ચિત્રદર્શનો/કાઠિયાણીનું ગીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૬, કાઠિયાણીનું ગીત
(મ્હારા સાવજશૂરા નાથ હો! ત્હારે દેશ–કશા પરદેશ?)


કેસરઘોળી કંકાવટી, ને કુંકુમઘોળ્યો થાળ;
સૂરજ! તુજને પૂજશું મ્હારે સૂરજદેવળ પાળઃ
મ્હારા સાવજશૂરા

આભ ઢળ્યાં ધરતી ઉરે, ત્ય્હાં ગોરંભે કાંઈ ગીર;
કુંજે બોલે મોરલો, મ્હારે હૈયે નણદલવીરઃ
મ્હારા સાવજશૂરા

રાતે, ઊઘડે પોયણાં, ને દિવસે કમળની વેલ;
ભાદર ભરજોબન ભરી, એવી મુજ હૈયાની હેલઃ
મ્હારા સાવજશૂરા

ઉંચો ગઢ અલબેલડો, પડખે ચારણના નેહ;
ઝીણી ઝબૂકે વીજળી, મ્હારે ઝીણા વરસે મેહઃ
મ્હારા સાવજશૂરા

સાતમે માળ અટારીએ કાંઈ આછા વાય સમીર;
જીમી મ્હારી હેલે ચ્હડી, મ્હારાં ઝલે આછાં મલીરઃ
મ્હારા સાવજશૂરા

આડાં ન આવે ઝાડવાં, એવા લાંબા લાંબા પન્થ;
માણકીએ ચ્હડી આવશે મ્હારો સૂરજમુખો કન્થઃ
મ્હારા સાવજશૂરા

નેણથી ભાલા છોડતો, કાંઈ આંકડિયાળ કેશ;
ધણ વાળીને વળશે મ્હારો કન્થડ જોબનવેશઃ
મ્હારા સાવજશૂરા

આભ ઝીલીને રેવત ઉભો, ફરતો ગિરિનો સાથ;
વનમાં ગાજે કેસરી, કાંઈ ધીંગાણે મુજ નાથઃ
મ્હારા સાવજશૂરા

કસુંબલરાતી આંખડી, રોમેરોમ ઢીંગલનાં દૂધ;
બળબાહુમાં બરછી ઊછળે, ઢાલે ઢળકે જુદ્ધઃ
મ્હારા સાવજશૂરા

સાગર સમ સોરઠ તણી રે હિલોળા લેતી ભોમ;
ભરતીને પૂર પધારશે મ્હારો છેલડ જળને જોમઃ
મ્હારા સાવજશૂરા

ભાલે ટમકે ટીલડી, મ્હારે હાથે હેમત્રિશૂળ;
સિન્દુરે છાંટી ચુંદડી, મ્હારાં સોહે સૂરજકુળઃ
મ્હારા સાવજશૂરા

આશાભરી અલબેલડી રે હીંચે હિન્ડોળાખાટ;
પિયુના પન્થ નિહાળતી કાંઈ વ્હાલમની જૂવે વાટઃ
મ્હારા સાવજશૂરા

આઘા ગીરના ડુંગરા, એથી આઘેરો ગુજરાત;
રંગભીના! હવે આવજો, મ્હારી સૂની માઝમ રાતઃ
મ્હારા સાવજશૂરા