ચિત્રકૂટના ઘાટ પર/સૂર્યપુત્ર કે સૂતપુત્ર?
આ પત્ર બેંગ્લોરથી લખું છું. એ તો તને ખબર છે કે સાહિત્ય અકાદેમી, દિલ્હીનો વાર્ષિક પુરસ્કારવિતરણ સમારંભ દર વર્ષની જેમ દિલ્હીમાં નહિ, પણ આ વર્ષે બેંગ્લોરમાં છે. સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અનંતમૂર્તિ કર્ણાટકના છે, એટલે એમને વિચાર આવ્યો હશે કે, આ વર્ષે સમારંભ કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં યોજી શકાય તો સારું. કર્ણાટક રાજ્ય સરકારના ભાષાસંસ્કૃતિવિભાગનો તેમાં સહયોગ મળ્યો અને દેશની ૨૨ ભાષાઓના પુરસ્કૃત સાહિત્યકારો બેંગ્લોરના રવીન્દ્ર કલાકેન્દ્રના વિશાળ હૉલમાં સમ્માનિત થયા.
પણ આટલી જ વાત હોત તો આ પત્ર લખવાનું કારણ નહોતું, આવા બધા સમારંભો એક પ્રકારના ક્રિયાકાંડ જેવા હોય છે, પરંતુ આ સમારંભની સાથે સાથે અકાદેમી ત્રણ દિવસનો એક સાહિત્યોત્સવ ‘ફેસ્ટિવલ ઓફ લેટર્સ’ ઊજવે છે. એમાં આખા દેશમાંથી વિદ્વાનોને વક્તવ્યો આપવા, ચર્ચા કરવા નિમંત્રિત કરાય છે. ગયા વર્ષે, તને ખ્યાલ હોય તો, દિલ્હીમાં સાહિત્યોત્સવનો વિષય હતો : ‘સાહિત્ય અને સિનેમા.’ તેમાં સિનેમા જગતના દિગ્દર્શકો, પટકથા લેખકો, અદાકારો, સંગીતનિયોજકો અને સાહિત્યકારોએ એક મંચ પરથી આ બન્ને કળાઓના આંતરસંબંધોની અત્યંત રસપ્રદ ચર્ચાઓ કરી હતી.
આ વર્ષે બેંગ્લોરમાં ચર્ચાનો વિષય છે : ‘આધુનિક ભારતીય સાહિત્યમાં નવા પ્રસ્થાનો.’ તેમાં ૨૦મી સદીના ભારતીય સાહિત્યમાં, અર્થાત્ દેશની જુદીજુદી ભાષાઓમાં જે જુદાજુદા વાદ પ્રવર્તમાન થયા તેના લેખાંજોખાં – રોમાંટિસિઝમ, માર્ક્સવાદ, દલિત સાહિત્ય વગેરે વગેરે. આ પરિસંવાદનું મુખ્ય પ્રવચન પ્રસિદ્ધ માર્ક્સવાદી ચિંતક અને ‘ઈન થિયરી’ નામે પુસ્તકથી જાણીતા થયેલા એજાઝ અહમદે આપ્યું. એમના માર્ક્સવાદી અભિગમ સામે ન જાણે કેમ, અકાદેમીના અધ્યક્ષ અનંતમૂર્તિ ભારતીય જનમાનસની ‘આધ્યાત્મિક ભૂખ’ (સ્પિરિચ્યુઅલ હંગર)ની વાત આવેગ અને આવેશથી એકાએક લઈ આવ્યા – ત્યાં અને તરત. બધાંને થયું : ઐજાઝના મતની ચર્ચાને બદલે અનંતમૂર્તિ આમ એકદમ કેમ પોતાનો મત થોપવા અધીરા થઈ ગયા!
તને થશે કે, પત્રમાં એકદમ સાહિત્યચર્ચા અને વિવાદ? તેના કરતાં તો જુદો નિબંધ જ લખવો હતો ને? બેંગ્લોર શહેર કેવું છે, કેવા છે અહીંના લોકો, એ બધું તો પહેલાં લખવું જોઈએ ને? વાત તો ખરી છે. બેંગ્લોર એક રીતે હું પહેલી વાર આવ્યો છું. એક વખત મૈસૂર જવા માટે ત્રિવેન્દ્રમ્ – ભૂલ્યો – તિરુવનન્તપુરમ્થી વળતાં બેંગ્લોર સ્ટેશને વહેલી સવારે ઊતરેલા એટલું જ. પણ આ વખતે તો અઠવાડિયાનો નિવાસ હતો તેમાં વળી સાથે આપણા પ્રસિદ્ધ કવિ ચંદ્રકાન્ત શેઠ.
જોકે ખરું કહું તો, બેંગ્લોરમાં અઠવાડિયાનો નિવાસ ખરો, પણ શહેરની વિશાળ પહોળી સડકો પર આવતાં-જતાં શહેર જેટલું જોવાયું તેટલું જ પ્રસિદ્ધ વૃંદાવન ગાર્ડન્સ સિવાય એના બાગ-બગીચાઓમાં લટાર મારવાનો કે એનાં વિશાળ સાડી એમ્પોરિયમોમાં જવાનો અવસર મળ્યો નહિ. છતાં એકંદરે શહેરની છાપ સારી પડી. અમદાવાદ કરતાં બમણી જનસંખ્યા હશે, પણ પ્રમાણમાં મોકળાશવાળું, સ્વચ્છ અને સુઘડ. પછી તો ભારતનાં બધાં શહેરો તો તું જાણે છે, એટલે કહેવું જોઈએ, પ્રમાણમાં સ્વચ્છ.
બેંગ્લોરમાં શરૂઆતના ત્રણ દિવસ તો અમે એકદમ નગરની બહારના એક રિસોર્ટમાં હતા. એટલે શહેરથી કપાયેલા, પણ પછી શહેરની એક હોટલ – કાવેરી કોન્ટિનેન્ટલમાં શહેર વચ્ચે આવ્યા. આ રાજ્યમાં જેમ આપણે ત્યાં ‘નર્મદા.. નર્મદા’ છે, તેમ ‘કાવેરી… કાવેરી’ છે. કાવેરી કર્ણાટકની ‘જીવાદોરી’ છે અને અત્યારે કાવેરીનાં જળ માટે કર્ણાટક અને તમિળનાડુ વચ્ચે સટોસટનો વિવાદ ચાલે છે. આપણે તો હજી નર્મદાનાં જળ નાથવાનાં છે.
શહેરમાં પસાર થતાં એક સુંદર પ્રતિમા જોઈ. તરત ઓળખાઈ ગઈ : વીરશૈવ સંત બસવેશ્વરની પ્રતિમા. પણ એ છે રાજઅમાત્યના પોષાકમાં. એ બસવણ્ણા નામથી ઓળખાય છે. ૧૨મી સદીમાં કર્ણાટકના કલ્યાણ શહેરમાં એ થઈ ગયા. હતા તો અમાત્ય, પણ અનેક કવિઓસંતોના આશ્રયદાતા, પરંપરાભંજક, વિદ્રોહી સંત. ગિરીશ કર્નાડે એમના જીવન વિષે એક નાટક લખ્યું છે : ‘તલેદંડ’ (શિરચ્છેદની સજા). ગયા વર્ષે જ કન્નડ ભાષામાં અકાદેમીનો એવોર્ડ એ નાટકને મળ્યો છે.
હૈદરાબાદ, મદ્રાસ જેવાં શહેરો પોતાના પ્રદેશના મહાન પુરુષોની પ્રતિમાઓની સ્થાપનામાં અગ્રણી છે એમ બેંગ્લોર પણ. અમદાવાદ આવી બધી બાબતમાં પછાત લાગે. એકંદરે આપણી પ્રજાની સાંસ્કૃતિક ચેતના ઓછી અને સરકારોની તો નહીંવત્.
બેંગ્લોર પચરંગી નગર છે. ગુજરાતીઓ અને મારવાડીઓ ઘણા છે, વેપારધંધામાં આગળ પડતા. અમારા રાજસ્થાની મિત્ર અને સાહિત્યકાર વિજયદાન દેથા, (બિજજી નામે સૌમાં ઓળખાય) ખાસ એક મારવાડી પરિવારમાં, એક સાંજે કેટલાક સાહિત્યકારોને જમવા લઈ ગયા. મહાશ્વેતાદેવી પણ આવવાનાં હતાં, પણ નાદુરસ્ત તબિયતને કારણે ન આવી શક્યાં.
ગુજરાતીમાં આ વર્ષે અકાદેમી પુરસ્કાર વર્ષાબહેન અડાલજાને મળેલો. એ અને એમનાં પુત્રી શિવાની મળ્યાં. ખાસ ખાસ અભિનંદનો આપ્યાં. શિવાની અત્યારે તો વિમાની પરિચારિકા છે, પણ એને કવિતાઓ બહુ ગમે. પોતે લખે પણ છે. એને આ વર્ષના હિન્દી અકાદેમી પુરસ્કાર વિજેતા કુંવરનારાયણને મળવું હતું. બંગાળી લેખક દેવેશ રાયને જોઈ શિવાનીએ પૂછ્યું : “તમે કુંવરનારાયણ?” ત્યારે એના પ્રસન્ન વદન ભણી જોતાં દેવેશ રાયે હસતાં હસતાં કહ્યું કે, તારી સાથે વાત કરવા માટે હું મારી ઓળખ બદલવા તૈયાર છું! ગુજરાતમાંથી સિતાંશુ યશશ્ચંદ્ર અને પ્રબોધ પરીખ પણ આવ્યા હતા. પ્રબોધ તો જોતજોતામાં વાદવિવાદના વમળની વચ્ચે.
એક વાત નોંધીને પછી, જે વિષે મુખ્યત્વે કહેવું છે તે કહીશ. આ સાહિત્યસમારંભમાં અહીંના નાગરિકો અને સરકારનો સારો સહકાર. વર્તમાનપત્રો પણ રોજબરોજનો અહેવાલ વિગતે લખે. આપણાં છાપાં ખાસ તો અમદાવાદનાં આ બાબતમાં નિરાશાજનક છે. વળી સરકારના વિવિધ પ્રધાનો તરફથી તો ચાર-ચાર દિવસ રોજ સાંજે સાહિત્યકારોના સમ્માનમાં ભોજન સમારંભ. એક સાંજે રાજ્યપાલશ્રીને ત્યાં ચાપાણી.
એક રીતે આ તો સાહિત્ય અને સંસ્કૃતિનું જ સમ્માન ગણાય ને?
આમ તો એવું છે કે, એક-એક બેઠકની વાત કરું ને એક-એક આવો પત્ર ભરાય, પણ એ તો આપણે મળીશું ત્યારે એની ચર્ચા કરીશું. મારે તો આજે જે નાટક જોયું છે તેની વાત લખવી જ રહી. ખરેખર તો જ્યારે પત્ર લખવા બેઠો ત્યારે એ નાટકની વાત જ મુખ્યત્વે મનમાં રમતી હતી.
નાટકનું નામ ‘કર્ણભારમ્’. હા, કાલિદાસનાય પુરોગામી નાટકકાર ભાસ કવિનું જ ‘કર્ણભારમ્’. ‘આટલું જૂનું નાટક?’ તું કહીશ. ચર્ચાઓ આધુનિકતાની અને ઉત્તર આધુનિકતાની, નાટક પ્રાચીન અને પુરાતન? એમ પણ કહીશ, પણ નાટક જે રીતે ભજવાયું, તે પ્રાચીન પુરાતન નહિ, પણ જાણે આપણા સમયની સમસ્યાઓ લઈને આવતું અદ્યતન નાટક હોય એ રીતે. પાત્ર અને પ્રસંગ ભલે મહાભારતકાલીન. આપણા દેશને બહુભાષી દેશ કહે છે, પણ એ. કે. રામાનુજમે કહ્યું છે તેમ આપણા દેશની બે જ મુખ્ય ભાષાઓ છે : રામાયણ અને મહાભારત. સદીઓથી આ દેશનો દરેક રહેવાસી, ભણેલો કે ઠેઠ અભણ કેમ ન હોય, આ બે ભાષાઓ તો સમજે છે. ગમે તે સમયે, ગમે ત્યાં, એની વાત કરો.
ભાસ કવિ તો કાલિદાસ પહેલાં થઈ ગયા. એમનાં કેટલાંક નાટકો રામાયણ આધારિત છે, કેટલાંક મહાભારત પર. એટલે એ નાટકોની ભાષા બધા સમજે. આમેય થિયેટર-રંગમંચની ભાષા સાર્વજનીન હોય છે. અમે હતા કન્નડાભાષી રાજધાનીમાં, નાટક ભજવાયું મલયાલમમાં, જે મૂળ સંસ્કૃતનું પણિક્કરે કરેલું રૂપાંતર. નાટક એના વિષયવસ્તુને કારણે તો ખરું સાથે એની ભજવણીથી પણ અત્યંત પ્રભાવિત કરી ગયું.
‘કર્ણભારમ્’ છે તો નાનકડું નાટક. એનો નાયક છે કર્ણ. આપણા સમયમાં મહાભારતમાં કોઈ પાત્રો વિષે ફરી ફરી, નવી નવી રીત, લખાયું હોય તો તે છે દ્રોપદી, કર્ણ અને કંઈક અંશે અશ્વત્થામા. પહેલી સદીમાં, ભાસે કર્ણના જીવનની વિડંબના સમજી લીધી હતી. ભાસનું એ નાટક મહાભારતના કર્ણપર્વનો પ્રસંગ લે છે. કુરુક્ષેત્રની લડાઈમાં ભીષ્મ અને દ્રોણ પછી કૌરવોનો સેનાપતિ કર્ણ થયો છે, હવે છેલ્લી વેળાની લડાઈ છે, એ વખતે એનો સારથિ શલ્યરાજ છે. મહાભારતમાં શલ્ય વારે વારે કર્ણનો તેજોવધ કરે છે, પણ ભાસનો શલ્ય કર્ણ માટે ભારોભાર સહાનુભૂતિ ધરાવે છે. પોતાના સારથિ બનેલા શલ્યરાજને કર્ણ પરશુરામે આપેલા શાપ વિષે વાત કરે છે. એને ખબર છે કે એનાં શસ્ત્રો નિર્વીર્ય છે. એ વખતે અર્જુનને જિતાડવા ઈન્દ્ર કર્ણ પાસે બ્રાહ્મણને વેશે આવે છે અને યુક્તિપૂર્વક એનાં જન્મજાત કવચકુંડલ માગી જાય છે.
બેંગ્લોરના ટાઉનહૉલમાં ભજવાયું ‘કર્ણભારમ્’ તે ભાસભેરી નાટક મંડળી દ્વારા. એનું નિર્દેશન ચંદ્રદાસને કર્યું છે. ઓછામાં ઓછી સામગ્રીથી કેરળની કથકલી નાટકપરંપરામાં એની ભજવણી થઈ. તેમાં દિગ્દર્શકે આદિવાસી નૃત્યભંગિમાઓનો પણ ઉપયોગ કર્યો. રંગમંચ પર સૂકા તાડવૃક્ષની ડાળીઓમાં દીપ પ્રકટાવવામાં આવે છે. પ્રતીક રીતે સૂર્યાંકિત એક તાડપત્ર છે અને એક તાંબાના ઘડામાં હળદરમાંથી રક્તરંગનું પાણી બનાવી ભર્યું છે. કેરળના મંદિરના કર્મકાંડમાંથી લીધેલું તે મોટિફ છે. મંચ પર લાલ રંગનું આધિપત્ય છે. મંચ પર દીવાઓનો ઉપયોગ એક રીતે અગ્નિનો સંકેત પણ કરે છે.
ચંદ્રદાસનના કર્ણનો પ્રશ્ન આત્માઓળખનો છે. પોતે સૂર્યપુત્ર કે સૂતપુત્ર? કુન્તીસુત કે રાધાસુત? એ વિષાદગ્રસ્ત છે. શલ્યને પરશુરામના શાપની વાત કરે છે તે અહીં મંચ પર અત્યંત પ્રભાવક રીતે ભજવાય છે. પરશુરામ બ્રાહ્મણને જ વિદ્યા આપવા માગે છે. બ્રાહ્મણ સંસ્કૃતિના વિરોધ તરીકે વારંવાર આ નાટકનાં બધાં પાત્રો હાથમાં જનોઈને ફેરવે છે – પરશુરામ ખાસ. બ્રાહ્મણો પ્રત્યે પ્રેક્ષકોને તિરસ્કારનો ભાવ જાગે એવું દિગ્દર્શનમાંથી સૂચવાય છે. નિમ્નજાતિના સૂતપુત્ર કર્ણ સામે જાણે બધાં પાત્રો કાવતરું રચી રહ્યાં ન હોય! આજના આ દેશની નિમ્નવર્ણ જાતિઓ પ્રત્યેના ઉચ્ચ અને મધ્યમ વર્ગના વલણમાં પણ જાણે આ કાવતરાની ગંધ દિગ્દર્શક વાંચે છે. કર્ણના પાત્ર દ્વારા એ રીતે નાટક સમકાલીન બને છે.
ઈન્દ્ર બ્રાહ્મણ વેશે આવે છે, પણ એવો બ્રાહ્મણ કે જેની પામરતા જોઈ ધિક્કાર જાગે. પહેલાં તો એ બોલી જાય છે : ‘આયુષ્યમાન ભવ’ પણ પછી અર્જુનને હાથે એને મરવાનું છે એમ વિચારી કર્ણના લાંબા આયુષ્ય વિષે બોલેલું ફેરવી તોળે છે : “યશસ્વી ભવ.” ભાસમાં તો એ પહેલેથી જ “યશસ્વી ભવ”નો જ આશીર્વાદ આપે છે.
દાનેશ્વરી કર્ણ યાચક બ્રાહ્મણવેશી ઈન્દ્રને હાથીઘોડારાજપાટ આપવાનું કહે છે, પણ યાચક બ્રાહ્મણ ના, ના કરતો જાય છે. એના અભિનયમાંથી એક પ્રકારનું બીભત્સ હાસ્ય પેદા થાય છે. છેવટે કવચકુંડલ આપવાની કર્ણ વાત કરે છે ત્યારે એ તરત હા પાડે છે.
પોતાના દેહ સાથે અભિન્ન એવા કવચને દેહથી જુદા કરવાનો કર્ણનો અભિનય આપણાં રૂંવાડા ખડાં કરી દે છે. કવચના પ્રતીકરૂપે લાલ રંગનું ઉત્તરીય યાચકબ્રાહ્મણના હાથમાં ધરે છે ત્યારે પેલા ઘડામાંનું લાલ રંગનું પાણી દર્શાવાય છે અને તાલશાખાઓ વચ્ચે બળતા અને મંચ પર પ્રકાશ પાથરતા દીવાઓ એક પછી એક બુઝાવી દેવાય છે. એ અંધકાર તો જાણે કર્ણના જીવનમાં વ્યાપ્ત અંધકાર. કર્ણના જીવનની આ ટ્રેજેડી આકસ્મિક નહિ, પણ સમગ્ર ભદ્રવર્ગના (તેમાં દેવો પણ આવી જાય) આયોજિત કાવતરારૂપે છે એ છાપ નાટકને અંતે દૃઢ થાય છે. કર્ણ એક કાળના મહાભારતના ટ્રેજિક હીરો તરીકે નહિ, પણ કોઈ પણ કાળે, કોઈ પણ દેશે, સમાજથી ઉપેક્ષિત, પદદલિત કોઈ એક તેજસ્વી વ્યક્તિત્વની ‘ટ્રેજેડી’ બની રહે છે. દિલ્હીમાં નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાએ ચાર્વાકના જીવન પર આધારિત ‘ચારુવાક્’ નાટક ભજવેલું તેની વાત તને કરેલી છે. એ નાટકથી જેમ પ્રભાવિત થવાયું હતું એમ પ્રભાવિત થવાયું મહાકવિ ભાસના આ મલયાલમ નાટ્યરૂપાંતરની ભજવણીથી. પહેલી સદીમાં થઈ ગયેલા ભાસ જાણે હજી આવતી કાલના નાટકકાર ન હોય!
મોડી રાત થઈ ગઈ છે. કાલે બપોરે તો હવે બેંગ્લોરથી નીકળીશું. આવતી કાલે રાત્રે પણ પ્રસિદ્ધ સાહિત્યકાર મસ્તી વ્યંકટેશ આયંગરનું કન્નડા નાટક છે. એ નહિ જોવાય એનો વસવસો રહેશે.[૧૭-૩-૧૯૯૬]