ચૂંદડી ભાગ 1/16.છાબ ભરી ફૂલડે માલણ આવે રે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


16

વરપક્ષને આંગણે પણ ઉલ્લાસ વર્તી રહ્યો છે. ત્યાં તો પ્રભાતે પ્રભાતે પુષ્પો મહેકે છે; મંગલમુખી માલણ આવે છે.

છાબ ભરી ફૂલડે માલણ આવે રે,

ઘર રે પૂછે રે વીવા ક્યાં હવા રે

ઊંચલી ખડકી ને નવલાં કમાડ રે,

ગોખે જાળિયાં મંદિર માળિયાં રે.

એવા સુશોભિત ઊંચા અને સુગંધમય ઘરમાં આજે પરણનાર કુમારને મુખ્ય ઝંખના તો પોતાની પરદેશણ બહેનની છે.

આવશે બેનડ બેની બાઈ, બેસશે માંડવા હેઠે રે

વરરાજાનાં નયણાં શણગારશે રે

એટલે માતાએ કંકોતરી લખવાની કલમ ને શાહી સુધ્ધાં નવી બનાવરાવી નિર્મળા અક્ષરો લખાવ્યા :

લીલુડી લેખણ વાપરી, મશ મારવો ને માંહીં કપૂર રે દોત2 મગાવો દેશાવરી, અક્ષર લખશે મોટાં વહુના કંથ રે અક્ષર લખજો નિર્મળા, વાંચી જોશે બેનીબાનો કંથ રે વાંચીને વે’લા પધારજો, આપણે ઘેર છે વરધ ને વીવા રે આવી શકો તો આવજો, નહિતર બેનીબાને મોકલજો રે નહિ રે આવો તો રૂસણાં, આપણાં સગપણનો શો રે સ્વાદ રે