ચિત્રદર્શનો/શ્રાવણી અમાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૧, શ્રાવણી અમાસ


એક વેળા રાત્રિ પડતી હતી,
અને મ્હારાં નયનોમાં નિદ્રા ઘેરાતી.
અન્તે નયન ફરક્યું, ને પ્રવૃત્તિ પ્રજ્જ્વળીઃ
હું ઊઠ્યો, અને રાત્રિના તટ ઉપર ઊભો.

સઘળે નીરવ શમશમાકાર હતું;
પણ મ્હારે અન્તર અનામી ઓઘ કંઈક ગર્જતા.
હું ઊભો હતોઃ
રાત્રિનાં જલ જોતો—ન જોતો,
અચેત શો સચેત હું
જડતાને કાંઠે ચેતન જડવત્‌ ઉભો હતો.

મધ્યરાત્રિ હૃદયના ભેદ ખોલતીઃ
શૂન્યમુખ ચિદાકાશ, મહાકાળની ગુફા સમું,
નિરવધિ, વિભુ, વિરાટ શું, વિસ્તરતું.
કાલરાત્રિના કિનારા ઉપર
સહોદર સંગે હું ઉભો હતો.
આકાશમાંથી તારા વાળી લીધા હતા,
મ્હારે એ પ્રભુતેજનાં દર્શન ન થતાં;
બહાર તેમ જ અન્તરમાં નિસ્તેજ હતું;
અન્ધકાર શ્યામળ જયધ્વજ ફરકાવતો.
ઘનદળ ત્હેના ઘટાટોપમાં નર્તતું.
પૃથ્વીના પ્રાણમાં જડેલી ત્હેમની છાયાઓ શી
કાજળકાળી ડોલન્ત પર્વતાવલિ
દૃષ્ટિ બાંધી પડી હતી.
કશું ય કાંઈ સૂઝતું નહીં.
તમરાજની સંશયભૂમિકા જેવી
શોકરાત્રિની સીમ ઉપર હું ઉભો હતો.

શૂન્યતાના તરંગ જગત ભરી તરવરતા,
મ્હને રસબોળ ભીંજવતા,
શૂન્યાત્મ કરતા.

આંખ ઉઘાડી હતી, પણ દર્શન ન નહોતાં થતા
કીકી દિશાભુવનોમાં દોડતી,
પણ પ્રભુનો જ્યોતિ ફય્હાંઈ જ ન્હોતો નિર્ખાતો.

અન્ધકાર અલૌકિક હતોઃ
યમદંડના કિરણજૂથ સમાન,
વિબુધોના આત્મામાં વસે છે એવો,
મૃત્યુની વિશાલ પાંખ સમો,
ઉંડા અમાનુષ ભેદના પ્રકાશ શો,
પાર્થિવથી પર, પરમ અભેદ્ય,
અન્ધકાર પણ અલૌકિક હતો.
બ્રહ્માંડ ઝીલતા એ તમસાગરને આરે
સહોદર સંગે હું ઉભો હતો.

સાગરના મહામોજ
નયન આગળ રમતા,
અમને શીકર છાંટતા,
પણ અમે એ જાણતા નહીં

વિમાન આવ્યું, સૌ બેઠાં;
અન્ધારરાત્રિના હૃદયમાં અમે વ્હેવા માંડ્યું.

પછી?–પછી પગ લપશ્યો કે શું?
બન્ધુ! તું ક્‌ય્હાં ગયો?
તમસાગર માનવ દૃષ્ટિને અગાધ છેઃ
ત્હેનું યે વજ્રતલ ફોડી પાર ગયો?
ત્ય્હાં તો પ્રભુપ્રદેશ છે.

શબ્દ થયો? પડઘો પડ્યો?
આઘે આઘે કોકિલા શું બોલી?
અનિલલહરીની શું પાંખ ફરકી?
ધીમી ધીમી ફૂલડાં વાતો કરે છે?
કે વીર! ત્હારા બોલ શા,
પ્રભુભૂમિનાં ગીતનો મીઠડલો તે કલરવ?
પ્રભો! એ ક્‌ય્હાંનો મધુરો સિત્કાર?