ચિત્રદર્શનો/ગુર્જરી કુંજો
અહ! અદ્ભુત ને રસસુન્દર શી અમ દેશની કુંજઘટાઓ!
મદમાતી કૂજે જ્યહીં કોયલડી, જ્યહીં આમ્રવનોની છટાઓ;
ઝરથોસ્તની અગ્નિશિખા જ્ય્હાં જલે, જ્યહીં સૂરજવંશી નિકુંજો,
ગિરિગહ્વર શી ગુણગંભીર એ ઘનઘેરી ગુર્જરી કુંજો.
જ્યહીં વિન્ધ્યગિરિ ગરવો, શુકસોહતી સાતપૂડાની ગુફાઓ;
જ્યહીં પ્રેમ ને શૌર્યની તાપીતટે હજી ગાજી રહી વીરતાઓ;
વટતપાસને ભુજમાં ભીડી જ્ય્હાં નદીએ ઉરદ્રાવથી પૂજ્યો,
જલકેલિ કરે જ્યહીં સુન્દરી, એ જલભીની ગુર્જરી કુંજો.
જ્યહીં ભૂલભૂલામણી કોતરની ગૂંથી મધ્ધરથી મહી ગાજે,
જ્યહીં લોહ ને વજ્રની ઝાડી પરે અધિદેવી જ કાળી વિરાજે,
જ્યહીં કુંડ ભર્યા કંઈ ઉષ્ણ નીરે, જ્યહીં પ્રેમદયારવ ગુંજ્યો,
જ્યહીં દુર્ગની માળ ગજેન્દ્ર શી, એ ગઢગર્વી ગુર્જરી કુંજો.
જલપૂર્ણ સરોવર હેલે ચ્હડ્યાં, ઘેરી ગોમતીને તરુ ઝૂક્યાં,
ફૂલી શારદવેલ પ્રફુલ્લ ફૂલે, જ્યહીં ભક્તમયૂર ટહૂક્યા;
રસિકાઉર શાં ઝરણાં ઝીલતો નદ સપ્તજલે જ્યહીં ઝૂજ્યો,
રસવાડી ખીલી રસિયાંની શું! એ રસવન્તી ગુર્જરી કુંજો.
યશમન્દિર જ્ય્હાં સુલતાની તણાં, જ્યહીં સ્ફાટિકપાળ તળાવો,
જ્યહીં શામળ ને દલપત્ત અખો, જળમ્હેલ સમી વિભુવાવો;
જ્યહીં અભ્રની વેલ શી સાભ્રમતી, જિનવૈભવ જ્યહાં વડુ દૂઝયો,
જ્યહીં હુન્નર લક્ષ્મીથી સોહત, એ રિધરમ્ય ગુર્જરી કુંજો.
ઊંડી ડુંગરની ગલીઓ મહીં દેવ વસે વનપ્હાડઉછંગે,
જ્યહીં નીરઝરાતીર વાઘણવાઘ રમે ભીલબાલક સંગે;
દીધ જોધપુર ને ઉદેપુરને ચાપધારી યશસ્વી અનુજો,
કંઈ વાદળ શી પથરાયલ એ વનશોભી ગુર્જરી કુંજો.
ઊંચું, ગુર્જરીના શીષફલ શું, અર્બુદ શૃંગ સ્ફુરન્ત અચંબા,
વળી આશિષવેણ શિરે વરસે જગવત્સલ શ્રી જગદંબા;
સુકુમાર સરસ્વતીનીરતીરે ધેનુ મન્દિર તીર્થ બુરૂજો,
જ્યહીં ક્ષત્રિયતાનું સિંહાસન, એ યશવર્તી ગુર્જરી કુંજો.
ઝીલી યોગગુફાઓ ગરૂડેશ્વરી ગિરનાર ઉભો નભ થંભી,
જ્યહીં સિંહ ભરેલ સનાતન ગીર વનો પથરાઈ નભ ગોરંભી;
નરસિંહ અશોક ને રાણક, ઘોડલી ને હરણાંધ્વનિ કૂજ્યો,
ઇતિહાસપુરાણી ને સેજળ એ જગજૂની ગુર્જરી કુંજો.
નદીઓનાં મુખો મહીં જ્ય્હાં ઉરછાલક પશ્ચિમસિન્ધુ ઉછાળે,
જ્યહીં યાદવીભીની હિરણ્ય, હજીય શ્રીકૃષ્ણની ભસ્મ પ્રજાળે;
જ્યહીં રુક્મિણિનાં ઉરસ્વપ્ન ફળ્યાં, મહિમા શ્રીસુદામાનો
બુઝ્યો, ઢળી નાઘેર સારસશોભી, એ કૃષ્ણસુહાગી ગુર્જરી કુંજો.
જ્યહીં સાહસશૌર્ય વરે સુન્દરી, નરનારાયણી જ્યહીં કુંડો,
જ્યહીં જેસલતોરલ સાથ સૂતાં તેહ કુંજલડીભર ઝુંડોઃ
વસુધાના વસુથી લચ્ચાં ને નમ્યાં શું વસન્તવિભૂતિના પુંજો,
ઉરભાવ સમી અમ એહવી સૌ ગુણગર્વી ગુર્જરી કુંજો.
ગુણગર્વી ગુજરી કુંજો.