ચૂંદડી ભાગ 1/17.ઘોડી અગન ગગન પગ માંડ (સાંજીનું ગીત)
Jump to navigation
Jump to search
17
કંકોતરી લઈને મોટા ભાઈ ઘોડીએ ચડ્યા; એ ઘોડીની કેવી ચાલ!
ઘોડી અગન ગગન પગ માંડ, કે ચાલ ઉતાવળી રે
ઘોડી અજલે ચાલે ને મજલે ડગ ભરે,
ઘોડી જઈ ઊભી…ગામને ચોક, વીવા આવ્યા ઢૂકડા.
જઈને બહેનીને જગાડ્યાં.
બેની! ઊઠો…બા પાતળાં,
બેનડ! સોળ કરો શણગાર, વીવા આવ્યા ઢૂકડા.
પરંતુ બહેનને એકલાં એકલાં વિવાહના રંગ મહાલવા શે ગમે?
વીરા! હું કેમ આવું એકલી?
મારે ઈશવર સરખા ભરથાર, વીવા આવ્યા ઢૂકડા.
બહુ સારું, બહેન!
તારા ઇશવરને ચડવા ઘોડલાં
મારી બેનડને માફાળી વેલ્ય, વીવા આવ્યા ઢૂકડા.