ચિત્રકૂટના ઘાટ પર/ઉદાસીનતાનાં વાદળ, પ્રસન્નતાનો તડકો
ઉત્તરાયન પછીનો દિવસ છે. બેત્રણ દિવસથી આકાશમાં વાદળ છે. કાલે રાતે કદાચ થોડાંક વરસ્યાં પણ હોય. સવારમાં પવનમાં અને ધરતી પર ઠંડી ભીનાશ હતી. એક પ્રકારની ઉદાસીનતા લાવી દે એવો દુર્દિન. પતંગો આકાશમાં ઊડે છે, પણ કાલની ઉત્તરાયણના અવશેષરૂપ ઘણાબધા પતંગો તો આજુબાજુનાં વૃક્ષોની ડાળીએ, ઊંચી અગાશીઓની એન્ટેના પર, કેટલાક ઘરોનાં છજામાં ભરાઈ આ ઠંડા પવનમાં ફડફડી રહ્યા છે. એ બધા કપાયેલા પતંગનો વલવલાટ આવા દુર્દિનની ઉદાસીનતાને ઘેરી બનાવે છે. પેલું ગીત યાદ આવે છે?
‘ના કોઈ ઉમંગ હૈ
ના કોઈ તરંગ હૈ
મેરી જિંદગી હૈ ક્યા
કોઈ કટી પતંગ હૈ’
પણ ના. એટલી બધી નિરાશા કે ઉદાસીનતા ઓઢી લેવાનું કોઈ આંતરિક કારણ નથી. આ તો બાહ્ય પ્રકૃતિની થોડી અસર છે. થોડાક અંતર્મુખ થવાનું આ ઉદ્દીપન છે. ત્યાં તો મારી નજર સામે પડેલા કેટલાક જૂના પત્રો વચ્ચે એક આછા ભૂરા રંગના એરોગ્રામ પર સ્થિર થાય છે. પત્ર પર લીલી સ્કેચપેનથી ઘૂંટાયેલા કૉન્વેન્ટ મરોડના અક્ષરોમાં સરનામું કરેલું છે.
હું પત્ર ઊંચકી લઉં છું. પત્રમાંથી એક જૂના મિત્રનો હસતો ચહેરો સરી આવે છે. હું પત્ર મોકલનારનું નામ અને સરનામું વાંચું છું :
K. K. Dyson
63, Banbury Road
Kidlington
Oxford…
મનોમન એ વ્યક્તિએ લીલી પેનથી જ મારી ડાયરીમાં વર્ષો પહેલાં આ સરનામાં સાથે લખી આપેલું. બાનબરી રોડ, કિડલિંગ્ટનનું જોડકણું યાદ આવ્યું?
Ride a cock horse
to Banbury cross,
see a fine lady
upon a fine horse.
Rings on her fingers
and bells on her toes
she shall have music
wherever she goes.
કે. કે. ડાયસન – એટલે કેતકી કુશારી ડાયસન. આ ઑક્સફર્ડ નજીકના ૬૩, બાનબરી રોડ પર આવેલા તેમના ઘરે કેતકીને થોડીવાર માટે મળ્યા છીએ. પુસ્તકોથી ભરેલું ઘર યાદ આવે છે. પણ એથીય તો કેતકીની આશ્ચર્યચકિત આંખો, જાણે કહેતી હોય કે, તમે અહીં આવ્યા છો, તે માની શકાતું નથી.
કેતકીનો આ પત્ર મને એક ભર્યાભર્યા સ્મૃતિલોકમાં લઈ જાય છે. એ સ્મૃતિલોકની પૃષ્ઠભૂમિ છે : ગુરુદેવનું શાંતિનિકેતન અને મહાનગર કલકત્તા. જૂના મિત્રની મનમાં અનુભવાતી અણધારી ઉપસ્થિતિ પ્રસન્નતાની એક લહેર વહાવે છે. પત્ર બે વર્ષ પહેલાંનો છે, પણ સ્મૃતિઓ તો એથીય જૂની બાર વર્ષ પહેલાંની છે.
ત્યારે હું એક વર્ષ માટે શાંતિનિકેતન હતો અને રવીન્દ્રનાથ વિષે વિશેષ અધ્યયન કરતો હતો – રવીન્દ્રભવનમાં. ત્યાં એક દિવસ સમાચાર મળ્યા કે ત્રણ મહિનાની શોર્ટ ટર્મ ફેલોશિપ લઈ ઑક્સફર્ડથી કેતકી કુશારી ડાયસન આવવાનાં છે. રવીન્દ્રભવનમાં મારા ટેબલની પાસે એમનું ટેબલ ગોઠવવાની વ્યવસ્થા થઈ હતી.
કેતકી બંગાળીમાં અને અંગ્રેજીમાં કવિતા લખતાં તે ખબર હતી. ઉપરાંત બંગાળી ‘દેશ’ પત્રિકામાં એ દિવસોમાં એમની એક નવલકથા પણ ધારાવાહીરૂપે પ્રગટ થતી હતી. કેતકીની બંગાળી અટક કુશારિ, પણ પછી એક અંગ્રેજ સાથે લગ્ન કરેલાં તે પતિની અટક ડાયસન. તેમણે એક સાથે પોતાની ઓળખ ભારતીય અને આંગ્લ રાખી. કેતકી કુશારિ ડાયસન એમ બે અટક સાથે લખે છે.
જુલાઈ મહિનો હતો. શાંતિનિકેતનની દિગન્ત સુધી સપાટ વિશાળ ભૂમિ પર મેઘ ઝળુંબતા હતા. બરાબરનો ટાગોરિયન લેન્ડસ્કેપ. એ દિવસોમાં બાંગ્લાદેશનાં પ્રસિદ્ધ ગાયિકા અને બંગાળીનાં પ્રોફેસર સંજીદા ખાતુન પણ ભારત સરકારની ઉચ્ચ શિષ્યવૃત્તિ લઈ સંશોધન માટે શાંતિનિકેતન આવેલાં. મહાત્મા ગાંધીના પૌત્ર, ઑક્સફર્ડ પ્રશિક્ષિત્, રામચંદ્ર ગાંધી પણ તુલનાત્મક ધર્મોના પ્રોફેસર તરીકે આવેલા. એ બધાંનો પરિચય થયેલો.
સંજીદા ખાતુનને અમે દીદી કહેતા. ઘણી સાંજે મળવાનું થાય. એમને કહીએ : દીદી કંઈક ગાઓ. સંગીતકારોની જાણીતી આનાકાની કર્યા વિના ગાવાનું શરૂ કરી દે – રવીન્દ્ર સંગીત.
રામચંદ્ર ગાંધી તો ઓલિયા માણસ. વિશ્વભારતી યુનિવર્સિટીએ મોટું ઘર આપ્યું, તો કહે : મારે એકલાને આવડું મોટું ઘર! જાતે થઈને બે રૂમના સ્કોલર્સ બ્લોકમાં રહેવા ગયા. અમે ઘણીવાર મળીએ. મે મહિનામાં જ અમારા કુટુંબ પર એક વિપત્તિ આવી પડેલી. મારી દીકરી મંજુ વિધવા થઈ હતી. એ શોકનો ભાર લઈને હું શાંતિનિકેતન ગયેલો. પણ શાંતિ મળવી મુશ્કેલ હતી. ત્યાં રામચંદ્ર ગાંધીને એ સમાચાર મળેલા. સાંજે તે મારે ઘેર આવે. બહારથી બૂમ પાડે : ‘ભોલાભાઈ હૈં?’
ઘરમાં આવે. એમના લમણા તરફ જોતાં ગાંધીજી યાદ આવે. પણ રામચંદ્ર ગાંધી – અમે રામ ગાંધી કહેતા – નો ચહેરો ભરેલો. આંખો જાણે સદાય આર્દ્ર. ઑક્સફર્ડ ભણેલા, પણ ભારતીય વેદાંત દર્શન અને રમણ મહર્ષિના જાણે ઉપાસક. મંજુની વાત કાઢી. મને આશ્વાસન આપે. એમની વાણીથી જાણે ધીમેધીમે ઉદાસીનતાનાં વાદળ હટતાં અનુભવતો.
સ્થાનિક મિત્રોમાં અસમિયા યુવા મિત્ર સુનીલ અને ઓડિયા મિત્ર કૈલાસ. રવીન્દ્રભવનનાં નિયામિકા ઉમા દાસગુપ્તા પણ સ્નેહીઓની મંડળીમાં. ત્યાં એક દિવસ આવ્યાં કેતકી કુશારિ ડાયસન.
મેં એમને પછી કહેલું કે, મારા મનમાં તો હતું કે આવશે કોઈ ‘મેમ સાહેબા.’ ત્યારે એ હસી પડેલાં. પછી નારાજગીના ભાવ સાથે કહેલું : ‘હું મેમસાહેબ જેવી લાગું છું?’ ‘ના. પણ મેં એવું ધારેલું.’ એકદમ ભારતીય વેશવાસ. મારાથી નાનાં પણ અમારી મિત્રતા ઝટ થઈ ગઈ. અમે બધાં મળીએ, ચર્ચાઓ કરીએ, કવિતાઓ વાંચીએ, રવીન્દ્રનાથનાં ચિત્રો જોઈએ. સાથે કૉફી પીએ. કેતકી સાથે તમે ઉદાસીન ન રહી શકો. હંમેશાં હસમુખાં. કોણ જાણે કેતકીને એક દિવસે ખબર પડી અમારી કૌટુંબિક આપત્તિની.
એ સાંજે પંચવટીના મારા નિવાસે આવ્યાં. હંમેશની જેમ મેં કૉફી બનાવી. એ વાતો તો કરતાં હતાં પણ સાહિત્ય, કલા કે કવિતાની નહિ. પોતાની, પોતાના પરિવારની. મને આશ્ચર્ય થતું હતું કે, આ મહિલા કેમ આમ પોતાના પરિવારની અંગત વાતો કરી રહી હતી? હું કંઈ એટલો તો નિકટ નહોતો.
કેતકીની નાની બહેને ઘરનાનું કહ્યું માન્યા વિના શેરીના એક યુવક સાથે ભણતર અધૂરું રાખી લગ્ન કરેલું. લગ્ન પછી પેલો યુવક બદલાઈ ગયો. કેતકીની બહેનને એના પિયરમાં જવા જ ન દે. જાતજાતના ત્રાસ આપે. છતાંય એમની બહેન સહન કરતી રહી. એક બાળકીની માતા બની, પણ એની સહનશીલતાની હદ આવી ગઈ. એક દિવસ બાળકી સાથે બાપને ઘેર આવતી રહી.
પછી ભણવાનું શરૂ કરી, એમ.એ. થઈ. સ્કોલરશીપ મેળવી ઑક્સફર્ડ ગઈ અને ‘નાઉ શી ઇઝ હેપી.’
આ બધી એમની બહેનની વાત શાને? એકાએક મને ઝબકારો થયો. એ જાણે કહેતાં હતાં કે જીવનમાં દુઃખ કે વિપત્તિ તો આવે, પણ એમાંથી માર્ગ કાઢવાનો રહે છે. માર્ગ હોય છે. એમની બહેનની જેમ મારી દીકરી મંજુ પણ પોતાનાં બે નાનાં બાળકો સાથે જીવનમાં આવેલાં દુઃખમાંથી બહાર નીકળી શકે. ઉચ્ચ અભ્યાસ કરી – સ્વાશ્રયી બની – પોતાના પગ પર ઊભા રહી. આખી વાત કેતકીએ સહજ રીતે કરેલી. મને થયેલું કે, કેતકી મારાથી નાનાં છે પણ નારીસહજ સંવેદનાથી કેટલું બધું સમજે છે.
પછી તો મેં જોયું કે એમના મારા પ્રત્યેના વ્યવહારમાં એક આત્મીયતા આવી હતી. એમનાં હાસ્યવિનોદ ઉદાસીનતાને દૂર રાખે. દિવસે વરસાદની ઝડી પડે કે તરત કહે : ચાલો, બાલ્કનીમાં, વરસાદ જોઈએ. કેતકી પોતે બંગાળી. અંગ્રેજીમાં કવિતા કરે, કવિતા સંભળાવે. કલકત્તામાં તેઓ ભણતાં, તે વેળા થયેલા પ્રેમની પણ હસતાં હસતાં વાત કરે. શાંતિનિકેતન નિવાસ દરમ્યાન કેતકીના અભ્યાસનો વિષય હતો : રવીન્દ્રનાથ અને દક્ષિણ અમેરિકાની લેખિકા વિક્ટોરિયા ઓકામ્પો વચ્ચે થયેલા પત્રવ્યવહારનું સંપાદન. લાંબી ભૂમિકા સાથેનું એ પુસ્તક પણ હવે તો ‘ઈન યોર બ્લોસમિંગ ફ્લાવર ગાર્ડન’ નામે સાહિત્ય અકાદમી તરફથી પ્રગટ થયેલું છે. એની ભૂમિકામાં મારો નામનિર્દેશ કરેલો છે. પણ, વાત એમ છે કે, એ વખતે ટાગોર-ઓકામ્પો વચ્ચેના પત્રો એ વાંચે. અમારા ટેબલ પાસે. ક્યારેક કેટલાક અંશ મને વાંચી સંભળાવે. આર્જેન્ટિનાના બુએનોસ એરિસ નગરમાં ઓકામ્પોના આતિથ્યમાં ત્રણેક માસ રહેલા ટાગોર-ઓકામ્પો પરસ્પર ખેંચાયેલાં એ વાત પત્રોમાં પ્રકટતી હતી.
એવી રીતે એકવાર સુંદર હસ્તાક્ષરમાં લખાયેલા પત્રોની ફાઈલ રવીન્દ્રભવનના અભિલેખાગારમાંથી લઈ આવ્યાં. પછીથી રાણુ મુખરજી નામે કલકત્તામાં પ્રસિદ્ધિ પામેલાં એક સંભ્રાન્ત સન્નારીના કિશોરી વયમાં ટાગોરને લખાયેલા એ પત્રો હતા. કિશોરી રાણુ ટાગોરને કેવા પત્રો લખતી! એક દિવસ વળી ફ્રેંચ સન્નારી આંદ્ર સાથેના પત્રોની ફાઈલ લાવ્યાં. કેતકી એ પત્રો વાંચતાં જરા આંખ મીચકારતાં કહે : ‘નૉટી ગુરુદેવ!’
લોડશેડિંગને કારણે શાંતિનિકેતનમાં દિવસરાત્રી દરમ્યાન લાંબા લાંબા ગાળા માટે અનેક વેળા લાઈટ જતી રહે. સાંજ વેળાની આવી સ્થિતિમાં તો એ અચૂક મારા નિવાસની પાછળના પૂર્વ પલ્લી અતિથિગૃહ(જ્યાં એ ઊતરેલાં)માંથી બેસવા આવી જાય. કુશળ આલાપચારી (કોન્વર્સેશનાલિસ્ટ) કેતકીની હાજરી પ્રસન્નતાનું વાતાવરણ રચી જાય.
એક દિવસ કેતકી કહે : ‘મારી એક નવલકથા પ્રકટ થવામાં છે. મારી માએ પ્રગટ થતાં પહેલાં એ નવલકથા વાંચી. પછી કહે : આ નવલકથામાંથી આ પ્રકરણ કાઢી નાખ.’ પછી કેતકીએ મને પૂછ્યું: ‘તમે અનુમાન કરી શકો છો? માએ કેમ એવું કહ્યું હશે?’ મેં કહ્યું : ‘બેડરૂમનું દૃશ્ય હશે કે સંભોગનું કોઈ વર્ણન હશે.’ “એમ જ છે.” એમણે કહ્યું, અને ઉમેર્યું કે, ‘સ્ત્રીનવલકથાકારો માટે આવો પ્રશ્ન થાય.
લેખકો આવું ચિત્રણ કરે તો કોઈ એમના અંગત જીવન સુધી એ વાત ન લઈ જાય. પણ કોઈ લેખિકા હોય તો તરત કહેવાના : ‘એના જીવનનો અનુભવ હશે.’ એટલે માને વાંધો હતો.
પછી એ નવલકથા મેં વાંચી. એ પ્રકરણ પણ, જેમાં વિધવા નાયિકાના જીવનમાં આવતા એક પુરુષને, એની સાથેના સંભોગમાં શીધ્રસ્ખલન થાય છે. લાગ્યું કે, કેતકીની માનો વાંધો તદ્દન પાયારહિત તો નહોતો.
એ પછી કેતકીની એક ઉત્તમ ચોપડી આવી. તે ટાગોરની કવિતાઓના અંગ્રેજી અનુવાદની ભૂમિકા – ટિપ્પણ સાથે. ‘આઈ વિલ નોટ લેટ યુ ગો.’ (બંગાળી ‘યેતે નાહિ દિબ’ કવિતા પરથી.)
હા, જે પત્રના સંદર્ભથી આખી આ સુખપ્રદા મૈત્રીની સ્મૃતિ થઈ આવી છે તે પત્રમાં એ પુસ્તક ભારતમાં અને વિદેશમાં સારો આવકાર પામ્યું છે. તેનો નિર્દેશ કરી લખ્યું છે કે ‘હું બહુ જાણીતી થઈ ગઈ છું. ઠેરઠેરથી ટાગોર વિષે બોલવા નિમંત્રણો મળે છે. વળી હમણાં હું એક મોટી ચોપડી પર કામ કરું છું – અઠવાડિયાના સાત દિવસ.’
કેતકી સર્જનાત્મક લેખિકા છે. સાથે અત્યંત પરિશ્રમી વિદૂષી પણ. તે ઉપરાંત એક અન્ય ઉત્તમ ગુણ તો સારા મિત્ર બની શકવાની ક્ષમતા. શાંતિનિકેતનમાં એક સુહૃદ બની મારી ઉદાસીનતામાંથી બહાર લાવવામાં કેતકીનું પણ યોગદાન છે. સરે રાહ ચલતે ભાગ્યવશાત્ મળતા આવા મિત્રો જીવનનો દુર્ગમ માર્ગ ચાલવા જેવો બનાવે છે.
અગાશીઓમાંથી પતંગરસિયા કિશોરોના અવાજો આવે છે. સાથે અવાજ આવે છે ટેપરેકોર્ડર પરથી બજતા ગીતોનો. – આ લખવાનું શરૂ કરતાં જે ઉદાસીનતા આ દુર્દિનના વાતાવરણથી મનમાં વ્યાપી હતી તે એક જૂના પત્ર અને એ પત્ર લખનાર મિત્રના સ્મરણથી દૂર થઈ ગઈ છે. કેતકીની સદેહ હાજરી જ નહિ, એમની સ્મરણમાધુરી પણ ઉદાસીનતાનાં વાદળ હટાવી પ્રસન્નતાનો તડકો રેલાવી શકી છે.*
[૧૯૯૭]
* કેતકી સાથે વર્ષો પછી ફરી ગોષ્ઠી યોજાઈ જૂન ૨૦૦૦માં લંડનમાં.