ચિલિકા/દિનેર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દિનેર શેષે ઘુમેર દેશે

કોઈ પણ સભા, સમારંભ કે સત્ર-શિબિરમાં હોય છે તેમ આ કાવ્યસત્રમાંય વ્યવસ્થિત બેઠકોમાં જે પમાયું તે કરતાં સાથી કવિઓ સાથેની વાતો-સંબંધોમાં વિશેષ પમાયું. સમીર તાંતી, મલ્લિકા સેનગુપ્તા, રોહિણીકાંત મુખર્જી કે સ્વરૂપ મહાપાત્ર જેવા જૂના મિત્રોને મળાયું, તો સાથે સાથે કેટલાક નવા મિત્રો થયા. આ બધામાં યાદગાર ક્ષણો જો કહેવી હોય તો તે માણવા આવેલા રવીન્દ્રસંગીતની. તમારી મનોભૂમિ જો તૈયાર હોય તો રવીન્દ્રસંગીત તરત જ ચેતનામાં પાંગરી ઊઠે. રવીન્દ્રનાથ છે જ ચેપી અને હઠીલા. એકવીસમી સદીના ઊંબરેય કે રોજિંદા જીવનજુદ્ધની જદ્દોજદ વચ્ચેય ટકી રહ્યા છે. જે કાંઈ વીસ-પચ્ચીસ રવીન્દ્રગીતો સાંભળ્યાં છે, ગમી ગયાં છે. સૂર અને શબ્દનું આવું નમનીય, લવચીક સાયુજ્ય વિરલ જ લેખાય. અહીં બેત્રણ વાર રવીન્દ્રસંગીત સાંભળવાનો મોકો મળેલો તેય પાછો અભિજાત રસિક કવિઓ પાસેથી. એક વાર રાત્રે જઈ ચડ્યો. બંગાળી બાબુઓ-બાનુઓની વચ્ચે. મલ્લિકા સેનગુપ્તા, ચૈતાલી ચટ્ટોપાધ્યાય, બ્રત ચક્રવર્તી અને રાહુલ પુરકાયસ્થની ચોકડી સાથે ને સાથે જ હોય. બધાં ફ્રી, બિનધાસ્ત અને તેવાં જ પ્રેમાળ. મલ્લિકા તો કામિનીમાંથી ગજગામિની થઈ ગઈ હતી. સંતાનપ્રાપ્તિ પછી પૃથા થઈ હતી, તો સાથે સાથે વધુ પ્રેમાળ પણ ચૈતાલી ગૌરવર્ણની, સહેજ ભરાવદાર માનુષી-અર્ધેક નારી અર્ધક કલ્પના. કિશોરીની ચંચળતા ગઈ ન હતી. બ્રત ચક્રવર્તી એકલો બહાર બેઠો હતો. બાકી બધાં મશ્વના ઘૂંટ સાથે પદ્યની ચુસ્કી લેતાં હતાં. રવીન્દ્રસંગીત સાંભળવાના મારા આગ્રહે વાતાવરણને સંગીતમય બનાવવાની દિશા ખોલી આપી. મલ્લિકા મારી જેમ સંગીત માટે પણ જાણે નહીં. એવું જ રાહુલનું. રહી ચૈતાલી. રવીન્દ્રસંગીત શીખી હતી. સાચા અને સારા ગાયકોને બહુ આગ્રહની જરૂર નથી હોતી. તેને સહેજ આગ્રહ કરતાં જ તેણે તો રવીન્દ્રગીત ઉપાડ્યું. અને કેમ ન ગાય? ચૈતાલીની માનું સચીનદેવ બર્મનના કુટુંબ સાથે નજીકનું સગપણ અને લહર પર લહર જેમ એક પછી એક રવીન્દ્રગીતો. એક એક ગીત ઋજુદયનો સહજ ઉદ્ગાર, વેદનાની આછી ટીસ, ઢોળાઈ જાતો ઉલ્લાસ, પ્રેમપસરતી દૃષ્ટિ. મેં જે યાદ કરાવ્યાં તે ‘કૃષ્ણકલિ આમિ', ‘ભુવનેશ્વર હે', ‘આજ ધાનેર ખેત’ ‘તોમાર હોલો શુરુ તો ગાયાં જ. એ ઉપરાંત બીજાંય કંઈ કેટલાંય ગાયાં. ચૈતાલી ગાય ત્યારે આંખ બંધ કરી અંદર ઊતરી તન્મય થઈને ગાય. ગાય ત્યારે સ્વયં ગીત થઈ જાય. ચૈતાલી ગાય છે, ત્યારે તેનો સુંદર ચહેરો વધુ સુંદર થઈ જાય છે. ગાવાનો આનંદ ચહેરા પર દેખાતો હતો. રવીન્દ્રસંગીત ઉપરાંત કાઝી નઝરૂલ ઇસ્લામની, નઝરૂલ ગીતિની વાત નીકળતાં તેનાંય ભાવપ્રવણ ગીતો ગાયાં. બંગાળના બીજા એક સમર્થ કવિ સંગીતકાર-ગીતકાર અતુલ ઘોષનાં ગીતો, અતુલ પ્રસાદીનાં ગીતોય ગાયાં. આ બધાં ગીતો, સાહિત્ય અને સંગીત જેને વારસામાં મળ્યું છે તેવા આ મારા મિત્રોની મને મીઠી ઈર્ષા આવી. તેમની વાતોમાંય એક અફસોસ જરૂર હતો કે રવીન્દ્રસંગીત સાથે ઊછરેલી, એ કદાચ છેલ્લી જ પેઢી હતી. સમાનતાનું, સ્ટાન્ડર્ડાઇઝેશનનું રોલર ધીમે ધીમે ફરી રહ્યું છે, બધું એકસરખું સપાટ સમથળ કરી રહ્યું છે. હે પિતા, નિષ્ઠુર આઘાતથી એ રોલરને તું ફગાવીશ? મોડી રાતે રોહિણીકાંત, પ્રફુલ્લકુમાર ત્રિપાઠી અને મનોરંજન દાસ મળી ગયા. પ્રફુલ્લકુમાર આમિ બિદ્રોહી-થોડા લેફ્‌ટિટસ્ટ. શુદ્ધ સાહિત્યને સૂપડે ભરી ઝાટકનારા. ચર્ચા ન થાય તો જ નવાઈ. રાતના અગિયાર થયા હતા, છતાં ચર્ચા જામી પડી ને પોતપોતાના રૂમે જવા નીકળેલાં બધાં દાદરાના પગથિયે જ બેસી પડ્યાં. સાંજે જમ્યા પછી ચિક્કાર હાલતમાં રોહિણીકાંતને ઉડિયા ગીત ગાતા સાંભળેલા. તેમની લગન, અવાજ, ગીતની ઋજુતા અને સ્વરો – બધું મનમાં ચોંટી ગયેલું. સાહિત્યની ગરમ ચર્ચાઓમાંથી વાતને મેં અચાનક જ ગીત તરફ વાળી રોહિણીને પેલું ઉડિયા ગીત ગાવાનો આગ્રહ કર્યો. અમારા જ મિત્ર સ્વરૂપ મહાપાત્રનું કરુણ પ્રેમરસનો પુટ આપેલું ગીત – ખરતાં આંસુઓ, ખરતી પાંખડીઓ. અદ્ભુત મેલોડી, છટપટાવી મનને શાંત કરી દે તેવા સૂરો. એ કંપોઝિશન યાદ નથી રહ્યું તેની છટપટાહટ હજીય મનમાં રહી છે. રોહિણી આમ બંગાળી પણ જન્મથી ઓરિસામાં રહે. ભણાવે અંગ્રેજી, લખે ઉડિયા અને જન્મજાત સંપર્ક બંગાળી સાથે. રવીન્દ્રનાથ મનેય ઘાયલ કરતા હોય તો રોહિણી કેમ બાકાત રહે, પછી તેણે ઉપાડ્યું ગંભીર ઘેરું રવીન્દ્રસંગીત. સહેજ પીધેલું એટલે વધુ લાગણીશીલ થઈ ગયેલો. ખુલ્લા ગળે હવામાં વહેવડાવ્યાં રવીન્દ્રનાથનાં ગીતો, ગળાની નસ ફૂલેલી દેખાય તેવા ખુલ્લા ગળે પ્રેમથી ગાયાં રવીન્દ્રગીતો. એ શબ્દો અને સૂરો સાથે જ બધાં છૂટાં પડ્યાં. છેલ્લે દિવસે બપોર પછી બધા આવજો-આવજો કહેવાનાં હતાં. હું, સમીર ને સૌરવ ત્રણ જ બીજે દિવસે જવાના હતા, તેથી અમારી ભૂમિકા વળાવી બા આવી' જેવી હતી. ચિલિકાનું વિસ્તીર્ણ સરોવર, હર્યોભર્યો ચહલપહલવાળો બરકુલ બંગલો એકાએક જ સાવ નૂર વગરનાં થઈ ગયાં હતાં. બપોરે બધાં ઊચક મને, ઊભડક જીવે બેઠાં હતાં. એક તરફ ઘર બોલાવતું હતું, બીજી તરફ ચિલિકાની અને ત્રણ દિવસ સાથે રહેલા સાથીઓની બંધાતી જતી માયા છૂટતી ન હતી. બહુ વિચિત્ર હોય છે આવી, “ન યયૌ ન તસ્થૌ'ની પરિસ્થિતિ. અમારા ત્રણ સિવાય બધાં ભુવનેશ્વર જવા અકાદમીએ મંગાવેલા વાહનની રાહ જોતાં હતાં. હુંય આવજો કહેવા નીકળ્યો અને પહોંચી ગયો ચૈતાલી-મલ્લિકાની રૂમ પર. બીજા બે બંગાલી બાબુઓ તો હતાં જ. ભરત નાયક અને પછીથી રોહિણીકાંત આવ્યા. બધાં વાતો કરે પણ ઊખડેલી ઊખડેલી. મન પોતે જ અજંપ. આવી સ્થિતિમાં ખભે પ્રેમાળ હાથ ફેરવી સાંત્વના કોણ આપે? રવીન્દ્રનાથ જ વળી! ફરી સંગીતનો દોર. લાઇટ ગયેલી તેથી બધાં પરસેવે રેબઝેબ. છતાં ગાયન ચાલુ. ચૈતાલી આંખ બંધ કરી ગાતી જાય ને પરસેવાનાં મોતીઓ લૂછતી જાય. મેં ખંડિતા નારીની વેદના વ્યક્ત કરતું કોઈ ગીત ગાવા સૂચન કર્યું તો તરત જ ઉપાડ્યું “જાનિ ના કિ તુમાર, આમાર ઘરે.” જાણે પરકીય પ્રેમમાં પ્રમત્ત પતિની પત્ની નાયિકા સ્વયં ગાતી હતી. એ પછી ઉપાડ્યું તિર્યક્ બંદિશવાળું હલકભર્યું ગીત “ના – ના સજની.” રવીન્દ્રસંગીતના માત્ર એ સૂરો અસ્તિત્વ ધરાવતા હતા ને બીજું સામે બારીમાંથી દેખાતું અલસર ઝલમલતું ચિલિકા. ગીત પૂરું થયે અમે છ જણ, અમારી કાયા, આ રૂમ, પલંગ, ચોળાયેલી ચાદરો, ઓશીકાં, બાંધેલી બૅગ, બધું મૂર્તિમંત ફરી જીવતું થાય છે. રોહિણીકાંત કહે છે, “રવીન્દ્રનાથ ઇરરેઝિસ્ટેબલ છે. સીધી જ આપણી જાતને હરાવી – જિતાડી દે – તરત જ પોતાના કરી લે.” રોહિણી કહે છે, “એક પણ માનવીય ભાવ એવો નથી જેને રવીન્દ્રનાથે વાચા અને વળાંક ન આપ્યાં હોય.” લાઇટ વગર રૂમમાં સાંજનું અંધારું વધુ ગાઢ થયું હતું અને રોહિણીએ સાંજનું ગીત “દિનેર શેષે, ઘુમેર દેશે” વહેતું મૂક્યું. સાંજ પોતે જ ધૂપ. આ ગીત પણ ધૂપ અને અમેય ધીમે ધીમે ધૂમાતો ધૂપ.