ચિત્રદર્શનો/શ્રીમન્ત મહારાજ સયાજીરાવ ગાયકવાડ
છાયા વિનાનું તેજ કોઈએ દીઠું છે? જગત્નો મધ્યાહ્ન તપતો હોય છે ત્યહારે યે જગત્માં પડછાયાઓ પડેલા નથી હોતા? સૂર્યમાં સૂર્યધાબાં છે, અને પૃથ્વીનો ગોલાર્ધ નિરન્તર અન્ધકારમાં જ હોય છે. વિશ્વમાં દિવસ અને રાત્રિ ઉભય છે. પરાજય ન જ દીઠા હોય ત્હેવો અજીત વિજયનોબત જ સુણનારો સેનાપતિ માનવ ઇતિહાસે દીઠો નથી. આવા કુદરતી નિયમને લીધે કોઈ પણ મનુષ્યની તુલના જમેઉધારના સરવૈયાથી જ થઈ શકે.ઊડી જતા ધુમ્મસથી છલાછલ ભરેલી સ્હવારની વનમાલામાંથી તેજ છાયાના મનોહર વાઘા સજીને ઉપર તરી આવતા કોઈ શિખર સમોવડ મહારાજ સયાજીરાવ ગુજરાતનાં વન ઉપર આજે તરી આવે છે. પ્રારબ્ધ અને પુરુષાર્થ ઉભયના પ્રકાશ અને પડછાયા એ માનવશિખર ઉપર પડી પોતપોતાના વિધવિધ રંગોની રંઘોળીની જીવનભાત પાડી ગયેલ છે. એલેકઝાન્ડર કિન્લૉક ફાર્બ્સ સમા થોડાક મહા વિદેશી ગુજરાતીઓ સમા શ્રીમન્ત મહારાજ સયાજીરાવ ગાયકવાડ એક મહાન ગુજરાતી છે. યૌવનકાલમાં મુંબઈ નગરીના સિંહ સર ફિરોઝશાહ મહેતા અને ગુજરાતભક્ત પ્રેમશૌર્યનો ડંકો વગાડનાર કવિ નર્મદ જેવા કેટલાક ગુજરાતી વીર પુરુષોના નામોચ્ચારણથી ગુજરાતીઓના કલ્પનાતરંગ હિન્ડોલે ચ્હડે છે ત્હેવા થોડાક કલ્પનાપ્રકાશક ગુજરાતીઓમાંના એક મહારાજ સયાજીરાવ છે. પ્રાચીન યુગમાંથી નવયુગમાં થયેલી અને થતી ગુજરાતની યુગસંક્રાન્તિના આદિનાયક કવિ દલપતરામથી માંડીને આજ સુધીના એક સંક્રાન્તિકાલના સર્વ ગુર્જરવિચારકો અને કાર્યધુરંધરોમાં વડોદરાના વર્તમાન નરેશનું સ્થાન પ્રથમ સિંહાસને છે. ગુજરાતના સર્વશ્રેષ્ઠ અને સર્વવિશાલ દેશી રાજ્યનાં છેલ્લાં પાંત્રીશ વર્ષથી કમાન ઝીલનાર ને મુગટ ધરનાર ગુર્જર મંડલીકેશ્વરનું જીવનચરિત્ર પ્રેરક, ઉલ્લાસક અને આનન્દાશ્ચર્યજનક છે. ઈ.સ. ૧૮૬૩માં મરાઠાઓના કવલાણાના ગામડામાં જન્મેલા ગોપાલ બાલકનું, ગુજરાતને સ્મરણપ્રિય ખંડેરાવ મહારાજનાં સદ્ગત મહારાણી જમનાબાઈ સાહેબને ખોળે દત્તક લેવાઈ ઈ.સ. ૧૮૭૫માં ગુર્જરાધીશ બનવું; ઈ.સ. ૧૮૭૫ થી ૧૮૮૧ સુધી છ વર્ષના સતત પરિશ્રમથી એ નિરક્ષર ગ્રામ્ય ગોપાલના આરસપહાણને ઘડી ઘડી સયાજીરાવ ગાયકવાડની સાક્ષરવનદનીય નગર શોભાસ્પદ રાજમૂર્તિ રચાવી; તે પછી પાંત્રીશ વર્ષથી ચાલતો એકચક્ર યશસ્વી યુગસંક્રાન્તિ સમો રાજકારભાર; મહારાણી લક્ષ્મીબાઈ સાહેબ કાજે યોજેલા લક્ષ્મીવિલાસ મહેલમાં મહારાણી ચીમનબાઈ સાહેબનો રાજવૈભવ; સિન્ધિયા મહારજને દીધેલાં રાજકુમારીનો કુચબિહાર મહારાજ સાથે લગ્નપ્રસંગ; સ્વર્ગસ્થ ધર્મપત્નીના સ્મરણાંશ તરીકે ઉછેરેલા યુવરાજનું નવયૌવનમાં યમરાજની પાંખમાં ઝડપાવું; જાહોજલાલી અને કીર્તિની જાજ્વલ્યમાન કલગી રાજમુગટમાં વિરાજી ઘડીક ફરકતી થઈ ત્ય્હાં તે યશકલગીનો તેજકલાપ ઝંખવાવોઃ શ્રીમન્ત સયાજીરાવ મહારાજના જીવનમાંના આવા મહાપ્રસંગોમાં પ્રારબ્ધ અને પુરુષાર્થની અટાપટી પરમેશ્વરી ભાત વિરાજી રહેલી છે. પ્રારબ્ધવાદીઓએ તેમ જ પુરુષાર્થવાદીઓએ પોતપોતાનાં સત્ય અને સીમાઓ એ જીવનગ્રન્થમાંથી શોધી શીખવાનાં છે. મુગલ શાહાનશાહતની સ્હાંઝ પડી ત્ય્હારે મહારાષ્ટ્રકુલતિલક શિવાજી મહારાજનો તારો હિન્દની ક્ષિતિજ ઉપર ઉગ્યો, પણ એ સાન્ધ્યતારકનો પ્રકાશ દીર્ધ કાલ તપ્યો નહીં. નિર્વીર્ય ક્ષત્રિયોની રાજ્ય-લગામ ને રાજસિંહાસન બ્રાહ્મણ મન્ત્રીઓએ લઈ લીધાં, અને એ પેશવાને જ પગલે ચાલી કાલાવધ્યે ત્હેમના જ ચાર એનાપતિઓએ સ્વતંત્ર જેવા થઈ મહારાષ્ટ્ર બહાર પાટનગરો કીધાં. નાદિરશાહ ઈરાની મુગલાઈની છેલ્લી જાહોજલાલી લૂંટીને લઈ ગયો તે પહેલાં ગુર્જર પ્રાન્ત પિલાજીરાવ ગાયકવાડે સર કર્યો હતો. ઈ.સ. ૧૭૦૭ પછી અને ૧૮૫૭ સુધીના ચક્રવર્તી એક તન્ત્રવિહોણા દોઢ શતકમાં હિન્દુસ્તાનના ચોખૂટમાં પ્રાન્ત વાસીઓના સમુદાયો, ભટકતા નેસ જેવા, પરપ્રાન્તોમાં જતા, જીતતા, અને વસતા, એમ ગુજરાતમાં યે એ કાલમાં દક્ષિણીઓનાં થાણાં, સરદેશમુખી ને ચોથ ઉઘરાવવાને કારણે, ઠામ ઠામ સ્થપાયાં. એ સેનાઓ દાવાનળ જેવી ગુજરાતની કુંજોમાં ઘૂમતી, ને લીલા વનવેલ ને પાકને બાળી ભસ્મ કરતી. ઈ.સ. ૧૮૦૯ માં કંપની સરકાર સાથે ગાયકવાડ મહારાજને તહનામાં થયાં, ને એ અગ્નિપ્રદક્ષિણાઓ અસ્ત થઈ. મહારાજ ખંડેરાવને તો હજી યે ગુજરાત ભાવથી સંભારે છે. ઈ.સ. ૧૮૭૦ માં મહારાજ ખંડેરાવ દેવ થતાં ત્હેમના ભાઈ મહારાજ મલ્હારરાવ વડોદરાની ગાદીએ આવ્યા, ને ત્હેમની પાંચ વર્ષની કર્મકથની તો તાજી હોઈ સર્વવિદિત છે. તે પછી મહારાજ સયાજીરાવ ગુર્જર સિંહાસને પધાર્યા. અને સદ્ભાવ ને સદ્વિદ્યાનાં જલ સીંચી પૂર્વજોએ પાથરેલી ભસ્મને યે નવચેતનથી હરિયાલી કીધી છે, ને સૂકાતી જતી ગૂર્જરકુંજોને નવપલ્લવે પાંગરાવી છે. કસબી આંગલી ને તરખૂણિયા મંડિલધારી નિરક્ષર ગોપાલ છ વર્ષના અરસામાં અનુભવી ને નિપુણ રાજા સરતાંજોર માધવરાવથી યે મહાતેજસ્વી મહારાજ સયાજીરાવ થઈ નીવડ્યા એ છ વર્ષનાં શિક્ષણ, શિક્ષક ને સમસ્ત ઉછેરનો વિચાર કરતાં આશ્ચર્યાનન્દ નથી થતો? વર્તમાન હકીકત નહીં પણ ઇતિહાસમાંની એ કથા હોય એમ કોઈ વર્ણવે તો તે અદ્ભુત ન લાગે? ઈ.સ. ૧૮૫૦ ની આસપાસમાં ગુર્જરપ્રિય ફાર્બસ સાહેબે સાદરામાં તાલુકદારી સ્કૂલ કાઢી અને એ અરસામાં કવિ દલપતરામે રાજવિદ્યાભ્યાસનું કાવ્ય લખ્યું, અને એમ એ મિત્રદ્વંદ્વે રાજકુમારોના શિક્ષણનો પાયો રોપ્યો, ત્ય્હારથી આજ સુધીમાં એ આંબે અનેક સદ્ફળ આવ્યાં છે. પણ ત્હેમાં યે મહારાજ સયાજીરાવ અદ્વિતીય છે. મહારાજનાં શિક્ષણક્રમમાં ઇતિહાસ અને અર્થશાસ્ર મુખ્ય હતા, તથા મિ ઇલિયટ જેવા સુદૃઢ લગામધારી શિક્ષાગુરુ હતા. પ્રખ્યાત ઇતિહાસનવેશ ગિબનકૃત રોમના મહારાજ્યનો અસ્ત અને વિનાશ– The Decline and Fall of the Roman Empire by Gibbon એ મહાગ્રન્થ એ કાલમાં મહારાજનું પ્રિય પુસ્તક હતું. એ શિક્ષણક્રમને પરિણામે બુદ્ધિવિકાસ કેટલી અવધે પહોંચી શકે તે આપણે અનુભવીએ છીએ; સૂક્ષ્મદર્શક ને દૂરદર્શક ઝીણવટ ને સર્વગ્રાહિત્વ કેટલું ખીલે ત્હેનું દૃષ્ટાન્ત પ્રત્યક્ષ જ છે. ગાદીનશીન થયા પછી દેશદેશાન્તરના વિધવિધનું લોકસમાજ અને લોકસંસ્થાઓ નીરખવા ને પારખવા કાજે મહારાજે વારંવાર સમુદ્રોલ્લંઘન કર્યું છે, અને પ્રથમ સમુદ્રોલ્લંઘન પછી દેહશુદ્ધિને અર્થે પ્રાયશ્ચત્તે લીધું હતું પૃથ્વીપરકમ્માની મહાયાત્રા યે મહારાજે અને મહારાણીજીયે કરેલી છે, અને એમ બુદ્ધિઉછેરના એકદેશીય શિક્ષણક્રમનું અધૂરાપણું કાંઈક પૂરાયું છે. પણ ઇંગ્રેજ રાજકવિ ટેનિસન કહે છે તેમ Let knowledge grow from more to more, But more of reverence in us dwell : બુદ્ધિવિકાસની પાંખને સમતોલનમાં રાખનારી પૂજ્યભાવનાની પાંખ ધર્મશાસ્ર ધ્યયન વિના મહારાજમાં પ્રગટી નહીં, ને એ અધૂરાપણું અધૂરૂં જ રહ્યું. મહારાજ સયાજીરાવ પોતાને પૂજ્ય માને છે, પોતે કોઈ દેવ કે મહાત્માના પૂજારી હોય તો લોકસમુદાયને હજી જાણ નથીઃ પોતાના ભક્તને વાંછે છે, પણ પોતે કોઈ પ્રિયજન કે ગુરુજનના ભક્ત હોય તો દુનિયાને હજુ તે હકીકત અજાણી છે. મહારાજની તરુણાવસ્થામાં બે બનાવ બન્યા, અને મહારાજના પ્રત્યેક કાનમાં અક્કેક જીવનમન્ત્ર તે સંભળાવી ગયા છે. પહેલો પ્રસંગ પોતાની જ જીવનકથામાં હતો, ને તે ઉપર સૂચવેલો છે. અપ્સરાઓ જાણે કોઈને ઝડપી જાય ને ક્ષુદ્ર માનવબાલને દેવશણગારે શણગારી દેવસિંહાસને સ્થાપે એવો ચમત્કાર ગાયકવાડ મહારાજની જિંદગીમાં બન્યો. બારમે વર્ષે કવલાણાના ખેતરમાંથી વિધિએ ત્હેમને ઝડપી લઈ ગુર્જર મહારાજનો ખિલઅત પહેરાવી ગુર્જરસિંહાસને સ્થાપ્યા, એ દત્તક ક્રિયા અને એ તખ્તનશીન ક્રિયાઓને પ્રસંગોએ સયાજીરાવ ગાયકવાડમાં જીવનના પાયારૂપ એક સુદૃઢ માનીનતા પ્રગટાવી કે ‘હું મહારાજ.’ વડોદરાના મહેલમાં ચહા પીતાં કે રાજદરબાર ભરતાં, સ્હવારે ફરવા જતાં કે બપ્પોરે રાજકાર્યના હુકમો આપતાં, વડોદરામાં કે વડોદરા રાજ્યમાં, હિંદુસ્તાનમાં કે પૃથ્વીની પરિક્રમણા કરતાં, રાજકુટુંબ વચ્ચે વિરાજતાં કે પ્રજાની મહાસભાઓના પ્રમુખસ્થાનમાં : મહારાજનો એ રાજખિલઅત ઉતારતો નથી, ને ‘હું મહારાજ’ની માનીનતા વિસારાતી નથી. ‘હું બીજાથી નિરાળો છું’ ‘હું અદ્વિતીય છું’ એ ભાવનામાં વીર પુરુષોનાં પરાક્રમની પ્રેરણા રહેલી છે, તેમ જ એમાંથી અન્ય સકલમાં અનાદર અને અશ્રદ્ધા જન્મે છે. મહારાજ સયાજીરાવને એ ભાવનાના લાભાલાભ ઉભય મળ્યા છે.
મહારાજના બીજા કાનમાં જીવનમન્ત્ર સંભળાવ્યો તે બીજો પ્રસંગ હિંદુસ્તાનના ઇતિહાસમાંનો હતો મહારાજ તખ્તનશીન થયા ત્હેવામાં સિમલામાં સર્વ વાઈસરોયના ભૂષણરૂપ ને જેની કસોટીએ હિન્દી પ્રજા સર્વ–ભૂત વર્તમાન ને ભાવિ–વાઈસરોયોને ચ્હડાવી પારખશે તે ઉદારચરિત મહાશય માકર્વિસ રિપનનો લોકહિતૈષી અમલ હતો. સ્થાનિક સ્વરાજ્ય–Local Self Govirnment-નો કાયદો ઘડી તે મહાનુભાવ બ્રિટિશ રાજનીતિવેત્તાએ બ્રિટિશ ઇતિહાસમાંનું ને બ્રિટિશ પ્રજાજીવનમાંનું એક પરમ રાજસૂત્ર હિન્દી પ્રજાને શીખવ્યું કે રાજસંસ્થા એટલે અમલદાર વર્ગ નહીં પણ પ્રતિનિધિઓ. તે સમયે ભારતવર્ષમાં ઠામઠામે ઉત્સવો થયા, ઉદારવાદ Liberalism-ની હિન્દના રાજ્યઅમલમાં ફતેહ થઈ, અને ભારતી પ્રજાએ બ્રિટનને અને બ્રિટનના વિશાલહૃદય રાજધુરંધરોને આર્શીવાદ આપ્યા. માકર્વિસ રિપને હિમાલયના શિખરેથી ઉચ્ચારેલા પ્રજાપ્રતિનિધિત્વના એ રાજમન્ત્રની મહાઘોષણા સારા હિન્દુસ્તાનમાં ગાજી ઉઠી–અને હજુ યે ગાજે છે–, અને મહારાજ સયાજીરાવના કર્ણદ્વારે એ પ્રજાભાવનાનો ધ્વનિ પહોંચ્યા વિના રહ્યો નહીં જ હોય. બ્રિટિશ સલતનતના પ્રમુખ પ્રતિનિધિને એ મહામન્ત્ર ઉચ્ચારતા, ને ભારત સમુદાયને એ રાજસૂત્ર હર્ષગર્જનાથી વધાવતા મહારાજે સાંભળ્યા હોવા જ જોઈએ. તે પછીની આજ સુધીની વિધવિધની પોતાની પ્રજાઉદ્ધારની સકલ પ્રવૃત્તિઓનો એ નીતિમન્ત્રને પ્રાણ અને પ્રેરણારૂપ મહારાજે કીધો છે.
મહારાજ સયાજીરાવ ગાયકવાડના જીવનનો નિકટથી અભ્યાસ કરનાર સન્ત નિહાલસિંહ મહારાજને વડોદરાના Autocrat-એકચક્ર સત્તાધારી અને Dictator-સર્વસત્તા ધીશ કહે છે. અને સાથે એમ પણ વર્ણવે છે કે ‘Preparing his people for autonomous government’ પોતાની પ્રજાને પ્રજાપ્રતિનિધિના રાજતન્ત્રને કાજે કેળવનાર મહારાજ છે. એ બન્ને ભાવનાઓ ઉપરના બે મહાપ્રસંગોએ મહારાજમાં જન્માવી હોય એમ જણાય છે, નેએમ મહારાજના જાહેર જીવનમાં બે આદર્શ બન્ધાયા લાગે છે. એ બે પ્રસંગોમાં મહારાજના રાજજીવનની કુંચીઓ છે અને મહારાણી લક્ષ્મીબાઈ સાહેબનું દેવ થવું ને મહારાણી ચીમનાબાઈ સાહેબ સાતે લગ્ન થવાં એ પ્રસંગમાં મહારાજના કુટુંબજીવનની ચાવી છે. એ ત્રણ પ્રસંગોમાંથી મહારાજના જીવનમહાલયના લગભગ સકલ ઓરડાઓની ત્રિગુણ સમી ત્રણ ચાવીઓ જડે છે, અને એ ત્રણે પ્રસંગો મહારાજની પહેલી પચ્ચીશીમાં જ બની ગયેલા છે.
મહારાજે શું શું કર્યું છે એ પ્રશ્નનો થોડામાં ઉત્તર આપવો સહેલો નથી, કારણ કે મહારાજે થોડું કર્યું નથી. છતાં એક બાદબાકી આવડે તો કરો : હાલનાં વડોદરા અને વડોદરા રાજ્યમાંથી ઈ.સ. ૧૮૮૧નાં વડોદારા અને વડોદરા રાજ્ય બાદ કરો, અને જે જવાબ આવે ત્હેમાં ઉપરના પ્રશ્નનો ઉત્તર ત્હમને મળશે. લગભગ એકડે એક અને મૂળાક્ષરથી જ મહારાજને પ્રજાઉદ્ધારનું પરિયાણ કરવાનું હતું. અને ત્હેમાં શારદાપીઠના પદવીધર જેટલો પ્રગતિવિજય મેળવ્યો છે હવે તો પદવીધરની ને પ્રજાજીવનની ફતેહની પરિક્ષાઓ બાકી છે. રાજનીતિના ભૂમિતિસિદ્ધાન્તો અનુસાર બારમા સ્કન્ધ પ્રમાણે ના પ્રજાઉદ્ધારનાં મહાઅટપટાં રેખાચિત્રો મહારાજે દેશપટ ભરી દોરેલાં છે, પણ ચિત્રકારનું જીવનચિત્ર, જાણે પ્રજામૂર્તિની રગેરગમાં જીવન ધબકે છે અને મુખમુદ્રામાં ચેતન ઝબકે છે એવું જીવન્ત પ્રજાચિત્ર, હજી એ રાજચિતારાથી ચીતરાયું નથી.
ઈ.સ. ૧૮૮૧માં વડોદરા રાજ્યમાં પ્રાથમિક શાળાઓ ને હાઈસ્કૂલો કેટલી હતી, અને આજે કેટલી છે? તે વખતે ભણેલાં નરનારના ટકા પ્રજામાં કેટા હતા, ને આજે કેટલા છે? મહારાજે પ્રજાકેળવણીનાં ત્રણે સ્વરૂપોની ખિલવણીથી પ્રજાઉદ્ધારનો સુયોગ્ય પાયો માંડ્યો અને શારદાપીઠની અનેક વિદ્યાશાળાઓના અભ્યાસક્રમ પ્રજાને સુલભ કર્યાં. ભણ્યા પછી યે જગત્નાં સર્વોત્તમ અનુભવભંડારનાં પુસ્તકો ભણેલાઓ વાંચતા નથી એ જોઈ મહારાજે પુસ્તકભંડાર નગરે નગરે અને ગામે ગામે સ્થાપ્યા. ઈ.સ. ૧૮૬૯માં વડોદરામાં એક પુસ્તકશાળા સ્થાપવાની વિનંતિ મ્હારાપિતાએ મહારાજ સયાજીરાવના રાજપિતાને કરી હતી, ને એ બે વૃદ્ધોના મેળાપની કથા દલપતકાવ્યના ગુર્જરીવાણી–વિલપમાં વર્ણવેલી છે. ખંડોરાવ મહારાજે કવિ દલપતરામને એ પ્રસંગે વચન પણ આપ્યું હતું કે પુસ્તકશાળા સ્થાપીશું અને નિશાળ માંડીશું. પણ એ વચન સિદ્ધ થાય તે પહેલાં વરસેકમાં મહારાજ દેવ થયા. એ ગુર્જરપ્રિય મહારાજે ૪૭ વર્ષ ઉપર મ્હારા પિતાને આપેલ રાજકોલ એ રાજપિતાના રાજપુત્રે આવી અણકલ્પી સરસ રીતે પાળેલો નિહાળી મ્હારા પિતાના પુત્રને આશ્ચર્યાનન્દ વિના બીજું શું થાય? સંસ્કૃત વિદ્યાનો ખિલાવે મહારાજ વિસર્યા ન હતા, ને આજે પણ વડોદરાની પરીક્ષામાં પાસ થયેલો શાસ્રીવર્ગ ગુજરાતમાં કે ગુજરાત બહાર થોડો નથી. પણ સયાજીરાવ મહારાજના રાજ્યઅમલનો જે એક ઉત્તમ વિદ્યાપ્રચારનો પ્રયત્ન તે તો કલાભવન. ગુજરાતીઓ સાહસિક વ્યાપારીઓ છે ને ગુજરાત વ્યાપારમુલક છે એ જોઈ કવિ દલપતરામે હુન્નરખાનની ચઢાઈ લખી, ને અમદાવાદના પિતામહ તુલ્ય પરમ નાગરિક દીર્ધદર્શી રણછોડભાઈએ વણવા–કાંતવાની મિલ કાઢી, ને પરિણામે મુંબઈ, અમદાવાદ હિન્દનાં લિવરપુલ માન્ચેસ્ટર જેવા થઈ રહ્યાં. ગુર્જરરત્ન પ્રો. ગજ્જરે પણ પ્રજાજીવનની એ દિશા જોઈ, અને મહારાજ સન્મુખ હુન્નરકલાની વિકાસયોજના ઘડીને મૂકી. ચકોર મહારાજે એ યોજના મંજૂર કરી, વિશ્વકર્માની એ શાળામાં વિશ્વકર્માના પુત્ર પ્રો. ગજ્જરને આચાર્ય નીમ્યા, ને કલાભવન ઉઘડ્યું. એ પ્રિન્સિપાલ સાથે સાક્ષરરત્ન મણિશંકર વાઈસ–પ્રિન્સિપાલ તરીકે જોડાતાં હુન્નરઉદ્યોગોમાં અને સુતાર, લુવાર, રંગારી જેવા કારીગરોમાં યે સાક્ષરતા જાગી, જ્ઞાનમંજૂષાની માલા શરૂ થઈ, રસરંગરહસ્ય નામનું સચિત્ર સુકલાવન્તું માસિક નીકળવા માંડ્યું, હુન્નરવિદ્યાકલાની પરિભાષા ઘડાવા માંડી, ને હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી એમ છ ભાષાઓનો અનેકભાષાકોષ રચાયો. મિલોને વર્તમાન રંગાટ કામના રંગારા મળ્યા, સુતારોને વર્તમાન કલાશિક્ષિત કામ કરનારા મળ્યા, ને ગુજરાતના કારિગરોમાં થયું કે કારીગરીનો ને દેશનાં હુન્નરકલાના પુનરુદ્ધારનો યુગ આવી પહોંચ્યો છે. કલાભવનનાં પહેલાં દશ વર્ષની કથા મહારાજ સયાજીરાવના રાજ્યઇતિહાસનું અને પ્રો. ગજ્જરના જીવનઇતિહાસમાંનું સોનેરી પ્રકરણ છે. હરિઇચ્છા જુદી હશે. એ બે મહાપુરુષોની સહિયારી પેઢીના બે ભાગીદારોએ જુવારૂ કરી જુદી જુદી પેઢીઓ માંડી, પણ બન્નેને અણપુરાયેલી ખોટ ગઈ છે. પ્રો ગજ્જર મોતી ને હીરા ધોવામાં, મહાન્ કલ્પનઓ કલ્પવામાં, અને ઝવેરીઓના કોર્ટકલહોમાં પડ્યા. મહારાજ સયાજીરાવ આજે પણ કલાભવન ચલાવે છે, જ્ઞાનમંજૂષા અને રસરંગરહસ્ય બંધ થયાં, અનેકભાષાકોષ વણછપાયેલો સડે છે, ને ગુજરાતના હુન્નરકલાકારીગરીના ઉદ્વારનો પ્રશ્ન જેવો ને ત્હેવો અનુત્તર હજી ઉભો છે. મહારાજે બેન્ક કઢાવી, વ્યાપરનું ખાતું કાઢી મન્ત્રી નીમ્યા, ઉદ્યોગોના ખિલાવનું કમિશન નીમ્યું,ને ત્હેને લાખોની રકમ સોંપી; પણ ફરી એ રંગ જામ્યો નહીં પ્રો. ગજ્જર જેવા સેનાપતિ વિના મહારાજ સયાજીરાવ ગાયકવાડ હુન્નરખાનની ચઢાઈ જીતી શક્યા નહીં. મહારાજ સયાજીરાવના બાંધકામ ખાતાએ મહેલ હવેલીઓ વિદ્યામન્દિરો ન્યાયમન્દિર બાગબગીચાથી વડોદરા એવું શણગાર્યું છે કે પશ્ચિમ હિન્દમાં તો મહારાજ ગાયકવાડનું પાટનગર એક અલબેલી મુંબઈ નગરીથી જ બીજે નંબરે છે. અમરેલી નવસારી પાટણ, મહેસાણા, પેટલાદ, સિદ્ધપુર એ પ્રાન્તપુરોમાં પણ પાટનગરની કેટલીક પ્રજાપ્રવૃત્તિઓ પ્રસરેલી છે ને પ્રસરતી જાય છે. વેરાયેલાં ગામોને રેલ્વેની જાળીથી ગૂથવામાં આવે છે, ને એમ વ્યાપારના નવા ધોરી માર્ગ મંડાય છે. બાલલગ્નપ્રતિબંધક અને કન્યાવિક્રયનિષેધના કાયદા, પુરોહિતનો ખરડો, સર્વ જાતિઓમાં પરસ્પર લગ્નની છૂટ, એ અને એવા સંસારસુધારાને પ્રસરાવનારા કાયદાઓ ઘડી પ્રજાને અનિષ્ટ રૂઢિબન્ધનોમાંથી મહારાજે કાંઈક મુક્ત કરેલ છે. ન્યાયખાતું, પોલિસખાતું અને રાજ્યનાં અન્ય ખાતાંઓની નિયમબદ્ધ ને પદ્ધિતિ પુરસ્સર ખિલવણી મહારાજના અમલ દરમિયાન જ થયેલી છે. એ સૌ રાજ્યતંત્રની વર્તમાનતા મહારાજ સયાજીરાવના રાજસિંહાસને પધાર્યા પછીની જ છે. મહારાજનો એ પ્રત્યેક મહાપ્રયાસ છે, પણ સયાજીરાવ ગાયકવાડનો પ્રજાઉદ્ધારનો પરમ પ્રયાસ આમાંનો કોઈ નથી, એ તો નિરાળો જ છે. એ પ્રયાસ સાથે મહારાજના મંત્રીવર અને અમાત્યશ્રેષ્ઠ ભારતરત્ન રમેશચન્દ્ર દત્તનું કીર્તિવન્ત નામ સદાનું જોડાયલું રહેશે. પ્રજાપ્રતિનિધિત્વનો જે મહામન્ત્ર ભારતપ્રિય નામવર માકર્વિસ રીપનને મુખેથી સાંભળ્યો હતો, અને પોતાની પૃથ્વીયાત્રામાં દેશદેશાન્તરમાં જેનાં મૂર્તિમન્ત પુણ્યદર્શન મહારાજે કીધાં હતાં, એ મન્ત્રપ્રેરણા પચ્ચીસ વર્ષે પોતાની પ્રજાના જીવનમાં સ્થાપવાનો સયાજીરાવ ગાયકવાડે પ્રસંગ લીધો, ને રાજનીતિનિપુણ અમાત્યે મહારાજના એ સદ્વિચારને ઝીલી લઈ સિદ્ધ કીધો. બ્રિટનમાં જેમ પેરિશ ને કાઉન્ટી કાઉન્સીલો છે, તેમ હિન્દમાં યે પ્રાચીન અને મધ્યકાલમાં ગામડાંમાં ગ્રામ્યપંચાયતો હતી. નગરોમાં લોર્ડ મેયરો સમાનગરશેઠો હતા. લોકલ બોર્ડ અને મ્યુનિસિપાલિટિની નવી સંસ્થાઓ સ્થપાતાં એ જૂની લોકસંસ્થાઓનો લોપ થયો. ચતુર ગાયકવાડે અને નિપુણ મન્ત્રીવરે જોયું કે એ જૂની લોકસંસ્થાના સંજીવનમાં પ્રજાનું સંજીવન છે, એ પ્રાચીન પ્રણાલિકાનો અર્વાચીન નવઅવતાર જન્માવવામાં પ્રજાપ્રતિ નિધિત્વના રાજ્યમન્ત્રની પરમ સિદ્ધિ છે. એ પ્રજાકલ્યાણની શુભ માનીનતા બલવત્તર થતાં વડોદરા રાજ્યને ગામેગામ ગ્રામ્યપંચાયત ને પ્રાન્તેપ્રાન્ત પ્રાન્તપંચાયત સ્થપાઈ. પ્રજા પ્રતિનિધિઓની રાજસભા યે વડોદરા રાજ્યમાં પ્રચાર પામ્યું. એ પ્રજાપ્રતિનિધિઓની ન્હાનીમ્હોટી સભાઓને કેટલીક સત્તાઓ સોંપવામાં આવી છે. પણ પ્રજાપ્રતિનિધિત્વનું અંજન મહારાજની એક આંખમાં અંજાયેલું છે, એટલે થોડાંઘણાં પ્રજાપ્રતિનિધિત્વનાં કિરણ પ્રગટ્યાં પછી હજી યે સર્વસત્તામૂળ ને સર્વસત્તાધીશ તો વડોદરા રાજ્યમાં શ્રીમન્ત મહારાજ સયાજીરાવ ગાયકવાડ જ છે. પણ મહારાજને હજી લોભ છે કે પશ્ચિમની સુધરેલી મહાપ્રજાઓ જેવી કાંઈક પોતાની પ્રજાને બનાવવી. એ લોકભદ્ર લોભમાં પ્રજાકલ્યાણની પ્રજાને આશા છે કે પ્રજાપ્રતિનિધિત્વનો મહામંત્ર હજી વધારે રાજકારભારમાં સત્કારશે. મહારાજે અને રમેશચન્દ્ર દત્તે પ્રજાપ્રતિનિધિત્વનાં વાવેલાં બીજને જલ સીંચવાં ને ઉછેરવાં એ વડોદરાના વર્તમાન તેમ જ ભાવી અમલદાર વર્ગ તેમ જ મન્ત્રીમંડલનો પ્રજાકલ્યાણનો પરમ કર્તવ્યધર્મ છે, ને તે તેઓ પાળશે એવી મહારાજ અને ગુર્જર પ્રજા આશા રાખે છે. મહારાજ સયાજીરાવના પાંત્રીશ વર્ષના અખંડ પરિશ્રમને ઘણાં ફળફૂલ આવ્યાં છે, છતાં એ ખરૂં છે કે વડોદરાની વાડીઓમાંની કેટલીક હજી કોળી નથી. ‘ભાગ્યું–ભાંગ્યું ત્હોયે ભરૂચ’ એવું વડોદરા રહ્યું છે. અને અમદાવાદ કે મુંબઈ જેવું થયુ નથી. વડોદરાના સુન્દર રાજમહેલો, વડોદરાનાં વિશાળ કોલેજ, કોઠી, ન્યાયમન્દિર, પુસ્તકશાળા, સંગ્રહસ્થાન એ સર્વ રાજમન્દિરો, સ્થૂલ ને સૂક્ષ્મ ઉભય રીતે, મહારાજે ધરાવેલા પાટનગરના ઉપયોગી શણગાર છે. પણ વડોદરાનાં પ્રજામન્દિરો ક્ય્હાં? મુંબઈમાં રાજમન્દિરની પડોશમાં જ શારદામન્દિર છે, અને સેક્રેટેરિયેટ હાઈકોર્ટ ને તારઑફિસની માલા સમોવડો જ બોરીબન્દર ને પ્રજામન્દિરના મહેલનો ચોક છે. અમદાવાદના પ્રાચીન કિલ્લાના વિશાળ ચોકમાં જ કારંજ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ને નાગરિકોની પુસ્તકશાળા છે. મજૂર વર્ગના હૃદયમાંથી ઉડતા હોય ત્હેવા મિલચીમનીઓના ધૂમાડા મુંબઈ, અમદાવાદમાં જાણે પરમેશ્વર પાસે ફરિયાદે જતા આકાશમાં ઠામ ઠામ ઉડતા દેખાય છે. મોટર, ઘોડાગાડી, ત્રામની ધમાલ, જાણે દોડતા જતા હોય તેવી લોકોની ગિરદી, છલકાતી ભરેલી દુકાનો, ઉદ્યોગી ને ખંતીલા દુકાનદારો, સન્ધ્યાએ સન્ધ્યાએ નગરનો મેળો હોય ત્હેવી ધોરી માર્ગની ભીડ; લોકસમુદાયની જાગૃતિ અને પ્રવૃત્તિનાં એવાં ચિહ્નો વડોદરામાં આવ્યાં નથી. અમલદારવર્ગ પાસે સત્તા જૂજ છે, એટલે સત્તાનો આડંબર વિશેષ રાખવો પડે છે. મહારાજને કરવાના અભિલાષો છે, કરાવવાના નથી. દેશી રાજ્યોમાં પ્રજાનાયકોને કાજે રાજપ્રવૃત્તિથી નિરાળું અસ્તિત્વ કે સ્થાન હજી રચાવું બાકી છે. આ સંજોગોમાં મહારાજનાં આદર્શ ને આકાંક્ષા છતાં સાધનના અભાવે પ્રજાવિકાસનું લક્ષ્ય હજી વડોદરામાં સધાયું નથી. ગાયકવાડના વેરાયેલા પ્રાન્તો સમી ગાયકવાડની પ્રજાયે હજી વિખૂટી ને વેરાયલી જ છે. મહારાજના વિશ્વાસુ દાક્તર બટુકરામના પુત્રરત્ન ડૉ. સુમન્ત મહેતા અને ત્હેમનાં સદ્ભાવનાવન્તાં ધર્મ પત્ની અ. સૌ. શારદાગૌરીને પોતાની પ્રજાસેવાની અભિલાષાએ પરિતર્પવા સૂરત ને અમદાવાદને આશ્રયે જવું થયું. ગમે તે ધરતીમાં કસ નથી, ગમે તો પૂરતાં ખાતરપાણી નથી, ગમે તે એટલો ચતુર ને કાર્યદક્ષ બાગવાન નથીઃ ગમે તે કારણ હે પણ અગ્નિહોત્રના અખંડ અગ્નિ સમી મહારાજના અન્તરની અભિલાષજ્વાલા નિત્યપ્રજ્વલિત છતાં પ્રજાજીવનમાં હજી વસ્નતની ઉષ્મા આવી નથી. મહારાજનું વિશાલ વાંચન, વિપુલ બુદ્ધિભંડાર, પૃથ્વી યાત્રાનો સદ્બોધસંગ્રહ અને વડોદરાના સિંહાસન ઉપરના દીર્ધ કાલના અનુભવમાંથી રાજ્યને તથા પ્રજાને અનેક લાભ તેમ અનેક અનિષ્ટો પરિણમેલ છે. મહારાજના જ્ઞાનડહાપણના ભંડાર એટલા વિસ્તારી છે કે એ સાગરને અન્ય જનોનાં સરોવરોમાં શ્રદ્ધા રહી નથી. આજવાના સરોવરમાંથી વડાનળમાં પાણી પડે તે સહુ ન્હાનીનોટી નળનલિકાઓએ દૂરનજીકના ગૃહદેશમાં લઈ જવું એટલો જ અમલદારધર્મ ગણાયો જણાય છે. એથી જ કરીને ગુર્જરભૂષણ મણિભાઈ જશભાઈ ને હિન્દભૂષણ રમેશચંદ્ર દત્ત એ બે જ મહારાજ સયાજીરાવના દીર્ધ અમલ દરમિયાન વડોદરાની દીવાનગીરીએ દીવાન થયા છે. અમલદારવર્ગમાં યે અન્ય મહાઆશયને અભાવે દક્ષિણી ને ગુજરાતી, ત્હેમાં યે બ્રહ્મણ ને મરાઠા ને નાગર, એવા ઘોળ જેવું થયું છે. વડોદરાનેો જુવાન અમલદારવર્ગ નીરખી આંખ ઠરે ને આશા જન્મે એવું છે. ઇંગ્લાંડ અમેરિકા સમા બુદ્ધિવૈભવી દૂર દેશાવરમાં જઈ બુદ્ધિવૈભવ ને પ્રજાકલ્યાણની કર્તવ્યભાવના વ્હોરી આવેલા ગાયકવાડ મહારાજના એ મદભર મલપતા આશઅભિલાષ- કર્તવ્યપ્રેરણાવન્તા નવચેતન વછેરા શરતના ચક્કરના પહેલા જ ફરલોંગમાં કેમ થાકી લથડે છે? એમનાં તંગ ને લગામ અતિ ઢીલાં છે કે અતિ સખ્ત? અસ્વારની ચાબૂકનો ભય એમને વિશેષ છે કે પ્રેરણા? પ્રજાઉદ્ધારના કર્તવ્યખેલ ખેલવાને બદલે આજે તો એ યૌવનમંડલ અમલદારોની ક્લબમાં ખેલ ખેલે છે, ને એ હારજીતને જીવનની હારજીત માનવા જેવું કરે છે. મહારાજને ફારસી કહેવત માહિત હશે જ કે તેજીને ટકોરો બસ છે. સયાજીરાવ ગાયકવાડની ભૂલો એ ગંભીર થઈ છે, ને એ ભૂલો માટે મહારાજને ખમવું યે ગંભીરપણે પડેલું છે. ન મળે મિત્ર કે ન મળે મન્ત્રી, ન મળે શ્રદ્ધા કે ન મળે સ્નેહઃ નિરન્તર રાજ્યહિતનું ચિન્તન કરવાની ટેવને લીધે બારે માસ ને બત્રીસે ઘડી રાજ–ખીલઅત પહેરી રાખવાની મહારાજને ટેવ પડી ગઈ જણાય છે. રાજકુટુંબમંડલમાં યે મહારાજના ઉપર પતિ કે પિતાની ભાવના વિરલ પ્રસંગે જ વિજયવતી થતી હશે. યશસ્વી ને સદ્ભાવી મહારાણી વિકટોરિયાનો ઉત્તરાવસ્થામાં બ્રિટનના રાજ્યચક્રમાં દીર્ધ ને વિવિધ અનુભવને લીધે જેવો અપ્રતિમ વ્યક્તિ પ્રભાવ પડતો હતો ત્હેવું મહારાજનું આજ થયેલું છે. મહારાજ સયાજીરાવ નરેશ ન હોત ને મન્ત્રી હોત ત્હો પણ ૩૫ વર્ષના જૂના મન્ત્રીમંડલમાં નરેશ જેવા જ થઈ પડત. મહારાજ સયાજીરાવ દેવમન્દિરમાંના દેવના વૈભવ ને જાહોજલાલી માણે છે, પણ દેવમૂર્તિથી ઉલટું કોઈ પુજારીનાથી યે વિશેષ પરિશ્રમ વેઠે છે. નિદ્રાલોપ–insomnia- નો રોગ પણ એ ભાવનાની સજા તરીકે મહારાજને મળી ચૂક્યો છે. મહારાજ થવામાં માત્ર સુખ ને વૈભવ છે એવું તો અજ્ઞાની ને બાલક માત્ર આજ માનતા હોવા જોઈએ. મહારાજ સયાજીરાવની મુદ્રાના પૌરુષને લીધે કોઈ કહે કે મહારાજમાં રસિકતા કે રસિક કલાઓ ભણી આદર નથી તો તે વસ્તુસ્થિતિથી વિરુદ્ધ છે. વડોદરાના તાનસેન પ્રો. મૌલાબક્ષના આશ્રયદાતા મહારાજ સાહિત્યસંગીતકલા વિહીન નથી જ. અનેક સુસુન્દર રાજમન્દિરોથી વડોદરાને શણગારનાર ગાયકવાડ શણગારની સૌન્દર્યકલાના રસીલા સજ્જન નથી એમ નથી. નૃત્ય અને ગાયન ઉભયના શોખીન મહારાજના રાજદરબારમાં તાંજોરી તેમ જ અન્ય વિધિવન્તી નૃત્યનિપુણ કંચનીઓ પોતપોતાની રસિક કળાઓનું સુરમ્ય પ્રદર્શન દાખવે છે. ન્હાનામોટા બગીચા ને બાગ ને પાર્કથી રાજનગરને શોભાવનાર રાજવીમાં સોન્દર્યભાવના ઓછી તો નથી જ. દરબારોની ભભક, અસ્વારીઓના ઠાઠમાઠ, શિષ્ટાચાર અને પ્રસંગ–પોશાકનાં નિયમપ્રથા ઘડનારને જીવનની સમપ્રમાણતા ને સ્વરૂપતાનું જ્ઞાન સારું જ હોવું જોઈએ. સંગ્રહસ્થાનમાંના ને રાજમહેલમાંના વિશાળ ચિત્રપ્રદર્શનમાં મહારાજનો ચિત્રકલા પ્રત્યેનો રસીલો સદ્ભાવ સ્પષ્ટતાથી પ્રકાશે છે. એવી કેટલીક બાબતોમાં એક પશ્ચિમ લંડનનિવાસી સુજનના જેવી સુજનતા ને સંસ્કારિતા મહારાજમાં ખીલેલી છે. બ્રિજ, બિલિયર્ડ, ઘોડેસ્વારી, શિકાર, હાથીઓની સાઠમારી એ મહારાજને મનગમતો ઉત્સવ છે. મહારાની સાહેબના મહિલાદરબારોમાં યે વૈભવ કે રસદર્શન ઓછાં નથી હોતાં. ‘જે જે શ્રીમત્ ને ઉર્જીત શ્રીમન્ત મહારાજ સયાજીરાવ ગાયકવાડના રાજજીવનમાં થોડું નથી. અનેક રાજગુણોથી શોભતા એ રાજવીમાં એક રાજગુણનું અધૂરાપણું ખાસ તરી આવે છે. મહારાજના ખાનગી ખાતાનું રાજખર્ચ પ્રમાણમાં વિશેષ હોવા છતાં બક્ષીસો ને રાજધર્મ કે દાનની ઉદારતા વડોદરાના મહારાજને શોભે એટલાં નથી. પણ એ વિષયમાં મહારાજની ભૂલ—હું ભૂલતો ન હોઉં તો—મ્હોટે ભાગે વર્તમાન નવશિક્ષિત સજ્જનવર્ગની યે ભૂલ જ છે. મહારાજ સયાજીરાવ જેમ મહારાજા છે ને વડોદરાની પ્રજાના પિતા-બાપુ નથી, તેમ મહારાણી સાહેબ પણ વડોદરાનાં મહારાણી છે ને વડોદરાની પ્રજાનાં માતુશ્રી નથી. પ્રજાનાં નરનાર પોતાનાં વ્યક્તિગત સુખદુઃખો રડવા ત્ય્હાં જતાં હોય કે ત્ય્હાંથી સુખદુઃખના દિલાસા કે દિલારામ મેળવી આવતાં હોય તો જાણમાં નથી. છતાં યે મહારાજ સમા મહારાણીજી પણ વડોદરાની પ્રજા સન્મુખ રાજઆદર્શ રૂપ ને નેતા સમાન છે. મહારાજનાં પ્રતાપ ને જાજ્વલ્ય મહારાણીજીમાં પણ ઓછાં નથી. વડોદરાના રાજદરબારોમાં મહારાજ તેમ સ્રીમંડલના રાજદરબારોમાં મહારાણીજી પ્રમુખ સંહાસન શોભાવે છે. વડોદરાના સ્રીસમાજમાં જ એક પ્રકારની છટા ને ભભક છે, સૌન્દર્ય તો નહીં પણ અમુક પ્રકારની રસિકતા ને એ રસના આખી યે દેહમૂર્તિમાં ઓજસ ને હિન્ડોલ હોય છે. વડોદરાના મહિલામંડલની એ બહાર મહારાણીજીમાં પણ, વસન્તની વહાર સમીખીલી નીકળેલ છે. લગ્નસમયનાં નિરક્ષર મહારાણીજી ગ્રન્થકર્ત્રી તરીકે સરસ્વતીઉદ્યાનમાં યે પધારેલાં છે અને સ્રીશિક્ષણના સદનુભવને પરિણામે સ્રીશિક્ષણના ઉત્તેજન કાજે–Scholarships– વિદ્યાર્થીવૃત્તિઓ સ્થાયેલ છે. પડદાના રીતરિવાજમાં ઉછરેલાં મહારાણીજી વડોદરામાં કોઈ કોઈવાર ને મુંબઈમાં વારંવાર જનાનખાનાનો પડદો ખસેડે છે, અને પરમુલકમાં પડદો રાખતાં નથી. મહારાજના સમાં શિકારી, મહારાજના જેવા લોકહિતચિન્તક, મહારાજના સરીખડાં પૃથ્વીકમ્માવાસી, મહારાજને પગલે પગલે પ્રજાકલ્યાણના રાજમાર્ગનાં યથાશક્તિ યાત્રાળુ, મહારાણીજી ચીમનાબાઈ સાહેબમાં મહારાજના ગુણો ઘણા છે—ને આવાં માતાપિતાની સન્તાનમંજરી પણ પ્રતાપી ને તેજસ્વી છે. રાજકુમારો અને રાજકુમારીમાં પોતપોતાના વ્યક્તિભાવનાના ફૂવારા ઉડે છે. રાજકુમાર જયસિંહરાવ ભોળા દિલના છે; રાજકુમાર શિવાજીરાવ ઠરેલ ને ડહાપણશીલ દેખાય છે; રાજકુમાર ધૈર્યશીલરાવમાં હજી નવયૌવનનાં સાહસ ને ઉત્સાહ છેઃ પણ તે ભ્રાતૃમંડલમાં એક સમાનતા એ છે કે મહારાજ ને મહારાણી સમા તે સહુ જાજ્વલ્યમાન છે. કુચબિહારનાં મહારાણીજી–રજકુમારી ઇન્દિરા રાજેનાં જાજ્વલ્ય કોઈ ભાઈથી કે માતાપિતાથી ઓછાં ઉતરે ત્હેવાં નથી., જાજ્વલ્ય એ વડોદરાના મહારાજના સંસ્કારી રાજકુટુંબનો તરી આવતો રજગુણ હોય એમ જણાય છે. પોતાને કિશોરાવસ્થામાં મિ. ઇલિયટ ને સર ટી. માધવરાવ જેવા ગરુજન મળ્યા હતા એ પ્રસંગબોધથી ચેતી મહારાજે કોઈ પ્રતાપી ને પ્રભાવશાલી ગરુજન બાલસન્તાનોને આપ્યો હોત, તો રાજસન્તાનોની આત્મવાડીઓ કરમાત નહીં, પણ હજી વધારે સુગન્ધવન્તી પ્રફુલ્લત—ને એ જાહોજલાલી ભરેલા રાજકુટુંબનાં યે મૃત્યુનો ઓળો નિરન્તરનો પડેલો છે, ને વૈધવ્યનો સોકરંગી પડછાયો પથરાયેલો છે. ગં. સ્વ. યુવરાણી પદ્માવતી સાહેબી કરમાયેલી વલ્લી મહારાજ સયાજીરાવના ખીલતા રાજઉદ્યાનને લતામંડડે વસે છે અને બાલ મહારાજકુમાર પ્રતાપસિંહરાવ ગાયકવાડ તથા ત્હેમની ન્હાનકડી રાજભગિનીઓનાં કુમળાં ફૂલ હજી ઉછેરવાનાં બાકી છે. મધ્યાહ્નઅસ્તવાળી યુવરાજ ફત્તેહસિંહરાવના સ્મરણઅંશ એ રાજબાલકના ઉછેર ઉપર મહારાજ સયાજીરાવનાં આદર્યાં અધૂરાં રહેલાં પૂરાં થવાનાો અને ગુજરાતના ભવિષ્યનો આધાર છે. ગાયકવાડ મહારાજ એક મહાન હિન્દી છે, અને હિન્દમાં ઘૂમાઘૂમ કરતી સર્વે વિચારવાદલીઓની રમણા ધ્યાનથી નિહાળે છે ને ત્હેમની જલવર્ષા યે ઝીલે છે. ના. આગાખાન જેવા તો નહીં પણ કંઈક દરજ્જે સર્વ સુશિક્ષિત પ્રજાઓના પ્રજાજન જેવા છે, જગતમાં પ્રકાશતી વિચારશક્તિઓનાં જન્મ વિકાસ ને પ્રેરણાના ઉન્નતિક્રમનો અભ્યાસ સદા રાખે છે. છતાં મહારાજ ગાયકવાડ કે ગાયકવાડનું રાજકુટુંબ હજી ગુજરાતી નથી. જાપનામાં જાપાની પોશાકમાં શોભતી મહારાજની છબી નીરખી છે, પણ ગુજરાતમાં ગુજરાતી પોશાકધારી ગુર્જરનરેશની છબી હોય તો નીરખી નથી. મહારાણીજી જમનાબાઈ સાહેબના દત્તક પુત્રરત્ન હજી ગુર્જર દેશના યે દત્તક પુત્ર જ છે. ગુર્જર ભાષાની સર્વોત્તમ નવલકથા છપાયે લગભગ પા સદી વીતી ગઈ છે, પણ ત્રણ ચાર વર્ષ ઉપર સુધી તો મહારાજે તે વાંચી હતી. ગાયકવાડનું રાજકુટુંબ ગુજરાતમાં આવી વસ્યે લગભગ બે સૈકા થયા, પણ પારસીઓની પેઠે ત્હેમની કુટુંબભાષા ગુજરાતી થઈ નથી. મહારાજનું કે રાજકુટુંબનું ગુર્જર સાહિત્યનું વાંચન વિશાલ નહીં હોય. એવો યે સમય હતો જ્ય્હારે મણિલાલ, બાલશંકર, મણિશંકર, ગજ્જર જેવા ગુર્જર સાક્ષરો વડોદરાને શોભાવતા. હાલ વડોદરાને વડલે માત્ર લલિતજી વિરાજમાન છે. એ હકીકત તો મહારાજ સાહેબને અજ્ઞાત નહીં હોય કે ગુર્જર પ્રજાને મન પ્રમુખપદે વડોદરા પ્રેમાનન્દનું અને પછી ગાયકવાડનું છે. રમેશચન્દ્ર દત્ત જેવા ઇતિહાસસંશોધકે પ્રેમાનન્દને વિસારેલા છે, અને મહારાજે પણ પાંત્રીસ વર્ષમાં એ સાહિત્યદેવનું દેવાલય રચાવેલ નથી. પ્રાચીન કાવ્યમાલા, પાટણના ભંડારમાંથી દ્વ્યાશ્રમ સમાં પુસ્તકોનો ઉદ્ધાર, જ્ઞાનમંજાૂષાની માલાઃ સાહિત્યવિલાસી મણિભાઈ અને સાક્ષરરત્ન પ્રો. ગજ્જરનાં એ ભૂતકાલનાં સ્મરણો છે, ને વર્તમાનની વહતી તે ગંગા નથી. હાલ ચાલે છે તે ગંગા નહીં, પણ ગંગાનો આભાસ છે. ગુર્જરનરનારનાં ચિત્તનો ચોર રસીલો દયારામ અને ગુર્જર કવિચક્રચૂડામણિ પ્રેમાનન્દઃ ગુર્જર કાવ્યદેવીના એ દેવપુત્રોની જેવી અને જેટલી પૂજાવન્દના મહારાજ ગાયકવાડ ને ત્હેમનું સાહિત્યરસિક રાજકુટુંબ કરશે ત્હેના પ્રમાણમાં ગુર્જર પ્રજાત્હેમને ગુજરાતી ગણશે. વિશાલ વડોદરાના દેશરાજવી શ્રીમન્ત સયાજીરાવ છે, પણ વડોદરાન હૃદયરાજવી તો ભટ્ટ પ્રેમાનન્દ જ છે. વડોદરાથી ઈશાનમાં અઢારેક ગાઉ ઉપર પાવાગઢ પવનગઢનો ગિરિદુર્ગ છે. આકાશના વાદળિયા ચંદરવા નીચે ઉભેલા એ એકાકી ખડકને દિશદિશમાંથી આવીને પવનની ઊર્મિમાલા અથડાય છેઃ ગિરિશૃંગ ત્હેમને સર્વને સત્કારતું નિજસમાધિનિમગ્ન તે ઉછળતી તરંગમાલાઓ વચ્ચે અડગ ને અડોલ વિરાજે છે. જેવો એ પવનગઢ દૂરથી વડોદરા ઉપર નિહાળતો, એકાકી ને મિત્રમંડળ વિહોણો, પોતાના ગરવા ચિન્તનધ્યાનમાં જાણે વિલીન, ઉભેલો છે, એવા મહારાજ સયાજીરાવ ચિન્તનવિલીન એકાકી ગરવા ગાયકવાડ, લક્ષ્મીવિલાસ મહાલયના મિનાર સરીખડા, દૂરથી એક દૃષ્ટે વડોદરાના–ને ગુર્જર પ્રાન્તના–ભવિષ્યને ઊગતું નિહાળી રહેલા લાગે છે. મહર્ષિ દાદાભાઈ અને કર્મસંન્યાસી મોહનદાસ ગાંધી હિન્દને બ્રિટિશ સલ્તનતના રાજ્યમંડલમાં પ્રવેશ કરાવવાને જીવનભર પ્રયત્નશીલ હતા ને છે. મહારાજ સયાજીરાવે પણ, એ બે મહાન ગુજરાતીઓની પેઠે, હિન્દભણી, જગત્ની મમતાભરી દૃષ્ટિ દોરવી છે. મ્હોટા પર્વતોમાં મ્હોટી ખીણો, તેમ મહાન્ પુરુષોમાં પણ ઘણી વેળા હોય છે એ તેજછાયાનું સરવૈયું કાઢતાં એમ જ કહેવું પડશે કે પિતામહ વૃદ્ધવીર દાદાભાઈ અને નિત્યયૌવનભર મોહનદાસ ગાંધી પછી ગુર્જરાધિપતિ શ્રીમન્ત મહારાજ સયાજીરાવ ગાયકવાડ સર્વશ્રેષ્ઠ વર્તમાન ગુજરાતી છે. બ્રિટિશ સલ્તનતના મન્ત્રમંડલમાં કે જગત્ના ભાવિ ઇતિહાસમાં મહારાજ સયાજીરાવથી ઓળખાતાં ગુજરાત શરમાશે નહીં.