ચૂંદડી ભાગ 1/48.કંકુડા ઊડ્યાં રે મોંઘાં મૂલનાં (જાન જતી વેળા)
પ્રશ્નોરી રસિકાઓ તો એથી પણ અધિક ઉલ્લાસની જમાવટ કરે છે :
કંકુડાં ઊડ્યાં રે મોંઘા મૂલનાં, ઊડે ઊડે અધમણ ગુલાલ
કેસરિયાની જાનમાં રે.
દાદા વિના કેમ ચાલશે રે, દાદા કિયા દેવ છે સાથ
વીરા, તારી જાનમાં રે.
ઢોલડિયા ઢળાવું તારા ચૉકમાં રે, પડે રે નગારાંની ધ્રાંશ
વીરા, તારી જાનમાં રે.
કાકા વિના ક્યમ ચાલશે રે, કાકો કિયો દેવ છે સાથ
હોંશીલાની જાનમાં રે.
નોબત બેસારું તારા ચૉકમાં રે, શરણાઈ સરવો છે સાદ
વીરા, તારી જાનમાં રે.
મામા વિના કેમ ચાલશે રે, મામા કિયો દેવ છે સાથ
ડોલરિયાની જાનમાં રે.
પૂતળિયું નચાવું તારે માંડવે રે, નાચે ભવાયાની જોડ
ભમર, તારી જાનમાં રે.
વીરા વિના કેમ ચાલશે રે, વીરો ભાઈ છે સાથ
લેરખડાની જાનમાં રે.
વાજાં વગડાવું તારા ચૉકમાં રે, હાથીડા રાજદુવાર
વીરા, તારી જાનમાં રે.
કેસરિયો : હોંશીલો : ડોલરિયો : ભમરિયો : લેરખડો : એવાં એવાં વિશેષણોથી ઉમળકાભરી બહેન પોતાના વિદાય થતા વીરને વધાવે છે. ચાંદરણાંના બદલાતા જતા રંગોની માફક પ્રત્યેક શબ્દ વરરાજાને નવે નવે રંગે આલેખી રહેલ છે.