ચૂંદડી ભાગ 1/47.ધૂંબ પડે રંગ મોલમાં રે (જાન જતી વેળા)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


47

ફુલેકાં ફરી રહેવાયાં છે અને આજે તો જાન વિદાય થવાનો, પરણવા જવાનો, પરસ્પરનાં દર્શને પળવાનો પુનિત દિવસ આવી પહોંચ્યો છે. આજે તો —

ધૂંબ પડે રંગમોલમાં રે
પડે રે નગારાંની ધ્રાંશ ભમર તારી જાનમાં રે!
દાદા વિના કેમ ચાલશે રે
દાદા…ભાઈ હોય, ભમર તારી જાનમાં રે!

એ રીતે રંગમહેલમાં ઢોલની ધૂંબ પડી, નગારાં પર ઘાવ પડ્યા, જાન જોડાઈ. કુટુંબીઓ સાજન બનીને ચાલ્યાં. ફૂલડાંના ભોગી વર ભમર-રાજની જાનમાં ગવાતું આ ગીત ઢોલ પર દાંડી પડતી હોય તેવા સૂર કાઢીને ગવાય છે. કાકા, મામા, વીરા — સહુનાં નામ લઈને નવી કડીઓ રચાય છે.