ચિત્તવિચારસંવાદ/મંગલાચરણ અને નામછાપ
આ કૃતિની બે અન્ય બાબતો તરફ પણ ધ્યાન ખેંચવું જોઈએ. આ કૃતિમાં મધ્યકાલીન રૂઢિ મુજબનાં કોઈ મંગલાચરણ કે ઇષ્ટદેવસ્મરણ અને ફલશ્રુતિ નથી. કૃતિ સીધી ચિત્તની ઉક્તિથી શરૂ થાય છે અને ચિત્તની ઉક્તિથી પૂરી થાય છે. અખાજીની દીર્ઘ ગુજરાતી કૃતિઓમાંથી ‘કૈવલ્યગીતા’માં વિષયવસ્તુનો આરંભ તે જ મંગલાચરણરૂપ બની જતો હોય એમ ઘટાવી શકાય છે એવું પણ અહીં નથી. મંગલાચરણ તો આ કૃતિ ઉપરાંત ‘પંચીકરણ’ અને ‘ગુરુશિષ્યસંવાદ’માં પણ નથી પરંતુ ફલશ્રુતિ તો આ એક જ કૃતિમાં નથી.
| અખેગીતા | છે | છે |
| અનુભવબિંદુ | છે | છે |
| ગુરુશિષ્યસંવાદ | નથી | છે |
| પંચીકરણ | નથી | છે |
| ચિત્તવિચારસંવાદ | નથી | નથી |
| કૈવલ્યગીતા | છે | છે |
વધારે ધ્યાન ખેંચતી હકીકત એ છે કે આમાં કૃતિને અંતે અખાજીની નામછાપ નથી. વચ્ચે એક સ્થાને શ્લેષથી નામ ગૂંથાયું છે એમ માનવું હોય તો માની શકાય. અખેપદ તો છે અજમાલ્ય. ૨૦૪ અખાજીની અન્ય બધી દીર્ઘ ગુજરાતી રચનાઓ કવિનું નામાચરણ આપે છે. અલબત્ત આ કૃતિમાં આવું નામાચરણ નથી (તથા આપણે હવે પછી જોઈશું કે એની કોઈ હપ્ર સં. ૧૮૫૦ પૂર્વેની મળતી નથી) તોપણ કર્તૃત્વનો કોઈ કોયડો ઊભો થતો નથી, કેમકે સઘળી હપ્ર આ કૃતિ અખાજીને નામે જ મૂકે છે, તે ઉપરાંત કૃતિમાંનાં વિચાર અને શૈલી નિર્વિવાદપણે અખાજીનાં જ ગણાય એવાં છે.