ચૂંદડી ભાગ 1/2.કેણી કોરે ઊગેલા ભાણ (પ્રભાતિયું)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
2.કેણી કોરે ઊગેલા ભાણ (પ્રભાતિયું)

એટલું જ નથી, શું ફક્ત માનવી જ પરણે છે? ના, પરણવું તો રહ્યું ઈશ્વર–પાર્વતીને પણ, કોઈ અગમનિગમના આવાસમાં એ પરમાત્મા બેલડી પણ પરણેતર ઊજવે છે : અગડંબગડં અને શોરબકોરની રીતે ઉતાવળે ઉકેલી લેવાની એ આપત્તિ નથી, પણ પાકા રંગનાં એ બંને પ્રેમીઓનાં તો મંગલ મુહૂર્તનાં વસ્ત્રો રંગવાને માટે ય સૂરજ ભાણના તેજોમય ઉદયને ટાણે આકાશમાં ખેતર ખેડાવવાનો અને કસુંબીનાં બીજ વાવવાનો સુંદર સાદ પાડે છે. તે વિના પ્રભુની પાઘડીનો અને પ્રભુ-પ્રિયાની ચૂંદડીનો ખરેખરો કસુંબલ રંગ ક્યાંથી ચડે? તે વિના સાચો રસ શી રીતે મણાય? (હરણાં તે સૂર્યની રાણી રન્નાદેનાં વાહન છે.)

કેણી કોર ઊગેલા ભાણ

કેણી કોર હરણાં હળ ખેડે!

ઊગમણા ઊગેલા ભાણ

આથમણા હરણાં હળ ખેડે.

હરણાં છોડી રે મેલ્ય,

બળદ જોડ્યે રે કલ્લોલિયા.

બળદે બેવડ રાશ,

ખેડુને માથે મોળિયાં.

ખેડી સઘળી રે સીમ,

વાવી હો લાલ કસુંબડી.

રંગો ઈશવરની મોળ્ય

રંગો પારવતીની ચૂંદડી.

રંગી ઈશવરની મોળ્ય

રંગી પારવતીની ચૂંદડી.

બાંધો ઈશવર મોળ્ય!

ઓઢો પારવતીજી ચૂંદડી.