન્યમાં નથી એ વાત રજૂ કરતાં અખાજી સ્ત્રી-પુરુષના અવયવભેદનું છ કડી સુધી વિસ્તારીને વર્ણન કરે છે અને સુરતસુખના ઉલ્લેખ સુધી પણ પહોંચે છે. વક્તવ્યના સમર્થનમાં આ વીગતોની ઉપકારકતા ભાગ્યે જ ગણી શકાય તેમ છે. એટલે એમ માનવું પડે કે પ્રત્યક્ષનો રસ જ અખાજીને આ નિરૂપણ સુધી ખેંચી ગયો છે. અખાજીનાં દૃષ્ટાંતો રૂઢ, એકવિધ ઉપમા-દૃષ્ટાંતશૈલીમાં ચાલતાં નથી, એમાં વિવિધ પ્રકારની રચનાઓ જોવા મળે છે. એમનાં રૂપકોમાં એકથી વધારે ઘટકો હોય છે, જેની વાત આપણે આગળ કરી ગયા છીએ. એમાં સંતત કે સાંગ રૂપકરચનાનું પ્રમાણ ઠીકઠીક મોટું છે. જેમકે, કાલરૂપી વાયુ, ચિત્તરૂપી ધજા અને અહંભાવરૂપી વસ્ત્ર (૩૬૧–૬૩). પણ કેટલીક વાર ઉપમાનમાં ઘટકો હોવા છતાં એ ઘટકોને ઉપમેય સાથે મેળ બેસાડવાનો નથી હોતો, તેને એક અખંડ દૃષ્ટાંત તરીકે સમજવાનું હોય છે. જેમકે, હાથીની સૂંઢ તેની પૂંઠને સ્પર્શી શકતી નથી (૧૮૨–૮૩) એ દૃષ્ટાંત અવાચ્ય બ્રહ્મ ઇન્દ્રિયગમ્ય નથી એ દર્શાવવા અપાયું છે. તેમાં સૂંઢ તે ઇન્દ્રિયો અને પૂંઠ તે અવાચ્ય બ્રહ્મ એવો મેળ બેસાડવાનો નથી. અખાજીના રૂપકના બધા અંશોનો બહુ સ્ફુટ મેળ હંમેશાં મળતો નથી. અખાજી કેટલુંક ગૃહિત કરીને પણ ચાલે છે. દા.ત. ‘જ્યમ રેણું ત્રણ તોલે વંતોલ, ત્યમ એ પસર્યો ચૈતન્યજ્યોગ’ (૧૬૪–૬૫) એ વર્ણનમાં ચૈતન્ય ભૂતભેદ રૂપે પ્રસરે છે તેમ અભિપ્રેત છે એટલે કે વંટોળ ચૈતન્યને સ્થાને છે તો રેણુ અને તૃણ ભૂતભેદને સ્થાને છે પણ અખાજીએ આ રૂપક આવી સ્થૂળ-સ્ફુટ રીતે મૂક્યું નથી. વૃત્તિ, વસ્તુ એટલે કે બ્રહ્મની સ્થિતિ પામવા સંચરે છે પણ પામી શકતી નથી તેની વાત કરતાં મહારથીએ ફેંકેલું બાણ આકાશવિષયને વીંધી શકતું નથી તેનું દૃષ્ટાંત આપેલું છે. અહીં, વસ્તુ એટલે કે બ્રહ્મ તે આકાશ, બાણ તે વૃત્તિ એમ આપણે મેળ બેસાડી શકીએ છીએ, પણ મહારથી તે ચિત્ત કે જીવ એમ કહેવાની અખાજીએ જરૂર જોઈ નથી. આ જાતની શૈલીને કારણે થોડી અસ્ફુટતા આવે છે એમ કહી શકાય પરંતુ બીજી બાજુથી રૂપકો કૃત્રિમ જડ ચોકઠાં હોય એવો ભાસ થતો નથી. એમાં એક પ્રકારની મોકળાશ અને સ્વાભાવિકતા અનુભવાય છે. એક જ પદાર્થને માટે એકથી વધુ દૃષ્ટાંતો યોજાયેલાં છે ત્યાં પણ અખાજી કોઈ ચુસ્ત, કૃત્રિમ વ્યવસ્થાને અનુસર્યા નથી. આત્મસ્વરૂપને જાણવા માટે અલગ પ્રયત્નની જરૂર નથી તે સમજાવવા માટે અખાજી દીપક પોતામાં રહેલા પ્રકાશને કેમ જુએ, કિરણ સૂર્યને કઈ રીતે ગ્રહી શકે, એ દૃષ્ટાંતો આપે છે તે સાથે ફળ અને બીજ એકબીજાથી વેગળાં નથી અને લોઢું અને તેનાં પુદ્ગલ અભિન્ન હોય છે એ દૃષ્ટાંતો પણ આપે છે. અહીં દૃષ્ટાંતની બે રીત ચોખ્ખી જુદી તરી આવે છે. આનું કારણ એ છે કે મૂળમાં એક જ વસ્તુ છે ને તે જુદેજુદે નામે ઓળખાય છે એ મુખ્ય કથયિતવ્ય છે. એટલે ફળ ને બીજ, લોઢું અને પુદ્ગલ, દીપક અને પ્રકાશ, કિરણ અને સૂર્ય એ બધાં એકબીજાથી અભિન્ન છે. અને માટે જ દીપક પ્રકાશને, કિરણ સૂર્યને કે બીજ ફળને કે પુદ્ગલ લોઢાને ન જોઈ શકે એમ તાત્પર્ય છે. પણ અખાજીએ આવી ચુસ્ત વ્યવસ્થામાં વાત મૂકી નથી. અખાજીનાં દૃષ્ટાંતોમાં કેટલીક વાર લાઘવને કારણે વચ્ચેનાં પગથિયાં ચુકાઈ જાય એવું પણ બને છે. દા.ત. અણલિંગીની એટલે કે બ્રહ્મજ્ઞાનીની ભક્તિની વાત કરતાં તેમણે મેઘવૃષ્ટિનું દૃષ્ટાંત આપ્યું છે (૩૯૯–૪૦૧). એ દૃષ્ટાંત આપતાં એ વર્ણન કરે છે કે મેઘવૃષ્ટિ થનારી હોય ત્યારે ઘણો તાપ પડે છે. એ તાપથી બ્રહ્માંડ તપે છે, જળ પ્રગટ થઈ વરસે છે અને પૃથ્વી લીલીછમ થઈ જાય છે. જોઈ શકાય છે કે તાપથી સમુદ્રના પાણીની વરાળ થવી, એનાં વાદળાં બંધાવાં અને એ વરસાદ રૂપે વરસવું એ બધી પ્રક્રિયા એમણે ‘તેજે કરી જલ પરગટ થાઈ’ એ ઉક્તિમાં સમાવી લીધી છે. એમનું કહેવાનું તો એટલું જ છે કે મેઘવૃષ્ટિમાં સૂર્યનો તાપ જેમ કારણભૂત છે અને તેથી આવશ્યક છે, તેમ બ્રહ્મ-સાક્ષાત્કાર માટે વિરહવૈરાગ્ય આવશ્યક છે. દૃષ્ટાંતચિત્રો આપવામાં અખાજી કવિ આવેશથી ચાલે છે. તેથી તેમણે ચુસ્ત આકૃતિની જેમ પરવા કરી નથી તેમ સુસંગતિની પણ પરવા કરી નથી. ઉપમેયના ધર્મો ઉપમાનમાં નાખી દેવામાં પણ તેમને કશું ખોટું લાગતું નથી. અખાજી નૈષ્ઠિક જ્ઞાનીને એટલેકે બ્રહ્મજ્ઞાનીને સિદ્ધ પારા સાથે સરખાવે છે અને લખે છે કે ‘જે પારદ ઓષધી વડે મરે, તે નૈરાશી નિમડયે જ સરે’ (૩૦૮). અહીં પારાને માટે ‘નૈરાશી’ (=આશામુક્ત, અનાસક્ત) બનવાની વાત કહી છે તે દેખીતી રીતે જ અસંગત છે. આશામુક્ત કે અનાસક્ત બનવાની વાત જ્ઞાનીને જ લાગુ પડે જે અહીં ઉપમેય છે. આ રીતે ઉપમેયના ધર્મો ઉપમાન પારામાં આરોપી દેવામાં આવ્યા છે અથવા તો એમ પણ કહી શકાય કે ઉપમાન અને ઉપમેયના ધર્મોની અહીં ભેળસેળ કરી દેવામાં આવી છે. સૃષ્ટિની ઉત્પત્તિ સમજાવવા પર્વત પરની વૃષ્ટિનું દૃષ્ટાંત અખાજીએ આપ્યું છે તેમાં એ ચિત્તને પર્વતને સ્થાને મૂકે છે – ‘તેમ ચિદઘન તે વિલસે છે સદા, ચિત્ત પર્વતે ભરે અદબદા’ (૧૪૮); અને પછી ચિત્તને પર્વત ઉપર ભરાતા ધરા એટલે કે જલાશયને સ્થાને મૂકે છે – ‘તુજ રૂપી આ દ્રેહે ભરાઈ’ (૧૪૯). આમ એક જ રૂપકમાં એક જ વસ્તુ માટે બે જુદાંજુદાં ઉપમાન વપરાયાં છે, જે અસંગત જ કહેવાય. પરંતુ અખાજીના દૃષ્ટાંતનિરૂપણમાં આવી જે થોડીક અવ્યવસ્થા કે અસંગતિ દેખાય છે તે તેમની નિર્બળતાની સૂચક નથી. વસ્તુતઃ એમની ઊભરાતી સર્જકતા આવા દોષો કરી નાખે છે એમ જણાય છે. વળી, એમના દૃષ્ટાંતનિરૂપણના વેગ અને જોશ એટલા હોય છે કે આવા દોષો આપણને જલદીથી લક્ષમાં આવતા નથી અને આપણે તો માત્ર એ વેગ અને જોશથી અભિભૂત થઈને રહીએ છીએ. આ રીતે અખાજીનું દૃષ્ટાંતનિરૂપણ એનાં વૈવિધ્ય, વિશાળતા, ચિત્રાત્મકતા, અવનવીન રચનારીતિઓ તથા વેગ અને જોશને કારણે ગુજરાતી સાહિત્યમાં તો અનન્યસરખું ભાસે છે.