ચિત્રદર્શનો/સૌરાષ્ટ્રનો સાધુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૪, સૌરાષ્ટ્રનો સાધુ

સૌરાષ્ટ્રીઓ! સહુ સુણજો,
સોરઠ સાધુસૂનો થતો જાય છે.

ને એ સાધુ યે ગયો
સાન્ત તજી અક્ષરમાં.
એ ગયો અવનિમાંથી ઉપર.
ને ચાલ્યે જ જાય છે એમની એમ
જગતની આ ઘટમાળ.

શૃંગાળાં ગિરનારનાં શિખરો
હવે સૂનાં સરીખડાં છે.
એ મુગટોમાં મણિઓ નથી.

ત્હેની પ્રિય ટેકરીઓને ખોળે
તે પોઢ્યો મૃત્યુસમાધિમાં;
ત્હેનાં પ્રિય સાગરજલમાં
ઠરી ત્હેની દેહભસ્મ.

મ્હારે તો હતી
પંદર વર્ષની પિછાન એ સાધુજનની,
પણ તે પંદર તિથિઓના જેવી,
દિને દિને ઓર ઉઘડતી
એ અમૃતની ચન્દ્રકલા.
પૂર્ણિમા પ્રકાશી એ સુધાકરની,
ને કૃષ્ણ પક્ષ બેઠો પછી.

અમે એને બાવાજી કહેતા.
એની ફૂંકથી દુઃખ ફીટતાં,
એના અડકવાથી રોગ મટતા,
સિચ્ચિદાનન્નદના એના જયધ્વનિ હતા.
ઓમ્નો શંખનાદ ગજવતો તે આવતો,
ઉમંગ ને ઉત્સાહના પ્યાલા પાતો,
આણેલા અવનવા આદેશ સુણાવતો,
ને સર્વસ્વ મૂકી ભાગતો.
રોક્યો કદ્‌ી યે રોકાયો નથી
છેલ્લી ઘડી સુધી તે.
એ તો ભવનો ભાગેડુ હતો.
વડીલે લગ્નનાં મુહૂર્ત લીધાં
તે જઈ બેઠો ગંગાને કાંઠડે,
કાશીવિશ્વેશ્વરના વિશ્વવિખ્યાત ચોકમાં.
ઘાટના સંન્યાસીઓ કનેથી
સંન્યાસની ભાંગ પીધી,
ને ભરી લીધાં અંગોમાં ગંગોદક,
ઘેર પિતાનાં દાશરથી મૃત્યુ થયાં.
એમ લીધી જીવનભરની
એ બ્રહ્મચારીએ બ્રહ્મચર્યદીક્ષા.
ત્હેના જોબનપુરને મોહ્યા હતા
મહાજનમ્હોડવી લક્ષ્મીના યે દાસ.
ભામિનીઓથી ભડકેલો તે
અબળાને બલાખાતું ભાખતો.
પણ સૌન્દર્યનો હતો પરમ પૂજારી.
સંસારમાં સ્વર્ગની સુંન્દરીઓ
અવતારવાના એના હતા કોડ.
રસિકવર માધવરાયજીનો પ્રતિહાર
હતો તે રસનો ઘાયલ રસિયો.
નિરન્તરનો નિઃસ્વાદુ તે
ભોજનની કવિતાઓ કલ્પતો,
અજબ વાનીઓનાં કાવ્યો રચતો.
તે વનચર હતો;
વનવનની વનસ્પતિઓમાં
તે ફરતો ને ચરતો,
ને ઉગતી ઔષધિઓ આરોગતો.
એ તો પરિવ્રાજક હતો
અનન્તઆયુષી આર્યાવર્તનો.
તીર્થજલના કો ઘાટ,
શિખર શિખરનાં કો મન્દિર,
ગુફાઓ કે ગિરિમાલાઓઃ
એને એક્કે અજાણ્યાં ન હતાં.
કાશ્મીરની કમનીય સરોવરકુંજો,
બદ્રીકેદાર ને અમરનાથના
બરફના રણપગથાર,
સિન્ધુ બ્રહ્મપુત્રા ને ઈરાવતી,
ગંગા ગોદાવરી કે કાવેરી,
ધનુષ્યકોટી ને સાગરસેતુ,
કાંચનઝંગા ને ધવલગિરિઃ
તે સર્વેેના સનાતનત્વમાં
કરતો હતો પરમ દર્શન
ગુજરાતનો એ પરિવ્રાજક.
એને એક જ મોહ હતો,
એની જન્મભૂમિનો ને ‘જી’ નો.
ચોરવાડની ચારુ વાટિકા કીધી એણે.
અણછતાને છતું કીધું
ગુજરાતની ગૃહકુંજોમાં
વતનને નામે રડતો તે લોકસભાઓમાં.
એ દેહનો તે આત્મા હતો,
એ પ્રાણની તે પ્રેરણા હતો.
સદ્‌ભાવ ને સત્કર્મના આંબા
વાવી ઉછેરેલા હતા ત્ય્હાં.
તીર્થોના તીર્થપરિમલ લાવી લાવી
પમરાવી હતી પરાગવન્તી
સૌરાષ્ટ્રના સાગરતીરની ચારુ વાટિકા.
ઘરઘરમાં ને ઉરઉરમાં ભર્યા હતા
એ પુણ્યધામોના પુણ્યભાવ.
ને પીધાં હતાં પ્રકૃતિમાનાં ધાવણ
એ કુદરતના બાલકે યે બહુમૂલાં.
વડાવનનું ગુણગાંભીર્ય,
નાગરવેલની સુકુમારતા,
કદળીવનનાં સૌન્દર્યસોહાગ,
સહકારમાલાની પરોપકારિતા,
ઝુંડમાંનાં સાહસિક પૃથ્વીપર્યટન,
ચોરવાડને ઘેરી પડેલી
અર્ધચન્દ્રકાર લીલોતરીની ટેકરીઓનાં
નિરન્તરનાં હરિયાળાં હાસ્ય
મીઠ્ઠી વાવોનાં અખૂટ ઝરણઃ
એવી હતી ત્હેની યે આત્મવિભૂતિઓ.
મનનો તે હતો મહારાજાધિરાજ,
પણ ભક્તાધીન ભૂધર જેવો
મિત્રોની મૈત્રીનો તે હતો મેળો.
કવિના અખાડાનો
તે પાટજોગી હતો.
માણેકને કહેતો રત્નોમાં રત્નરાણી.
ભક્તિ કર્મ ને જ્ઞાનમૂર્તિ સમોવડું
ત્હેનું યે હતું ત્રિપુટિમંડલ.
ભજનની કેકાવલિ લલકારતો,
થનગન પ્રભુનૃત્યે નાચતો,
ઉરમાં દેવહિંડોલ ડોલવતો,
આત્મામાં બ્રહ્મભરતી ઉભરાવતો
એ ખાખી ભક્તરાજ મોહનદાસજીઃ
ગરીબોને સાહિત્યજલ પાતો,
કર્મગંગામાં ડૂબકાં ખાતો–તરતો,
તેજસ્થંભ શો ઉજ્જવલ ને ભારખમો,
મોભી અડગનિશ્ચયી કૂટસ્થ શો,
પરમ કર્મયોગી અખંડાનન્દજીઃ
ને જ્ઞાનગમ્મતમાં કલ્લોલતો તે.
હું તો ડોકિયાં કરી જતો,
ઝાંખી લેતો, અડધુંક આવતો.
એ તો તારાઓ મહાજલના
તૂટ્યો ત્હેમનો એ ત્રિવેણીનો ત્રાગડો.
નરનારાયણી ભજનમંડલીનો
એ હતો ભોગી ભક્તરાજ.
અજબના એ અર્થ ઉકેલતો,
કૃષ્ણબંસીના બોલ પારખતો,
સાગર સાથે વાતો કરતો,
ચોપાટીને મોહમયી આરે,
કે પાણખાણોની પેલી પાર વતનમાં
ડડ્ડા દ્‌હેરીના દ્વીપકલ્પને તીર
શિવમન્દિરની છાયામાં
બેસતો અડોલ ને અવ્યય,
ઝીલતો સાગરના સનાતન સન્દેશ,
ને સાધતો એમ સાગરસમાધિ.
ગહનતામાં તે નિહાળતો,
અનક્ષરી લેખ વાંચતો,
અનાહત શબ્દ સુણતો,
ને રહેતો એ મસ્તીમાં અલમસ્ત.
એકદા જગતનો પડદો સળક્યો,
ડોલ્યો, ને ઉપડવા લાગ્યો,
આકાશની ઝાલર સંકેલાશે લાગ્યું
ગહનતાનાં દર્શન કરાવવાને કાજ.
પાગલતાની ખોની ભેખડધારે
લાગ્યું કે એક પાય હતો,
ને બીજો હતો અધ્ધર અન્તરિક્ષે
એ કોતરના મુખદ્વારમાં પડતો.
પડદાને ડોલતો થંભાવ્યો,
દુનિયાના ડાહ્યા રહ્યા યોગીજન.
જતાં કીધાં સદાનાં
વિશ્વગહનતાનાં તે ભેદદર્શન.
ઓ જગતના લોક! બોલો,
આપણે એથી કમાયા કે ખોયું?
કાલગંગાને ઉભય આરે
એના ઊંડા પાયા હતા,
જૂનાનવાનો તે સેતુ હતો.
કંઈ કંઈ વિદ્વાન્‌મંડલીને
સાંકળતી તે મણિસાંકળ હતો.
એક દ્વીપ છે ન્હાનકડો
નર્મદાના વિશાલ જલપટમાં.
એની એક પાંખે વેદાભ્યાસી બરકાલ,
ને બીજી પાંખે શુકદેવજી વિરાજે છે
પૃથ્વીની ભમ્મર જેવા ઉત્તુંગ કિનારે.
ગંગનાથના અનુભવિયા યોગીન્દ્ર
અતલ બ્રહ્મજલના તારા
બ્રહ્માનન્દજી પાસ દીક્ષા લઈ
વ્યાસના વનમાં સંચર્યો તે બ્રહ્મચારી.
નર્મદાના એ વ્યાસોદ્યાનમાં,
શુકદેવજીની છાયાપામરી ઓઢી,
સંકલ્પ કીધો અઢાર સ્વર્ગ રચવાનો.
એ ક્ષેત્ર વ્યાસક્ષેત્રની છાયા છે,
એ પ્રતિજ્ઞા વ્યાસપ્રતિજ્ઞાની છાયા રહી.
એ અભિલાષ અધૂરા રહ્યા.
ગુજરાતના ભાગ્યની એટલી ઉણપ.
એની દૃષ્ટિ જ હતી અદ્‌ભુત,
સ્વર્ગીય નયને તે જગતને જોતો.
આર્ય વિધવાની આરત ત્હેણે સાંભળી.
ને ત્હેમની દુઃખસોહન્ત વિમલતા યે
નીરખી હતી ત્હેની આંખડલીએ.
જગન્નાથપુરિયાઓનો તે જોધ્ધો હતો.
પ્રેમ પ્રેમ ને પ્રેમ
હતો ત્હેનો જીવનમન્ત્ર.
પંડિતોનાં પાંડિત્યધનનો
તે નિર્ધન હતો,
પણ અખંડ ઉછળતી
આત્માનુભવની ત્હેની પાતાલગંગા.
સંન્યાસીની સામગ્રી સમા,
બુદ્ધના સૂત્રચતુષ્ટય જેવા,
ત્હેને યે હતાં ચાર મહાસૂત્રો.
‘બંદા ચક્‌ક્રમ, કે દુનિયા દિવાની?’
એમાં તરતી ત્હેની નિરભિમાનતા.
‘ચોક્કસ દરજ્જે’
એમાં વસતી ત્હેની સત્યપ્રિયતા.
‘પોલંપોલ.’ એમાં હતાં
ત્હેના અનુભવના દર્શનવિવેક.
‘ઝાડુસ્તોત્ર’ઃ એમાં પ્રગટતી
ત્હેની કર્મયોગની કર્તવ્યભાવના.
ત્હેની ફિલસુફીના સિંહાસનનાં
એ ચાર પાવઠાં.
ન્હાનકડા ગુજરાતના ઓ ન્હાનકડા બુદ્ધ!
ત્હારે લોકભાષામાં જ બોધવું હતુંઃ
પંડિતોની સભાભાષમાં નહિ,
પણ સ્ત્રીબાલકની કુલભાષામાં
ત્હારે લખવા હતા નવસત્યોના નવગ્રન્થો.
ત્હારી અક્ષરાવલિ જ અનોખી,
જાણે અજ્ઞેયની કો નિગૂઢ લિપિ.
તે અલૌકિકમાં જ રમતો,
ને અલૌકિકનાં દર્શન લૌકિક કરાવતો.
જગતને સ્વર્ગ દાખવતો,
સંસારમાં ને સંસારથી પર.
તે અદ્‌ભુતમાં જ આનન્દતો,
ને અદ્‌ભુતને અવનિમાં ઉતારતો.
ભેદાવલિની ગહન ઘટાકુંજોમાં
તે ઉડતો ને ઉડાવતો.
પરમ યોગનું પ્રથમ પદ,
પ્રાણવિનિમયનાં ભેદદ્વાર,
ઉઘડ્યાં હતાં ત્હેને કાજ.
જંગલની જડીબુટ્ટીઓ,
વૈદકવિજ્ઞાનના અગોચર અખતરા,
તે શોધકને સુગમ હતા.
આત્મસત્યોની સમીમાં તે રખડતો,
કે જ્ય્હાં સ્થૂલની પાળો
અધ્યાત્મજલમાં ભળે છે.
બંસીમાં પ્રભુએ શું ગાયું?
એ શોધવા મથતો.
મસ્તકવિદ્યાના આછાઅધૂરા સૂચનથી
ભૂત ને ભવિષ્ય ભાખતો.
કવિતાની પાંખો ઉપર
ગહનતાના આરાઓમાં
સનાતન ભેદાવલિનાં ગીરમાં
ભમતો હતો અધ્ધર ને એકાકી.
પુરાણપ્રસિદ્ધ ઇતિહાસોજ્જવળ
સૌરાષ્ટ્ર ભવ્યતાઓની ભૂમિકા છેઃ
ગભીરાં ગીર ને ગરવો ગિરનાર,
સિંહ સાગર ને સોમનાથ,
યદૃુવંશની ને શ્રીકૃષ્ણની ભસ્મ,
લીલી નાઘેરની જલભર કુંજોઃ
એ કાલજૂની ભવ્યતાઓમાં તું
ભટકતો, ભોગવતો, ને ભોગવાવતો.
એમાં સૌમાં ગરૂડ ઉડે
એમ તું ઉડતો વિશાળપંખાળો,
ને ગિરિશિખરે ત્હારા માળા હતા.

ને એમ જ
રહેવું હતું ને ત્હારે?
વાયુની લહરીની પેઠે છુટ્ટા,
ને વ્યોમ વીજળીની પેઠે નિર્બન્ધ?
ગગનપાટે મેઘખંડ કો વિચરે,
પૃથ્વી પરના ગગનપડછાયા સમા
મહાસાગરે કો મહામોજ
ઘેરૂં ઘેરૂં ઘુઘવતો ઘૂમે,
એમ ત્હારે યે ઘૂમવું હતું જગતમાં.
લગ્નમાં યે રસબન્ધન
ત્હેં ન સ્વીકાર્યાં જીવનભરમાં.
પરમાર્થના કે લોકસેવાના યે
વ્રતબન્ધ ન લીધા કદી પણ,
છેવટે દેહબન્ધે ત્યાગ્યો
ત્હારા નિર્બન્ધ આત્માએ.
ઉડી ગયો આકાશના પડદા પાછળ,
અનન્તની વનઘટાઓમાં અદૃશ્ય.
નિર્બન્ધને પ્રેમના બન્ધે નવ હોય?
કહે છે ને સહુ કે
પ્રેમ તો પ્રભુતા છે?
ને કાલનાં ત્હારાં તેજવધામણાં!
સૂર્યલોકમાંથી ત્હારા તેજનમસ્કાર!
ત્હારા દ્વાદશાની સ્હાંઝ હતી,
અમે મહાસાગરને આરે હતા,
તુજ સ્મરણોને સંભારતા હતા.
ઘણાએ ત્ય્હારે અણદીઠેલું દીઠું.
વ્યોમ ભરી બાંધ્યો હતો મેઘચન્દરવો,
તેજના ગલ સરિખડો
સન્તાયેલો હતો માર્તંડ મેઘપટલમાં.
બજતી હતી ઘેરી ઘેરી
સાગરની સનાતન કરતાલ.
અમ્ભોધિની રૂપેરી ફેનિલકિનારી સિવાય
જલપગથાર ગગનપાટ ને અન્તરિક્ષ
કૃષ્ણરંગી હતાં મેઘશ્યામ.
દૂર દૂર, માત્ર સાગરને સીમાડે,
લહરતી હતી તેજભૂમિકા
રૂપાની વાડીઓ સરિખડી.
તેજકુંજોની કુંપળરેખા સમી
ફરકતી હતી જલોર્મિની પાંદડીઓ ત્ય્હાં.
સાનન્દાશ્ચર્યથી અમે સૌ એને
અનિમિષ નેને નીરખી રહ્યા.
જાણે આંખડલીના આમન્ત્રણનો ઉત્તર હોય,
જાણે અમારી આશાનાં આગમન હોય,
જાણે હિમાદ્રિના હિમપગથારમાંથી
ગંગોદકની સહસ્રધારા વરસતી હોયઃ
વાદળછાંયડીના વહતા પૂરતી પેઠે
જગત્‌સીમાન્તેથી વહી આવ્યો
તે તેજભૂમિકાનો પૂરપ્રવાહ,
ને શામળા સાગરજલ ઉપર
સરિતાના રજતપટ સમોવડો
વિશાલ તેજપાટ પાડ્યો.
મેઘાડમ્બરે યે કોર સંકોરી ઘડીક,
ને એ ભર્ગનાં દર્શન કરાવ્યાં લગીર
કે જેને જગજ્જનો પૂજે છે
જગતના જન્મકાળથી.
અમને વધાવી વહી ગઈ
તે તેજગંગાની ઉછળતી છોળ,
જાણે મૃત્યુએ પળેક પડદો ઉપાડ્યો,
જાણે કે જરીક ત્હારૂં પોપચું ઉઘડ્યું,
ને ત્હારી તેજમીટના એક મટકાએ
વધાવ્યા, તેજસ્નાન કરાવ્યાં.
એમ લાગ્યું અવનીમાંના અમને કે
ત્હારા આત્મતત્ત્વે દર્શન દીધાં જાણે
એ સૂર્યલોકના તેજકિનારેથી.
પણ પૃથ્વીવાસીના પુણ્યોદય
અનિત્ય જ છે હંમેશાનાઃ
પંખીની ઉડતી પાંખના પલકારા શા.
તે સિધાવ્યો સાધુવર
મનુષ્યમાંથી દેવમંડલીમાં,
અનિત્યમાંથી નિત્યધામમાં,
જગતમાંથી જગન્નાથમાં,
માયામાંથી પરબ્રહ્મમાં.
યોગીઓની યોગગુફાઓ
ખાલી–ખાલી શી છે ઉજ્જયન્ત ઉપર,
ગગનગહ્વર શા ગરૂડના માળા
સૂના–સૂના છે, દ્‌હેરીઓ સમા,
ફૂટેલા કાનની બખોલો જેવા.
સિંહની બોડમાં બ્હારવટિયા
ભરાય છે ને મરાય છે,
મહાત્માઓ નથી એ વનમ્હેલોમાં.
સૌરાષ્ટ્રીઓ! સૌ સુણજો
મનુકુલનો આ મહાપોકાર,
ઊંડું ઊંડું અન્તરમાં આલોચજોઃ
ગઈ ગ્રીષ્મમાં ગિરનાર દૂઝતો ન્હોતો.
ફૂટેલાં લોચનો સરિખડા
જલકુડો જલખાલી હતા.
પૃથ્વીના સુકાયેલા સ્તન સમા
શિખરોની હૃદયસેરો ન્હોતી વહતી.
વહૂકી ગઈ હતી ગિરનારની કામધેનુ.
ગિરિવાસીઓ ગિરિ ઉપર
પાણી તળેટીમાંથી ચ્હડાવતા.
સૌરાષ્ટ્રીઓ! શિખરો સૂકાય છે,
ગૌમુખી ગંગાનાં વ્હેણ તૂટ્યાં છે.
દેવશિખરો સૂનાં સમાં છે,
મન્દિરોમાં મહાત્માઓ નથી.
સોરઠ સાધુસૂનો થતો જાય છે.
ને એ અમૃતમોરલો યે
ઉડી બેઠો અનન્તને આંબલિયે.
એની ઘેરીમધુરી કેકા ટહૂકી,
એ જીવનપુરાણે સમાપ્ત થયું.
ચારુ વાટિકાનો ચારૂત્તમ
સિધાવ્યો તે સૌરાષ્ટ્રનો સાધુરાજ
અહાલેક ઉચ્ચારતો અલખની મઢીઓમાં.