ચૂંદડી ભાગ 1/25.ઊંચો ચોરો ચંદન ચોવટો (પસ ભરાવતી વેળા)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


25

માથા પર તેલ સીંચી, પીઠીનું મર્દન કરી, નવરાવી, બાજોઠે બેસારી, નયનોમાં કાજળ આંજી, કપાળે ટીલું કરી, પછી વરના પસ (ખોબો) ભરાવાય છે; એટલે કે ભેટ અપાય છે. જાણે વરનાં ફુઈ ને ફુઆનું યુગલ અથવા ભાઈ–ભાભીનું જોડું પરસ્પર સંકેત કરે છે :

ઊંચો ચોરો ચંદન ચોવટો
રે નીચી ભમ્મરિયાળી ભાત
ગિરધરલાલ કેરી બાંધણી રે
ત્યાં ચડી કયા ભાઈ સાજન પોઢશે
રે કઈ વહુ ઢોળે છે વાય. — ગિરધરલાલ.
અંગૂઠો મરડી પિયુ જગાડિયા
રે પિયુ તમે સૂતા છો કો જાગ. — ગિરધરલાલ.
આપણે ઘેર… ભાઈનો સોયરો
રે ઉઘડાવો સોનીડાનાં હાટ. — ગિરધરલાલ.
સોનીડા! લાવ્યે રૂડાં ઝૂમણાં
રે તે તો મારે… ભાઈને કાજ. — ગિરધરલાલ.

વીંઝણો ઢોળતી એ પત્નીએ કોઈ વૈશાખ માસના, લહેરીઓ લેતો પરોઢિયે પોઢેલા પતિને જગાડ્યા : જગાડ્યા, પણ કેવી રસમય રીતિએ? અંગૂઠો મરડીને. ઘઘલાવીને નહિ! અને તે જ વખતે સોનીડાનાં હાટ ઉઘડાવી ઝૂમણાં, દોસીડીનાં હાટ ઉઘડાવીને પામરી, સુતારનાં હાટ ઉઘડાવીને બાજોઠ, લુહારનાં હાટ ઉઘડાવીને દીવડો અને સુખિડયાનાં હાટ ઉઘડાવીને સુખડી કઢાવ્યાં; પરણનારના ખોબામાં પસ ભરાવ્યા. સામા પક્ષમાં કન્યાને પણ એવાં જ ગીતો ગાઈ ગાઈ, એવી જ પીઠીનો લેપ ને સુગંધી તેલનું મર્દન કરી, આદિત્ય–રાંદલ અને ગંગા–યમુનાનાં સ્મરણો સાથે અંઘોળ કરાવી સગાંવહાલાંએ પસ ભરાવ્યાં.