ચૂંદડી ભાગ 1/58.ઊંચા ઊંચા મોલ મારે ઘર રે (માળા નાખતાં)

From Ekatra Foundation
Jump to navigation Jump to search


58.

કન્યાના પિતાએ સામૈયાની તૈયારી કરવા માંડી છે. છતાં કન્યા તો હજુયે ગઢને કાંગરે ચડીને જોઈ જ રહી છે. સાજનિયા ઘોડેસવારોના જૂથને લીધે ઘોડાના ડાબલા ગાજી રહ્યા છે.

ઊંચા ઊંચા મોલ મારે ઘર રે વીવાતા
એથી ઊંચેરા ગઢના કાંગરા રે,

કાંગરે ચડીને બેની…બા જોશે
કેટલેક આવે વરરાજિયા રે!

પાંચસે પાળા રે દાદા છસે છડિયાતા
ઘોડાની ઘુમણ વરરાજિયા રે

શાં શાં સામૈયાં દાદા વરના જાનૈયા
શાં શાં સામૈયાં વરરાજિયા રે

ઢેલ શરણાયું ધેડી વરના જાનૈયા
નગારાની જોડ્ય વરરાજિયા રે.

શા શા ઉતારા દાદા વરના જાનૈયા
શા શા ઉતારા વરરાજિયા રે!

ઓરડા ઓસરી રે ધેડી વરના જાનૈયા
મેડીના મોલ વરરાજિયા રે.