ચિત્રકૂટના ઘાટ પર/જે કો ચાહે ધરણી પરે સ્વર્ગને લાવવાને–
ત્યારે ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં અને તેની આસપાસ આટલી બધી ઇમારતો નહોતી. ત્રણેક દાયકા પહેલાંનો આ પ્રસંગ છે. યુનિવર્સિટીની કેન્દ્રીય ઑફિસનું ટાવર બન્યું હતું, પણ હજી સેનેટ હૉલ બનાવવાના પથ્થરો ઘડાતા હતા. યુનિવર્સિટીનાં આજે તો કેટલાં બધાં ભવનો છે? પણ તે વખતે હજી સમાજવિદ્યાભવનનું માત્ર મકાન હતું. ભાષાસાહિત્યભવનના તો પાયા ખોદાતા હતા.
ભાષાસાહિત્યભવન, જેનું અંગ્રેજી નામકરણ છે ‘સ્કૂલ ઑફ લેંગ્લેજિઝ’ – તેનું અસલી નામ હતું ‘ગુજરાતી ભાષાસાહિત્યભવન’ અર્થાત્ ‘યુનિવર્સિટી સ્કૂલ ઑફ ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચર.’ એ વખતે આ ભવનના વર્ગો ગુજરાત યુનિવર્સિટીનો અત્યારે જ્યાં એસ્ટેટ વિભાગ છે, તે ઓરડામાં લેવાતા. બાજુના ઓરડામાં કામચલાઉ કેબિનો કરવામાં આવેલી. જેમાં ભવનનું કાર્યાલય, ભવનના અધ્યક્ષ ઉમાશંકર જોશીની કૅબિન, ભાષાવિજ્ઞાનના રીડર ડૉ. પ્રબોધ પંડિતની કેબિન અને રિસર્ચ ફેલો રમણલાલ જોશીની પણ કૅબિન હતી.
આ ભાષાભવનમાં માત્ર ગુજરાતી વિષયના જ વર્ગો ચાલતા. ગુજરાતી માધ્યમ સ્વીકારી, ગુજરાતી ભાષાને કેન્દ્રમાં રાખીને યુનિવર્સિટીએ આ ભવનની શરૂઆત કરી હતી. ઉમાશંકર જોશી જેવા સાહિત્યકાર-વિદ્વાન એમાં પ્રથમ પ્રોફેસર હોય તે કેટલું બધું યોગ્ય હતું? પછી જ્યાં પ્રબોધ પંડિત જેવા ભાષાવિજ્ઞાની જોડાય પછી પૂછવું જ શું? માત્ર અહીં ભણવા આવનાર, ગુજરાતી વિષય લેનાર વિદ્યાર્થીઓ માટે જ નહિ, આખા ગુજરાત માટે જાણે ગુજરાતી ભાષાના ઉન્નયન માટેનું એ કેન્દ્ર હતું એમ લાગે.
પરંતુ સમય જતાં ગુજરાતી ભાષાની સાથે હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, ફારસી વગેરે વિભાગો જોડાતા ગયા અને ગુજરાતી ભાષા સાહિત્યભવનમાંથી ‘ગુજરાતી’ શબ્દ નીકળી ગયો. એ ‘ભાષાસાહિત્ય ભવન’ બન્યું. પછી તો ઉમાશંકર જોશીના જવા સાથે ગુજરાતી ભાષાનો મરતબો જાણે ભાષાભવનમાં જ અપદસ્થ થઈ ગયો છે.
પરંતુ હું ક્યાં વહી જાઉં છું? મારે તો ગુજરાતી ભાષાસાહિત્ય ભવનનાં આરંભનાં વર્ષોની એક વ્યક્તિગત ઘટનાનો નિર્દેશ કરવો છે.
એ વખતે વર્ગો સવારમાં ૮-૦૦ થી ૧૦-૦૦ સુધી ચાલતા. યુનિવર્સિટીની હૉસ્ટેલમાં ઘણા વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયના પણ હતા. એ વખતના વિદ્યાર્થીઓમાં લાભશંકર ઠાકર, ચિનુ મોદી, જયંત પંડ્યા, હેમંત દેસાઈ, અમૃત રાણિંગા, સુરેન્દ્ર કાપડિયા, શાંતિલાલ આચાર્ય, રતિલાલ જોશી, રતિલાલ નાયક જેવા ઘણા તો ગુજરાતીના લેખકો હતા.
ઘણા બધા ૧૦ વાગ્યે વ્યાખ્યાનો પૂરો થતાં સીધા હૉસ્ટેલને રસોડે જમવા આવે. વર્ગમાં ઉમાશંકર જોશીએ કે પ્રબોધ પંડિતે કેવું ભણાવ્યું એની ચર્ચા ચાલતી હોય. હું એ ચર્ચા સાંભળું. હું હતો હિન્દીનો વિદ્યાર્થી. એટલે મને પણ ઈચ્છા થઈ કે ગુજરાતીના વર્ગોમાં જઈને હું પણ બેસું.
એક સવારે હૉસ્ટેલના મિત્રો સાથે હુંય ઉમાશંકર જોશીના પિરિયડ ભરવાનો મનસૂબો લઈ નીકળ્યો. મને થયું કે, વર્ગમાં બેઠા પહેલાં એમની અનુમતિ તો લેવી જોઈએ. અમે બહાર લૉબીમાં ઊભા હતા. હાથમાં પુસ્તકોની થપ્પીઓ સાથે ઉમાશંકર આવ્યા. મેં જરા આગળ વધી મારો સ્વાભાવિક સંકોચ છોડી કહ્યું : ‘હિન્દીનો વિદ્યાર્થી છું, પણ તમારા વર્ગો ભરવા છે.’
મારી સામે જોઈ પછી કહે : ‘હા, પણ તે નિયમિત ભરવા પડશે.’
મેં વિચાર્યું કે, આ તો મારે માટે વિશેષ સારું. પછી તો હુંય જાણે, ગુજરાતીનો વિદ્યાર્થી બની ગયો. પ્રોફેસર ઉમાશંકર ત્યારે ગ્રીક ટ્રેજેડી ભણાવે, ઈબ્સન અને કાલિદાસનાં નાટકો પણ ભણાવે અને પ્રેમાનંદ પણ. એક એક પિરિયડ એટલે કેટકેટલાં સાહિત્યોમાં ભ્રમણ! ધન્ય થઈ જવાય. એક દિવસ સવારે રોજની જેમ પ્રોફેસર ઉમાશંકર ભણાવી રહ્યા હતા. અમે તલ્લીન હતા. સવારનો કુમળો તડકો પૂર્વની બારીઓમાંથી વર્ગખંડમાં વેરાયેલો હતો. બોલતાં બોલતાં પ્રોફેસરે શ્રી અરવિંદનો નિર્દેશ કર્યો. બરાબર વિગત તો યાદ નથી, પણ એમણે પૂછ્યું : શ્રી અરવિંદની ગુજરાતીમાં અનૂવાદિત આ પંક્તિઓ કોઈને યાદ છે? એમણે પહેલી પંક્તિનો આરંભ કહ્યો : ‘જે કો ચાહે ધરણી પરે…’
એ કોઈ વિદ્યાર્થી બોલે તેની રાહ જોતા ઊભા રહ્યા. મને મંદાક્રાંતાની એ ચારે પંક્તિઓ યાદ હતી, પણ સંકોચને કારણે બેસી રહ્યો. તેમણે ફરી પૂછ્યું : ‘કોઈને યાદ નથી?’ છેવટે મેં આંગળી ઊંચી કરી. આખો વર્ગ મારી સામે જોવા લાગ્યો. ઉમાશંકરે મને બોલવાને કહ્યું. હું બોલ્યો :જે કો ચાહે ધરણી પરે સ્વર્ગને લાવવાને
તેણે જાતે ધરણી તણી માટી પર આવવાનું.
પૃથ્વી કેરો મલિન પ્રકૃતિ-બોજ ઉઠાવવાનો,
કષ્ટ છાયો વિકટ પથ આ વિશ્વનો કાપવાનો…
વર્ગના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓની આંખોમાં અચરજ હતું. આ હિન્દીનો વિદ્યાર્થી છે અને એને મોંએ ગુજરાતી મંદાક્રાંતાના છંદની, અને તે કદીય ભણવામાં ન આવેલી પંક્તિઓ હોય તે જાણે એમના માન્યામાં નહોતું આવતું:
મને હજી એ સવાર, એ ઉમાશંકરભાઈનો પ્રશ્ન અને મારું ઊભા થઈને બોલવું અને બધા છાત્રોનું મારા ભણી જોવું – બધું ચિત્રવત્ યાદ છે. આ પ્રસંગ તો મેં શ્રી અરવિંદની આ પ્રભાવક પંક્તિઓની વાત કરવાની ભૂમિકા માત્ર છે. શ્રી અરવિંદના મૂળ અંગ્રેજીનો નગીનદાસ પારેખે કરેલો એ અનુવાદ મેં ક્યાંક વાંચેલો ને મારી ડાયરીમાં ટપકાવી લીધેલો અને સ્મૃતિ સારી તે યાદ થઈ ગયેલો. પણ, મને એ ગમતો હતો, એમાં રહેલ વિચારને કારણે.
મંદાક્રાંતાની આ કડીનો પૂર્વાપર હજી જાણતો નથી. પણ એ કડી સ્વયંપર્યાપ્ત મુક્તક જેવી છે. તેમાં કવિ કહે છે : ‘ધરતી પર સ્વર્ગ લાવવાની વાત.’ ધરતી પર સ્વર્ગ કેવી રીતે લાવી શકાય? સ્વર્ગ એ કોઈ એવો ભૂખંડ નથી, જેને આખો ઉપાડી લાવી ધરતી પર રોપી શકાય. પણ દુનિયાના બધા ધર્મોએ – પંથોએ સ્વર્ગ અને નરકની અલગ લોક તરીકે કલ્પના કરી છે. અહીં હું એની ચર્ચામાં નહિ ઊતરું. હા, પણ સ્વર્ગ એ દેવલોક હોય અને તે માનવયોનિથી ઉન્નત યોનિના લોકોને રહેવાનું સ્થાન હોય, તો તેની આકાંક્ષા માનવમાત્રને રહેવાની.
આપણે આ સ્વર્ગ એટલે એક ઉત્તમસ્થાન એટલું પણ સ્વીકારીએ તો, આ સ્વર્ગને પૃથ્વી પર કેવી રીતે લાવી શકાય?
શ્રી અરવિંદ કહે છે કે, જે કોઈ આ પૃથ્વી પર સ્વર્ગ લાવવા ઇચ્છે, અર્થાત્ પૃથ્વીને સ્વર્ગસમી બનાવવા ઇચ્છે, તો તેણે જાતે આ ધરતી પર આવવું પડે, પછી ભલે તે ઈશ્વર કેમ ન હોય? રામ પણ આવ્યા, કૃષ્ણ પણ આવ્યા અને બુદ્ધ પણ આવ્યા. ઈશુ પણ આવ્યા – આ ધરતીને સ્વર્ગ બનાવવાને. પરંતુ એમના આવવા માત્રથી કે એમના આદેશ માત્રથી ધરતી પર સ્વર્ગ આવી જતું નથી. એમને પોતાને મથવું પડે છે. એમને પોતાને પૃથ્વીનો મલિન પ્રકૃતિબોજ ઉઠાવવો પડે છે. રામ, કૃષ્ણ, ઈશુ – પોતાની દિવ્યતા છતાં – એમણે આ ધરતી પર કષ્ટે છવાયેલો પથ કાપ્યો છે, એમના જીવનના અંત સુધી. કૃષ્ણ અને ઈશુનું તો મૃત્યુ પણ કેવું?
દિવ્ય અવતારોની વાત જવા દઈએ તોય જે મનુષ્ય પ્રેમીઓ આ ધરતીને જીવવા જેવી બનાવવા ઇચ્છે છે, તેમને માટે પણ આ વચન એટલું જ સાચું છે. સ્વર્ગ લાવવા ઇચ્છનારને નારકીય યંત્રણામાંથી પસાર થવાનું રહે છે, આજના દિનોમાં કદાચ સવિશેષ.[૬-૪-’૯૭]