ચિત્રકૂટના ઘાટ પર/એક પરિસંવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
એક પરિસંવાદ
(૧)

૨૫મી ફેબ્રુઆરીની રાત્રે દૂરદર્શન પર મુંબઈમાં એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિ.ના કેમ્પસ પર હજારો સિનેમારસિકોની હાજરીમાં યોજાયેલ ૪૦માં ફિલ્મફેર એવોર્ડ્ઝના ભભકાભર્યા, આંખોને આંજી દેતા મનોરંજક કાર્યક્રમની જીવંત રજૂઆત થઈ રહી હતી. બીજી બાજુ ત્યાં દૂર દિલ્હી નગરમાં સાહિત્ય અકાદમીના સાહિત્યોત્સવમાં તા. ૨૪, ૨૫, ૨૬ (ફેબ્રુ. ૧૯૯૫)ના રોજ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરના ઓડિટોરિયમમાં એ નગરના અને દેશના જુદાજુદા ભાગોમાંથી આવેલા સાહિત્યકારો, કલાકારો અને બૌદ્ધિકો તથા કલાફિલ્મોના નિર્માતાઓ, પટકથા લેખકો, દિગ્દર્શકોની હાજરીમાં ગંભીર ચર્ચાઓ ચાલી રહી હતીઃ ‘સાહિત્ય અને સિનેમા’ના પારસ્પરિક સાહચર્યની.

ગિરીશ કર્નાડ, મૃણાલ સેન, એમ. એસ. સથ્થુ, સાંઈ પરાંજપે, કુમાર સહાની, બાસુ ભટ્ટાચાર્ય, અડૂર ગોપાલકૃષ્ણન્, બુદ્ધદેવ દાસગુપ્ત, ગુલઝાર જેવા કલાફિલ્મોના દિગ્દર્શકો, નિર્માતાઓ અને મહાશ્વેતાદેવી, વિજય તેંડુલકર, વિજયદાન દેથા, મનોહર શ્યામ જોશી જેવા સાહિત્યકારો તથા ચિદાનંદ દાસગુપ્ત, મિહીર ભટ્ટાચાર્ય, કુંવર નારાયણ, જી. પી. દેશપાંડે જેવા ફિલ્મ સમીક્ષકો, ઉપરાંત શ્રીરામ લાગૂ, શમા જૈદી આદિ હતા મુખ્ય મુખ્ય વક્તાઓ – ત્રણ દિવસ સવારથી સાંજ સુધી ચાલતા એ પરિસંવાદમાં.

એક બાજુ લોકપ્રિય ફિલ્મો અને લોકપ્રિય સાહિત્ય. બીજી બાજુએ કલાફિલ્મો અને શિષ્ટ સાહિત્ય. લાગે છે કે બે ધારાઓ સમાંતર ચાલવાની. સાહિત્ય અકાદમીના પરિસંવાદમાં લોકપ્રિયતાનો વિષય પણ હતો, પરંતુ ચર્ચાના મુખ્ય વિષયો આ પ્રમાણે હતા :

– સાહિત્યની ભાષા અને સિનેમાની ભાષા

– નાટક, રંગમંચ અને સિનેમા

– સિનેમા, મિથ અને લોકસાહિત્ય

– સાહિત્યિક પાઠ અને ફિલ્મ પાઠ;

– સિનેમા અને ટેલિવિઝન

– સંગીત, કવિતા ને ભારતીય ફિલ્મનો ઢાંચો

– સામાજિક પરિવર્તનમાં સિનેમા અને સાહિત્યનું યોગદાન

– લોકપ્રિય અને ગંભીર સિનેમા

– સિનેમા અને સાહિત્યમાં હિંસા

– અશ્લીલતા અને સેન્સરશિપ વગેરે.

ફેબ્રુઆરી-માર્ચના દિવસો દિલ્હી જેવા પાટનગરમાં બહુ લોભાવનારા હોય છે. હજી ઠંડીએ વિદાય ન લીધી હોય, પાંદડાં ખરતાં હોય અને બીજી બાજુ વસંતના આગમનના ભરપૂર સંકેતો મળતા હોય

ત્યાં ઠેરઠેર કલા પ્રદર્શનો, નાટકોની પ્રસ્તુતિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ પરિસંવાદોથી આપણા જેવા માણસને ‘ક્યાં જવું ને ક્યાં ન જવું’ એવી મધુર મૂંઝવણ થઈ જાય. આ વખતે તો રાષ્ટ્રપતિ ભવનના પ્રખ્યાત મુઘલ ગાર્ડન્સ પણ જાહેર જનતા માટે ખુલ્લા મુકાયા હતા. ત્યાંય જવું હતું. ઈન્ડિયા ઈન્ટરનેશનલ પ્રસિદ્ધ લોદી ગાર્ડન્સના પરિસરમાં છે. ત્યાં તો જવાની, ફરવાની ઈચ્છા હોય જ. લલિત કલાની ગેલેરીમાં ૨૫૦-૩૦૦ જેટલી ચુનંદી કલાકૃતિઓ જોવાની હતી. શ્રીરામ આર્ટ સેન્ટરમાં ‘રાતભર વર્ષા’ જેવી પ્રયોગશીલ રંગભૂમિ-રચના જોવાની હતી. આ ઉપરાંત સાહિત્ય અકાદમીના ઉત્સવ કાર્યક્રમો તો ખરા જ.

પણ અત્યારે તો વાત આપણે સાહિત્ય અને સિનેમાના સંબંધોની થયેલી કેટલીક ચર્ચા પર કેન્દ્રિત કરીશું. અગાઉ ફિલ્મ જગત સાથે જોડાયેલ જે વ્યક્તિઓની નામાવલિ આપી છે તે બધાની સાથે નિકટથી વાતો કરવાનો, ચા-કૉફી કે ભોજન લેવાનો, કે પછી બધી ખુરશીઓ ભરાઈ જતાં વચ્ચેના ચાલવાની જગ્યા પર જરાય સંકોચ વગર બેસી જવાનો આનંદ તો હોય છે. પણ આ સૌ વ્યસ્ત મહાનુભાવો પણ અત્યંત ગંભીરતાથી પોતાના વિષયની તૈયારી સાથે બોલતા હોય તે સાંભળવાનો આનંદ સવિશેષ હોય છે.

આપણે ત્યાં ફિલ્મસમીક્ષા, ખાસ તો વર્તમાનપત્રોની કટારોમાં પ્રાથમિક કક્ષાની રહી છે. ફિલ્મપૂર્તિઓમાં નટનટીઓની રંગીન સેક્સી મુદ્રાઓમાં તસવીરો હોય છે, ફિલ્મજગતની ગલપચી કરતી ‘ગોસિપ્સ’ હોય છે, પણ ફિલ્મ જોનારની રસ-રુચિને ઘડવાની, એમને ફિલ્મ કેમ જોવી તે વિશે દિશા-દૃષ્ટિ આપવાની વાત એમાં હોતી નથી – જે હોવી જોઈએ. એટલે સિનેમા અને સાહિત્યના સંબંધોની ચર્ચા કરતા પરિસંવાદો આવશ્યક બની જાય છે.

સાહિત્ય અને સિનેમા વચ્ચે કેવો સંબંધ છે?

‘તીસરી કસમ’ ફિલ્મના દિગ્દર્શક બાસુ ભટ્ટાચાર્યે પોતાનો લેખિત આલેખ રજૂ કરતાં કહ્યું :

“બધી શ્રેષ્ઠ ફિલ્મોએ સાહિત્યનો ઋણ-સ્વીકાર કર્યો છે. સાહિત્ય અને સિનેમા આ બંને સ્વરૂપો એકબીજા સાથે ગૂંથાયેલાં છે. આ બે સ્વરૂપો એવાં છે, જે વાસ્તવિકતાની ખોજ કરે છે. પણ વાસ્તવિકતાની ખોજ જેમ બંનેને જોડે છે, તેમ બંનેને જુદા પાડે છે. કેમકે, સાહિત્ય વાસ્તવિકતાને કંડારે છે ભાષામાં : જ્યારે સિનેમા વાસ્તવિકતાને ઉપસાવે છે તમામ અન્ય કલાઓ – ચિત્રકલા, સ્થાપત્યકલા, સંગીતકલા, શિલ્પકલા, નૃત્યકલા – દ્વારા. સિનેમા બધી કળાઓનો સમવાય છે.”

કવિ શ્રી ઉમાશંકર જોશી અમને એમ.એ.માં નાટકનું સ્વરૂપ ભણાવતા. ૧૯૫૮-’૫૯ની વાત છે. એ હંમેશાં કહેતા : “નાટક બધી કળાઓનું પિયર છે.”

બાસુ ભટ્ટાચાર્યે સિનેમા વિશે એ જ કહ્યું કે, સિનેમામાં બધી કળાઓની ભૂમિકા રહેલી છે, સાહિત્યમાં ભાષાની ભૂમિકા મુખ્ય હોય છે. સાહિત્યનો વાચક કૃતિ વાંચતા વાંચતાં તેમાં નિરૂપિત વાસ્તવિકતાનું પોતાની રીતે અર્થઘટન કરવાની બાદશાહી સુવિધા ધરાવે છે, પણ ફિલ્મ તો એ વાસ્તવિકતાને એકદમ સંયોજિત, નિશ્ચિતરૂપે પ્રસ્તુત કરે છે; પછી એનો પ્રેક્ષક એ વાસ્તવિકતાને સ્વીકારે કે નકારે. તેમણે, ‘પથેર પાંચાલી’માં નિશ્ચિંદિપુર ગામ આવે છે તેનો ઉલ્લેખ કરીને કહ્યું કે, વિભૂતિભૂષણની એ નવલકથા વાંચતાં દરેક પાઠક પોતાની રીતે નિશ્ચિંદિપુર ગામની કલ્પના કરી શકવાની છૂટ ધરાવે છે, પણ સત્યજિત રાયની ફિલ્મમાં તો સાહિત્યમાં તરલ રહેલી પેલી વાસ્તવિકતા દરેક રીતે નિશ્ચિત બની જાય છે. સાહિત્ય લેખકનો મહિમા કરતું હોય છે; તો ફિલ્મ તેના ડાયરેક્ટર-નિર્દેશકનો મહિમા કરતી હોય છે.

બાસુ ભટ્ટાચાર્યની ફિલ્મ ‘તીસરી કસમ’ પ્રસિદ્ધ હિન્દી કથાકાર ફણીશ્વરનાથ રેણુની ‘તીસરી કસમ’ ઉર્ફ – ‘મારે ગયે ગુલફામ’ પર આધારિત છે. બાસુદાએ કહ્યું કે મને હિન્દીનો પરિચય નહોતો. મોહન રાકેશ સંપાદિત પાંચ હિન્દી વાર્તાઓનો અનુવાદ વાંચતાં નિર્મલ વર્માની પરિંદે ગમી, પણ I fell in love with તીસરી કસમ. બીજી જ ક્ષણે. મારા મનમાં ફિલ્મ જન્મી. નિર્માતા શૈલેન્દ્રને તેની વાત કરી, તે પણ વાર્તાના પ્રેમમાં પડ્યા. પણ ફિલ્મ કેવી રીતે બનાવવી? શૈલેન્દ્રે પૂછ્યું –

‘કિતને રુપયે લગેંગે?’

‘ઢાઈ લાખ.’

‘મેરે પાસ ડેઢ લાખ હૈ, We can do it.’

1961ની એ વાત હતી. અમે ફિલ્મની જાહેરાત કરી. લોકો કહેવા લાગ્યા : ‘બિહારીબાબુ બંગાલીબાબુ કે સાથ ફિલ્મ બના રહે હૈ!’ રાજકપૂરે એ વાર્તા વાંચી. એય વાર્તાના પ્રેમમાં પડ્યા – ‘હીરામન is me.’ પણ હીરામન તો હટ્ટાકટ્ટા હોના ચાહિયે, રાજકપૂર? Woman’s body. એક દિવસે રાત્રે અઢી વાગ્યે રાજકપૂર મારે ત્યાં આવ્યા :

‘Do you think, I am an actor?’

‘why – drunk?’

‘Not drunk.’

શરીરનો ઢાંચો બાજુએ – મેં પૂછેલા બધાય પ્રશ્નોના જવાબ રાજકપૂરે આપ્યા. ફિલ્મ રંગીન બનાવવી હતી, પણ રાજકપૂરને લીધે બ્લૅક એન્ડ વ્હાઈટ રાખી. સુવ્રતને કૅમેરામેન માટે તૈયાર કર્યા. પછી બહુ સમય ગયો.

ફિલ્મ બનાવવાની શરૂઆત કરી ત્યારે હું કુંવારો હતો, ફિલ્મ બની રહી ત્યારે હું બે બાળકોનો પિતા હતો!

ફિલ્મ રિલીઝ થઈ તો ડિસ્ટ્રિબ્યુટરે કોર્ટમાંથી મનાઈ હુકમ મેળવ્યો – અમારી પાસે સહી કરાવી લીધી હતી – ત્રણ લાખની લોન લીધેલી. રાધાકૃષ્ણન – ઉદ્ઘાટન કરવાના હતા, પણ અમે પોતે જઈ શકેલા નહીં. શૈલેન્દ્રે આ ફિલ્મ માટે – almost killed himself. આ પછી ફિલ્મને પ્રેસિડેન્ટ એવૉર્ડ મળેલો. એક સફળ થયેલી ફિલ્મ પાછળની – આ બધી untold story આજે પહેલી વાર કહું છું.

‘રેણુ is very visual writer.’ ‘તીસરી કસમ’માં જર્ની-(પ્રવાસ)નો મોટિફ છે. જર્ની એક એમ્બિગ્યુઇટીથી બીજી એમ્બિગ્યુઇટી સુધી. મૂળ રચનાના કેન્દ્રિય ભાવને વફાદાર રહેવાનું હતું. હીરામનના innocenceને પ્રગટાવવાનું હતું – Joy of flesh – નહીં. હીરામને હીરાબાઈને બાઈમાંથી દેવી બનાવી દીધી. (Hiraman has made a Devi out of Hirabai.)

(૨)

દિલ્હી સાહિત્ય અકાદમીએ આયોજિત કરેલા સાહિત્યોત્સવમાં સિનેમા અને સાહિત્યના સંબંધની આ ચર્ચાનો આરંભ તો ગિરીશ કર્નાડના ઉદ્‌ઘાટનપ્રવચનના નિર્દેશથી કરવો જોઈએ. સાહિત્ય જગતના અને રંગમંચ સાથે સંકળાયેલા લોકો ગિરીશ કર્નાડને એક ઉત્તમ નાટ્યકાર તરીકે ઓળખે છે. ‘હયવદન’, ‘તુઘલક’, ‘યયાતિ’, ‘નાગમંડલ’ વગેરે એમનાં, દેશ અને દુનિયામાં જાણીતાં થયેલાં નાટકો છે. એ વારંવાર મંચ પર ભજવાયાં છે. ‘હયવદન’ તો ગુજરાતી રંગમંચ પર પણ ભજવાયું છે. જોગાનુજોગ આ વર્ષે ગિરીશ કર્નાડને તેમના છેલ્લા કન્નડા નાટક માટે સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ બે દિવસ પહેલાં આપવામાં આવ્યો હતો.

પરંતુ, જેમણે ગિરીશ કર્નાડનાં નાટકો જોયાં નથી, એમણે ગિરીશ કર્નાડને ફિલ્મ અને દૂરદર્શન પર અવશ્ય જોયા હશે. એક કુશળ અભિનેતા તરીકે, એક કુશળ પ્રવક્તા તરીકે. ગિરીશ કનડિ તો ફિલ્મો પણ દિગ્દર્શિત કરી છે. – એમણે સિનેમા અને સાહિત્ય, ખાસ તો નવલકથાના સંબંધની વાત કરતાં કહ્યું કે, ફિલ્મોની કથા પશ્ચિમથી શરૂ કરીએ તો કહેવાય કે સિનેમા નવલકથા સાથે જોડાયેલી છે. હોલિવૂડની પહેલી સિનેમા નવલકથાને આધારે બનેલી છે. એ પછી ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં નવલકથાઓનો ઉપયોગ થયો છે.

પણ ભારતીય ફિલ્મોમાં નવલકથાઓ નથી એમ કહેતાં એમણે ઐતિહાસિક સંદર્ભ આપી કહ્યું કે, આપણે ત્યાં ૧૯૧૩-’૧૪થી ફિલ્મ શરૂ થઈ. તેમાં અવાજ નહોતો. ૧૯૨૯થી અવાજ ઉમેરાયો. ભારતીય ફિલ્મ ગીતો લીધાં, એટલે તે હોલિવૂડથી કચડાતી બચી ગઈ. નવલકથા વાસ્તવનું નિરૂપણ કરે છે, પણ ભારતીય ફિલ્મમાં સંગીત વાસ્તવથી દૂર લઈ જાય છે.

કર્નાડે કહ્યું કે, નવલકથા – અર્બન ફૉર્મ – શહેરી માધ્યમ – છે. શહેર બદલાતાં ગયાં તેમ ફિલ્મો બદલાતી ગઈ. આઝાદી પહેલાં પ્રેક્ષકો ઉચ્ચ મધ્યમ વર્ગના રહેતા. ફિલ્મમાં સ્વતંત્રતાની લડત કે એવા વિષય રહેતા. અશોકકુમાર જેવો આદર્શ નાયક રહેતો. આઝાદી પછી દેશના ભાગલા પડ્યા. ગામડાંનાં લોકો શહેર તરફ વળ્યાં. પછી મધ્યમ વર્ગની ફિલ્મો આવી – બિમલ રોય, ગુરુદત્ત વગેરેની, ‘સાહેબ બીબી ગુલામ’ કે

‘પ્યાસા’ જેવી, જેમાં નાયક દારૂ પીતો હોય.

પછી સત્યજિત રાય આવ્યા અને બીજી બાજુ રાજકપૂર આવ્યા. સત્યજિતે નવલકથાઓ પરથી ફિલ્મો બનાવી – ‘પથેર પાંચાલી’ જેવી. રાજકપૂરે પોતાના લેખકો શોધ્યા અને એ લેખકો પાસે પોતાની ઇચ્છા પ્રમાણે લખાવ્યું. એના નાયકો નીચલા મધ્યમ વર્ગના છે. દારૂ નથી પીતા. સાતમા-આઠમા દાયકામાં વળી પરિદૃશ્ય બદલાય છે. દૂરદર્શન આવતાં ફિલ્મકારો પણ નવલકથા પરથી સિરિયલો બનાવતા થયા છે.

ગિરીશ કર્નાડે એક સુંદર નિરીક્ષણ – પશ્ચિમના અને પૂર્વના પ્રેક્ષકો વિશે – કર્યું. તેમણે કહ્યું : પશ્ચિમમાં ઓડિયન્સ-પ્રેક્ષકો શાંત રહીને ફિલ્મ જુએ છે – જાણે ચોપડી વાંચતા હોય એમ. આપણે ત્યાં જૂનો બાર આનાવાળો વર્ગ ચીસો પાડી, વ્હીસલો વગાડી – જાણે પોતે તેમાં પાર્ટિસિપેટ કરે છે.

પછી ‘ખંડહર’ જેવી ફિલ્મોના દિગ્દર્શક મૃણાલ સેને ફિલ્મનિર્માણના પોતાના દૃષ્ટિકોણની વાત કરી. તેમણે પ્રેમચંદની હિન્દી વાર્તા ‘કફન’ તેલંગાણામાં જઈને તેલુગુમાં ઉતારી છે. તેમણે કહ્યું કે, આમ તો દરિદ્રતા અને શોષણ બધે જ છે. પણ ઉત્તર પ્રદેશનાં ગામડાં ને હિન્દી ભાષાને બદલે દક્ષિણની ભાષામાં અને દક્ષિણ ભારતમાં ફિલ્મ ઉતારી. પ્રેમચંદની એ વાર્તાની ચર્ચા એમણે જે. એન. યુ.ના હિન્દી વિદ્વાનો સાથે કરેલી, પણ મૂળ વાર્તાનો ઝોક બદલીને ફિલ્મ ઉતારી.

ફિલ્મ મૂળ કથાને કેટલી વફાદાર રહેતી હોય છે, કેટલી છૂટછાટ લેતી હોય છે તે અંગે તો બધા વક્તાઓ કંઈક ને કંઈક ચર્ચા કરતા. તોલ્સ્તોયની ‘યુદ્ધ અને શાંતિ’ મહાન નવલકથા છે. એ પરથી જે ફિલ્મ બની છે તે વિશે એક વક્તાએ કહ્યું કે, ‘તોલ્સ્તોય’ કરતાં ‘એમ.જી.એમ.’ (ફિલ્મનિર્માણ કંપની) તેમાં વધારે ઊપસી આવે છે.

આ સંદર્ભે, આપણે એક હમણાંની નવી ફિલ્મ ‘રુદાલી’ વિશે જે ચર્ચાઓ થઈ તે જોઈએ. ‘રુદાલી’ (એટલે કે ધંધાદારી રોનારી) નામે લઘુ નવલકથા બંગાળી લેખિકા મહાશ્વેતાદેવીએ લખી છે. ૭૦ વર્ષની વયે ઝારખંડના આદિવાસીઓ વચ્ચે રહી તેમની સેવામાં પ્રવૃત્ત અંગ્રેજીનાં અધ્યાપિકા મહાશ્વેતાદેવીને સાંભળવાં તે એક અનન્ય અનુભવ છે.

મહાશ્વેતાદેવીની ‘હજાર ચુરાશીર મા’ નવલકથા બહુ જાણીતી છે. ગુજરાતીમાં પણ અનુદિત થઈ છે. ‘રુદાલી’ લઘુ નવલકથા ઉપરથી ‘રુદાલી’ ફિલ્મ, કલ્પના લાઝમીએ હિન્દીમાં ઉતારી છે અને ઉષા ગાંગુલીએ એ કથા ઉપરથી નાટકનું નિર્માણ કર્યું છે.

પરિચર્ચામાં લેખિકા, નાટ્ય દિગ્દર્શિકા ઉષા ગાંગુલી અને ફિલ્મની પટકથા લખનાર ગુલઝારે હાજર રહી ભાગ લીધો હતો.

મહાશ્વેતાદેવીએ કહ્યું કે, ‘મારી વાર્તાઓને સ્કીન કે મંચ પર રજૂ થતી જોતાં મને બીક લાગે છે. મારી વાર્તા ‘હજાર ચુરાશીર મા’ પરથી બનેલું નાટક બહુ ભજવાય છે, પણ એના પરથી બનેલી ફિલ્મ મને પસંદ નથી. તેમણે કહ્યું કે, ‘ફિલ્મની રુદાલીને મારી રુદાલી સાથે કંઈ લેવા-દેવા નથી. ડિમ્પલ અને રાખી સારી એક્ટ્રેસો છે, પણ એ જે ગીતો ગાય છે, જે રીતે સ્ક્રીન પર નાચે છે તેવો વૈભવ મારી વાર્તાની – ઝારખંડની એક ગરીબ ક્ષુધાપીડિત સ્ત્રીને પરવડે એવો નથી.’

એમણે કહ્યું : ‘ઝારખંડના આદિવાસીઓમાં જાઉં છું ત્યારે હું સાથે ચોખા લઈ જાઉં છું. આ લોકો માટે ‘ભૂખ’ એક વાસ્તવિક વસ્તુ છે. એક વખત ચોખા લઈને સદ્યવિધવા થયેલી સ્ત્રીને હું મળવા ગઈ. તે ચોખા એ રાંધતી હતી. એ સ્ત્રીએ કહ્યું : “મારો પતિ તો મરી ગયો, પણ ભૂખ તો સાથે નથી લઈ ગયો.” મહાશ્વેતાદેવીએ કહ્યું કે, ‘આ લોકો ચોખા રાંધે, સાથે કંઈ બીજું ખાવાનું નહિ.’ મેં પૂછ્યું કે, ચોખા સાથે શું? તો કહે, “ભૂખ – ભૂખ કે સાથ ખાઓ”. આવા લોકોને પરદા પર લાવવા હોય તો સમ્માન સાથે લાવવા જોઈએ.

આપણે જાણીએ છીએ કે, કલ્પના લાજમીની રુદાલી ફિલ્મનું લોકાલ રાજસ્થાન છે. તેમાં ભૂપેન હજારિકાએ સંગીત આપ્યું છે. ‘દિલ હુમ હુમ કરે’ એ ગીત જાણીતું છે. મહાશ્વેતાદેવીની વાર્તાનું લોકાલ બિહારનો આદિવાસી વિસ્તાર છે. ફિલ્મમાં શનિચરી અને જમીનદારના યુવાપુત્ર વચ્ચે જે રોમાંટિક સંબંધ બતાવ્યો છે તે ફિલ્મ દિગ્દર્શિકાનું અર્થઘટન છે. એવી રીતે બિકનીને શનિચરીની મા તરીકે પણ એણે જ ઘટાવી છે. તેમણે કહ્યું કે, કલ્પના લાજમી મારી વાર્તા સમજી જ નથી. વાર્તામાં જે વર્ગસંઘર્ષ છે તે ફિલ્મમાં નથી. આ ગરીબ લોકો ફિલ્મમાં આવતાં આવાં ‘લસ્ટી સોન્ગ્ઝ’ – વિલાસી ગીતો કેવી રીતે ગાઈ શકે?

ઉષા, જેણે મારી વાત પરથી નાટક કર્યું છે, તે મારી કથા સમજી છે. એના ‘રુદાલી’ નાટકથી હું પ્રભાવિત પણ થઈ છું.

આમ, પાયાનો પ્રશ્ન એ ઊભો થાય છે કે, સાહિત્ય એટલે કે તેના કોઈ એક સ્વરૂપ – નવલકથા, વાર્તા કે નાટકને આધારે બનતી ફિલ્મ મૂળથી કેટલી છૂટ લઈ શકે? મૂળ સાથેની વફાદારી કેટલી રાખી શકે? વારંવાર એ વાત પરિચર્ચામાં કહેવાતી રહી કે, ‘સાહિત્યની ભાષા અને ફિલ્મની ભાષા જુદી જુદી હોય છે.’

ઉષા ગાંગુલી બોલવા ઊભાં થયાં. તેમણે ‘રુદાલી’ નાટક દેશમાં ઠેરઠેર ભજવ્યું છે. ગુજરાતમાં સુરતમાં પણ. તેમણે આ નાટકનો લોકાલ પહેલાં રાજસ્થાનમાં રાખવા વિચાર્યું, પછી પંજાબમાં, પણ લાગ્યું કે પંજાબની સમૃદ્ધિમાં ગરીબ રુદાલીની વેદના ઉપસાવવી મુશ્કેલ છે, એટલે મૂળ બિહારનું લોકાલ રાખ્યું. તેમણે કહ્યું કે, પહેલાં જ્યારે આ વાર્તા વાંચી ત્યારે રુદાલીઓ – ધંધાદારી મરશિયા ગાનારીઓ – વિશે કંઈ જાણતી નહોતી. આવી રૂદાલીઓને મળવા પંજાબ ગઈ. એમણે કહ્યું : “કોઈ મરા નહીં તો કોઈ રોવેં કૈસે?”

ઉષા ગાંગુલીએ પ્રભાવક વક્તવ્યમાં કહ્યું કે, વાર્તામાંની શનિચરીની લડાઈ દરિદ્રતા સામે છે. ‘ઉસકી દરિદ્રતાને હમેં પૂરી તરહ બેચેન કર દિયા થા. ઉસ બેચેની કો ઉત્તરણ-ઉઠાવ દેના થા.’ એમણે વાર્તાનો અંત જરા બદલ્યો હતો. નાટક માટે તેની વાત કરી. ‘કથા કો ઉઠને કી કહાની બતાયા હૈ.’ તેમણે કહ્યું કે, ફિલ્મની દિગ્દર્શિકા અહીં હાજર નથી, એટલે એમની પાછળથી ટીકા કરવી ઉચિત નથી. પણ ‘ફિલ્મવાલે લોકપ્રિયતા કી આડ લેતે હૈં. રુદાલી કા ફિલ્મીકરણ અવાસ્તવિકતા કી ભીત્તિ પર ખડા હુઆ હૈ.’ તેમણે કહ્યું કે, આ નાટક લઈને જ્યારે હું જુદા જુદા વિસ્તારોમાં જતી ત્યારે લોકો પૂછતા, ‘મંચ ઉપર ઊંટ આયેગા કિ નહીં?’ ફિલ્મમાં આવે છે.

‘રુદાલી’ ફિલ્મ અમદાવાદમાં મેં સ્ક્રીન પર જોઈ હતી, એક વાર નહિ બે-વાર. એમાં ડિમ્પલ ને રાખીના અભિનયને તથા ભૂપેન હજારિકાના સંગીતને દાદ આપી હતી. એ વિષે લખ્યું પણ હતું, પરંતુ

આ ચર્ચા પછી ફિલ્મ વિશે ફરીથી વિચારવાનો પ્રસંગ આવ્યો.

ચર્ચા વખતે રુદાલી ફિલ્મના સ્કિપ્ટલેખક ગુલઝારે સ્પષ્ટતા કરી કે, જો સ્ક્રિપ્ટ થી ઉસી તરહ સે ફિલ્મ નહીં બની. “ડાયરેક્ટર ઈઝ ધ માસ્ટર’ લેકિન ફિર ભી સાહિત્ય ઔર ફિલ્મ – દોનોં ફોર્મ કા અપના મુકામ હૈ, અપની ઇજ્જત હૈ. ઇસ તરહ કી લિબર્ટી સિનેમેટિક લિબર્ટી હૈ…”

‘રુદાલી’ની ઉત્તેજક ચર્ચા પછી વધારે ચર્ચાઓ, લંચબ્રેકમાં શ્રોતાઓ વચ્ચે ઈન્ડિયા ઈન્ટરનેશનલની લોન પરના હુંફાળા લાગતા તડકામાં થતી હતી. ઉષા ગાંગુલી ત્યાંથી પસાર થયાં. મેં તેમના વક્તવ્યને અભિનંદિત કરી પૂછ્યું : “આપ ઐસી સુંદર પ્રભાવક હિન્દી કૈસે બોલ લેતી હૈ?” કહે : “મેરી માતૃભાષા હૈ. મૈં ઉષા પાંડેય હૂં. બંગાલી સે શાદી કી હૈ!”

(૩)

શ્રી રામ લાગૂને દૂરદર્શન પર એટલી બધી શ્રેણીઓમાં જોયા છે કે જ્યારે ખરેખર તેમને નજીકથી જોયા ત્યારે ભ્રમમાં પડી જવાયું કે હું એમને પરદા પર જોઉં છું કે મારી પાછળની બેઠક પર મૃણાલ સેન પાસે બેઠેલા જોઉં છું? શ્રી રામ લાગૂ આમ તો ‘સિનેમા અને સાહિત્ય’ વિષેના પરિસંવાદનું મુખ્ય પ્રવચન આપવાના હતા, પણ વિમાન મોડું પડતાં સવારની આરંભની બેઠકમાં હાજર રહી શક્યા નહોતા. સાંજે જ્યારે સભાખંડ ખીચોખીચ ભરાઈ ગયો હતો ત્યારે સાહિત્ય અકાદેમીના સેક્રેટરી ઇન્દ્રનાથ ચૌધરીએ આવીને કહ્યું : “તમે હવે, અત્યારે બોલો.” એમણે કહ્યું, “હું આવતી કાલે સવારે બોલીશ.” ઈન્દ્રનાથે ફરી વિનંતીના સ્વરે કહ્યું : “અત્યારે બોલશો તો શ્રોતાઓ પર ભારે પ્રભાવ – ‘ટ્રેમેન્ડસ ઈમ્પેક્ટ’ – પડશે.” એ સાંભળી જરા નારાજ થતાં શ્રી રામ લાગૂએ ધ્રૂજતે ચહેરે કહ્યું : “આઈ નીડ નોટ એની ઇમ્પેક્ટ, આઈ હેવ ઈનફ.’ – મારે એવા કશા પ્રભાવની જરૂર નથી, મારી પાસે પૂરતો પ્રભાવ છે. એ સંવાદ સાંભળીને મને શ્રી રામ લાગૂના અ-મુલાયમ સ્વભાવથી આશ્ચર્ય થયું. પણ પછી બીજે દિવસે એમના વક્તવ્ય દરમિયાન એમણે કશીક વાત નિમિત્તે આરંભમાં જ નિર્દેશ કર્યો કે, “નમ્રતા – મોડેસ્ટી માટે હું જાણીતો નથી.”

સાહિત્ય અને ફિલ્મની ચર્ચા કરતાં શ્રી રામ લાગૂએ કહ્યું હતું કે, સિનેમા અને નાટકક્ષેત્રે મેં જે કંઈ કર્યું છે તે અભિનેતા તરીકે કર્યું છે, એટલે આ વિષયની ચર્ચા એક અદના માણસ તરીકે જ કરી શકું. એમણે પણ કહ્યું કે, સાહિત્યની ભાષા અને સિનેમાની ભાષા જુદીજુદી છે. ‘યુદ્ધ અને શાંતિ’, ‘અપરાધ અને સજા’, ‘ગોન વિથ ધ વિન્ડ’ વગેરે ફિલ્મો સારી છે, પણ એ પુસ્તકોનો પ્રભાવ તો જુદો છે.

પછી તેમણે કહ્યું કે, કલા-ફિલ્મ અને કોમર્શિયલ ફિલ્મોના હેતુઓ જુદાજુદા છે. કોમર્શિયલ ફિલ્મો કલા માટે નથી, શિક્ષણ માટે નથી, રૂપિયા કમાવા માટે છે. એટલે જ સેક્સ અને ક્રાઇમ વિષે વધારેમાં વધારે ફિલ્મો બને છે.

પણ આ કોમર્શિયલ ફિલ્મો આપણે જ બનાવતા હોઈએ છીએ. આપણે એટલે પ્રેક્ષકો. પ્રેક્ષકો ના સુધરે ત્યાં સુધી આવી ફિલ્મો બનવાની. ખરેખર તો ગુલઝાર કે ઋષિકેશ મુખર્જી આદિ ફિલ્મ નિર્માતાઓની જેમ સામાન્ય પ્રેક્ષક વર્ગની રુચિને સુધારવાનું કામ ફિલ્મના નિર્માતાઓએ કરવું જોઈએ. પણ એ મુશ્કેલ છે અને એથી ‘ગ્રેટ કોમર્શિયલ હંગામા વીલ બી ગોઇંગ ઓન.’

શમા જૈદીએ પણ કહ્યું કે, કલા ફિલ્મના નિર્માતાઓ અને કોમર્શિયલ ફિલ્મ-નિર્માતાઓ વચ્ચે ઝઘડા રહેવાના. કોમર્શિયલ ફિલ્મ બનાવનાર એક નિર્માતાને પોતે કહેલું કે, “આપ તો ફિલ્મ નહીં બનાતે, આપ તો પૈસે બનાતે હૈં.” શમાએ પછી કહ્યું કે, હિંદી સિનેમા પારસી થિયેટર નૌટંકી અને વિક્ટોરિયન મેલોડ્રામામાંથી આગળ આવી છે.

“હિંદી મેં નૌટંકી સિનેમા હૈ.” એટલે તેમાં સંગીત, નાચ પ્રધાન છે. પ્રેમચંદ ફિલ્મ કથાઓ લખવા મુંબઈ આવ્યા, પણ કેમ પાછા જતા રહ્યા? મન્ટો, બેદી, અબ્બાસ, ઇસ્તમ ચુઘતાઈ – આવા લેખકોએ પણ ફિલ્મ નિર્માતાઓની ઈચ્છા પ્રમાણે લખવું પડે છે.

પછી તેમણે ‘ઉમરાવ જાન અદા’ ફિલ્મ વિષે વાત કરતા કહ્યું કે, મૂળ નવલકથાનો ટોન ફિલ્મમાં આવતો નથી. કથાની નાયિકામાં એક લખનવી ‘લટક’ છે. “રેખા કો ઉમરાવ જાન બનાઇએ તો વહ ‘લટક’ નહીં લા પાએંગી. ઐસી લટક લાને કે લિયે આઠ-દસ હફ્તે કી ટ્રેનિંગ ચાહિએ.”

શમા જૈદીએ સત્યજિત રાય સાથે ‘શતરંજ કે ખિલાડી’ ઉતારતી વખતે જે અનુભવ થયો તેની વાત કરી. પ્રેમચંદની વાર્ત સૂક્ષ્મ છે. વાજીદ અલી શાહને નામે જે ઠુમરી ફિલ્મમાં છે તે સંદિગ્ધ છે. એ વિષે લખનઉના લેખક અમૃતલાલ નાગરે કહેલું કે, “ઐસી ઠુમરી વાજીદ અલી શાહ કી હો તો મૈં હરાભરા હો જાઉં.” તેમણે કહ્યું : “હિંદી મેં ફિલ્મ બનતી હૈં – હિંદી કી ફિલ્મ નહીં બની.”

(પછી તો પ્રેક્ષકોમાંથી એક બહેન ઊભાં થઈ ગયાં ને બોલવા લાગ્યાં કે, આપ લોગ હિંદી કા ખાતે હૈં ઔર હિંદી કી નિંદા કરતે હૈ…’ હંગામો મચી જતાં રહી ગયો!)

હવેના વક્તા હતા વિજયદાન દેથા. રાજસ્થાની લોકસાહિત્યના મર્મજ્ઞ અને અનેક લોકકથાઓના આપણા ઝવેરચંદ મેઘાણીની જેમ ઉદ્ધારક. અમે ‘દેથાજી’ કહીએ તો કહેશે: “ભોલાભાઈ મુઝે દેથાજી મત કહો, મુઝે ‘બિજજી’ કહો.” સૌ સાહિત્યકારોમાં એ ‘બિજજી’ના નામથી જાણીતા. પરંપરાગત રાજસ્થાની વેશભૂષામાં હોય. ગુજરાતી બરાબર જાણે.

અમારે પરિસંવાદની આગલી સાંજ ઈન્ડિયા ઈન્ટરનેશનલની રેસ્તોરાંમાં સાથે ગાળવાની હતી. હિંદી કવિ કેદારનાથસિંહે આયોજન કરેલું. પ્રસિદ્ધ હિંદી લેખક નિર્મલ વર્મા અને તેમની યુવાપત્ની કથાલેખિકા ગગનગીલ, કવિ અને ફિલ્મ સમીક્ષક કુંવર નારાયણ, કવિ સમીક્ષક પરમાનંદ શ્રીવાસ્તવ આદિ મળવાના હતા. રાજસ્થાન હાઉસમાં અમે બિજજીને લેવા ગયા. પણ એ તો પરિસંવાદમાં રજૂ કરવાનું વક્તવ્ય તૈયાર કરવાના ‘મૂડ’માં હતા. છતાં અન્ય મિત્રોને સ્કોચનો અને મને કોકાકોલાનો આસ્વાદ કરાવી વાતે ચઢ્યા અને પછી કહ્યું કે, તેઓ સાંજની બેઠકમાં નહીં આવી શકે. પછી તો હું પણ એ સાયં પાર્ટીમાં ન ગયો, પણ બીજે દિવસે ત્યાં જામેલી સુંદર ગોષ્ઠીની વાત સાંભળી ન જવા માટે ખેદ થયો. દિલ્હીની સાંજમાંથી રાતમાં પરિણમતી સાહિત્યિક ગોષ્ઠીઓના અનુભવથી વંચિત રહી જવાયું. એ ગોષ્ઠીમાં સરદાર અલી જાફરી પણ ગયેલા.

વાત આપણે બિજજીની કરતા હતા. તેમણે સંપાદિત કરેલી એક લોકકથા પરથી મણિ કૌલે એક સુંદર ફિલ્મ બનાવી છે. કથા અને ફિલ્મનું નામ છે – ‘દુબિધા’ (દ્વિધા). દૂરદર્શન પર આપણામાંથી ઘણાએ કદાચ એ જોઈ પણ હશે.

બિજજીએ મણિ કૌલની પહેલી મુલાકાતની રોમાંટિક ઢબે વાત કરી. પછી એ ‘દુબિધા’ કથાની વાત કરી. એમાં પરણીને આવતી એક જાન ગામની સીમમાં એક ખીજડીના ઝાડ નીચે વિસામો કરે છે. ખીજડીમાં રહેતું ભૂત નવવધૂને જોઈ મોહિત થાય છે. નવવધૂનો પતિ તો લગ્નને બીજે જ દિવસે વેપાર અર્થે નીકળી પડે છે. પેલું ભૂત ત્રીજે દિવસે પતિનું રૂપ લઈને આવે છે અને નવવધૂ સાથે સહજીવન શરૂ કરી દે છે. મહિનાઓ પછી પેલો પતિ આવે છે. એક જ ચહેરા-મહોરાવાળા બે પતિ જોઈ ભૂતપતિથી ગર્ભવતી થયેલી નવવધૂ વિમાસણ (દુવિધા)માં પડે છે. ખરેખરો પતિ કોણ? એક ભરવાડ એનો ન્યાય કરે છે.

મેં બિજજીને પછી પૂછેલું કે, મણિ કૌલે તમારી કથા સાથે ન્યાય કર્યો છે? એકદમ ન્યાય કર્યો. તેમણે કહેલું : અતિપ્રાકૃતિક – સુપર નેચરલ તત્ત્વની આ કથા અને ફિલ્મ રવીન્દ્રનાથની ભૂતસૃષ્ટિની ‘ક્ષુધિત પાષાણ’ વાત પરથી તપન સિંહે ઉતારેલી ફિલ્મની સ્મૃતિ કરાવે.

‘સિનેમા અને સાહિત્ય’ વિષેના આ પરિસંવાદમાં જે કેટલાંક વિષયને નિકટથી અને તાત્ત્વિક ભૂમિકા પરથી રજૂ કરનાર વક્તવ્યો થયાં તેમાં એક હતું શમિક બેનરજીનું.

શમિક બેનરજીએ પોતાના વક્તવ્યની ચર્ચા જેમ્સ જોઇસની ૧૯૨૨માં પ્રકટ થયેલી વિશ્વપ્રસિદ્ધ નવલકથા ‘યુલિસિસ’થી કરી. એમણે કહ્યું : “જોઇસ શબ્દોના સ્વામી (Master of words) છે. એપિક લખે છે, પોતાના શબ્દોનો ઉપયોગ તેઓ ‘સિનેમેટિક મુવમેન્ટ્સ’ની રીતે કરે છે.” પ્રસિદ્ધ ફિલ્મ-નિર્માતા આઇઝનસ્ટાઈનનો હવાલો આપતાં શમિકે કહ્યું કે, આઈઝનસ્ટાઈને તેમની વર્ષ ૧૯૨૮ની ડાયરીમાં લખ્યું છે :

‘મેં આજે જેમ્સ જોઈસની ‘યુલિસિસ’ પૂરી કરી. ઈટ ઈઝ ધ બાઈબલ ઑફ સિનેમા.’

શમીકે જે વાત કરી તેથી તો યુલિસિસ પર નવો પ્રકાશ પડતો હતો. નવલકથાની શૈલી પર ફિલ્મ ટેક્‌નિક અને ફિલ્મ નિર્માણને નવલકથાની એ શૈલીમાંથી ઉપલબ્ધ થતી દૃષ્ટિ – એ વાત આ બંને કલ્ચરલ ફોર્મ એકબીજાને કેવી રીતે પ્રભાવિત કરે છે તેનું ઉદાહરણ છે. શમિકે એપિક-મહાકાવ્યનું સ્વરૂપ, એનો વર્તમાન સંદર્ભ અને ફિલ્મ વિશે ઘણી ઉદ્‌બોધક ચર્ચા કરી.

પરિસંવાદનું રૂપ એવું હતું કે, વક્તવ્યો રજૂ થાય પછી પ્રેક્ષકવર્ગમાંથી પ્રશ્નો થાય અને વક્તાઓ ઉત્તર આપે. તેમાં ઘણી વાર ચકમક ઝરે, પણ ઘણી વાર લાગે કે પ્રશ્નકર્તાઓ એવા વાહિયાત સવાલો કરે કે મૂળ વક્તવ્ય રોળાઈ જાય અને સહૃદય શ્રોતાઓને ઝાંઝ ચઢે. ખેર! આવા થોડા મૂઢ પ્રશ્નકર્તાઓ બધા પરિસંવાદોમાં હાજર હોવાના!

સિનેમા અને સાહિત્યના સંબંધની ચર્ચા આજનો જીવંત સાંસ્કૃતિક પ્રશ્ન છે. ચર્ચા દરમિયાન જોયું કે, બધી ભાષાઓની ફિલ્મોમાંથી ઉદાહરણ ચર્ચાય છે, પણ ગુજરાતી ફિલ્મનું સમ ખાવાય ઉદાહરણ કેમ નથી? આપણા કેતન મહેતાનો ઉલ્લેખ થતો. એ આ પરિસંવાદમાં આવવાના હતા, પણ આવ્યા નહીં. સરેરાશ ગુજરાતી ફિલ્મો તો રુચિસમ્પન્ન પ્રેક્ષકો જોઈ શકે નહીં એવી હોય છે. તેમાંય કોઈ ફિલ્મ-નિર્માતા પ્રશિષ્ટ ગુજરાતી નવલકથા કે વાર્તા પરથી ભાગ્યે જ ફિલ્મ ઉતારે છે. આપણને કદાચ પલ્લવી મહેતાની ભૂમિકાવાળી પન્નાલાલ પટેલની વાત ‘કંકુ’ પરથી ઊતરેલી એ જ નામની ફિલ્મ યાદ આવે અને બીજી એમની જ નવલકથા ‘માનવીની ભવાઈ’ પરથી તાજેતરમાં ઊતરેલી ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મ યાદ કરીએ. પણ કોઈએ નિકટથી ચર્ચા હજુ સુધી નથી કરી કે ફિલ્મે મૂળ કથા સાથે કેટલો ન્યાય કે અન્યાય કર્યો છે કે ફિલ્મ તરીકે તે કેટલી સફળ છે.

[૧૯-૩-૧૯૯૫]