ચૂંદડી ભાગ 1/21.પીળો પીળો રે વાનો મેં સુણ્યો (પીઠી સમયે)


21


અને માતાએ તો મીઠડાં લઈને પીઠીભર્યાં પુત્રને આશિષ દીધી :

પીળો પીળો રે વાનો મેં સુણ્યો,
પીળો હળદરનો છોડ, સોય રે વાનો મેં નીરખિયો

ગોરા વરરાજા તમને પીઠડાં ચોળીશ,
જેમ રે સાજનિયાં સંતોખશે.

દુરિજન દુરિજન રે હૈડે ડાબલા પાય
દોખીઅડાં રે દાઝી મરે

રાતો રાતો રે વાનો મેં સુણ્યો,
રાતો કંકુનો છોડ, સોય રે વાનો મેં નીરખિયો
ગોરા વરરાજા રે તમને ટીલડાં કરીશ,
જેમ રે સાજનિયાં સંતોખશે. — દુરિજન.

લીલો લીલો રે વાનો મેં સુણ્યો,
લીલી નાગરવેલ, સોય રે વાનો મેં નીરખિયો

ગોરા વરરાજા રે તમારે મુખડે તંબુલ,
જેમ રે સાજનિયાં સંતોખશે. — દુરિજન.

ભીનો ભીનો રે વાનો મેં સુણ્યો
ભીની કાજળ રેખ, સોય રે વાનો મેં નીરખિયો

ગોરા વરરાજા રે તમારાં નયણાં ભરીશ
જેમ રે સાજનિયાં સંતોખશે. — દુરિજન.

કાકીઓએ ને ભાભીઓએ મળીને ગાતાં ગાતાં પ્રભાતે પીઠી ચોળી, ચંપકવરણું રૂડું શરીર બનાવ્યું, લાલ તિલક કર્યું, લીલી નાગરવેલનાં તાંબુલ મોંમાં દીધાં, ને કાજળ થકી નયનો આંજ્યાં : એમ ચાર-ચાર મંગળ રંગો વડે પુત્રનો દેહ ભભકી ઊઠ્યો