ચિલિકા/ચારુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચારુ ચિત્રપટ ચિલિકા




સાંભળો: ચારુ ચિત્રપટ ચિલિકા — યજ્ઞેશ દવે


ઉત્કલ કમળા ગિલિકા ગયા વરસે ઓરિસા યાત્રા વખતે ટ્રેનની બારીમાંથી જોયું હતું. ઊતરી પડવાનું મન થાય તો ય ઊતરી શકાય તેમ ન હતું. સરોવરને કાંઠે કાંઠે માઈલો સુધી ટ્રેન ચાલે, બારીની ફ્રેમમાં દૃશ્ય અંકાયાં કરે, સરક્યાં કરે. ચળકતાં શાંત ઝલમલતી જળ વચ્ચે તરવા પડેલા ટાપુઓ અને મૌન પહાડો, જળમાં ભળી જતી ક્ષિતિજ, માછીમારે છીછરા જળમાં પાથરેલી જાળની વાંસ-લાકડીઓની બંકિમરેખાઓ, તેના તરંગિત પડછાયા, સરોવરજળ પર તરતાં પહાડનાં પ્રતિબિંબો, એકલો ઊભેલો બગલો કે ઉપરથી ઊડી જતી પંખીપંક્તિઓ. બારીમાંથી ધરાયા વગર જોયા કર્યું ને ચિલિકા પસાર થઈ ગયું. તેના કાંઠે નાનકડા કોઈ સ્ટેશને ઊતરવાની તેના નિભૃત કાંઠે બેસવાની ઇચ્છા અધૂરી રહી ગઈ. આ ઉત્કટ ઇચ્છા જ કવિસંમેલનને બહાને ચિલિકા લઈ આવી. માર્ચમાં ઓરિસા સાહિત્ય અકાદમીએ અને ઈસ્ટર્ન ઝોન કલ્ચરલ સેન્ટરે ૧૯૯૮ના ૨૦-૨૧-૨૨ માર્ચના ત્રણ દિવસ ચિલિકા કાંઠે બરકુલમાં કાવ્યસત્ર યોજ્યું. તેનું નિમંત્રણ મળ્યું અને ચિલિકાકાંઠે રહેવાની ઇચ્છા પૂરી થઈ. ચિલિકા ભારતનું સહુથી મોટું ભાંભરું સરોવર. વિસ્તાર એક હજાર ચોરસ માઈલથીય વધારે, પુરી, ખુર્દા અને ગંજામ એ ત્રણત્રણ જિલ્લામાં પથરાયેલું, ઉપરથી બંગાળના ઉપસાગર સાથે જોડાયેલું. અનેક જાતની માછલીઓ, જીંગા, લોબસ્ટર અને કરચલાની જાતિ-પ્રજાતિઓ અહીં થાય. લાખો કુટુંબો તેના પર નભે. સાતપાડા ટાપુ પાસે તો ડોલ્ફીનની ચંચળ રમતોય જોવા મળે. અનેક યાયાવર પક્ષીઓ સરોવરના ખોળામાં હેમાળો ગાળવા આવે. યાયાવર પક્ષીઓ જેવા અનેક પર્યટકો અહીં આવે, મનમાં સરોવર ભરી વતન પાછા જાય. અનેક પહાડો-ટાપુઓ આ સરોવરમાં છે. ઋષિકુલ્યા, સાળેય અને દયા નદી તેમનું સર્વસ્વ ઠાલવે છે. આ સરોવરમાં. આ તો થઈ ચિલિકાની ભૌગોલિક કે પ્રાથમિક ઓળખાણ. દરેક ભાવક પર્યટકની ચિલિકાની પોતાની ઓળખાણ વિશિષ્ટ રહેવાની. કવિઓની તો હોય જ. ચિલિકાનાં પ્રત્યક્ષ પરિચય-દર્શન થયાં તે પહેલાં કવિઓ મારફતે તેનો આછેરો પરિચય થયેલો. આ ચિલિકાનું ઓરિસાના જનહૃદયમાં અનેરું સ્થાન, જનહૃદયની એ ભાવના રાધાનાથ રાયની ‘ચિલિકા’ કવિતામાં ઝિલાઈ. ભોળાભાઈના રમણીય નિબંધમાં આ કવિતાનો, આ ચિલિકાનો પરિચય થયેલો.

ઉત્કળ દેશના કમળરૂપ સિલિકા
ઉત્કળ કમળા વિલાસ દિર્ધીકા
મરાળ માલિની નિળાંબું ચિલિકા

‘ળ'ના એક પછી એક આવતાં આવર્તનો જળમાં કમળો ખીલતાં હોય તેવાં લાગે. પણ મનને જકડી રાખતી, સતત અધૂરપ જન્માવતી ચિલિકાદર્શનની મારી મનોસ્થિતિ તો પમાઈ ઉત્કળમણિ ગોપબંધુ દાસની ‘બંદીર આત્મકથા'ની કવિતામાં. કવિને અંગ્રેજી શાસનના વિદ્રોહના ગુનાસર ટ્રેનમાં ખુર્દા લઈ જવામાં આવી રહ્યા છે. રસ્તામાં આવે છે લોભનીય ચિલિકા. કવિ રેલવેએંજિન-બાષ્પશકટને ક્ષણ બે ક્ષણ રોકાવા વિનંતી કરે છે. ચિત્રમાં પણ જે અનુભવ શક્ય નથી તે વાસ્તવ જગતમાં કવિ પામે છે. ચિલિકાના ચારુ ચિત્રપટ રૂપે રહ રહ ક્ષણે બાષ્પીય શકટ દેખિબિ ચિલિકા ચારુ ચિત્રપટ ચિત્રમાણે નાહિ જેણુ અનુભવ વાસ્તવ વિશ્વે કિયે છબી સંભવ ચિલિકાના ટાપુ પરની કાલીજાઈ દેવી ઉપર પણ કવિતા લખાઈ છે. અનેક લોકગીતમાંય ચિલિકાપ્રેમ પ્રગટ થયા છે. એ તો થઈ ઉત્કળ કવિઓની વાત. યાયાવર પક્ષીઓ જેવા ચિલિકાની મહેમાનગતિ માણવા આવેલા અન્ય ભાષાભાષી કવિઓએ પણ ચિલિકાને પામી અને સુપેરે વ્યક્ત કર્યું છે. બંગાળી કવિ બુદ્ધદેવે ચિલિકા પર પ્રભાત જોઈ અસહ્ય સુખનો અનુભવ કર્યો. આ આનંદાનુભૂતિનું વર્ણન કરવા વાણી અક્ષમ બની ગઈ ને બોલી ઊઠ્યા સહસા— ‘કી ભાલો આમાર લાગલો આજ એઈ સકાલબેલાય કેમન કરે બલિ.’ કેવું તો સારું લાગ્યું આ બધું કેવી રીતે કહેવું? ત્યાં જવું, જોવું પડે. વિસ્તીર્ણ જળરાશિ પર પ્રેમી યુગલની વિશ્રંભકથા. કાવ્યનાયકનો સરોવરના વિસ્તાર જેટલો જ વિસ્તીર્ણ પ્રેમ. સરોવર પર ઊડતાં પ્રેમી પતંગિયાં. દિગંત વ્યાપ્ત જળરાશિ અને દિગંતની પડછે પ્રેમીઓનો વિશ્રંભ. એક અદ્ભુત રોમૅન્ટિક કવિતા— રૂપેરી જળ સૂતાં સૂતાં સ્વપ્ન જુવે છે. સમસ્ત આકાશ નીલસ્રોતે ઝરી પડે છે તેની છાતી પર આખી કવિતા તો “કાવ્યાયન’નાં પાનાં ખોલીને વાંચવી જ પડે. હું જૈ બરકુલ બંગલોમાં રહ્યો ત્યાં રહી ૨૩ વર્ષ પહેલાં ઉમાશંકરે ચિલિકાને કાગળ પર ઉતારેલું. કવિએ અહીં સરોવર પર ખેંચાતી ટીટોડીની સ્વરરેખા, ધુમ્મસમાં ખોવાયેલી અને જળ-નભને પાછી મળતી ક્ષિતિજ અને તાંબડિયા ડુંગરો જોયા ત્યારેય કિનારાની જળશાળામાં ખોઈમાં માછલી પકડતા, ભૂખનો જવાબ ખોળતા શિશુઓ અને કાલીજાઈના ટાપુ પરનો, બલિની બકરીઓનો આર્ત ચિત્કાર ભૂલ્યા નથી. એક જ નજરથી સર્વાંગી દૃષ્ટિથી જાણે દૃશ્યને આવરી લે છે. રૉબર્ટ ફ્રોસ્ટની કવિતા યાદ આવી ગઈ — My object in living is to unite My avocation and my vocation As my two eyes make one in sight આવું આ ચિલિકા – અનેક કવિઓની, મનુષ્યોની ચેતનાએ પીધેલું. સંવિતમાં ઝીલેલું ને છતાં દરેક માટે નવજાત અનાઘ્રાત અને તાજું. સર્જનકાળે હતું તેવું જ. આવું ચિલિકા મારી રાહ જોતું હતું. કવિસંમેલન શરૂ થયું તેના આગલા દિવસે અમને બાલુગાંવ રાખ્યા હતા. અહીં રહ્યા તેથી જ અમે નજીકના બનપુરનો બડી ઠાકુરાઈનનો પંચદળ મેળો જોઈ શક્યા. સાંજે મેળો જોઈ આવ્યા પછી પાછા આવતાં જ ખબર પડી કે બધા મહેમાન કવિઓને રાત્રે જ ચિલિકાકાંઠે બરકુલમાં લઈ જવાની વ્યવસ્થા થઈ છે. ચિલિકા સાથે એક રાત વધુ રહેવાનો યોગ થયો. બસમાં બેઠેલા બધા કવિઓ એકબીજાથી લગભગ અજાણ. થોડા થોડા ખૂલતા, સંકોચાતા બસમાંથી બરકુલ ઊતર્યા ને બધા અલગ અલગ રૂમમાં વેરાઈ પુરાઈ ગયા. અમારો ઉતારો ચિલિકાકાંઠે કૉટેજ સંકુલમાં હતો. રાત્રે નવેક વાગ્યે પહોંચ્યા હોઈશું. જતાં જોયું તો ક્ષિતિજ પરથી ચિલિકાના જળમાંથી કેસરી ચંદ્ર ધીમે ધીમે ઊંચકાતો હતો. સામાન તો હજી હાથમાં જ હતો, કૉટેજ ખોલી પણ ન હતી ને ચંદ્રે અમને બોલાવ્યા. હું સમીર, સૌરવ અને બદરીનારાયણ જોતાં જ રહી ગયા એ અમીવર્ષણ ચંદ્રરાજને. બાશો બુશોનના નજાકતભર્યા ચંદ્ર પરનાં હાઇકુઓ યાદ આવ્યાં. ચંદ્રને જોતાં જોતાં તે હાઇકુઓ સંગાથી કવિઓને કહ્યાં. જાપાનીઝ કવિઓની સંવેદનશીલતા અને કળાદૃષ્ટિ પર બધા વારી ગયા— ઓહ તે ગ્રીષ્મનો ચંદ્ર તેણે મને રખડાવ્યા કર્યો આખી ય રાત – તળાવ ફરતે — બાશો કેવો છે ચંદ્ર ચોર પણ થંભ્યો લાગ્યો છે ગાવા — બુશોન કવિનું નામ યાદ નથી પણ એક બીજું સુંદર ચંદ્રહાઈકુ યાદ આવ્યું ચંદ્રદર્શનથી ક્‌લાંત આંખનો થાક હરવા સમય સમય પર આવે છે વાદળીઓ. જાપાનીઝ તો બધાં લ્યુનેટિક – ચંદ્રઘેલાં! સમુદ્રની જેમ ચંદ્રની કળાની સાથે સાથે તેમના મૂડની ય ભરતી ચડે. પૂનમે હેલે ચડે. અમારી સાથેય એક લ્યુનેટિક ચંદ્રઘેલો, ચિલિકાઘેલો, છોકરડો કવિ હતો. કૂણી કુમળી મૂછવાળો કુમળો કવિ સૌરવ સાઈકિયા. તે તો સરી ગયો સરોવર નજીક સમગ્ર સૃષ્ટિને રસી રહેતા, જળમાં ઝલમલતા ચિલિકા તરફ — ચાંદનીને નીરખવા. કેમ ન જાય? અમારામાંથી પસંદ કરી ચંદ્ર તેને એકને જ ઇજન આપ્યું હતું. અમને આપ્યું હોત તો અમેય ન જાત? પણ એ ઇજન તો ભાગ્યશાળીને જ મળે! – સવારે સમીર મળ્યો. મારા લોભિયા મને તરત જ તેને પૂછ્યું, “કાંઠે શું કર્યું? કશું લખ્યું?” તો કહે, “કુછ નહીં; મેં તો સિર્ફ બાતે કર રહા થા. વો (ચાંદ) કુછ બોલી, કુછ કુછ સમજ મેં આ રહા થા, કુછ નહીં.” ચંદ્ર અને ચાંદની પ્રગલભ બની તેના કાનમાં શું કહી ગયા હશે? Tongues in trees Sermons in stone books in running brooks પથ્થરમાં પરમપિતાનો સંદેશ ઝરણાનાં વહેતાં જળમાં, વૃક્ષોમાં વાણી સાંભળતો શેક્સપિયરનો, કાલિદાસનો વંશજ હજી વીસમી સદીને છેવાડે જીવે છે ખરો! તેનો આનંદ તો સૌરવને ભેટીને જ વ્યક્ત કર્યો.