ચૂંદડી ભાગ 1/57.ઊંચા ઊંચા રે દાદે ગઢ રે ચણાવ્યા (માળા નાખતાં)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


57

એવી ચૂંદડીએ ઓપતી કન્યા વરને જોઈ રહી; સંધ્યાના ખીલતા રંગો વચ્ચે રંગાતા એ મુખ સામે કન્યા જોઈ રહી. જેને જોયે આંખડીઓની તરસ કદાપિ ન છીપે, તેને એકીટસે જોઈ રહી. પાદરની લીલુડી વૃક્ષઘટા નીચે ઊભેલા કેસરિયા વરને જોઈ રહી. અને એ શ્યામવરણા જીવનસાથીની મુખમુદ્રામાં એણે પોતાના દેવાધિદેવનું દર્શન કર્યું. પિતાના ઊંચા ઊંચા ગઢને ગોખે ચઢીને જેમ પોતે જુએ છે, તેમ પોતાના વડીલો પણ વરને નિહાળવા ચડ્યા છે. પરંતુ એ જોનારી આંખો જુદેરી છે :

ઊંચા ઊંચા રે દાદે ગઢ રે ચણાવ્યા
ગઢ રે સરીખા ગોખ મેલિયા.
ગઢડે ચડીને બાઈને દાદાજીએ જોયું
કન્યાં ગોરાં ને રાયવર શામળા!

વરને શામળો ભાળીને પિતાને અફસોસ થયો. ત્યાં તો દીકરી બોલી ઊઠી :

એના ઓરતડા મ કરશો દાદા!
દ્વારકામાં રણછોડરાય શામળા.
ઊંચા ઊંચા રે કાકે ગઢ રે ચણાવ્યા
ગઢ રે સરીખા ગોખ મેલિયા.
ગઢડે ચડીને બાઈને કાકેજીએ જોયું,
કન્યા ગોરાં ને રાયવર શામળા!
એના ઓરતડા મ કરશો કાકા
કાશીમાં વિશ્વનાથ છે શામળા.

પછી તો મામાએ પણ ગઢ ઉપર ચડીને નિહાળ્યું : એનેયે ઓરતા થયા : અરેરે! ભાણેજ ગોરી ને વર ભીને વાને! કન્યા કહે છે :

એના ઓરતડા મ કરશો મામા
નગરમાં નગેશ્વર બેઠા શામળા.
પોતાના વીરને પણ બહેનીએ ધીરજ દીધી કે
એના ઓરતડા મ કરશો વીરા
લક્ષ્મીજીના શ્રીકૃષ્ણ વર શામળા!

શામળો છો ને રહ્યો! પોતાનો તો મનનો માન્યો છે, તે દૂધભર્યા સરોવરની મોતીડે બાંધી પાળે પાણી ગઈ હતી : તે દિવસે ધોતિયાં ધોતો, પાણીના છાંટા ઉડાડીને વૈશાખ માસે પરણવાનું વચન દેનારો, ભટ્ટની નિશાળે ભણતો, લેખણ લઈ લક્ષ્મીનાં લેખાં લખતો, દડુલિયે જેણે બેનીબાનાં મન મોહાવેલાં તે બવળી બજારનો ગેડીદડે રમનારો, ‘કડ્ય રે પાતળિયો ને મુખ રે શામળિયો’ મળ્યો પછી કન્યાને તો એ પોતાના દેવાધિદેવ સરીખો શ્રીકૃષ્ણ સરીખો જ કાં ન લાગે! ઓ સ્વજનો! તમે કોઈ એના અફસોસ ન કરજો!