ચિલિકા/યેફોટો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
યે ફોટો આપ લે તો નહીં જાયેંગે ના?

પહાડના ઢોળાવ પર રોડની નીચે જ કૅપ્ટનનું ઘર. નીચે સહેજ ઢોળાવ. પછી નીચે નાનકડી ખીણ – ત્યાં જ કદાચ સ્વામીજીએ લખ્યું છે તે નૌલા-પહાડી ઝરણું હશે. સામે બીજી પહાડી અને ઉત્તરે નંદાદેવી, નંદાકોટ, ત્રિશૂલની હિમાચ્છાદિત ગિરિમાળા. રોકાઈ જવાનું, વસી જવાનું મન થઈ જાય તેવું પ્રાકૃતિક દૃશ્ય. જોતાં જ ખ્યાલ આવી જાય કે હિમાલયથી ઘાયલ સ્વામી મૅજર મારકણાની સ્વભાવની અકોણાઈ, આડોડાઈ, ઉસ્તાદી છતાં અહીં કેમ ૧૫-૨૦ વરસ રહ્યાં હશે. રોડ પરથી સહેજ ઢાળ ઊતરી તેમના આંગણ-બગીચામાં રસ્તો જતો હતો. હું મારી બૂમ અંદર સુધી સંભળાય તેથી બગીચા સુધી આવી ગયેલો. જોકે મારી બૂમની સાથોસાથ આગંતુક ભાળી કૂતરાએ ભસવાનું શરૂ કરી દીધું હતું. સામે જ લાકડાની સીડી ચડી મકાનના બીજા માળે જવાનું હતું. જોકે પહાડમાં તો બીજો માળ રોડના લેવલનો હોય તેથી ગ્રાઉન્ડલોર તે જ લાગે. બહાર ઢળતા છાપરાના પૅસેજમાં ખુરશી નાખી વાતો જમાવી બધાં બેઠાં હતાં. તડકે બેસી આરામથી ટોળટપ્પા મારતાં હતાં ત્યાં જ અમારું આગમન થયેલું. મધપૂડામાં મધમાખીઓ શાંત ગણગણતી હોય અને અચાનક બધી કામે લાગે તેમ કૅપ્ટન હોશિયારસિંગ અને તેમનો કુટુંબકબીલો અમારી તહેનાતમાં હાજર. હોશિયારસિંગ તેમના પિતા દૌલતસિંગની જેમ મિલિટ્રીમાંથી કૅપ્ટન તરીકે નિવૃત્ત થયા છે. કૅપ્ટને ભસતા કૂતરાને ટપારી નજીક આવી અમને કહ્યું, “આઈયે આઈયે, અંદર આઈયે.’ તેમની આધેડ પત્ની, જુવાન દીકરા-દીકરીઓ, પડોશીઓ છોકરાંછૈયાંને તો જાણે જોણું થયું. બધાં અંદર આવતાંવેંત વીંટળાઈ વળ્યાં. દીવાનખંડમાં લાકડાની ફર્શ. ચારે તરફ સોફા, વચ્ચે કાર્પેટ અને સામેની જ દીવાલમાં પ્રતિષ્ઠિત કરેલો છાતીએ લટકતા ચાંદ પટ્ટીઓવાળો, મુછાળો, રુઆબદાર સહેજ કરડો સ્વ. દૌલતસિંગનો ફોટો. આ દૌલતસિંગ તે જ મૅજર મારકણા. ઘરમાં તેમની હાજરી હાજરાહજૂર લાગે. હોશિયારસિંગ કહે, ‘આપ આયે તબ પાસવાલા ઘર દેખા થા ના, વહાં સ્વામીજી રહતે થે. મૈં બાદ મેં આરામ સે દિખાતા હૂં. પહલે મેરી છોટી બહન ચંપા નજદિક હી રહતી હૈ ઉસકો બુલા કે અભી આતા હૂં.' મને થયું હોશિયારસિંગ આવે તે પહેલાં તેમની પત્નીનો ઇન્ટરવ્યૂ લેવા દે. તેમનાં પત્ની પાર્વતી પહાડી, શરમાળ, જુનવાણી બાઈ. તેમની શરમસંકોચ દૂર કરવા મેં કહ્યું, પર્વત મેં રહનેવાલી, આપ ભી પર્વત કી પુત્રી પાર્વતી. શંકરનાં પાર્વતી સાથે સરખામણી થતી સાંભળી શરમાઈને હસી પડ્યાં. માઇક તેમના હાથમાં આપી હું સ્થળકાળની સાક્ષી સહી પૂરવા કૌસાની હોશિયારસિંગને ઘરેથી બોલી રહ્યો છું તેમ માઇકમાં કહ્યું. ત્યાં તો સહેજ લાજ કાઢેલા ચહેરામાં કશાક ભાવ કળાયા પછી ઇશારાથી મને પાછળ તેમના સસરા કૅપ્ટન દૌલતસિંહનો ફોટો બતાવી ઇશારાથી કહે, તેમનું નામ લો. એમના મરણ પછીય આ જમીનમકાનની તસુએ તસુ દૌલતસિંગની માલિકીમાં જ હતા. એક કડક રુઆબદાર સસરા તરીકેની તેમની બીક, આણ કે ધાક હજીય અકબંધ હતી. મેં કૅપ્ટનનું નામ પૂછ્યું. તે તો જુનવાણી મરજાદી બાઈ. સસરાનું નામ તેના હોઠે કેમ ચડે? મેં તેમને કહ્યું, તમારા પતિ હમણાં આવશે પછી તેમને પૂછી તમારા સસરાના નામનો ઉલ્લેખ જરૂર કરીશ. તેમની પાસે સ્વામીજીનાં બહુ સંસ્મરણો હતાં નહીં? મોટા કુટુંબના મરજાદી વહુવારુ અને પાછા મિલિટ્રી સ્વભાવના કરાફાડ સસરા. ઘરમાંથી પગ જ બહાર ઓછો મૂકવાનો હોય. સ્વામીજી સાથે કોઈ દી વાતેય નથી કરી. કારણ કે, સ્વામીજી વડીલ કહેવાય. તેમની મરજાદ, આમન્યા જાળવવી પડે. સ્વામીજીને ભલે નિરાંતે મળ્યા ન હોય, તેમની સુવાસ તો લીધી હોય ને! વાતવાતમાં ‘સ્વામીજી બહોત બડા આદમી’, ‘બહોત અચ્છા ઇન્સાન’ તેમ બોલ્યા કરે. અમારી વાતચીત ચાલતી હતી ત્યાં જ કૅપ્ટન તેમની નાની બહેન ચંપાબહેનને લઈને અંદર આવ્યા. પતિ અને નણંદને જોઈને જ પાર્વતીબહેન તો સરકીને સરભરામાં લાગ્યાં. પિસ્તાલીસેક વરસનાં નમણાં પૂતળી જેવાં ઘાટીલાં ચંપાબહેનને પ્રેમાળ વિશેષણ જોતાંવેત જ લગાડી દેવાય. સ્વામીજીના માણસો આવેલા જાણી અડધાં અડધાં થઈ દોડતાં આવેલાં. ભાઈના ઘરમાં સ્વામીનો ફોટો હાથવગો ન હતો, તેથી એક નાનકડો ફોટો શોધી સાથે લેતાં આવેલાં. ફોટો અમને હરખથી બતાવવા જ લાવેલાં પણ હાથમાં મૂકતાં પહેલાં સહજ રીતે જ પૂછ્યું, “યહ ફોટો, આપ લે તો નહીં જાયેંગે ન?” હું તો આ પ્રશ્નથી જ હલી ગયો. તેમના પ્રશ્નનો અર્થ એટલો જ કે જો અમે તે ફોટો માગીએ તો તેમણે અમને આપી દેવો પડે. તેઓ ના ન પાડી શકે. તેમાં તેમનો હક્ક-અધિકાર કાંઈ ન ચાલે. તેમને ગમતો હોય, વિરલ હોય, અપ્રાપ્ય હોય તોપણ તેમણે આપી જ દેવો પડે. આ જ તેનો ભાવ. ફોટો બતાવી પાંત્રીસ-ચાલીસ સાલ ફર્લાંગી રમતિયાળ અવાજમાં લાડથી મને પૂછ્યું, “મૈં યે ફોટુ મેં કહાં હૂં બતા સકતે હૈં?' કૅપ્ટનના પરિવાર સાથે ધોતીમાં સ્વામીનો ફોટો હતો. ફોટો ચાલીસેક વરસ પહેલાંનો હશે. તે અંદાજે મેં એક ફ્રૉક પહેરેલી પાંચ-છ વરસની માસૂમ છોકરી પર આંગળી મૂકી કહ્યું, “યહ હૈં આપ” તો શરમાઈને ખુશ ખુશ. ચંપાબહેન કહે, “મેં છોટી સી થી ઢાઈ-તીન સાલકી, તબસે ઉનકે પાસ બડી હુઈ હૂં. મેરી માં તો થી નહીં. સ્વામીજી મુઝે ગોદ મેં બિઠાકર સહલાયા કરતે થે. બહોત પ્યાર કરતે થે મુજે. વો મકાન મેં રહતે થે ઉસકા નામ, મેરી માં કી યાદ મેં ‘ગંગાકુટિર’ ઉન્હોંને રખા. મેરા ભી નામ ચંપા ઉન્હોંને હી રખા. મેરા નામ તો બસંતી થા, વે કહતે થે કૌન સી ફૂલ બહુત સુંદર હૈ? ચંપા કા ફૂલ સબ સે સુંદર હોતા હૈ ના, તબ સે મેરા નામ ચંપા હો ગયા.' “એક મા વગરની નાનકડી છોકરી સ્વામીનો પંદર-વીસ વરસ અતુલ સ્નેહ પામી. તેમને મન તો સ્વામી એ રામકૃષ્ણ મતના કોઈ સાધુ ન હતા, તેમને મન તો સ્વામી એક વત્સલ પિતા હતા. ચંપાબહેને વળી આગળ ચલાવ્યું, “બહોત દયાલુ ટાઇપ કે થે, ગરીબોં કો કપડે બાંટના, ચીની કી ચોકલેટ બાંટના, બહોત સેવા કરતે થે. મુજે ગોદી મેં લે કે વરંડે મેં બૈઠે રહતે થે. હિમાલય કા વ્યૂ દેખતે રહતે થે.” બરામદે મેં ઘંટોભર બૈઠે રહતે થે, કુછ ન કુછ પઢતે લિખતે રહતે થે.' સ્વામીએ ‘મારા ઘરધણીઓ'માં લખેલું કે ચારેતરફનો ખુલ્લો વરંડો સ્વામીને જચી ગયેલો અને તેમની આ વિકનેસ જાણી જઈ એ ઉસ્તાદ કૅપ્ટને સિફતથી એક પછી એક રૂમનો સોદો કરતાં કરતાં ઉપરનો આખો માળ જ સ્વામીજીને ભાડે રખાવી દીધેલો. ચંપાબહેન વાત કરતાં હતાં અને નકશીદાર જાળીના કઠેડાવાળા ખુલ્લા વરંડામાં અવનિ પર અતુલ એવા હિમાલયના નિસર્ગ સૌંદર્યમાં લીન થયેલા ખુરશી પર બેઠેલા સ્વામીનું ચિત્ર મારી નજર સમક્ષ તરવર્યું. સ્વામીજી કેટલા અહિંસાપ્રેમી હતા તેનો પ્રસંગ ટાંકી કહે, ‘ઉન દિનોં ક્રિષ્ના હઠીસિંગ ઔર વિજયાલક્ષ્મી પંડિત આઈ થી. કિસીને પાગલ કુત્તે કો ગોલી મારી. વે બહોત દુ:ખી હુએ. વે દોનોં ભી બહોત દુઃખી હુઈ. સ્વામીજી તો પોલીસ મેં રિપોર્ટ દર્જ કરાને કી ભી સોચતે થે. ઇતના ઉનકો વો હુઆ કોઈ ભી જાનવર કો કોઈ મારતા, પરેશાન કરતા તો વો બહોત દુ:ખી હોતે.” ચંપાબહેનનાં લગ્ન થયાં ત્યારે સ્વામીજી કૌસાની ન હતા. પોતાના ખોળામાં ઊછરેલી દીકરી માટે તેમણે યાદ રાખી સાડી આપી હતી. આજે તે સાડી ભલે કદાચ ન હોય પણ એ ભાવ હજી અકબંધ છે : ચંપાબહેન કહે, “મેરી શાદી હુઈ થી તબ સ્વામીજી યહાં નહીં થે. વે મહારાષ્ટ્ર બંબઈ ગયે થે. વહાંસે ઉન્હોંને મેરે લિયે હલ્કે પિંક કલર કી સાડી ભેજી થી ઔર બોર્ડરવાલા બ્લાઉઝ ભેજા થા. મુજે અભી ભી યાદ હૈ.” ચંપાબહેન સ્વામીજીનો જે ફોટો લાવેલા તે જોઈને અમે પાછો આપ્યો ત્યારે તેમના ચહેરા પર હાશ થઈ. મને ફોટો હાથમાં લેતી વખતે કહે, “ઐસે તો બહોત ફોટો થે. બમ્બઈ-કલકત્તા સે લોગ આયે ઔર લે ગયે.” મેં કહ્યું, “આપકો નહીં દેને ચાહિયે, આપકો મના કર દેના ચાહિયે.” ફરી એ જ સરળ સહજ અણધાર્યો માર્મિક પ્રશ્ન ‘ક્યા હમ મના કર સકતે હૈં?’ કોઈને આવી વસ્તુ માટે ના પાડી શકાય તેવો કન્સેપ્ટ તેમના મગજમાં ન હતો. મને ‘મારા ઘરધણીઓ'ના મૅજર મારકણા ચંપાબહેનના બાપ યાદ આવ્યા. ઘરના છોકરા એકાદ કપ વધારે ચા પીએ તો વડચકું ભરી પાઈએ પાઈનો હિસાબ રાખનારા મૅજરની ઉસ્તાદી ક્યાં અને ક્યાં આ સાલસ પ્રેમનીતરતાં ભાઈબહેન, બાપનું રૂંવાડુંય આ ભાઈબહેનમાં નહીં. મેં ચંપાબહેનને કહ્યું, “આટલાં વરસો પહેલાંની તમારી મહામૂલી યાદગીરી જેવા ફોટા અને તેની ય નેગેટિવ તમારી પાસે નહીં, એવા ફોટા કોઈ માગે તોય ન અપાય.” મારી વ્યાજબી દલીલ કે તર્ક છતાં તેમને ગળે વાત ન ઊતરી. કૅપ્ટન હોશિયારસિંગ કહે, “હમારે પાસ તો જ્યાદા ફોટો નહીં બચે હૈં મગર નૈનીતાલ મેરી બડી બહન કે પાસ બહોત ફોટો પડે હૈં.” સ્વામીજી પાસે ચાર-પાંચ વરસની નિર્દોષ રમતિયાળ છોકરી તરીકે ઊભેલા એ ચંપાબહેનનો ફોટો મેં ખિસ્સામાં ન મૂક્યો. તેમને પાછો આપી તે છબીને મેં મારી આંખમાંથી મનમાં સંઘરી લીધી છે.