ચૂંદડી ભાગ 1/55.આવે આવે રે વાસુદેવનો નંદ (તોરણે આવતાં)
Jump to navigation
Jump to search
55.
કોને જોઈ રહી? કોણ આવે છે એ? એની આંખોમાં આ અજવાળાં શાનાં છવાયાં? સુભગા! તારી જીવન-પૂર્ણિમાનો ચંદ્રમા આવે છે :
આવે આવે રે વાસુદેવનો નંદ
પૂનમ કેરો ચંદ
દીવા કેરી જ્યોત
વીવા’ કેરી વરધ
કે વર આવ્યે અંજવાળાં રે!
તું મોકલ વેવાઈ વાટકડો,
તારે તોરણ આવે છે લાડકડો. — આવે આવે રે.
તું મોકલ વેવાઈ સોપારી,
તારે તોરણે આવે છે વેપારી. — આવે આવે રે.
તું મોકલ વેવાઈ હાથીડા,
બેસી આવે વરરાજાના સાથીડા. — આવે આવે રે.
તું મોકલ વેવાઈ પાલખડી,
બેસી આવે વરરાજાની મા લખમી. — આવે આવે રે.
તું મોકલ વેવાઈ વેલડિયું,
બેસી આવે વરરાજાની બેનડિયું
આવે આવે રે વાસુદેવનો નંદ
પૂનમ કેરો ચંદ
દીવા કેરી જ્યોત
વીવા’ કેરી વરધ
કે વર આવ્યે અંજવાળાં રે!