ચિત્રકૂટના ઘાટ પર/જે. એન. યુ. કે ભીમોરા?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જે. એન. યુ. કે ભીમોરા?

‘જૅન્યુ’ એટલે કે જે.એન.યુ., એટલે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી. દેશ-વિદેશમાં અલ્પ સમયમાં જ વિખ્યાત થયેલી આ યુનિવર્સિટી રાજધાની દિલ્હીનું એક ઘરેણું છે. દિલ્હી યુનિવર્સિટીનો વિશાળ પરિસર જૂની દિલ્હીમાં ઉત્તરને છેવાડે લગભગ જમુનાને કિનારે છે. એનો ઘણો મોટો પટ્ટો હજી ઝાડી-ઝાંખરાંથી સચવાયેલો છે. જેએનયુ નવી દિલ્હીના દક્ષિણ અંચલમાં આવેલી છે અને ગુજરાત-રાજસ્થાનથી પ્રસરેલી લાંબી અરાવલિ પર્વતની અંતિમ છોર જેવી ટેકરીઓ અને ખડકો વચ્ચે ઊભી છે. એકદમ અદ્યતન ઇમારતોથી શોભતી જેએનયુની શોભા પ્રભાવિત કરે એવી છે. સ્થપતિએ પહાડીઓને જેમ ને તેમ રાખી છે, ખડકો પણ જેમના તેમ છે, ઝાડી-ઝાંખરાં પણ તેમનાં તેમ છે, થોડાં નાગરિકવૃક્ષો ઉગાડવામાં આવ્યાં છે.

‘જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી’ એટલું લાંબું નામ કોઈ બોલતું નથી. એ જૅન્યુ તરીકે ઓળખાય. એરપોર્ટથી ટૅક્સીવાળાને મેં ‘જે.એન.યુ.’ એવા સ્પષ્ટ અલગ ઉચ્ચારથી કહ્યું તો એક ક્ષણ મારી સામે જાણે ન સમજતો હોય તેમ પ્રશ્નાર્થ ભાવે એ જોઈ રહ્યો. પછી ઝટપટ કહે : ‘જૅન્યુ જાના હૈ ન?’ અરાવલિ જેને ભૂગોળમાં આપણે અરવલ્લી તરીકે ઓળખતા આવ્યા છીએ તેની સ્મૃતિ આપવા માટે યુનિવર્સિટીના અતિથિગૃહને અરાવલિ ગૅસ્ટહાઉસ નામ આપવામાં આવ્યું છે.

હજી હમણાં બનેલી યુનિવર્સિટી છે. બધી ઈમારતો અદ્યતન અને સુઆયોજિત. રસ્તાઓ અને માર્ગસૂચક સંકેતો વ્યવસ્થિત. ઝાડી-ઝાંખરાંથી એવું લાગે કે, કોઈ અરણ્યની વચ્ચે ડામરની સડકો પથરાઈ ગઈ છે અને ઢેખાળિયા રંગના લાલ પથ્થરની ઇમારતો ઊગી આવી છે.

ગૅસ્ટહાઉસમાં એક ટેબલ પર બે ચોપડીઓ પડી હતી. કુતૂહલથી જોયું, તો એક હતી યુનિવર્સિટીનો પરિચય આપતી પુસ્તિકા. આરંભમાં એક લાંબું અવતરણ હતું. એમાં યુનિવર્સિટી એટલે કે વિશ્વવિદ્યાલયની વિભાવના હતી. અવતરણ હતું જવાહરલાલ નેહરુનું. પછી લખ્યું હતું કે, જેમની આ ઉક્તિ છે તેમના યુનિવર્સિટી વિષેના સ્વપ્નને સાકાર કરવા ૧૯૬૯માં આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે અને એમનું નામ એની સાથે જોડવામાં આવ્યું છે.

પછી જોયું, જુદાજુદા વિભાગો અને તેમાં કામ કરી રહેલી વિદ્વાનોની મંડળીઓનાં નામો. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા અધ્યાપકોની એ નામાવલિ હતી. આ યુનિવર્સિટીને નાણાંની ખોટ પડતી હોય એવું લાગે નહીં. છાત્રો અને અધ્યાપકોનો ગુણોત્તર પણ આદર્શ. જેએનયુને વિજ્ઞાન કે ટેક્નોલૉજીની ફેકલ્ટી નથી, પણ અન્ય વિદ્યાશાખાઓમાં ટોચનું શિક્ષણ-સંશોધનનું કાર્ય ચાલે છે. પરદેશી ભાષાઓના અધ્યયનનું એનું સંકુલ તો અજાયબ લાગે. એક સમય હતો જ્યારે યુનિવર્સિટી ડાબેરી વિચારસરણી ધરાવતા અધ્યાપકોથી ભરેલી હતી.

જેએનયુનો કૅમ્પસ ગમી જાય એવો છે. તેના ઢોળાવવાળા માર્ગો પર વિદ્યાચર્ચા કરતાં કરતાં ચાલવાની કેવી મઝા પડે તેની કલ્પના પણ મનમાં જાગી જાય. દેશ-દેશાવરનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અહીં ભણે છે. કૅમ્પસ પર ફરતાં દિલ્હી નગરની યાદ પણ ન આવે એવી શાંતિ. રાત્રિ પડે એટલે તો રીતસર તમરાંના અવાજ સંભળાવા લાગે. ગમે ત્યાં ફરતા હોઈએ, તેના વિશાળ ઊંચા ગ્રંથાલયની ઇમારત નજર સામે રહે. ક્રિસમસની રજાઓ હતી એટલે વિદ્યાર્થીઓની અવરજવર આછીપાતળી હતી. દિલ્હીના ડિસેમ્બરની ઠંડીમાં કૅમ્પસના માર્ગો પર ચાલવાનો આનંદ લેતાં વિચાર આવતો હતો કે, સાચે જ આ યુનિવર્સિટી ‘ભાગ્યશાળી’ તો ખરી. બધું જ ‘એલિગન્ટ’ એનું. પ્રશાસનિક ભવન – એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ પણ ભવ્ય. જોકે ગુજરાત યુનિવર્સિટી જેવું કલાત્મક ન લાગ્યું, પરંતુ જેએનયુના નિર્માણ પાછળ કરોડો રૂપિયા ખરચાયા છે એવું જરૂર લાગે.

સંજોગ એવો થયો છે કે, જેએનયુ.નું કામ પતાવી સીધા જ ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રમાં ભીમોરા પહોંચવાનું હતું. એટલે બીજે દિવસે વહેલી સવારે અમદાવાદના એરપોર્ટથી સીધા એસ.ટી.એ પહોંચી ચોટીલાની બસ પકડી. ભીમોરામાં અગાઉ એક વાર જ્યારે તરણેતરનો મેળો જોવા ગયેલા ત્યારે ડોકિયું કરેલું. સાહિત્ય પરિષદે અહીં મેઘાણીસત્ર યોજેલું, એ પછી હમણાં ગુજરાત રાજ્ય અકાદમીએ ભજન કાર્યક્રમનું આયોજન કરેલું. બન્ને વાર ચૂકી જવાયેલું.

સાહિત્ય પરિષદનું જ્ઞાનસત્ર ભીમોરા છે એમ કહીએ એટલે તરત સામો પ્રશ્ન થાય કે ‘ભીમોરા ક્યાં આવ્યું?’ ‘ચોટીલા પાસે’ એમ કહેવું પડે. રાજકોટ જતાં ચોટીલાનો પહાડ અને પહાડ પર આવેલું ચામુંડાનું મંદિર અને મંદિરે જતો માર્ગ બસની બારીમાંથી ઘણાએ જોયો હશે. આખો વિસ્તાર પાંચાળ તરીકે ઓળખાય છે. એ પછાત અને વેરાન પણ લાગે. ચોટીલા ઊતરી જીપ કરી અમે ચારેક સાહિત્યકાર મિત્રો ભીમોરા જવા નીકળ્યા. અમે થોડા મોડા પડેલા એટલે વાહનવ્યવસ્થા ચોટીલાથી થયેલી તેનો લાભ મળ્યો નહીં. ટેક્સી ડ્રાઇવરને કહ્યું કે, ભીમોરામાં અધિવેશન છે ત્યાં લઈ જા. અમે કહ્યું કે, આ પાંચાળ વિસ્તારને? મેઘાણીભાઈએ ચોટીલાની ને પાંચાળની ઘણી વાતો કરેલી છે. એટલે એ જાણવા એને પૂછ્યું, તો એણે તો સામે દૂહો લલકાર્યો:

‘ખડક પાણી ને ખાખરા

ધરતી લાંપડિયાળ

વગર દીવે વાળુ કરે,

પડ જુઓ પાંચાળ.’

અમે ભીમોરા પહોંચી ગયા. આંગણે અવસર હોય તો અછતો રહે નહીં. ભીમોરાની લોકશાળાએ સાહિત્ય પરિષદના પ્રતિનિધિઓના સ્વાગતમાં તોરણો લટકાવેલાં. ઉજાડ ભોમકા વચ્ચે વૃક્ષોની હારમાળાથી છવાયેલા રસ્તા પર થઈ અમે સભામંડપમાં પહોંચી ગયા.

હા. એ પેલી પ્રથમદર્શને પ્રભાવિત કરી ગયેલી, ચિત્તતંત્રીના તાર રણઝણાવી ગયેલી પ્રાચીન બૌદ્ધ ગુફાનો અર્ધચંદ્રાકાર અવકાશ વચ્ચે સભામંચ અને નીચે મંડપ પ્રેક્ષકો-શ્રોતાઓથી ભરેલો હતો. અમે મોડા પડ્યા હતા.

આ ખડક, પાણી ને ખાખરા વચ્ચે જ્ઞાનસત્રને નિયંત્રિત કરનાર સંસ્થા તો હતી ભીમોરાની લોકશાળા. થોડા વખત ઉપર સણાલી લોકશાળામાં જવાનું થયું હતું, ખેડબ્રહ્મા-અંબાજી વચ્ચેના આદિવાસી વિસ્તારમાં. ભીમોરાની આ લોકશાળા તે આ વિસ્તારના ધજાળાની લોકશાળાનો વિસ્તાર.

પ્રથમ બેઠક પૂરી થયા પછી સૌને મળ્યા, પણ જેમને મળવાનું વિશેષ ભાગ્ય મળ્યું તે તો હતા શ્રી સવશીભાઈ મકવાણા અને પછી શ્રી કરમશીભાઈ મકવાણા. પાંચાળની મરુભોમકામાં જ્ઞાનની સરવાણી વહાવનાર એ બંધુબેલડી. શ્રી કરમશીભાઈને તો ગુજરાત રાજ્યના પ્રધાનમંડળના એક પ્રધાન તરીકે આપણે ઓળખીએ પણ છીએ. બન્ને વડીલો વિનમ્રતાની પ્રતિમૂર્તિ જેવા.

શ્રી કરમશીભાઈએ અહીં આ વિસ્તારમાં પહેલવહેલી નિશાળ શરૂ કરેલી. સવશીભાઈ એ પ્રવૃતિમાં જોડાયા, પછી બીજા બે ભાઈઓ પણ. કરમશીભાઈ ગરીબ કોળી કુટુંબમાં જન્મેલા. કાળજાતૂટ મજૂરી કરતા પરિવારમાં જન્મી આવી એક લોકશાળાની સ્થાપના કેવી રીતે કરી શક્યા? એનો વિચાર એમને ક્યાંથી સ્ફુર્યો?

હજી તો ગઈ કાલે જે.એન.યુ.ના કેમ્પસ ઉપર જવાહરલાલ નેહરુનું સિદ્ધ થયેલું સપનું જોઈને આવ્યો હતો. વિશાળ, વિરાટ, ભવ્ય, ઉન્નત આવાં આવાં વિશેષણોથી એને નવાજી શકાય. રાષ્ટ્રની કરોડોની સંપત્તિ જેની પાછળ ખરચાઈ છે એવી એ રાષ્ટ્રીય વિદ્યાપીઠ – આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત.

અને આ ભીમોરાની લોકશાળા? આવું સ્વપ્ન પણ કોને આવ્યું? કેવી રીતે આવ્યું? એક પણ પૈસાની મૂડી વિના એ કેવી રીતે સાકાર થયું? કયા દેશના સૌથી ઊંચા પગારો મેળવીને અધ્યાપન કરતા બુદ્ધિધન પ્રાધ્યાપકો અને સાધનસંપન્ન તેજસ્વી છાત્રો? અને ક્યાં આ ઉજાડ ભોમકામાં દરિદ્ર, સાધનવિહીન છાત્રોના જીવનમાં વિદ્યાતેજની દીપ્તિ પથરાવવા મથતા કરમશીભાઈ, સવશીભાઈ અને લોકશાળામાં અહીં કલ્લોલ કરી રહેલાં છાત્રછાત્રાઓ? એમનો અમારા પ્રત્યેનો સેવાભાવ જોઈ આશિષો વરસાવવાનું મન થાય છે.

જેએનયુ અને ભીમોરા. દેશને જેએનયુની જેટલી જરૂર છે, તેથી વધારે જરૂર ભીમોરાની છે. પ્રજાને જ્યાં અક્ષરજ્ઞાન સહેલાઈથી મળતું નથી ત્યાં ઉચ્ચોચ્ચ શિક્ષણ સંસ્થાની જરૂર ખરી? અને જરૂર હોય તો તેને પ્રાથમિકતા કેવી રીતે આપી શકાય? એ તો ઠીક, પણ અહીં આવી સંસ્થા કરી અજ્ઞાનનાં અંધારા ઉલેચવાની પ્રેરણાનો સ્રોત ક્યાં હતો?

એ સાંજે આપણા પ્રસિદ્ધ કેળવણીકાર અને સાહિત્યકાર, સ્વપ્નદૃષ્ટા શ્રી મનુભાઈ ‘દર્શક’ – મનુદાદાએ કહ્યું કે, તમે આ કરમશીભાઈ અને સવશીભાઈને મળો. આવી બધી લોકશાળાઓમાં જાઓ અને જુઓ કે કવિતાનું શિક્ષણ – કવિતાનું સાચું શિક્ષણ કેવાં પરિણામો લાવે છે તે જુઓ. કરમશીભાઈ અને સવશીભાઈ ગ્રામદક્ષિણા મૂર્તિ, આંબલાની લોકશાળાના વિદ્યાર્થી. ગ્રામદક્ષિણામૂર્તિ એટલે આચાર્ય નાનાભાઈ ભટ્ટનું સ્વપ્ન. મનુભાઈ ‘દર્શક’ જેવા તેમના શિષ્યોએ એનો લોકભારતી રૂપે વિકાસ કર્યો. એમના હજારો વિદ્યાર્થીઓના ચિત્તમાં સ્વપ્નનાં વાવેતર કર્યાં. એ બધા ગામેગામ પહોંચી ગયા છે અને ગરીબ, અભણ પ્રજા વચ્ચે શિક્ષણસેવાની સુવાસ પાથરી રહ્યા છે.

ભીમોરા એક વખતે એટલે કે ચોથી શતાબ્દીમાં બૌદ્ધ વિદ્યાપીઠ પણ હશે. અહીં વિહારોના અવશેષો છે. નરોત્તમ પલાણે તો તેનો પ્રાચીન-મધ્યકાલીન ઇતિહાસ બતાવ્યો. પણ હવે નવો ઇતિહાસ રચ્યો હતો નાનાભાઈ ભટ્ટ અને મનુભાઈ ‘દર્શક’ના ગ્રામદક્ષિણામૂર્તિના છાત્રોએ. દિલ્હી નગરની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી એક બાજુએ અને પાંચાળની મરુભોમકાની આચાર્ય નાનાભાઈ ભટ્ટના સ્વપ્નને સાકાર કરતી આંબલા લોકભારતી કે ધજાળા ભીમોરાની લોકશાળાઓ એક બાજુએ. જેએનયુ જેવી સંસ્થાઓથી પ્રભાવિત થવાય છે, પણ આ લોકશાળાઓને તો પ્રણમી રહેવાય છે.

[૧-૧-’૯૫]