ચિત્રકૂટના ઘાટ પર/મરીને જીવી ગયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મરીને જીવી ગયા

રામનવમીની સાંજે ઈડર કૉલેજનાં હિન્દીનાં અધ્યાપિકા ડૉ. મૃદુલા પારીક મળવા આવ્યાં. મૃદુલા મારાં વિદ્યાર્થિની છે અને ઈડરથી આવે ત્યારે અવશ્ય મળવા આવે. પરંતુ, તે સાંજે તેઓ અત્યંત વ્યથિત અને અંદરથી હલી ગયેલાં હતાં. અધ્યાપક રમણલાલ વણકરની એમની કૉલેજના પરીક્ષા કેન્દ્રમાં ચોરી કરતાં પકડાયેલા એક માથાભારે વિદ્યાર્થીએ ઠંડા કલેજે હત્યા કરી હતી. રમણલાલ ઈડર કૉલેજના એક વેળાના વિદ્યાર્થી હતા અને ઈડરના સરદારપુરામાં રહેતા હતા. એમનાં બે સંતાનોની માતા – ચોવીસ વર્ષની નવવિધવા ને અન્ય કૉલેજ સભ્યો – સાથે મળીને મૃદુલાને ત્યાં આવ્યાં હતાં. એમના મનમાં રહી રહીને એક જ પ્રશ્ન ઊઠતો હતો? હવે એ શું કરશે? બે નાનાં બાળકો છે, અને એક ગર્ભસ્થ છે. એ જે ઘરમાં તે રહે છે તે પણ ભાડાનું ઘર છે.

મૃદુલાએ કહ્યું કે, વણકરસાહેબ અત્યંત તરવરિયા હતા, સિદ્ધાંતવાદી હતા. પાલનપુરની કૉલેજના અધ્યાપક પણ યુનિવર્સિટીના નિયમ પ્રમાણે બાજુના ગામ થરામાં ચાલતી યુનિવર્સિટીની પરીક્ષા વખતે નિરીક્ષક – ઑબ્ઝર્વર તરીકે સ્કવૉડમાં ગયેલા. ચોરી કરતા એક વિદ્યાર્થીની ઉત્તરવહી લઈ તેમણે કાઢી મૂક્યો. થરા કૉલેજ ભાડાનાં જુદાંજુદાં મકાનોમાં બેસે છે. તેઓ એક બ્લોકમાંથી બીજા બ્લોકમાં જતા હતા ત્યાં પેલો વિદ્યાર્થી આવ્યો. એ જરાય ઉશ્કેરાયેલો લાગતો નહોતો. તેણે અધ્યાપક વણકરના ખભે હાથ મૂક્યો અને કહ્યું: ‘સાહેબ, તમે મને શા માટે કાઢી મૂક્યો?’ અને હજી વણકરસાહેબ કંઈ કહે તે પહેલાં ઘેર જઈને લઈ આવેલ ચપ્પાના ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા. જુનિયર નિરીક્ષકને પણ એ પ્રહાર કરવા ગયો, ત્યાં બધાએ એને પકડી લીધો.

પરીક્ષામાં ચોરી કરતાં પકડાયેલા વિદ્યાર્થીઓએ ધમકી આપી હોય કે ધોલધપાટ કરી હોય એવા દાખલાઓ તો બને છે. પરીક્ષા વખતે બેન્ચ પર ચપ્પુ ખોસીને બેસનાર વિદ્યાર્થીઓ વિષે પણ સાંભળ્યું છે. વિદ્યાર્થીઓને ચોરી કરતાં અટકાવવા ગયેલી સ્કવૉડ પર સામૂહિક હુમલાના રિપોર્ટ પણ મળે છે, પણ ચોરી કરતાં રોકનાર અધ્યાપકની આવી નિર્મમ નિર્ગુણ હત્યાથી આખું શિક્ષણજગત ખળભળી ઊઠ્યું છે. સ્વયં શિક્ષણપ્રધાન, ઉ. ગુ. યુનિવર્સિટીના કુલપતિ, આજુબાજુની તમામ કૉલેજના આચાર્યો-અધ્યાપકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓ, અધ્યાપકમંડળના હોદ્દેદારો – સૌ અધ્યાપક રમણભાઈ વણકરની અંત્યેષ્ટિક્રિયા વખતે યોજાયેલ લોકસભામાં પહોંચી ગયા હતા અને આખી ઘટનાને સખતમાં સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.

શિક્ષણમંત્રીએ તાત્કાલિક એક લાખ રૂપિયાના વળતરની – અત્યંત વેદના સહિતના શબ્દોમાં આશ્વાસન આપતાં – જાહેરાત કરી માનવીય કદમ ઉઠાવ્યું છે. અધ્યાપકોએ પણ અનાથ બનેલ પત્ની અને બાળકો માટે ફંડ કરવાનો સંકલ્પ કર્યો છે. એટલું જ નહિ, સમગ્ર સમાજને આ ઘટના વિષે જાગૃત કરવા અને સમગ્ર શિક્ષણજગતને માટે આંતરનિરીક્ષણ કરવા ૧૨મી એપ્રિલે આખા ગુજરાતમાં બધે ચાલતી યુનિવર્સિટીઓની પરીક્ષાઓ થંભાવી દઈ એ દિવસને ‘આત્મનિરીક્ષણ દિન’તરીકે જાહેર કર્યો.

એક વિદ્યાર્થીએ ધોળે દિવસે એક અધ્યાપકની હત્યા કરી. પરંતુ આ વિદ્યાર્થી તો અત્યારે ભ્રષ્ટ થયેલા આખા સમાજનો એક પ્રતિનિધિ છે. ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા વખતે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના વાલીઓ જે રીતે ચોરી કરાવવા જતા, તેમાં જે કેટલીક નિશાળો અને સ્વયં શિક્ષકો કે નિરીક્ષકો પણ ‘ઉદાર’ વલણ અપનાવતા – તે બધાયની આ પ્રકારની હત્યામાં નૈતિક જવાબદારી છે. પરીક્ષામાં ચોરીઓ કરવી-કરાવવી, પ્રશ્નપત્રો ફોડવાં, ઉત્તરવહીઓ ફરી લખાવવી, ઉત્તરવહીઓ તપાસવામાં બેદરકારી બતાવવી કે પછી યથેષ્ઠ ‘લાભો’ મેળવી ગુણાંક વધારી દેવા, એમાં માત્ર વિદ્યાર્થીઓ જ ક્યાં છે? તેમાં સમાજનો તથાકથિત ભદ્રવર્ગ અને સંબંધિત અધ્યાપકોનો મુખ્ય ‘ફાળો’ છે એની ના કહી શકાય એમ નથી.

રાજકારણીઓ અને વેપારીઓની નીતિભ્રષ્ટતાની લોકો ભારે નિંદા કરે છે, તેમ છતાં લોકો એ પણ સમજે છે કે, રાજકારણીઓ કે વેપારીઓને તો એમ જ કરવું પડે, નહિતર એમનું ચાલે નહિ. જેમની પાસેથી સમાજને મૂલ્યોની અપેક્ષાઓ છે, અથવા જે પોતે પણ મૂલ્યોના રક્ષણની જવાબદારી સમજે છે, તેવો અધ્યાપકસમાજ પણ ‘આત્મનિરીક્ષણ’ કરે તે ઉચિત જ છે. પેપર કેમ ફૂટે છે? પેપરના ગુણાંકમાં અનૈતિક રીતે ચઢતીપડતી કેમ થાય છે?

મૃદુલાની વ્યથા તો સદ્‌ગત રમણલાલ વણકરની વિધવા અને એમનાં બે બાળકોને લઈને પણ હતી. એને આશ્વાસન આપનારાઓમાં મૃદુલા પણ હતી. વિધવા પત્નીને એમ કહેવામાં આવ્યું કે, તમારા પતિ તો ‘શહીદ’ થયા છે. એટલે એને એમ હતું કે, એના પતિનો ‘અગ્નિસંસ્કાર’ કરી સન્માન થશે. પણ ના. એમના વણકર સમાજમાં થતું હતું તેમ અધ્યાપક વણકરના મૃતદેહને જમીનમાં દાટવામાં આવ્યો!

ગમે તેમ, પણ આ ઘટનાથી સૌ ખળભળી ઊઠ્યા છે. તે બતાવે છે કે, આપણે સૌ અભેદ્ય ચામડીના થઈ ગયા નથી. પણ આ ખળભળાટ પેલા – આપણને પરિચિત શબ્દ – ‘સ્મશાનવૈરાગ્ય’ સમો તો નહિ નીવડે? આપણે એ યાદ રાખવું પડશે કે, અધ્યાપક રમણલાલની હત્યા એ મૂલ્યોની હત્યા છે.

થોડાં વર્ષો પહેલાં ઉત્તર પ્રદેશની એક યુનિવર્સિટીના અધ્યાપક પરીક્ષામાં નિરીક્ષણ સેવા બજાવતાં વિદ્યાર્થી તરફથી મળેલી ધમકીની ફરિયાદ કરી. તો સત્તાવાળાઓએ કહેલું કે, જ્યાં સુધી એ તમારા પર હુમલો ન કરે, ત્યાં સુધી અમે એના પર કેવી રીતે પગલાં ભરીએ? આવું છે. તાજેતરમાં અધ્યાપિકા બનેલી મારી એક વિદ્યાર્થિનીએ પુછાવ્યું કે, ‘અમારી કૉલેજના કેન્દ્રમાં ચોરીઓ થતી આવી છે અને નિરીક્ષકો કોઈને કાઢી મૂકે કે પકડે તો ધમકીઓ આપવામાં આવે છે, તો હું નિરીક્ષક ન થાઉં તો? આચાર્ય મને ફરજ પાડે છે. મારે શું કરવું?’ એનો પ્રશ્ન વાજબી છે. મેં એને નિરીક્ષક તરીકેની સેવા બજાવવા કહેલું અને જરૂર પડ્યે સિનિયર સુપરવાઈઝરની મદદ લેવી એમ સૂચવેલું. નડિયાદ જેવા કેન્દ્રમાં તો સ્કવૉડમાં જવા સ્વેચ્છાએ કોઈ જ તૈયાર ન થાય. વડોદરા પાસેના ગુજ. યુનિ.ના એક કેન્દ્રમાં હું અને અધ્યાપક આર. એલ. રાવળ એક વેળા સ્ક્વૉડમાં ગયા. જોયું તો ત્યાં આચાર્યના

ખંડમાં વિદ્યાર્થીનેતાઓ બેઠા હતા. પરીક્ષાઓનું સુચારું સંચાલન થાય તે માટે અમે એમને જતા રહેવા કહ્યું. તો કહે : તો પછી પરીક્ષાઓ લેવાનું ‘અઘરું’ થઈ પડશે. આચાર્ય નવા હતા. તે ગભરાતા હતા. અમે કહ્યું : અમે ચોરી નહિ થવા દઈએ. એ નેતાઓએ કહ્યું : તમે છેલ્લે દિવસે કેમ આવ્યા? પછી તોડ કાઢતાં અમને સમજાવ્યું કે તમે રાઉન્ડ લગાવશો, ત્યારે વિદ્યાર્થીઓ ચોરી નહિ કરે!

ઘણાં કેન્દ્રોમાં આવી વ્યવસ્થા છે.

અધ્યાપક રમણલાલ વણકર પોતાનું કર્તવ્ય બજાવતાં મૃત્યુને ભેટ્યા છે.

સમાજ અને સરકારનું કેવું વલણ આવી ઘટના પ્રત્યે હોય છે એ વિષેની કવિ સ્વપ્નિલની એક હિન્દી કવિતાનું અહીં સ્મરણ થાય છે. કવિતાનું મથાળું છે : ઈશ્વરબાબૂ.

યહી કહીં રહતે થે ઈશ્વરબાબૂ

ઈસ ઘર કે આસપાસ

સડક કે કરીબ

સડક ઔર જિંદગી કે શોરમેં

બરાબર ચૌકન્ને.

આ ઈશ્વરબાબૂએ આ સડક ઉપર એક આદમીને એક રાતે ગુંડાઓની છરીથી બચાવી લીધો હતો, અને એ રીતે એક આદર્શ નાગરિકની ફરજ અદા કરી હતી :

આદમી બચ ગયા

લેકિન દૂસરે દિન

શહર કે સીમાન્ત પર

પાયી ગઈ લાશ

ઈશ્વરબાબૂ કી.

ઈશ્વરબાબૂ મૂલ્યોની રક્ષામાં માનતા હતા અને એમણે ગુંડાઓની પરવા કર્યા વિના એક માણસને બચાવ્યો તો ખરો, મૂલ્યોની રક્ષા કરી તો ખરી, પણ પોતાનો જીવ ખોઈને. કવિએ વેદનાને બદલે વ્યંગ્યનો ઉપયોગ કરી વેદનાને ધારદાર કરી છે. તેઓ કહે છે :

ઈસ તરહ ઉસ દિન

એક અચ્છે નાગરિક કા ફર્જ

પૂરા કિયા ઈશ્વરબાબૂને

એક અચ્છી સરકાર કા ફર્જ

પૂરા કિયા સરકારને

ઉનકે પરિવાર કો ઉચિત

મુઆવજા દેકર.

સરકારે વળતર આપીને પોતાનું કર્તવ્ય બજાવ્યું. ‘સારી’ સરકાર એથી વિશેષ શું કરે? પછી કવિ અંતે કહે છે :

નહીં

ઈશ્વર નહીં મરા થા

મર ગયે થે ઈશ્વરબાબૂ

ઈસલિયે કોઈ હંગામા

નહીં હુઆ.

છેવટે બધું ચૂપચાપ પતી ગયું, કેમકે, ઈશ્વર નહિ, પણ ઈશ્વરબાબુ મૃત્યુ પામ્યા હતા. કોઈ ધાર્મિક સ્થળને કંઈ થયું હોત તો હંગામો મચી જાત. પણ ખરેખર તો કવિની આ વક્રોક્તિ છે, જેનો સાદો અર્થ છે કે, ખરેખર તો ‘ઈશ્વર’ મૃત્યુ પામ્યો છે! કેમકે જ્યારે જ્યારે મૂલ્યરક્ષા માટે કોઈ મરે છે, ત્યારે તે વ્યક્તિ તો જીવી જાય છે, પણ મૂલ્યહત્યા થતાં ઈશ્વરની હત્યા થાય છે, અધ્યાપક રમણલાલ વણકર મૂલ્યરક્ષા માટે મરીને જીવી ગયા છે.

[૧૬-૪-’૯૫]