ચિલિકા/મનનું
સાંભળો: મનનું સિમલા વહેણ — યજ્ઞેશ દવે
અત્યારે અહીં અલ્મોડામાં છું. દૂર પર્વતોની શ્રેણી પાછળ શ્રેણી દેખાય છે. ઝાંખી, ધૂસરિત, પર્વતના કેશ જેવાં વૃક્ષો, ધુમ્મસના ધૂપમાં ધ્યાનસ્થ ઊભાં છે. અલ્મોડા ઉદયશંકરનું, તો કૌસાની સ્વામી આનંદનું. અહીંનાં પાઈન વૃક્ષો, ઢોળાવો, મકાનો પરથી અચાનક મન છલાંગ લગાવી આવા જ એક માહોલમાં પહોંચી જાય છે. અહીં આવ્યા પછી ખરેખર તો લખવું જોઈએ અલ્મોડા કૌસાની વિશે, પણ મનમાં ઘૂમરાયા કરે છે સિમલા. મન ક્યાં આપણું માને છે? એ તો મનસ્વી અને યાયાવર, વર્તમાનની ભૂમિમાંથી અચાનક તમને ભૂતકાળમાં રોપી દે અને એ ભૂતકાળ જ વર્તમાન બની જાય. મનની સરિતાને બાંધી ચિત્તનિગ્રહથી જેને સાધના કરવી હોય તે ભલે કરે, હું તો પહાડો, મેદાનોમાં તટ તોડતી, વહેણ બદલતી, ચિત્તસરિતાને જે દિશામાં વહેવું હોય તે દિશામાં વહેવા દઉં છું. આ છે તેનું સિમલા વહેણ. ચારેક વરસ પહેલાં સિમલામાં આકાશવાણીના કાર્યક્રમ-અધિકારીઓનો એક વર્કશોપ હતો. ભારતના ચારેય છેડેથી અલગ અલગ ચહેરા, મહોરા, ભાષા, ઉચ્ચાર, સંસ્કાર, રીતભાતવાળા માણસો આવેલા. પોતાના જ દેશમાં પ્રદેશ બહાર બિનભારતીય ગણાવાનું દુ:ખ ઝીલનાર નૉર્થ-ઈસ્ટના, મિઝોમણિપુરી અને મેઘાલયના ખાસ મિત્રો હતા. “આમિ તમાકે ભાલો બાસી’ બંગાળી પણ હતા, વીણાગોપુરમના દેશના ચંદ્રશેખરન્ હતા. હરિયાણવી, જાટ અને કાશ્મીરમાંથી નિર્વાસિત પંડિત રૈના હતા અને અરબી સમુદ્રનો ઘુઘવાટ અને દુહાના દેશથી આવેલો ‘હું કાઠિયાવાડી ગુજરાતી’ હતો. એક સંકુલ લઘુ ભારત જાણે તેની ભૂમિની ગંધ સાથે ખડું થઈ ગયેલું. આખો દિવસ લેક્ચરબાજી ચાલે, સાંજે સિમલામાં કે નજીકના વિદ્યા સ્ટૉકના ફળ બગીચામાં. ‘ઓર્ચાડ’ના કિનારે કે ગાઢ જંગલને કિનારે રખડપટ્ટી ચાલે ને રાત્રે ખાણી-પીણી, મસ્તી-તોફાન અને તાત્ત્વિક વાતોનો દોર ચાલે. સિમલાથી પંદરેક કિલોમીટર દૂર હિમાચલ પ્રદેશ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન હૉસ્ટેલમાં અમારો ઉતારો હતો. શહેરથી દૂર શાંત એક પર્વતના ઢોળાવ પર ઇન્સ્ટિટ્યૂટનું ઍડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગ, સ્ટાફ ક્વાર્ટર્સ, હૉસ્ટેલ, ગેસ્ટહાઉસ ડાઇનિંગ હૉલ બધું ઉપરનીચે. એક પણ મકાન એક જ સપાટી પર નહીં. મુખ્ય મકાનોને જોડતાં છાપરાવાળાં રેલિંગવાળાં પગથિયાં અને પગથાર ઉપરના બિલ્ડિંગ પરથી લાલ ઢળતા છાપરા ઢોળાવ પર ઢળતા દેખાય. ઇન્સ્ટિટ્યૂટમાં સહુથી ઊંચાઈ પર હતો કૉન્ફરન્સ હૉલ. એ હૉલમાં ચારે તરફ બારીઓ, આકાશ અને અવકાશ. ગમે તે દિશાની બારી ખોલો એક સરસ લૅન્ડસ્કેપ બારીની ફ્રેમમાં દોરાઈ જાય. અલગ અલગ બારીઓમાંથી અલગ અલગ લૅન્ડસ્કેપ. હૉલની અંદર પ્રસારણ વિશે, શબ્દની શક્તિ વિશે વાત ચાલતી હોય ત્યારે બહાર મૌન વૃક્ષો, ધ્યાનસ્થ પર્વતો ઉપર આકાશની, મેઘની નિઃશબ્દ લીલા ચાલતી હોય. એક વાર તો ભરબપોરે અમારા એકદંડિયા ચોતરફથી ખુલ્લા કૉન્ફરન્સ હૉલમાં લાઇટ ગઈ ત્યારે ખ્યાલ આવ્યો કે બપોરના ત્રણ વાગે બહાર કેટલો ઘન અંધકાર છે. અચાનક વાદળો ચડી આવ્યાં હતાં. સવારની ક્યાં વાત કરું, હજી અડધો કલાક પહેલાં તો બધું તડકામાં ચળક ચળક થતું હતું અને અચાનક આ વાદળો? બ્લૅકબૉર્ડ પરના સફેદ અક્ષરો ધીમે ધીમે બ્લૅકબૉર્ડ સાથે ભળવા લાગ્યા. વિશાળ લંબગોળ ટેબલના ફરતે બેઠેલા સાથીદારો હળવા આકારો જેવા લાગવા લાગ્યા. આછી અમથી દેખાતી હતી તો માત્ર તેમની સફેદ કોડી જેવી આંખ. પહેલું વ્યાખ્યાન આપનાર વિદ્વાને વ્યાખ્યાન આપવાનું બંધ કર્યું કે અમે સાંભળનારાઓએ ધ્યાન બહાર કેન્દ્રિત કર્યું તે ખબર નથી પણ એ લૌકિક ક્રિયા થંભી ગઈ. દરેક જણની નજર બહાર જે અલૌકિક લીલાનો આરંભ થયો હતો ત્યાં ગઈ. બહાર હતો મેઘલોક, મેઘલિપ્ત ધૂસર પહાડો અને ઉપર ઘન વાદળોના જ પહાડો. સ્વપ્નિલ રહસ્યમય સૃષ્ટિ, બહાર મેઘે માત્ર ઘનનીલ જવનિકા જ ન લહેરાવી... તેણે મેઘ-મૃદંગની થાપો આપી ગડડડ. વીસ-પચીસ બોલકા જુવાનો ભરેલા એ રૂમમાં શાંતિ પ્રસરી. અદ્ભુત શાંતિ. મેઘ-મૃદંગની ઘોષણા પછી હવે આવી વર્ષાની સવારી. ધારાસાર વર્ષા. સફેદ ભૂંગળીઓના પડદાઓ જેવી જલધારા પાછળ દૂરના પહાડો, પાસેની ઉપત્યકા બધું ઢંકાવા લાગ્યું. જાણે એક ધૂસર ઇમ્પ્રેશનિસ્ટ ચિત્ર. દરેકનું જાણે વન સાથે, મેઘલોક સાથે સંધાન થયું. બધાં ઊઠી ઊઠીને બારીએ બારીએ મૌન ઊભા રહી એ લીલા જોઈ રહ્યા. ઇન્સ્ટિટ્યૂટના છાપરા પર વર્ષાધારાનો તડાતડ અવાજ, ઉપર વાદળોનો ગડગડાટ અને ધોરિયાદ્યૌત ઘુઘડાનો અવાજ જ બસ છવાઈ રહ્યો. અચાનક વરસાદ બંધ. સફેદ સઢ ખોલી વાદળો અચાનક પવન સાથે વહી ગયાં. બહાર સર્વત્ર શાંત વર્ષાત દૃશ્ય ચિત્ર અને અંદર મૌન. આ પણ એક અનુભવ. વર્કશોપમાં વચ્ચે જ્યારે રિસેસ પડે ત્યારે ફરી ઓડિયા મિત્ર પાસેથી જયદેવના ગીત-ગોવિંદનો જગન્નાથજીનો પ્રસાદ મળે. મેઘાલયના ખાસી મિત્ર પાસેથી વિશિષ્ટ અંગ્રેજી સાંભળવા મળે તો આસામનો મુનીર ભુઈયાં બિહુ ગીતો અને શંકરદેવના દેશમાં લઈ જાય. સિમલામાં બેઠાં બેઠાં જ આખાય ભારતની સંસ્કારયાત્રા, મનોયાત્રા થાય. કેટલાંય કમાડ ઊઘડી જાય, ક્ષિતિજ દૂર ફંગોળાઈ જાય. રવીન્દ્રનાથની ‘ભારતતીર્થ” કવિતા રોજ યાદ આવી જતી. સાંજે સિમલાની લોઅર બજારમાં સાચા સિમલાની ઓળખ મળતી તો માલરોડ પર અભિજાત ભદ્ર પર્યટકો અને બ્રિટિશ સમયની ઇમારતો સાથે પરિચય થતો. સાંજે આકાશ જો ચોખ્ખું હોય તો દૂર કિન્નોરની હિમાચ્છાદિત ગિરિમાળાનાં દર્શન થતાં. એક દિવસ મ્યુઝિયમની મુલાકાત રાખી હતી. આ પ્રદર્શને તેના સાંસ્કૃતિક ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં સમજવા મ્યુઝિયમે સારો ભાગ ભજવ્યો. અહીંના મ્યુઝિયમમાં અહીંનાં સાંસ્કૃતિક મૂળ તો છે જ, પણ એની આગવી ઓળખ તો પહાડી ચિત્રશૈલી—બશૌલી, કાગડા કલમોનાં મિનિયેચર ચિત્રોની ચિત્રવિથિ. એ ચિત્રોમાં નાયક સાંવરો, નીલકૃષ્ણ, પીળું પીતાંબર, વૈજયંતીમાલા, સુર્વણ મુકુટ અને ચળકતું હરિત ઝાંયવાળું નીલ મોરપિચ્છ, ફરફરતું હળવું ઉપરણું પહેરી સજ્જ થયેલો તો રાધા હળવા ઢળતા રક્તકેસરી, લીલા, નીલા ફૂલબુટ્ટી ભરેલી લહેરદાર, ઘેરદાર ઘાઘર, આછું ઉપવસ્ત્ર પહેરી લલિત ભંગિમામાં ઊભેલી. મહેલ, પરસાળ, ઝરૂખો, સજાવેલી શૈયા, હીંચકો, હવેલી બધું વિગત ખચિત સજાવેલું. અહીંનાં કૃષ્ણ, રાધા અને અન્ય પાત્રોના ચહેરામાં, અંગવિન્યાસમાં એક સુકુમારના લાલિત્ય અને પ્રેમપ્રવણ દ્યુતિ છે. ફ્રેન્ચ ફૉવિઝમ શૈલીનાં ચિત્રોમાં રંગોનો ઉત્સ ઉછાળ છે, તો અહીંયાં પહાડી ચિત્રશૈલીનાં ચિત્રોમાં એક સૂક્ષ્મ સંયત સ્તરે રંગોનો ઉત્સવ છે. અહીંનાં ચિત્રોમાં એક કથાંશ એક ભાવ ઘૂંટાયો છે. આક્રમણત્રસ્ત મેદાનોમાંથી આશ્રય શોધવા નીકળેલા કલાકારોને અહીંના પહાડી હિન્દુ રાજાઓએ આશરો આપ્યો અને કલાને રાજ્યાશ્રય. કલાલતા અહીં આધાર મળતાં પાંગરી. અહીંના પહાડી લોકના ગૌર સુરેખિત નમણા ચહેરાઓ એ પહાડી ચિત્રોમાં ઊતર્યા, તો અહીંની શાંતિ તેમના ચિત્રસંયોજનમાં ડોકાઈ. સહુથી વધુ જોવાની મઝા આવે છે સૂક્ષ્મતાખચિત લતાવેલી વન વૃક્ષ ઉપવન. પશ્ચાદ્ભૂ જાણે પશ્ચાદ્ભૂ બૅકગ્રાઉન્ડ જ ન રહે. પણ તેની આગવી ઓળખથી હક કરી આપણા હૃદયમાં ઘર કરી જાય. એ ઘન વનરાજી અનેક સ્થાયી ભાવોને પુટ આપી સંચારી ભાવોને જગાડે. વનરાજીમાં રહેલા એક એક વૃક્ષવેલી, શાખ, ગુલ્મ, પર્ણ, ફૂલની આગવી ઓળખ. દરેક કલાકારે કુદરતમાંથી માત્ર આકારનો આધાર લીધો. બાકી એ બધાં નાનાવિધ વૃક્ષો તો કવિની કલ્પનાભૂમિનાં. અહીંનાં ઝરણાં, સરોવરો, વાપીઓને સુકુમાર તન્વી ગૌર નાયિકાઓને તરંગવસ્ત્ર પહેરાવી જળક્રીડા કરાવી છે. અહીંના પર્વતો, ઉપત્યકાઓ અને અબાધ આકાશે આ મિનિયેચર ચિત્રોને એક વિશાળતા આપી છે. આમ તો સિમલા બે-ત્રણ વાર જવાનું થયેલું, પણ અનુભવે કાળની પૃથકતા ઓગાળી માત્ર સ્થળની જ શેષ રાખી. પહેલી વાર ગયો ત્યારે ક્લાસ વન ઑફિસરની પરીક્ષા માટે ઇન્સ્ટિટ્યૂટમાં રહેતો તામ્રવર્ણા લાંબા નાકવાળો, નમ્ર, પ્રેમાળ ને છતાં અંદરથી ધખધખતો એંગ્રી યંગમૅન રાકેશ નેગી સાથે પરિચય થયેલો. હિમાચલના સીમાંત પ્રદેશ કિન્નોરનો રહેવાસી, દેશદાઝ અને ભારતીયતાનો ફેનેટિક આગ્રહી. તે અને તેના સાથીદારો મળે ત્યારે ‘સર’ જાણે અધૂરું કે તોછડું હોય તેમ પાછળ ‘જી’ ઉમેરી ‘સરજી’ કહી બોલાવે. તેની સાથે ચા પીધી છે, હૉસ્ટેલમાં ગપ્પાં માર્યાં છે. ગુજરાતની વાતો કહી છે, હિમાચલની વાતો જાણી છે, સાંજના સમયે ઘન જંગલને કિનારે શાંતિથી બેઠા છીએ. જ્યારે છૂટા પડ્યા ત્યારે તેણે તેના ભાઈનું સિમલાનું અને તેના ઘર કિન્નોરનું સરનામું આપેલું. અહીંનો સૂકો મેવો ચીલગોઝા જો જોઈતો હોય તો તે પણ મંગાવવા કહેલું. મનમાં ગાંઠ વાળી હતી કે સરનામું છે તો સંપર્ક રાખીશ. સંબંધને જીવંત રાખીશ. પણ ધાર્યું ક્યાં કશું થાય છે? ફરી રાકેશ મારા મનના નેપથ્યમાં. હા, જોકે સંપર્ક ન રહ્યો પણ સંબંધ તો અંદર રહ્યો હતો. બીજી વાર ત્રણેક વરસ પછી ફરી સિમલા જવાનું થયું અને ઉતારો પણ એ જ ઇન્સ્ટિટ્યૂટમાં હતો. આશા બંધાઈ કે કદાચ ફરી રાકેશ મળશે, પણ ક્યાંથી મળે? તે તો ત્રણેક વરસ પહેલાં હૉસ્ટેલમાં હતો. હવે તો પાસ થઈ ક્યાંક સારી જગ્યાએ ગોઠવાઈ પણ ગયો હોય. અચાનક એક સાંજે સિમલા શહેર ફરી આવી બસમાંથી ઊતરી ઇન્સ્ટિટ્યૂટના રસ્તે ઢોળાવ ઊતરું છું તો સામે રાકેશ! એ જ ઉત્સાહ એ જ દિદાર. ‘સરજી' કહી ભેટી પડ્યો. તેના નવા સાથીઓ સાથે ઓળખાણ કરાવી પરીક્ષામાં બે વાર ફેઇલ થયો હતો અને ફરી પરીક્ષા દેવા આવ્યો હતો. પરીક્ષા પૂરી થઈ ગઈ હતી અને કાલે તો બધા મુઠ્ઠીમાંથી વેરાયેલા મોતીની જેમ છૂટા પડી જવાના હતા. મારાય નસીબ કે છેલ્લે દિવસે જ તે મને મળી ગયો! રાત્રે મિત્રો સાથે ફેરવેલ પાર્ટી ગોઠવી હતી. છેલ્લા મિલનના ઉન્માદ સાથે વિદાયને ધારદાર બનાવવી હતી. મને પણ ‘સરજી, આપ ભી જરૂર આના’ કહી આમંત્ર્યો. રાત્રે મારા સાથીદારોથી છટકી તેની રૂમ પર. નાનો એવો અસ્તવ્યસ્ત રૂમ. વેરવિખેર ચોપડા, લટકતાં કપડાં, જાંગિયા, દીવાલ પર ફિલ્મી પોસ્ટર, સિગારેટનાં ઠૂંઠાં, દારૂની ખાલી બૉટલ, ત્રણચાર જોડી સૂઝ, ટિપિકલ હૉસ્ટેલ માહોલ. તેના પાર્ટનર સાથે પરિચય કરાવ્યો. ધીમે ધીમે બીજા રૂમોમાંથી છોકરાઓની સરવાણી ફૂટી. બધાં રાકેશના રૂમમાં. બે પલંગ, ખુરશી, ટેબલ બધે મિત્રો જ મિત્રો. ખભેખભા મિલાવી ઊભેલા, ગળે હાથ પરોવી મૈત્રીની હૂંફ અનુભવી, ખૂલેલી બિયરની બૉટલની જેમ છોળછોળ હસતા, તાળી દેતા, મશ્કરી કરતા, જોક્સ કહેતા, કોઈના પ્યાલામાં વ્હિસ્કી રેડતા, પરાણે પ્રેમથી પિવરાવતા, નાચતા, જૂનાં ફિલ્મી ગીતોને કરુણ અંદાજથી ગાતા; જાઝ ડિસ્કોથી ઊછળતા, પહાડી ગીત ગાતા, રાજકારણની, દેશની સમસ્યાની, અનિશ્ચિત ભાવિની ગંભીર થઈ વાતો કરતા, ફરી જીન, રમ કે વ્હિસ્કીની બૉટલ સાથે આખેઆખું હૃદય ખોલતા. દિલફાડ, દિલોજાન મિત્રો હતા. ધમાલમસ્તી અને આનંદથી મનેય ભરચક પાયો. એ લબરમૂછિયા જુવાનો સાથે હું એક આગંતુક સહજ રીતે જ ભળી ગયો. મોડી રાત્રે ભારે પગે અને ભારે હૈયે હેંગઓવર અને ઉદાસી સાથે હું મારી હૉસ્ટેલ ગયો. ખભેખભામાં હાથ ભરાવી મુંગો મુંગો તે મને મારી હૉસ્ટેલ સુધી મૂકવા આવ્યો. કશું બોલાય તેવું હતું નહીં, કશું બોલવાનો અર્થ પણ ન હતો. અમે બંનેએ માત્ર ઉદાસ હાથ ફરકાવ્યો. એ સભાનતા સાથે ‘આવજો' કહ્યું કે હવે કદી મળી શકવાના નથી. અત્યારે રોડ પરની ચહલપહલ શાંત થઈ ગઈ છે ત્યારે અલ્મોડામાં મોડી રાત્રે રાકેશ નેગી યાદ આવ્યો છે. ક્યાં હશે રાકેશ? તું ક્યાં છે રાકેશ? ક્યાં?