ચિનુ મોદી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

મોદી ચિનુ ચંદુલાલ, ‘ઇર્શાદ’(૩૦-૯-૧૯૩૯) : કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક. જન્મ ઉત્તર ગુજરાતના વિજા પુરમાં. પ્રાથમિક શિક્ષણ વિજાપુરમાં. માધ્યમિક શિક્ષણ ધોળકા, અમદાવાદમાં. ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૫૮માં ગુજરાતી-ઇતિહાસ વિષયો સાથે બી.એ. ૧૯૬૦માં એલએલ.બી. ૧૯૬૧માં ગુજરાતી હિન્દી વિષયોમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૬૮માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિદ્યાવાચસ્પતિની ઉપાધિ. ૧૯૬૧થી ૧૯૬૪ સુધી કપડવંજ અને તલોદની લેજોમાં અધ્યાપન. ૧૯૬૫થી ૧૯૭૫ સુધી અમદાવાદની સ્વામીનારાયણ આર્ટ્સ કૉલેજમાં અધ્યાપક. ૧૯૭૫થી ૧૯૭૭ સુધી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનમાં સ્ક્રિપ્ટ-રાઈટર. ૧૯૭૭થી જાહેરાત ક્ષેત્રે ફ્રી લાન્સર, ‘કૃતિ', ‘ઉન્મેલન’ અને હોટેલ પોએટ્સ ગૃપ ઍસોસિએશનના તંત્રી. એમની પ્રારંભકાળની ‘વાતાયન' (૧૯૬૩) ની કવિતા સંવેદના અને છંદઆયોજન પરત્વે અનુગાંધીયુગીન સૌંદર્યલક્ષી કવિઓની કવિતાને અનુસરે છે; પરંતુ ‘રે મઠ'ના કવિમિત્રોના સંપર્કમાં આવ્યા પછી તરત એમની કવિતામાં આધુનિક કવિતાનો મિજાજ પ્રગટ થાય છે. વાતાયન'ની રચનાઓને સમાવી એમાં બીજી રચનાઓ ઉમેરીને પ્રગટ કરેલા સંગ્રહ ‘ઊર્ણનાભ' (૧૯૭૪) ની કવિતામાં છાંદસની સાથે અછાંદસ કવિતા રચવાનું વલણ દેખાય છે. ત્યાર પછી પ્રગટ થયેલા ‘શાપિત વનમાં' (૧૯૭૬) અને ‘દેશવટો’ (૧૯૭૮) ની રચનાઓમાં એ વલણ વિશેષ પ્રભાવક બને છે. જીવન પ્રત્યેની નિર્ભનિત, એકવિધ જીવન પ્રત્યેની ઉબક, માનવસમાજે ઊભાં કરેલાં મૂલ્યોની મજાક વગેરે આધુનિક સંવેદન એમાં વ્યક્ત થાય છે. અછાંદસ રચનાઓની સાથે ગઝલ પણ ‘રે મઠ'ના કેટલાક કવિમિત્રો દ્વારા આધુનિક મિજાજની વાહક બની પોતાનું નૂતન રૂપ સિદ્ધ કરે છે. ગઝલનું આ નૂતન રૂપ સિદ્ધ કરવામાં આ કવિનો પણ અગત્યનો ફાળો છે તે ‘ક્ષણોના મહેલમાં' (૧૯૭૨), ‘દર્પણની ગલીમાં' (૧૯૭૫) અને ‘ઇર્શાદગઢ' (૧૯૭૯)ની ગઝલોમાં જોઈ શકાય છે. ‘તબી' પ્રકારની નવા સ્વરૂપવાળી ગઝલ કવિને પોતીકો ઉન્મેષ છે. ‘બાહુક' (૧૯૮૨) ‘નળાખ્યાન’ના પૌરાણિક પાત્ર બાહકને વિષય બનાવી સંસ્કૃતાઢય શૈલી અને અલંકાર વૈભવથી ખંડકાવ્યના નૂતન રૂપને સિદ્ધ કરવા મથતું, નગરવિયોગને વાચા આપતું પરલક્ષી કાવ્ય છે. ‘રે મઠ'ના કવિમિત્રો સાથે રહી કવિતાની સાથે નાટ્યરચનામાં પણ પ્રયોગશીલ વલણ એમનાં નાટકોએ દાખવ્યું છે તે ડાયલનાં પંખી' (૧૯૬૭)નાં પદ્યમાં રચાયેલાં ઍબ્સર્ડ એકાંકીઓ બતાવે છે. આ અને પછીનાં કોલબેલ' (૧૯૭૩) નાં એકાંકીઓમાં નાટ્ય સિદ્ધિ કરતાં પ્રયોગપ્રિયતા વિશેષ છે. પરંતુ આકંઠ સાબરમતીના નાટ્યપ્રયોગની વર્કશૉપ શરૂ થઈ ત્યારપછી રચાયેલાં હુકમ, માલિક' (૧૯૮૪)નાં એકાંકીઓમાં નાતત્ત્વ વિશેષ સિદ્ધિ થયું છે. એમાંની શીર્ષકદા હુકમ, માલિક' કૃતિમાં ચૈતન્યવિહીન યંત્ર સંસ્કૃતિએ માનવજીવનને કેવો ભરડો લીધો છે એ વિચારને અરબી કથાના જીનની વાત દ્વારા સુંદર અભિવ્યક્તિ મળી છે. ‘જાલકા’ (૧૯૮૫) એ ‘રાઈને પર્વત’ નાટકના જાલકાના પાત્રને કેન્દ્રમાં મૂકી રચાયેલું, સ્ત્રીમાં રહેલાં મહત્ત્વાકાંક્ષા અને પુત્રપ્રેમને વ્યક્ત કરતું નવપ્રવેશી ત્રિઅંકી નાટક છે. ‘અશ્વમેધ' (૧૯૮૬) એ યજ્ઞના અશ્વ અને અશ્વમેધ કરનાર રાજાની રાણી વચ્ચેના જાતીય સંભોગની શાસ્ત્રોકત વિધિને વિષય બનાવીને રચાયેલું, સ્ત્રીમાં રહેલી કામાવેગની ઉત્કટતા અને એમાંથી સર્જાતી પરિસ્થિતિને આલેખતું ધ્યાનપાત્ર ત્રિઅંકી નાટક છે. આમ, એકાંકી પરથી અનેકાંકી નાટ્યચના તરફની લેખકની ગતિ જોઈ શકાય છે. કવિતા અને નાટકના સર્જનની સાથે સાથે એમનું નવલકથા સર્જન પણ સમાંતરે ચાલતું રહ્યું છે ખરું, પણ એમાં સિદ્ધિ ઓછી છે. ‘શૈલા મજમુદાર’ (૧૯૬૬) આત્મકથાત્મક રીતિમાં રચાયેલી, બે પુરુષોના સંપર્કમાં આવતી, દરેક પુરુષ પોતાને સ્ત્રી તરીકે નહીં પરંતુ એક વ્યક્તિ તરીકે જુએ એમ ઝંખતી અને એમાં નિરાશ થતી નાયિકાની કથા છે. ‘ભાવચક્ર' (૧૯૭૫)ના એક ખંડમાં ‘શૈલા મજમુદાર’ની કથાનું જ પુનરાવર્તન છે. બીજા ખંડમાં પૂણેન્દુ શર્માના પરિપ્રેક્ષ્યથી બનેલી ઘટનાને જોઈ છે ખરી, પણ એનાથી કૃતિને કોઈ વિશેષ પરિમાણ પ્રાપ્ત થતું નથી. ગ્રામપરિવેશવાળી, લીલા નાગ’ (૧૯૭૧) મનુષ્યમાં રહેલા જાતીય આવેગ અને તેની વિકૃતિની કથા છે. ‘હેંગ ઓવર’ (૧૯૮૫) કામના ઉત્કટ આવેગ વાળી સ્ત્રીમાં જન્મતી ઉડ પ્રગભૂતાને આલેખે છે. એમની વિશેષ જાણીતી બનેલી નવલકથા ‘ભાવ-અભાવ' (૧૯૬૯) પોતાના અસ્તિત્વથી સભાન બનેલા એક માનવીની જીવનકથા છે. વિચાર તત્ત્વનું ભારણ આ લઘુકૃતિની કલાત્મકતાને જોખમાવે છે. પહેલા વરસાદના છાંટો(૧૯૮૭) એમની ધારાવાહી નવલકથા છે. ડાબી મૂઠી જમણી મૂઠી' (૧૯૮૬) એમનો ઠેરઠેર પદ્યપંકિતઓથી મંડિત પ્રયોગલક્ષી વાર્તાસંગ્રહ છે. મારા સમકાલીન કવિઓ' (૧૯૭૩) અને પછી એ ગ્રંથના લેખમાં બીજા લેખ ઉમેરી પ્રગટ કરેલા ગ્રંથ બે દાયકા ચાર કવિઓ' (૧૯૭૪)માં ચાર આધુનિક કવિઓ મણિલાલ દેસાઈ, રાવજી પટેલ, લાભશંકર ઠાકર અને મનહર મોદીની કવિતાની સૂઝભરી સહૃદયી તપાસ છે. ‘ખંડકાવ્ય - સ્વરૂપ અને વિકાસ (૧૯૭૪) એ મહાનિબંધ તથા કૃષ્ણલાલ શ્રીધરાણી' (૧૯૭૯) એ ગુજરાતી ગ્રંથકાર શ્રેણીની પુસ્તિકા લેખકની કાવ્યવિશ્યક સૂઝની પ્રતીતિ કરાવે છે. - ‘ચઢો રે શિખર રાજા રામના' (૧૯૭૫) અને ગમી તે ગઝલ (૧૯૭૬) પૈકી પહેલું ચંદ્રવદન મહેતાની પ્રતિનિધિ કવિતાનું, તો બીજું આધુનિક ગઝલકારોની નીવડેલી ગઝલોનું સંપાદન છે. ‘વસંતવિલાસ' (૧૯૫૭) એ જ નામના મધ્યકાલીન ગુજરાતી ફાગુકાવ્યને અનુવાદ છે.